કોરોના વાઇરસ સાથે જીવવા માટે માણસો જ માણસોને કામ લાગી શકે

Published: May 21, 2020, 22:44 IST | Jayesh Chitalia | Mumbai

સોશ્યલ સાયન્સ - સંવેદનશીલતા અને માનવતાને ખતમ કરે નહીં એ માટે આપણે સતત જાગૃત રહેવું જોઈશે. અન્યથા માનસિક વ્યથા અને બીમારી માણસોને કોરોના વાઇરસ કરતાં વધુ લાચાર કરી નાખશે જેનાથી માણસો જ માણસોને બચાવી શકે

વિવિધ પ્રકારની કાળજી અને પ્રોટેક્શન સાથે હવે પછી કોરોના સાથે જીવવાનું આપણે સૌએ શીખવું જ પડશે. કોરોનાનો ભય આપણી ભીતરની કરુણતા, સંવેદનશીલતા અને માનવતાને ખતમ કરે નહીં એ માટે આપણે સતત જાગૃત રહેવું જોઈશે. અન્યથા માનસિક વ્યથા અને બીમારી માણસોને કોરોના વાઇરસ કરતાં વધુ લાચાર કરી નાખશે જેનાથી માણસો જ માણસોને બચાવી શકે

એક ડૉક્ટર કોરોના દરદીઓની સારવાર માટે પોતાની ડ્યુટી પર જાય છે, તે પોતાના ઘરે પણ માંડ સપ્તાહમાં એકાદ વાર આવે છે, પરંતુ જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેના પરિવારજનો તેમનાથી ભયભીત રહીને અંતર જાળવવાની કોશિશ કરે છે. સ્વાભાવિક છે, તેમને ચેપનો ડર લાગે છે. આ ડૉક્ટર પોતાની હાઉસિંગ સોસાયટીમાં આવે છે ત્યારે બાલ્કનીમાંથી કે બારીમાંથી તેમને જોતા નિવાસીઓ ચિંતામાં મુકાઈ જાય છે અને પરસ્પર વાતો પણ કરે છે, ક્યાંક આ ડૉક્ટરને કારણે આપણી હાઉસિંગ સોસાયટી ક્વૉરન્ટીનમાં સપડાઈ ન જાય. આવું જ મોટેભાગે હૉસ્પિટલમાં કામ કરતી નર્સિસ તેમ જ વૉર્ડબૉય કે અન્ય મેડિકલ સ્ટાફ સાથે બને છે, જેઓ પોતાના જીવના જોખમે કોરોના દરદીઓની સારવારમાં લાગ્યા છે, કોઈના જીવ બચાવવા માટે સતત ખડેપગે કામ કરે છે ત્યારે તેમની નજીકના માણસો તેમનાથી ભયભીત છે. કોરોનાની આવી કરુણતા?
બૅન્કમાં કામ કરતા કર્મચારીને ફરજના ભાગરૂપ બૅન્કમાં જવું પડે છે, તે વ્યક્તિની આવ-જા સામે પણ બિલ્ડિંગના રહેવાસીઓ શંકા અને ભયથી જોતા થયા છે. એક યુવતી નોકરી પર જઈ પોતાનાં માતા-પિતા, ભાઈ-બહેનના સંયુક્ત પરિવારનું પેટ ભરે છે, એક યુવાન કે યુવતી નોકરી કરી ઘરે પાછા આવે છે ત્યારે તેના ઘરના સભ્યો તેનાથી અંતર રાખે છે, તેની જમવાની થાળી, પાણીનો ગ્લાસ વગેરે દૂર રાખે છે, તે યુવાન કે યુવતીએ પોતાના જ ઘરમાં અછુતની જેમ જીવવાનું થાય છે. આવી જ દશા પોલીસ-કર્મચારીઓ અને સફાઈ-કર્મચારીઓની પણ છે. જેઓ પોતાના મકાનમાં અને ઘરમાં અછુત બની ગયા છે. આ એ જ લોકો છે જે બિલ્ડિંગમાં ડૉક્ટરને-નર્સને માન આપતા હતા, બૅન્ક-કર્મચારી પાસેથી કામ લેતા હતા, ડૉક્ટર પાસેથી વાર-તહેવારે સલાહ મેળવતા હતા અને આખી હાઉસિંગ સોસાયટી સાથે મળી તહેવારો ઊજવતા હતા. આ કોવિડ-19એ શું કરી નાંખ્યું? સમજવું કઠિન છે. માણસ-માણસથી ખરેખર કેવું કરુણ અંતર કરવા લાગ્યો, તેની જોવાની દૃષ્ટિ અને તેનો અભિગમ બદલાઈ ગયાં છે.
માંદગી કે મૃત્યુ પ્રસંગે હાજર રહેવાનું કઠિન
સામાન્ય રીતે આપણા કોઈ પરિચિત, સગાં-સંબંધી, પાડોશી વગેરે માંદા પડે અને હૉસ્પિટલમાં ઍડ્મિટ થાય તો આપણે તરત તેમની ખબર કાઢવા પહોંચી જતા, તેમના પ્રત્યે સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરતા, તેમના પરિવારને કહેતા કે અમે છીએ, ચિંતા નહીં કરતા. કંઈ પણ કામ હોય તો અડધી રાતે પણ હાજર થઈ જઈશું. આજે કોવિડ-19ની બીમાર પડનાર વ્યક્તિ પ્રત્યે અને તેની સાથે સંકળાયેલા સભ્યો પ્રત્યે આપણો અભિગમ બદલાઈ ગયો છે. ખબરઅંતર પૂછવા તો જવા જ મળતું નથી, તે વ્યક્તિ મૃત્યુ પામે તો તેની બૉડી તેના સ્વજનોને પણ જોવા મળે કે નહીં એ સવાલ બની ગયો છે, તેની સ્મશાન યાત્રા નીકળે કે કેમ, નીકળે તો કેટલા લોકો એ સ્મશાન યાત્રામાં આવે એ પણ સવાલ થઈ ગયો છે. પોતાના સ્વજનને મૃત્યુનું દુખ પણ દૂરથી જ મહેસૂસ કરવું પડે છે. કોરોના આ તે શું કરી નાખ્યું છે? સમજવું કઠિન છે. આ બાબતો કલ્પનાથી બહારની થઈ ગઈ છે.
ભયનો અતિરેક નથી લાગતો?
શું એમ નથી લાગતું કે આપણે કોરોનાના ભયની સાથે-સાથે એના પ્રત્યેનો હાઉ બહુ જ મોટો કરી નાખ્યો છે? શું માણસ માત્ર કોરોનાથી જ મરણ પામે છે? હવે પછી જે પણ મરશે એ માત્ર કોરોનાને કારણે જ મરશે? અન્ય કોઈ માંદગીથી કંઈ નહીં થાય? કોરોનાની સતત વાતો કરીને, વાંચીને, ટીવી પર યા આસપાસ જોઈને, સાંભળીને, સતત ચર્ચા કરીને આપણે કોરોનાને એકમાત્ર મૃત્યુનો વાહક નથી બનાવી દીધો? કોરોનાને નામે કે નિમિત્તે આપણા મનમાં આપણે કેટલી બધી નકારાત્મકતા, ભય, તનાવ, સ્ટ્રેસ, ડિપ્રેશન, અસલામતી અને અનિશ્ચિતતાની લાગણી ભરી દીધી હોય એવું સ્પષ્ટ થવા લાગ્યું છે. હા, આ રોગ ખતરનાક છે, સમજાતો નથી, કળાતો નથી, અચાનક ત્રાટકે છે, પરંતુ આપણે આનાથી ડરીને ક્યાં સુધી બેઠા રહીશું? અહીં કહેવાનો એ આશય નથી કે બધા બેધડક બહાર નીકળી પડો, કોઈ ચિંતાની જરૂર નથી, જે થવાનું હશે એ થશે. પરંતુ હવે આપણે કોરોના સાથે અને એની સામે એ જ સ્પિરિટથી જીવતા શીખવું પડશે. આમ કરવા માટે આપણે આપણાં અને બીજાનાં ધ્યાન-કાળજી વ્યવસ્થિત રાખવા પડશે. તમામ જરૂરી સલામતી સાથે બહાર નીકળવાનું થશે. બહાર ગયા કે સતત સાવચેત પણ રહેવું પડશે. આપણી, સમાજની અને દેશની આર્થિક સ્થિતિને બચાવવા પણ હવે આ કદમ ભરવું રહ્યું.
અનેક રોગો સામે આપણે લડ્યા છીએ
તાજતેરમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (હુ)ના અહેવાલ મુજબ માણસજાતે કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે. વિશ્વ માટે આ બહુ સ્પષ્ટ, મહત્ત્વનો અને સંવેદનશીલ સંદેશ છે. બાય ધ વે, હુ ન કહે તો પણ આપણે હવે કોરોના સાથે જીવતા શીખવું જ જોઈશે. એમાં જ આપણી માણસ તરીકેની સાચી સ્પિરિટ કહેવાય. આપણે દાયકા કે સદીઓ સુધી ટીબી (ક્ષય રોગ), પોલિયો સહિત અનેક રોગોનો સામનો કર્યો છે, એની સામે લડ્યા છીએ, એમાં ઘાયલ થયા છીએ અને મૃત્યુ પણ પામ્યા છીએ. આજે પણ ટીબી સાવ નાબૂદ થયો નથી. હજી કેટલાય રોગો આપણા સમજની બહાર છે. કેટલીય અજાણી કે ન સમજાય એવી બીમારી આવતી રહે છે, માણસના પ્રાણ પણ લેતી રહે છે, પરંતુ એ વ્યાપક નહીં હોવાથી એની ચર્ચા થતી નથી, એનો ભય ફેલાતો નથી. શું આપણે એવું નથી જોતા કે કેટલાય માણસોને અજીબોગરીબ-વિચિત્ર માંદગી કે રોગ લાગુ પડે છે અને એનો કોઈ ઇલાજ થતો ન હોવાથી માણસ મરણને શરણ થાય છે. કોરોના ગ્લોબલ રોગ તરીકે જાણીતો થઈ જવાથી એનો ભય પણ વૈશ્વિક બની ગયો. મૃત્યુને કંઈ માત્ર કોરોનાનું જ બહાનું જોઈતું હોતું નથી, એ તો માણસનો સમય પાકે એટલે તેને કોઈ પણ કારણ સાથે લઈ જ જાય છે.
કોરોનાની કરુણતા ભયાનક
કોરોનાની કરુણતા હાલ એ થઈ રહી છે કે એણે માણસોમાં મૃત્યુના ભયનો અતિરેક કરી નાખ્યો છે. આ ભય પાછો એવો વિચિત્ર થયો છે કે માણસ બીજા માણસ પ્રત્યેની સંવેદનશીલતા ગુમાવી રહ્યો હોય એવું લાગે. બીજી કરુણતા એ આકાર પામી રહી છે કે હાલમાં કોરોનાનો ભોગ બનેલા કે એને કારણે સતત લૉકડાઉનની સ્થિતિમાં રહેલા લોકો તેમ જ કોરોના સર્જિત મહામારી અને મહામંદીને કારણે અનેક લોકો સતત નેગેટિવ વિચારોનો ભોગ બની રહ્યા છે. આ માર્ગે નવા જ માનસિક રોગોનો ઉદ્ભવ થઈ રહ્યો છે. વિચારોનો, તનાવ, અસલામતીની ચિંતાનો અને આ વિચારો, ચિંતા કે તનાવોના અતિરેકનો રોગ આગામી સમયમાં માણસોનું જીવન વધુ પીડાદાયક બનાવી શકે છે. માણસોએ આ રોગથી બચવા આધ્યાત્મિકતાનો સહારો લેવો જરૂરી બનશે, માનસિક ચિંતામાંથી મુક્ત રહેવાના ઉપાય શોધવા-કરવા પડશે. જો ભી હોગા દેખા જાયેંગા જેવું વિચારી બિન્દાસ પણ થવું પડશે. આ સંદર્ભમાં એક માણસે બીજા માણસને માનસિક સહારો-ટેકો પણ આપવો જોઈશે. દરેક માણસે આત્મનિર્ભર પણ બનવું જ પડશે.
તમામનો પરસ્પર ટેકો જરૂરી
આગામી સમય કોરોના સાથે કાઢવાનો છે એ હકીકતને સ્વીકારી માણસે જ માણસને સાચવવો પડશે. આર્થિક, સામાજિક, માનસિક સમાન તમામ પ્રકારનો ટેકો આપી માણસાઈનો દીવો પ્રજ્વલિત રાખવો જોઈશે. કોરોનાના આ કપરા કાળમાં પણ આપણને અનેક લોકો તરફથી માણસાઈના કામ થતા જોવા મળે છે. સરકાર એકલી કેટલી પણ શક્તિ કામે લગાડે એ બધે પહોંચી નહીં વળે, પ્રજાએ પ્રજાને સાથ આપવો જોઈશે. ધર્મ, જ્ઞાતિ, જાતિ, ઊંચ-નીચ, સંપ્રદાય વગેરે બાજુએ મૂકી માનવતાને સૌથી ઊંચો દરજજો આપીને આગળ વધવામાં જ સાર અને જીવનની સાર્થકતા છે. છેલ્લે ખાસ વાત એ કે આપણે નેગેટિવ અને ભયજનક માહોલને પૉઝિટિવ માહોલમાં બદલવો જોઈશે. ડરથી ઉપર ઊઠવું પડશે, જે માટે આપણી ભીતરની સકારાત્મકતા-પૉઝિટિવિટી જ કામ આવશે. હવે એનો અતિરેક કરવો પડે તો ભલે, પરંતુ પૉઝિટિવિટીને ફેલાવા દો. દરેક માટે મૃત્યુ આજે નહીં તો કાલે નિશ્ચિત છે. મૃત્યુ કરતાં માનવતા વધુ મહાન છે, કોરોના એ માનવતાની પણ પરીક્ષા છે. આપણે બધાએ પરસ્પર સહયોગ સાથે પાસ થવાનું છે. ભલે હોય કે ન હોય, ઑલ ઇઝ વેલ કહેતા રહેવું જોઈશે અને કરતા પણ રહેવું જોઈશે. આપણે કહેતા હોઈએ છીએને, આખરે સઘળા સારા વાના થશે, હજી સુધી કોઈ રાત એવી નથી બની કે જેની સવાર ન થાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK