Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાત ચરમસીમાએથી પાછા ફરવાની

વાત ચરમસીમાએથી પાછા ફરવાની

25 November, 2020 03:24 PM IST | Mumbai
Pankaj Udhas

વાત ચરમસીમાએથી પાછા ફરવાની

જનક- ‘ખઝાના’ના સ્વપ્નદ્રષ્ટા એવા સંગીતકાર મદનમોહન સાહેબના મોટા દીકરા સંજીવ કોહલી.

જનક- ‘ખઝાના’ના સ્વપ્નદ્રષ્ટા એવા સંગીતકાર મદનમોહન સાહેબના મોટા દીકરા સંજીવ કોહલી.


મૂળ આપણી બે વીક પહેલાં વાત ચાલતી હતી ‘ખઝાના’ની, પણ થૅલેસેમિક બાળકો માટે ફન્ડ રેઇઝ કરવાના હેતુથી કરવામાં આવેલા ગઝલ સિમ્ફની ઑનલાઇન કાર્યક્રમની વાતો કરવામાં બે વીક ગયા એટલે ‘ખઝાના’ની વાત પાછળ ઠેલાઈ. એ વાતનું અનુસંધાન ફરી જોડતાં પહેલાં જૂની વાતો સહેજ યાદ કરાવી દઉં. આપણે વાત કરી ‘ખઝાના’ના ઉદ્ભવની. વાત છે ૧૯૮૧ની ૧પ ઑગસ્ટની. આ દિવસ ત્રણ રીતે મારા જીવન સાથે વણાઈ ગયો. એક તો સ્વાતંત્ર પર્વ, બીજું ‘ખઝાના’ નામના ગઝલ-ઉત્સવનો પ્રારંભ અને સૌથી અગત્યની ઘટના, મારા પિતાશ્રીના જીવનનો એ અંતિમ દિવસ.
‘ખઝાના’ અનેક રીતે યાદગાર રહ્યો, લોકોને ખૂબ મજા આવી. અમુક લોકો તો બીજી વખત આ જ ફેસ્ટિવલ કરવાનું કહેવા માંડ્યા, પણ પ્રૅક્ટિકલી શક્ય નહોતું એટલે મ્યુઝિક ઇન્ડિયાએ એવું કશું કર્યું નહીં, પણ ૧૯૮રમાં ફરી નક્કી કરવામાં આવ્યું કે આપણે ગઝલોનો ઉત્સવ ફરીથી માણીશું અને એટલે એ વર્ષે ફરીથી ‘ખઝાના’નું આયોજન થયું અને એમાં પણ રાજેન્દ્ર મહેતા, અહમદ હુસેન-મહમદ હુસેન, અનુરાધા પૌડવાલ, તલત અઝીઝ, ભૂપિન્દર સિંહ અને મિતાલી, અનુપ જલોટા, ચંદનદાસ અને તેમના જેવા જ ૨૦થી ૨પ જેટલા એવા ગઝલગાયકોએ ભાગ લીધો હતો. બીજા વર્ષના ફેસ્ટિવલ પછી તો એવી હાલત થઈ કે લોકો ડિમાન્ડ કરવા માંડ્યા કે દર બે-ત્રણ મહિને આ પ્રોગ્રામ કરવામાં આવે અને એવું ન કરવું હોય તો ત્રણ દિવસના કાર્યક્રમને બદલે ‘ખઝાના’ના દિવસો વધારો જેથી પેટ ભરીને આનંદ લઈ શકાય. જોકે એ પણ શક્ય નહોતું એટલે આગ્રહ કરનારાઓને પ્રેમથી, વિનંતી સાથે સમજાવવામાં આવ્યા કે અમૃતનું રસપાન હોય, એને પાણીની જેમ પીવાનું ન હોય. ગઝલ અમૃત છે અને એ રસપાનના સ્વરૂપમાં જ આનંદ આપે, આનંદ મળે. લોકોની માગ અને તીવ્ર ઇચ્છા પછી પણ ‘ખઝાના’ના દિવસો વધારવાની કે પછી ‘ખઝાના’ વર્ષમાં એક વારથી વધારે નહીં કરવાનો જે દૃઢ નિર્ણય હતો એ મ્યુઝિક ઇન્ડિયા જ લઈ શકે એવું કહું તો ખોટું ન કહેવાય. વર્ષ આવ્યાં ૧૯૮૩ અને ૧૯૮૪. ‘ખઝાના’એ લોકોના મનમાં, લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લીધું એટલે એ વર્ષો પણ ખૂબ સફળતાનાં રહ્યાં.
‘ખઝાના’ ૧૯૮૪ સુધી મુંબઈમાં થયો, પણ એ પછી એટલે કે ૧૯૮પમાં એને બહાર લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું. મ્યુઝિક ઇન્ડિયાની ઇચ્છા હતી કે ગઝલ દેશના એકેક ખૂણે પહોંચે અને દરેક ખૂણે રહેતા ગઝલપ્રેમીઓને ‘ખઝાના’નો લાભ મળે. મ્યુઝિક ઇન્ડિયા ગઝલગાયક અને ગઝલના પ્રચાર માટે ખૂબ ઍક્ટિવ હતી. તમે માનશો નહીં, પણ ‘ખઝાના’ના આયોજન માટે કંપનીએ ખાસ લોકોને અપૉઇન્ટ કર્યા હતા, જે સર્વે કરે અને હવે ક્યાં ફેસ્ટિવલનું આયોજન કરવું છે એ નક્કી કરે. સર્વે પછી નક્કી થયું કે દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ અને ચેન્નઈમાં ‘ખઝાના’ પ્રોગ્રામ કરવો.
મારી અંગત વાત કહું તો ૧૯૮૧થી ૧૯૮પનાં ચાર વર્ષમાં હું પણ નવા જોશ અને ઉત્સાહમાં હતો. આ ચાર વર્ષમાં મારાં ઘણાં આલબમ આવી ગયાં તો કૉન્સર્ટ પણ પુષ્કળ કરી. ‘મહેફિલ’ આલબમ ખૂબ પૉપ્યુલર થયું, લોકોમાં મારી ચાહના પણ વધવા માંડી. ફૅનનો એક વર્ગ ઊભો થતો હતો જેને મારી ગઝલ અને મારી ગાયકી બન્ને ગમતાં હતાં. ૧૯૮પની તો વાત તમને વિગતવાર કહી છે. ૧૯૮પમાં લંડનની ટૂર કરી અને એ ટૂર દરમ્યાન વિશ્વવિખ્યાત આલ્બર્ટ હૉલમાં કૉન્સર્ટ પણ કરી, જેમાં પહેલી વાર ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ સૌની સામે મૂક્યું. આ ગઝલે તો દેકારો બોલાવી દીધો હતો. આ ગઝલને મારા આલબમ ‘પંકજ ઉધાસ ઍટ આલ્બર્ટ હૉલ’માં સમાવવામાં આવી, કૅસેટ અને રેકૉર્ડ સાંભળનારા સૌકોઈએ પણ એને ખૂબ પસંદ કરી. ‘પંકજ ઉધાસ ઍટ આલ્બર્ટ હૉલ’નું પણ મુંબઈમાં ખાસ્સું પ્રમોશન કરવામાં આવ્યું અને એના લૉન્ચ માટે સુરૈયાજીને લઈ આવવામાં આવ્યાં. એ જ વર્ષમાં મારું બીજું આલ્બમ આવ્યું, નામ એનું ‘નાયાબ’. ‘નાયાબ’ આલબમે તો ધૂમ મચાવી દીધી હતી. ચાર્ટબસ્ટર બનેલું આ આલબમ ટ્રેન્ડસેટર પણ બન્યું. ‘પંકજ ઉધાસ ઍટ આલ્બર્ટ હૉલ’ અને ‘નાયાબ’ એ બન્ને આલબમે મારી પૉપ્યુલરિટીમાં ધરખમ વધારો કર્યો એવું કહું તો અતિશયોક્તિ નહીં કહેવાય.
આ આલબમોએ મને નાના શહેર અને ગામ સુધી પહોંચાડી દીધો અને એ જ વર્ષમાં એટલે કે ૧૯૮પમાં જ ‘ખઝાના’ માટે ઑલ ઓવર ઇન્ડિયા ટૂર કરી. આ ટૂરમાં ઘણા ગઝલગાયકો, પણ મિત્રતામાં શિરમોર સમાન ભાઈબંધી થઈ હોય તો એ તલત અઝીઝ અને અનુપ જલોટા. અમારી વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા થઈ. ટૂર દરમ્યાન અમે એકબીજા સાથે ઘણો સમય પસાર કરતા અને પાછા આવ્યા પછી પણ અમે એકબીજા સાથે ખૂબ વાતો કરતા. મહિનામાં એકાદ વાર મળવાનો કાર્યક્રમ પણ રાખીએ અને પ્રયાસ કરીએ કે એમાં કોઈ ફરક ન પડે. આ મિત્રતાનો લાભ અમને ત્રણેત્રણને થયો. એક જ ક્ષેત્રમાં હોવા છતાં અમારી વચ્ચે ક્યારેય કોઈ કૉમ્પિટિશન કે હરીફાઈની ભાવના નહોતી આવતી. ઘણી વાર તો ઑર્ગેનાઇઝર ભૂલ કરે, મારો શો કરવો હોય અને ભૂલથી તલત અઝીઝને ફોન લગાડી દે તો એ ઑર્ગેનાઇઝર પાસે નંબર ન હોય તો સામે ચાલીને નંબર આપે અને પછી મને પણ જાણ કરે. આવું અમારા ત્રણેય વચ્ચે બનતું. સંબંધોમાં હરીફાઈને ઉમેરીને અમે મિત્રતાની ગરિમા તોડતા નહીં, જે આજ સુધી અકબંધ રહ્યું છે અને આજે પણ અમે હરીફાઈને અમારાથી દૂર જ રાખી છે.
આ બધી વાત કરવાનું, આ બધી વાત રિપીટ કરવાનું કારણ એ જ કે હવે પછી જે ઘટના ઘટવાની હતી એ ઘટનામાં આ દોસ્તી બહુ મોટો ભાગ ભજવવાની છે. કોઈએ કલ્પના પણ ન કરી હોય એવો ભાગ અને કોઈએ વિચાર્યું સુધ્ધાં ન હોય એવી ભૂમિકા. અમે ત્રણ મિત્રો જ છીએ. અમે હરીફ નથી, અમે એકબીજાની આગળ નીકળવાની હોડમાં નથી કે અમે ક્યારેય એકબીજાની સફળતાથી સહેજ પણ વિચલિત નથી થયા કે અમને કોઈને ઈર્ષ્યા નથી થઈ. એકબીજાની તકલીફમાં દુખી થનારા કે પછી એકબીજાની ખુશીમાં ખુશ થનારા મિત્રો અને એ પણ એક જ ફીલ્ડના મિત્રો બહુ ઓછા મળતા હોય છે. અમારી મિત્રતા માટે હું ખરેખર ભગવાનનો આભારી છું. એવું પણ નથી કે અમારી મિત્રતા નાનપણથી કે કૉલેજના સમયથી હોય. ના, અમે ફીલ્ડમાં આવ્યા પછી જ એકબીજાને મળ્યા અને એ પછી જ અમારી આ મિત્રતાનાં મૂળ ઊંડાં ઊતર્યાં.
આપણે વાત કરીએ ૧૯૮૬ની.
રાબેતા મુજબ જ સૌકોઈ એવી ધારણા રાખતું હતું કે આ વર્ષે પણ ‘ખઝાના’ થશે. જોવાનું એ હતું કે ‘ખઝાના’ મુંબઈ પૂરતું સીમિત રાખવામાં આવશે કે ગયા વર્ષની જેમ એટલે કે ૧૯૮પની જેમ ઑલ ઓવર ઇન્ડિયાની ટૂર પણ કરવામાં આવશે. આ ધારણા વચ્ચે જ અમને બધાને એક બહુ મોટો શૉક લાગ્યો. ‘ખઝાના’ના સ્વપ્નદ્રષ્ટા એવા સંજીવ કોહલીએ મ્યુઝિક ઇન્ડિયા છોડ્યું. સંજીવ કોહલી બહુ મોટું નામ, બહુ મજાના અને ભલા માણસ. મ્યુઝિક ઇન્ડિયાના A&R એટલે કે આર્ટિસ્ટ ઍન્ડ રિપોર્ટ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ સંજીવ કોહલીની એક બીજી ઓળખાણ આપું તમને.
ખ્યાતનામ મ્યુઝિક-ડિરેક્ટર મદનમોહન સાહેબના તેઓ સૌથી મોટા દીકરા. મ્યુઝિકનો તેમને અદ્ભુત અને જબરો શોખ. જીન્સમાં અને લોહીમાં જેમના સંગીત ભર્યું હોય પછી કહેવાનું પણ શું હોય. સંજીવ કોહલી જ હતા જેમણે આખી સ્ટ્રૅટેજી બનાવી હતી કે ગઝલને કેવી રીતે પૉપ્યુલર કરવી જોઈએ. પૉપ્યુલરિટીને ચરમસીમા પર લઈ જવાનું કામ પણ સંજીવ કોહલીએ જ કર્યું હતું અને એ ભાગરૂપે જ ‘ખઝાના’નું તેમણે આયોજન કર્યું હતું. સંજીવ કોહલી જ મ્યુઝિક ઇન્ડિયાના કૉન્ટ્રૅક્ટ પર મોટા ભાગના ગઝલ-સિંગરોને લાવ્યા હતા. હું, તલત અઝીઝ, અનુરાધા પૌડવાલ, હરિહરન, અનુપ જલોટા, ભૂપિન્દર સિંહ, મિતાલી સિંહ (જેમણે પછી ભૂપિન્દર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં) અહમદ હુસેન-મહમદ હુસેન, ચંદન દાસ, પિનાઝ મસાણી જેવા આર્ટિસ્ટને મ્યુઝિક ઇન્ડિયાની એક છત નીચે કરવાનું કામ તેમણે કર્યું હતું અને હવે તેઓ જ મ્યુઝિક ઇન્ડિયા સાથે નહોતા રહ્યા.
હવે કેવી રીતે ‘ખઝાના’ શક્ય બને?
અસંભવ.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2020 03:24 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK