Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (3)

કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (3)

19 June, 2019 10:39 AM IST |
વર્ષા અડાલજા - કથા સપ્તાહ

કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (3)

અગ્નિપરીક્ષા

અગ્નિપરીક્ષા


કથા સપ્તાહ

ધીમી ધારે એકસરખો વરસાદ વરસી રહ્યો હતો. પાછલી રાતનો પવન જોરથી ફૂંકાતો હતો અને તેના ખોબામાં ઝરમર વરસાદનું જળ ઝીલી હંસાને ભીંજવતો હતો. તે બારી પર ઝૂકીને ઊભી હતી. બહાર અંધકાર મહાસાગરની જેમ ઘૂઘવતો હતો. મુંબઈના અરેબિક સમુદ્રની જેમ જ...



હંસા ખુલ્લી આંખે સપનામાં સરી પડી હતી. મુંબઈમાં મરીનડ્રાઇવની પાળ પર તે પતિની સોડમાં છે. ભરતીનાં મોજાં ધસી આવતાં હતાં અને એ મોજાં પર ઓળઘોળ થઈ ગઈ હતી. જળનો પણ કેવો નશો હોય છે! પતિએ કહ્યું હતું, વરસાદની સીઝન અને એ સમયે સમુદ્રમાં ભરતી. જો પછી તારો આ વહાલો દરિયો કેવો ઊછળતો પાગલ થઈ જાય છે! ધ્યાન ન રહે તો બત્રીસલક્ષણાનો ભોગ પણ લઈ લે.


ખરેખર! એ વિસ્ફારિત આંખે જોઈ રહી હતી.

‘અરે ભરતી સમયે જે મોજાં ઊછળે! આકાશને આંબવું હોય એમ. એની છોળનું દર્શન એ જિંદગીનો લહાવો. એ છોળ ક્યારે, કેટલી ઊંચે ઊડશે એનાં ટાઇમિંગ પેપરમાં આવે. પોલીસ પણ સિક્યૉરિટી માટે હાજર.’


કેવું લાગતું હશે રૂંવે રૂંવે ભીંજાવું! એક ભરતીની છોળ તેની અંદર પણ ઊઠી હતી. એનાં તોફાને ચડેલાં મોજાં તેને ખેંચીને લઈ જતાં હતાં. અંદર... દૂર દૂર... તે ડૂબતી હતી અને પતિએ તેના બાહુપાશમાં ઊંચકી લઈને કાંઠે આણી હતી.

‘અરે! તું ધ્રૂજે છે? ઠંડી લાગે છેને! ચાલ જઈએ.’

‘પણ પહેલાં એ કહો, આપણે પણ વરસાદમાં ભીંજાવા આવીશું.’

‘શ્યૉર, લેટ્સ ગો.’

પવનના ધક્કાથી બારી જોરથી પછડાઈ, હંસા ભાનમાં આવી, ઓહ! તે ક્યાં હતી! સમુદ્રનાં ધસમસતાં મોજાંએ તેને ક્યાંય દૂર ફંગોળી દીધી હતી. સામે હતું ધગધગતું નિર્મમ રણ અને નરી એકલતા.

કેટલો સમય વીતી ગયો હતો! મહિનો... બે મહિના... જાણે સમયની સાંકળ તૂટી ગઈ હતી અને તે છેડો પકડીને લટકી રહી હતી. લોલકની જેમ ભૂતથી વર્તમાન અને એ છેડેથી ફરી આ તરફ.

એ દૃશ્ય તાદૃશ્ય થઈ જતું હતું, પપ્પા હાથ પકડીને ઝડપથી દાદર ઊતરી રહ્યા હતા અને તેઓ પાછળ દોડી આવતા હતા... હંસા... તેમની બૂમે બાંધી દીધી હોય એમ અટકી હતી, પછી ખુમારીથી કહી દીધું હતું, ‘હું જરૂર પાછી આવીશ.’

હંસા નિ:સહાય બારીની બહાર તાકી રહી હતી. કહી તો દીધુ હતું, પણ શી રીતે પાછી જશે! પપ્પા ચાર આંખોથી તેનું ધ્યાન રાખતા હતા. તે ઘરે પાછી ફરી ત્યારે દાદીમાએ દુખણાં લીધાં હતાં, સારું થયું ચંદ્રકાન્ત તું દીકરીને ઘેર લઈ આવ્યો. કોઈના ઘરના ગોલાપા કરવા માટે દીકરી જણી હતી?

પપ્પાએ કહ્યું હતું, થોડા દિવસ આરામ કરી લે, પછી તને ગમે એ ક્લાસમાં દાખલ થઈ જા, તું જરાય ફિકર ન કરતી. હું બેઠો છુંને કેમ વસુમતી! બાએ માત્ર સ્મિત કર્યું હતું. શું કરવું સૂઝતું નહોતું. તેનો મોબાઇલ, તેના પૈસા તો ઘરે જ રહી ગયા હતા. સાસુને ઘરના રિપેરિંગના પૈસા મોકલ્યા હશે કે નહીં...?

હંસાએ રૂમમાં ચક્કર માર્યાં. અકળાઈને ફરી બારી પાસે ઊભી રહી ગઈ. અંધકાર ઘૂઘવતો હતો. ક્યાંય નાનુંસરખું દીવાદાંડીનું તેજનું ટપકું પણ દેખાતું નહોતું. પપ્પાએ તો ચોખ્ખું કહી દીધું હતું, ગામમાં તારું સાસરું છે એ ભૂલી જ જજે. આવા જુઠ્ઠા માણસ પર વિશ્વાસ કરીને મેં જ મોટી ભૂલ કરી, કોને દોષ દઉં!

તેણે દલીલો કરી હતી, ‘તેમણે માફી માગી છે પપ્પા, ભૂલી જાઓને... આમ જુઓ તો મારે માટે...

પપ્પાનો જવાબ, ‘બહાનાં છે બધાં. કાગડો દહીંથરું લઈ ગયો તારી દાદી અમથું કહે છે! કેવું તડફડ સામે બોલતો હતો!’

બસ. પછી જીવનનો એ અધ્યાય ત્યાં સમાપ્ત થઈ ગયો હતો.

જોરથી પવન ધસી આવ્યો અને તેને ભીંજવી દીધી. મુંબઈમાં પણ વરસાદ વરસતો હશે! અરબી સમુદ્રમાં પાણીની છોળ ઊડતી હશે! ધોધમાર વરસાદમાં પતિ લંચ-બૉક્સ વિના જમવાનું શું કરતા હશે! શુભા, વૃંદાતાઈ તેની પૂછપરછ કરતા હશે તો તે શો જવાબ આપતા હશે! પપ્પા જેને અણઘડ ગમાર કહેતા હતા તેમણે કેટલો સ્નેહ કર્યો હતો! લોહી વિનાના સંબંધોનું એક કુટુંબ. એ શહેરમાં રહ્યા વિના શી રીતે સમજાય! તેજ રફ્તારથી દોડતા શહેરે તેને પોતાની રીતે જીવતાં શીખવ્યું હતું. બિટ્ટુ સાંભરી આવ્યો. તેને બપોરે કોણ જમાડતું હશે!

તે બારી પર માથું ઢાળીને ઊભી રહી ગઈ. ન તેની પાસે પ્રશ્નોના કોઈ જવાબ હતા કે ન એ જવાબ ક્યારે કોણ આપશે એની ખબર નહોતી. તેણે બારણું અટકાવ્યું. ટીવી પર ન્યૂઝ મૂકી વૉલ્યુમ બંધ કર્યું. અંધકારમાં સ્ક્રીન પર જુદી-જુદી ઇમેજિસ ઝબૂકતી હતી અને ત્યાં જ હિલોળા લેતા સાગર પર, કાંઠે અથડાઈને મોજાંની છોળ ઊડી. રૂંવે રૂંવે ભીંજાતી રહી.

સવારે તે મોડી ઊઠી ત્યારે વરસાદ થંભી ગયો હતો. તે દોડતી ફળિયામાં આવી. આંબો, બદામડી, કરણનાં ફૂલની વેલ સદ્યસ્નાતા પ્રસન્નતાથી ઝૂલી રહ્યાં હતાં. દાદી શાલ ઓઢી અંદર તરડાયેલા સાદે કંઈ ગાઈ રહ્યાં હતાં. બા તડકામાં ખાટલે બેસીને ભીના વાળ સૂકવી રહી હતી. તે બાના ખોળામાં માથું મૂકી સૂઈ ગઈ. થોડી વાર બાનો હાથ તેના વાળમાં હેતથી ફરતો હતો. હંસાએ આકાશ સામે નજર કરી, ભૂરા આકાશમાં એકેય વાદળી નહોતી, પણ તેનું મન ઘેરાયેલું હતું.

‘હંસા બેટા, બોલ જોઊઉં તારે શું કરવું છે?’

તે ગભરાઈને બેઠી થઈ ગઈ, બાએ હસીને તેના માથે હાથ મૂક્યો,

‘ડર નહીં, તારો હવાલો મને સોંપીને તારા પપ્પા સગામાં કોઈ માંદું છે તેની ખબર કાઢવા ગયા છે. સાંજ પહેલાં કોઈ બસ નથી. તું બોલ, તારી શું ઇચ્છા છે?’

બા મોકળા મને પહેલી જ વાર વાત કરતી હતી. કદાચ એવો પ્રસંગ જ નહોતો આવ્યો. તે બાના ખોળામાં માથું મૂકીને રડી પડી.’

‘મારે મારા ઘરે જવું છે બા.’

બાએ તરત કહ્યું, ‘તું પહેલાં રડવાનું બંધ કર. મુંબઈમાં થયું શું એની માંડીને વાત કર. તું તારી મેળે નથી આવી તારા પપ્પા સાથે?’

‘મારી મેળે? ના બા. પપ્પા તો હાથ પકડીને... અરે દાદી!’

‘નહીં સાંભળે. કાનનું મશીન બૅટરી નાખવા લઈ ગ્યા છે અને આજે લેતા આવશે. તો પછી આપણે મોકળા મને વાત નહીં થાય. તું માંડીને વાત કર.’

હંસાએ જે બન્યું હતું એની વાત કરી, ઉત્સાહથી તેના ઘરની મુંબઈની, તેના દરિયાની વૃંદાતાઈ અને બિટ્ટુની પણ... વસુમતી ધ્યાનથી સાંભળતી રહી.

‘એ તારી વાત સાચી, તારું મન ત્યાં ઠર્યું છે એ વાત પણ કબૂલ, પણ નવીનકુમાર ખોટું બોલ્યા એય સાચુંને!’

‘હા બા, પણ એ કંઈ બનાવટ માટે નહીં...’

‘ભલે બેન, જ્યાં સુધી મનમાં ખોટ ન હોય ત્યાં સુધી માણસ ૧૦૦ ટચનું કહેવાય.’

હંસા ઉમળકાથી બાને વળગી પડી. આંસુમાં તેનો સ્વર ભીંજાતો રહ્યો.

વસુમતીબહેને દીકરીનાં આંસુ લૂંછ્યાં,

‘તું રડતી રહીશ તો તારાથી કંઈ નહીં થાય. બહાદુર થઈ મન મક્કમ કર. ટીવીમાં સમાચાર જોઉં અને મને થાય કે દુનિયા કેટલી બદલાઈ ગઈ છે! છોકરિયું આકાશમાં ઊડે ને ઊંચા ડુંગરા ચડે તો કોઈક વાર થાય કે દુનિયા ઠેરની ઠેર છે. જમાનો ઈ જ ને માણસોય ઈવડા ઈ.’

મા-દીકરી એકમેકના સાંનિધ્યની હૂંફમાં ઊભાં હતાં ત્યાં દાદીમાની ઘંટડીનો અવાજ બંધ થયો કે વસુમતીબહેને કહ્યું,

‘હવે દાદીમા માળા કરશે. મારી વાત ધ્યાનથી સાંભળ, વિચારીને જવાબ આપજે કે નવીનકુમારની તારી પર માયા છે?’

‘હા બા.’

‘વિશ્વાસ છે તને તેમના પર?’

‘પંડથીયે વધારે.’

‘જોજે હોં, તારા જીવનનો સવાલ છે. પછી પાછીપાની નહીં થાય.’

હંસા બાને જોઈ રહી. સદા સાસુ અને પતિથી દબાયેલી પત્ની ચૂપચાપ સંસારચક્રનું પૈડું બની સતત ગોળ-ગોળ ફરતી, પપ્પાનો, દાદી અને સગાંઓનો પડ્યો બોલ ઝીલતી બા અને આજે જોઈ રહી છે કેવળ એક સ્ત્રીને, માને. કોરા છુટ્ટા વાળમાં, ચાસ પડેલા ચહેરામાં આછી ભૂરી લીલાશ પડતી આંખો અને એ આંખોમાં પડતું તેનું પ્રતિબિંબ...

‘જા ઝટ જા બેટા તારી સાસુ પાસે, પાછલી શેરીમાંથી માથું ઓઢીને. તારા દેરના ફોન પરથી નવીનકુમારને ફોન જોડ...’

‘પણ બા...’

‘વાતોનો ટેમ નથી. તને ભલે તેમના પર ભરોસો હોય, પણ તેમનું મન શું છે ઈ તેમના મોઢે જ જાણી લે. આપણે કોઈના હૈયામાં ક્યાં હાથ ઘાલ્યો છે? ઊઠ ને જો વિનયને કહેજે ક્યાંય બોલી ન બેસે.’

હંસા અધીરી થઈ ગઈ,

‘પણ પછી શું? પપ્પા જીદે ભરાયા છે. મને નહીં જ જવા દે.’

‘તું પહેલાં ફોન તો કર. કદાચ તેમનું મન ફરી ગયું હોય, તેય જીદે ચડ્યા હોય કે કાં સસરા પર બદલો લેવો હોય... કાંઈ કે’વાય નહીં બેટા. માણસનાં મન તો ભમ્મરિયા કૂવા કરતાંય ઊંડાં હોય, ઝટ પગ ઉપાડ.’

હંસા જતાં-જતાં પાછી દોડી આવી અને બાને ગાલે ચૂમી લઈ તે દોડી ગઈ. સાસરે જઈ ઊભી રહી. તેને જોતાં વિનય ડઘાઈ ગયો,

‘ભાભી તમે? તમે શું કરો છો અહીં? તમારા બાપુજી ધમકી આપી ગયા છે. પ્લીઝ પાછા જાઓ કોઈ જોશે અને તમારા બાપુજીને ખબર પડશે.’

હંસાએ બારણું અટકાવ્યું. સાસુ ગરજી ઊઠ્યાં,

‘તું કાં આવી? દીકરાનું ઘર છોડીને આવી અને હવે આંઇ લડવા આવી છો? અમને કાંઈ ખબર નથી તું જા માવડી.’

હંસાએ હાથ જોડ્યા,

‘બા હું લડવા નથી આવી. વિનયભાઈ, મારા બાપુજી બહારગામ ગયા છે, મારી પાસે મોબાઇલ નથી. જલદી તમારા મોટા ભાઈને જોડી દોને! પ્લીઝ.’

‘હા ભાભી’ કહેતાં વિનયે ફોન કર્યો અને હંસાને આપ્યો. તે અંદર ચાલી ગઈ, ‘હલ્લો વિનય!’ પતિનો સ્વર સાંભળતાં જ હંસાનું હૈયું હાથમાં ન રહ્યું.

‘હંસા તું? તું જ છેને! રોજ તારા ફોનની રાહ જોતો હતો. વિનયને તને મળવાનું કહું, પણ તારા બાપુજીની ચોકી... હંસા, તું કંઈ બોલશે? ત્યાં શું ચાલે છે? તને થશે કે હું તને લેવા ન આવ્યો પણ નાનું ગામ અને...’

વિનય ગભરાઈ ગયો હતો. ફરી ભાભીના બાપુજી આવે, સંભળાવી જાય પછી બાનું બોલવાનું ચાલુ થાય. થોડી વારે હંસા બહાર આવી.

‘થૅન્ક્સ વિનયભાઈ, પણ કોઈને કહેતા નહીં કે હું આવી હતી.’

‘ના ભાભી. તમે ચિંતા નહીં કરતા. હું તમને મોબાઇલ લઈને મોકલવાનો હતો, પણ તમારી બહેનપણી અનસૂયા લગ્ન કરીને આણંદ ગઈ છે. કોઈને આપું અને તમારા બાપુજીને ખબર પડી જાય તો ઉપાધિ.’

‘ના, ચિંતા ન કરશો’ કહીને ત્યાંથી નીકળી ત્યારે તેના પગમાં જોર હતું. ફળિયામાં ઉચાટભર્યાં વસુમતીબહેન રાહ જોતાં હતાં.

‘શું કીધું નવીનકુમારે?’

‘બા, તેઓ તો મારા વિના સૂના પડી ગયા છે.’

‘તને ખાતરી છે?’

‘હા, બા, પણ ખાતરીને શું કરું!’

‘બસ, મારે એ જ જાણવું હતું. તું હવે અહીંથી નીકળી જા, હમણાં જ. પછી આવો મોકો મળે ન મળે. ગાડીનો ટેમ છે. થોડા પૈસા છે વાટખરચીના લે, તને કામ લાગશે. મા અંબા તને સુખી રાખે.’

વસુમતીબહેને તેના હાથમાં થોડી ચોળાયેલી નોટો મૂકી. હંસા માનતી ન હોય એમ તેમનો હાથ પકડી લીધો,

‘શું બોલે છે બા તું! આમ જ... હું ચાલી જાઉં? તું... મને ભાગી જવાનું કહે છે? તું?’

‘બેટા, પોતાના ઘરે કોઈ જાય એમાં ભાગી જવાની વાત ક્યાં આવી?’

‘પણ... પપ્પા... દાદી... નાતના લોકો...’

‘ઈ ફિકર છોડી દે. વાતું કરવી હશે તો ભલેને કરે. જો દાદીમા ઓસરીમાં જ ઝોલે ચડ્યાં છે, ચંપલ પહેરવા ન જતી.’

કેટકેટલું કહેવું હતું! પણ કશું બોલી ન શકી. એક વિદાય હતી શરણાઈના સૂર સાથે પાનેતરના પાલવમાં પર્સ ભરાવીને અને આ પણ વિદાય હતી. ચૂપચાપ હાથેપગે, ઉઘાડે પગે નીકળી જવાનું હતું.

તે બોલી પડી, ‘પણ પપ્પા તને પૂછશે...’

વસુમતીબહેને સ્મિત કર્યું,

‘મને તો ખબર જ નથી, તું ક્યાં ગઈ, કેમ ગઈ? તું અત્યારે નહીં નીકળી જાય તો પછી શું થશે એની મને ખબર નથી બેટા. સ્ત્રીની જાત, સૌ માટે ઘસાતી રહે, પણ થોડું પોતા માટેય જીવવું પડે હોં! અમે તો દબાઈને ફફડતે હૈયે જીવ્યાં. તારું જીવન તંો તારી રીતે જીવજે.’

હંસાએ રૂપિયાની નોટોને પાલવે બાંધી. આ માત્ર રૂપિયા નહોતા, બા કદાચ અજાણ હતી, પણ એક ઓછું ભણેલી ગ્રામ્ય નારીએ આજે કેવી અમૂલ્ય શીખ આપી હતી ! જીવન પોતાની મેળે જીવવાનો સૌને અધિકાર છે.

‘વાતુંનો ટેમ નથી, તું પગ ઉપાડ. વિનયને કહેતી જા કે નવીનકુમારને ફોન કરી દે એટલે તને સ્ટેશન લેવા આવે. આવડું મોટુ શહેર. દરિયામાં કાંકરીની જેમ ખોવાઈ જાય માણસ.’

શું કહેવું! બાને ખભે માથું મૂકી રડી પડી. વસુમતીબહેને અળગી કરી,

‘જા બેટા, હસતી-રમતી જા. ઘીને ઘી થઈ રહેશે અને ન થાય તો..’

‘તો?’ તો બા?’

‘તો સમજવું આપણો ઋણાનુબંધ પૂરો. એનો હરખશોક ન કરતી. લે ચાલ બેટા.’

બાએ પકડેલો તેનો હાથ છોડી દીધો. જતાં-જતાં હંસા ઝાંપલીએ ઊભી રહી ગઈ. ઘરને, બાને મન ભરીને જોઈ લીધાં. કોણ જાણે મનમાં ઊગી ગયું, હવે તે આ ઘરમાં કદી પગ નહીં મૂકી શકે. તેણે પ્રણામ કર્યા, પપ્પા -દાદી મને ક્ષમા કરજો.

અને તે ઉતાવળે ચાલવા લાગી. વિનયને સંદેશો આપ્યો નવીન માટે. તે તો ઊછળી જ પડ્યો. તે સ્ટેશન પહોંચી, ગાડી આવું-આવુંમાં હતી. કોઈને ટિકિટ લેવાનું કહીને ગાડી આવતાં તે ચડી ગઈ. આખી રાત સ્વપ્નવત્ વીતી. પહેલી વાર મુસાફરી કરી હતી ત્યારે પતિને પગલે ચાલી નીકળી હતી. આજે એકલી ડરતાં-ડરતાં મુસાફરી કરી રહી હતી. જે અરબી સમુદ્રના હિલોળે તે તાર-તાર ભીંજાઈ હતી એમાં આજે તેની હોડી તરતી મૂકી દીધી હતી અને લંગર છૂટી ગયું હતું.

સવારે તે મુંબઈના સ્ટેશને ઊતરી. એક તરફ શાંતિથી ઊભી રહી ગઈ. તે આવશે, જરૂર આવશે. ત્યાં પાછળથી બે હાથોએ તેને બાથ ભરી, ગોળ ઘુમાવી અને હંસાએ પતિની છાતી પર માથું મૂકી દીધું, નવીન હસી પડ્યો.

‘માઝી બાયકો મુંબઈકર. ઘરે જવું નથી!’ આપણા ઘરે?’

હંસા તેનો હાથ પકડીને ચાલવા લાગી.

‘ઓ મૅડમ! બૅગ-બિસ્તરા-પોટલાં કંઈ નથી? ના? જાણતો હતો કે ઘર છોડીને જ આવવું પડશે. અરે પગમાં ચંપલ પણ નહીં!’

‘ગુસ્સો તો એવો આવે છે...’

હંસાએ સામે જોયું. તરત નવીને સૉરી કહી પાર્કિંગલૉટમાં આવીને હૉન્ડા સિટી કારનો દરવાજો ખોલ્યો,

‘અરે કેમ ઊભી રહી ગઈ? ટૅક્સી છે ખાસ તારા સ્વાગત માટે.’

બન્ને કારમાં બેઠાં અને સવારની ઊભરાતી ભીડમાં કાર દોડવા લાગી. ઓહ! કેટકેટલી વાતો કરવી હતી! વૃંદાતાઈ, શુભા, સુચિબહેન અને બિટ્ટુ... હમણાં જ બધાં મળશે. ઘર પણ કેવું થઈ ગયું હશે! પણ...

‘અરે, આમ કઈ બાજુ ટૅક્સી જાય છે?’

‘રિલૅક્સ. તને દરિયો ગમે છેને! એને પહેલાં જોઈ તો લઈએ.’

આ પણ વાંચો : કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (2)

બાંદરા સી લિન્ક પરથી જતાં તે ઊછળતા દરિયાને જોઈ રહી. ત્યાં એક વિશાળ કમ્પાઉન્ડમાં ટૅક્સી દાખલ થઈ. કારમાંથી ઊતરતાં નવાઇ પામતી તે ઊભી રહી ગઈ. ‘પૅરિસ હાઇટ્સ’નું બોર્ડ વાંચીને તે પૂછવા જાય છે કે નવીને તેનો હાથ પકડીને ચાલવા માંડ્યું, લિફટમાં પાંચમા માળે ફ્લૅટને લેચ કીથી ખોલ્યો અને ઝૂકીને કહ્યું,

‘બા અદબ બા મુલાયજા હોશિયાર, વેલકમ ટુ અવર ન્યુ હોમ ડિયર.’

હંસા અવાક્ બનીને ઉંબર પર જ ઊભી રહી ગઈ. (ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 10:39 AM IST | | વર્ષા અડાલજા - કથા સપ્તાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK