પાલનપુરના નિઃસ્વાર્થ સંગઠન ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટને ઇંગ્લૅન્ડની ગ્લોબલ બુક ઑફ એક્સલન્સ દ્વારા વર્લ્ડ રેકૉર્ડ સાથેનું સર્ટિફિકેટ મળ્યું : ૨૦૨૨માં બનાવી હતી ફોટોફ્રેમ અને એને માટે ૬ જુલાઈએ મુંબઈમાં થયું સન્માન
નિઃસ્વાર્થ સેવા સંગઠન ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન ઠાકોરને વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોવાળી ૫૦૦૦ નોટબુકથી બનેલી ૩૦X૨૦ ફુટની ફોટોફ્રેમનો વર્લ્ડ રેકૉર્ડ બન્યો છે. આ અનોખી ફોટોફ્રેમ બનાવનાર બનાસકાંઠાના પાલનપુરના નિઃસ્વાર્થ સંગઠન ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટને ઇંગ્લૅન્ડની ગ્લોબલ બુક ઑફ એક્સલન્સ દ્વારા વર્લ્ડ રેકૉર્ડ સાથેનું સર્ટિફિકેટ મળ્યું છે અને તાજેતરમાં મુંબઈમાં સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોરનું વર્લ્ડ રેકૉર્ડનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
નરેન્દ્ર મોદીના ફોટોવાળી ૫૦૦૦ નોટબુકની ફોટોફ્રેમ
નીતિન ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૨માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમે નરેન્દ્ર મોદીના ફોટોવાળી કુલ ૨૫,૦૦૦ જેટલી નોટબુક આદિવાસી વિસ્તારનાં બાળકોને અભ્યાસ માટે આપી હતી. એ ઉપરાંત ૫૦૦૦ નોટબુક પર નરેન્દ્ર મોદીનો ફોટો લગાવ્યો હતો અને પાલનપુરમાં મોટી ફોટોફ્રેમ બનાવી હતી. આ ફોટોફ્રેમ બનાવતાં ચાર કલાક લાગ્યા હતા અને સંગઠનના ૨૬ લોકોએ સાથે મળીને આ ફોટોફ્રેમ બનાવી હતી. ફોટોફ્રેમની સાથે આત્મનિર્ભર ભારતનું સ્લોગન પણ લખવામાં આવ્યું હતું. આ ફોટોફ્રેમની નોંધ ઇંગ્લૅન્ડની ગ્લોબલ બુક ઑફ એક્સલન્સે લીધી હતી અને વર્લ્ડ રેકૉર્ડ જાહેર કર્યો હતો.’


