Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાજવાબ લિજ્જત

લાજવાબ લિજ્જત

31 January, 2021 04:50 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

લાજવાબ લિજ્જત

જસવંતી જમનાદાસ પોપટ

જસવંતી જમનાદાસ પોપટ


વર્ષે ૧૮૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતા શ્રી મહિલા ગૃહઉદ્યોગ લિજ્જત પાપડના પાયાના પથ્થર ગણાતાં ૯૩ વર્ષનાં જસવંતી જમનાદાસ પોપટને ભારત સરકાર દ્વારા ૭૨મા ગણતંત્ર દિવસે પદ્મશ્રી અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે જમાનામાં સ્ત્રીઓ ઘરનો ઉંબરો ઓળંગવાની હિંમત નહોતી કરી શકતી એ સમયે માત્ર બે ચોપડી ભણેલાં સાધારણ ગૃહિણીએ ભવિષ્યના બિઝનેસ એમ્પાયરનો પાયો નાખી સ્ત્રી સશક્તીકરણનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ગુજરાતીઓ માટે ગૌરવવંતી આ ક્ષણે તેમની સાથે થયેલી વાતચીતને અહીં રજૂ કરવામાં આવી છે

વર્ષા ચિતલિયા



સાઠ કરતાં વધુ વર્ષોથી લિજ્જત પાપડ ઘર-ઘરમાં જાણીતું નામ છે. વર્ષે દહાડે ૧૮૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી આ બ્રૅન્ડ પાછળ જેમની અથાગ મહેનત છે એવાં ૯૩ વર્ષનાં જસવંતી જમનાદાસ પોપટને ૭૨મા ગણતંત્ર દિવસે ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી કૅટેગરી હેઠળ પદ્મશ્રી અવૉર્ડ  અેનાયત કરવામાં આવ્યો છે એ દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે. એ જમાનામાં બે ચોપડી ભણેલાં આ ગૃહિણીએ પોતાની સૂઝબુઝથી કંડારેલી વ્યવસાયિક યાત્રા સ્ત્રી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. આયુષ્યના નેવું દાયકા પૂરા કરી ચૂકેલાં જસવંતીબહેનને મહિલા ગૃહઉદ્યોગ શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો, સંસ્થાની પ્રવૃત્તિ કઈ રીતે ચાલે છે, માર્કેટમાં સ્પર્ધા વચ્ચે લિજ્જત પાપડ આજે પણ કેમ નંબર વન છે તેમ જ આ ગૌરવવંતી ક્ષણે તેઓ કેવું ફીલ કરી રહ્યાં છે જેવી કેટલીક વાતો જાણવા તેમની સાથે થયેલી ખાસ મુલાકાતને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.


કેવું ફીલ કરો છો?

અભિનંદન સાથે સ્વાભાવિક રીતે જ પૂછવામાં આવેલા આ પ્રશ્નનો પ્રતિભાવ આપતાં પહેલાં બે ક્ષણ માટે તેઓ શાંત બેસી રહ્યાં. ‘સ્વપ્ન લાગે છે...’ વાતની શરૂઆત કરતાં જસવંતીબહેન કહે છે, ‘ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ અમારા પાડોશી દોડતા આવ્યા ને કહ્યું કે ટીવી ચાલુ કરો. પદ્મશ્રી માટે બાના નામની ઘોષણા કરવામાં આવી છે. આ રીતે સમાચાર મળ્યા. પહેલાં તો આંખ અને કાન પર ભરોસો ન બેઠો. ઘરમાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તો વાયુવેગે સમાજમાં અને લિજ્જત પાપડની શાખાઓમાં સમાચાર પહોંચી ગયા. શુભેચ્છાઓ આપતા ફોન આવવાના શરૂ થઈ ગયા. ભારત સરકાર દ્વારા આવું સન્માન મળે તો સારું જ લાગેને! હવે દિલ્હી જવાનું છે. આ ઉંમરે આવી ધન્ય ઘડી જીવનમાં આવી એ પરમાત્માની કૃપા સિવાય શક્ય નથી તેથી હાથ જોડીને તેમનો જ આભાર માનું છું.’


પાયો નખાયો

પચાસના દાયકામાં દક્ષ‌િણ મુંબઈ વિસ્તારમાં આવેલા લોહાણા નિવાસની અગાસી પર જસવંતી જમનાદાસ પોપટ, જયાબહેન વી. વીઠલાણી, ઉજમબહેન નારણદાસ કુંડલિયા, પાર્વતી રામદાસ થોડાણી, દિવાળીબહેન લુક્કા, ભાનુબહેન એન. તન્ના અને લાગુબહેન અમૃતલાલ ગોકાણી વચ્ચે પાપડ વેચવા વિશે વાતચીત થઈ હતી. નિશાળનું પગથિયું પણ‌ ન ચડેલી સાત સાધારણ ગૃહિણીઓને ખયાલ પણ નહોતો કે તેઓ અેવી પ્રતિષ્ઠિત બ્રૅન્ડનો પાયો નાખી રહ્યાં છે જેને સાત દાયકા પછી આવી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ૮૦ રૂપિયાની લોન લઈને સહિયારા પ્રયાસથી શરૂ થયેલો શ્રી મહિલા ગૃહઉદ્યોગ લિજ્જત પાપડ આજે કરોડોનું ટર્નઓવર ધરાવે છે.

જૂની યાદોને તાજી કરતાં જસવંતીબા કહે છે, ‘નિવાસનાં પાંચ મકાનમાં બધી બહેનોનાં ઘર હતાં. પુરુષો કામધંધે ચાલ્યા જાય અને બાળકો નિશાળે જાય પછી કેમેય કરીને સમય પસાર ન થાય. સૌની આર્થિક પરિસ્થિતિ પણ સાધારણ. ફાજલ સમયમાં વિચાર આવ્યો કે કોઈ વ્યવસાય કરીએ. એમાંથી બે પૈસા મળશે તો આર્થિક તંગી ઓછી થશે. પાપડનો વ્યવસાય કરવાનું કારણ મહિલાઓની આવડત અને ગુજરાતી પ્રજાના જીભે વળગેલો સ્વાદ. જમવામાં હાથના વણેલા પાપડ મળે તો મજા આવી જાય. જોકે ધંધો કરવા માટે મૂડીના નામે અમારી પાસે મીંડું હતું. છગનબાપા (પ્રાપ્ત માહિતી અનુસાર છગનલાલ કરમશી પારેખ)ની સહાયથી એંસી રૂપિયાની ઉધારી કરી અડદનો લોટ, હિંગ, કાળાં મરી વગેરે કાચો માલ લઈ આવ્યા. લોટ બાંધી, પાપડ વણી, અગાસીમાં સૂકવીને નજીકમાં આવેલી કરિયાણાની દુકાને વેચવા આપ્યા. ઘડીકમાં તો બધા પાપડ વેચાઈ ગયા. દુકાનદારે કહી રાખ્યું હતું કે તમારે બધા પાપડ અહીં મોકલવા. નફો મળતાં અમારો ઉત્સાહ વધ્યો. ત્યાર બાદ બસો રૂપિયાની મૂડી રોકવાની વ્યવસ્થા કરી. એ જમાનામાં આટલી રકમમાં તો મધ્યમ વર્ગના પરિવારમાં ટંકશાળ પડે. શરૂઆતમાં છગનબાપા અમારા માર્ગદર્શક બન્યા. તેમણે સલાહ આપી હતી કે જો પગભર થવું હોય અને સફળતાનો સ્વાદ ચાખવો હોય તો કોઈની પાસેથી દાન ન માગવું. તેમની આ શિખામણનું અક્ષરશઃ પાલન કર્યું. નફો થાય તો સારું અને નુકસાન થાય તો ભોગવી લેવાની તૈયારી સાથે પાપડના ધંધામાં ઝંપલાવી દીધું.’

ફઈએ પાડ્યું લિજ્જત નામ

મૂળ લોહાણા જ્ઞાતિનાં જસવંતીબહેનમાં વેપારી સૂઝબુઝ હોવાથી વ્યવસાયની બાગડોર પોતાના હાથમાં લીધી. તેમના માર્ગદર્શનમાં વણેલા પાપડ ચપોચપ ઊપડી જતા. આર્થિક વળતર મળવા લાગતાં વધુ બહેનો જોડાઈ. એક વર્ષના અંતે ૨૫ જેટલી બહેનો થઈ ગઈ. નફામાં તમામ મહિલાઓની સહિયારી ભાગીદારી રહેતી. ધીમે-ધીમે સમસ્ત મુંબઈમાં પાપડ લોકપ્રિય થઈ ગયા. ધંધો વિકસતો ગયો, માંગ વધતી ગઈ એમ વધુ મહિલાઓ જોડાતી ગઈ. બે વર્ષમાં સંખ્યા વધીને ત્રણસો જેટલી થઈ ગઈ. તેઓ કહે છે, ‘મહિલાઓની સંખ્યા વધતાં સાઠના દાયકાની શરૂઆતમાં ૧૧ મહિલાઓની કમિટીની રચના સાથે ગૃહ ઉદ્યોગને રજિસ્ટર્ડ કરાવ્યો. બૅન્કમાં સહીસિક્કા માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય હતું. હમણાં સુધી પાપડને થેલીમાં પૅકિંગ કરીને આપી દેતાં હતાં, હવે નામ આપવું જરૂરી લાગ્યું. જોકે કંઈ સૂઝ્યું નહીં એટલે નક્કી કર્યું કે કાલના છાપામાં બાળકના જન્મની જે રાશિ હોય એ અક્ષર પરથી પાપડનું નામ પાડવું. બીજા દિવસે મેષ રાશિ (અ, લ, ઈ અક્ષર) આવી. અમારી સાથે પાપડ વણતાં મોટી ઉંમરના ધીરજબહેને પ્રસ્તાવ મૂક્યો કે ‘લ’ પરથી નામ પાડીએ. બધાને પાપડની લિજ્જત માણવી ગમે છે અને રાશિ પણ મેષ આવી છે તો લિજ્જત નામ રાખીએ. ઘર-ઘરમાં જાણીતા અમારા પાપડને આ રીતે નામ મળ્યું. થોડાં જ વર્ષોમાં લિજજ્ત પાપડે બજારમાં સ્થાન જમાવી દીધું. ૧૯૬૬ સુધીમાં સેંકડો મહિલાઓ જોડાઈ જતાં મહિલા ગૃહઉદ્યોગ તરીકેની સરકારી માન્યતા મળી ગઈ.’

ટીમ વર્ક

ગૃહઉદ્યોગની શરૂઆત ગિરગામ ખાતે થઈ પછી વિવિધ સ્થળે શાખાઓ ખૂલતી ગઈ. જસવંતીબહેને આપેલી માહિતી અનુસાર લિજ્જત પાપડ ગૃહઉદ્યોગની પહેલી ત્રણ શાખા વડાલા(મુંબઈ), વાલોળ ગામ (સુરત નજીક) અને પુનામાં એકસાથે ખૂલી હતી. ત્યારબાદ ધીમે-ધીમે મુંબઈ સહિત જુદાં-જુદાં રાજ્યોમાં વધુ શાખાઓ ખૂલતી ગઈ. આ ઉદ્યોગ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત અને મહિલાઓની માલિકીનો છે. આવડું મોટું સામ્રાજ્ય ઊભું કરવું અને શાખાઓ ખોલવી એ કંઈ ખાવાના ખેલ નથી. જસવંતીબહેન વીસ વર્ષ સુધી લિજ્જતનાં સેક્રેટરી રહી ચૂક્યાં છે. આ સમયગાળા દરમિયાન તેમના માર્ગદર્શનમાં ૨૫ જેટલી શાખા ખૂલી હતી. લિજ્જત પાપડનાં પ્રણેતા અને હજારો મહિલાઓનાં તેઓ માર્ગદર્શક છે.

વિવિધ શાખાઓના સંચાલન માટે મહિલાઓને કઈ રીતે તૈયાર કરવામાં આવી તેમ જ લિજ્જતના પાપડ વણવા કોઈ મશીન કે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવતો નથી તો એકસરખી સાઇઝના પાપડ કઈ રીતે બને છે આ સંદર્ભે વિગતવાર માહિતી આપતાં તેઓ કહે છે, ‘શાખા ખોલવાની હોય ત્યારે બે મહિના એ સ્થળે રહેતાં. જીવનમાં ક્યારેય બહારનું ખાધું ન હોવાથી જાતે રસોઈ બનાવતી. પાપડનો લોટ કઈ રીતે બાંધવાનો છે, મસાલાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ જેવી બાબતો માથે રહીને શીખવાડવાની. સ્વાદમાં જરાસરખો ફરક ન પડવો જોઈએ. બહેનોની આવડત અને ક્ષમતાનું નિરીક્ષણ કરી એમાંથી જ એક બહેનને સંચાલિકા બનાવવામાં આવે છે. જે-તે શાખાના નફા-નુકસાનની જવાબદારી શાખાની બહેનોની હોય છે. જોકે નુકસાન ક્યારેય થયું નથી. પાપડની સાઇઝમાં ફરક ન પડે એ માટે જુદા-જુદા પાટલા અને વેલણ વસાવ્યાં છે. દરેક શાખામાં સામાન પડ્યો જ હોય. પાપડ વણવા આવતી બહેનો એનો ઉપયોગ કરે અને ઘરે લોટ લઈ જવાનો હોય તો પાટલા-વેલણ પણ સાથે લઈ જવાનાં. બહેનોને તેમના કામનું યોગ્ય વળતર સમયસર મળી જાય એ માટે શરૂઆતથી જ ત્રીજા દિવસે મહેનતાણું ચૂકવી દેવામાં આવે છે. આજપર્યંત લિજ્જતે આ પૉલિસી બરકરાર રાખી હોવાથી હજારો બહેનોને પગભર થવાની તક મળી છે.’

સ્પર્ધામાં ટકી રહ્યાં

પાપડનું વેચાણ કરતી અનેક કંપનીઓ આજે માર્કેટમાં છે. લિજ્જતની તુલનામાં આ પાપડોનાં પૅકેટ્સ સસ્તામાં મળે છે તેમ છતાં ફાઇવ સ્ટાર હોટેલોથી લઈ ડાઇનિંગ ટેબલ પર લિજ્જતની ઇજ્જત અકબંધ રહી છે. પાપડના ટર્નઓવરમાં માર્કેટમાં ઊંચી હિસ્સેદારી સાથે વર્ષોથી લિજ્જતનું એકચક્રી શાસન રહ્યું છે. સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવાનાં કારણો વિશે વાત કરતાં જસવંતીબહેન કહે છે, ‘ઉપર જણાવ્યું એમ અમે હાથેથી વણેલા પાપડ અને આગવો સ્વાદ અમારી ઓળખ છે. કોઈ પણ શાખાના પાપડના સ્વાદમાં રત્તીભાર ફરક ન પડે એની ચીવટ દરેક મહિલા રાખે છે. સાવધાની રાખવા છતાં કોઈક વાર ભૂલ થઈ શકે છે એ બાબતને ધ્યાનમાં રાખી શાખાની સંચાલિકા લોટ બંધાઈ જાય પછી એને ચાખે છે. સ્વાદ જુદો લાગે તો બાંધેલા લોટને પણ અમે દરિયામાં પધરાવી દઈએ છીએ. અગાઉ અમે પાપડ વણતી વખતે આકાર અને સાઇઝમાં ફરક પડે અથવા સુકવણીમાં ફાટે તો એને પણ પધરાવી દેતાં હતાં. જોકે હવે સેકન્ડ પૅકિંગ બનાવી ઉપયોગમાં લેવાય છે જેથી બહેનોની મહેનત નકામી ન જાય અને શાખાને નુકસાની ન ભોગવવી પડે. શરૂઆતમાં સાદા પાપડ બનાવતા હતા. ત્યાર બાદ ગ્રાહકોની માગ પ્રમાણે ડબલ મરીવાળા પાપડ બનાવ્યા. વારાફરતી સાત પ્રકારના પાપડ માર્કેટમાં આવ્યા. અત્યારે મળતા પૂરી જેવડા નાના પાપડની એન્ટ્રી સૌથી છેલ્લે થઈ છે. સ્વાદ, સોડમ અને બહેનોના પરિશ્રમના કારણે મહિલા ગૃહઉદ્યોગને સ્પર્ધાનો સામનો કરવો પડ્યો નથી. ભારતમાં જ નહીં, વિદેશમાં પણ લિજ્જત પાપડની ખૂબ ડિમાન્ડ છે અને એમાં સતત વધારો થઈ રહ્યો છે.’

આજે પણ અડીખમ

પદ્મશ્રી અવૉર્ડ જાહેર થયા બાદ મીડિયા સહિત અનેક મહાનુભાવોએ તેમના ઘરની મુલાકાત લીધી છે. બધાને એમ હતું કે આટલો મોટો બિઝનેસ ટર્નઓવર ધરાવતા ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાના જીવનમાં જાહોજહાલી હશે, પરંતુ ઘર જોઈને સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા છે. ૯૩ વર્ષનાં જસવંતીબહેન જમનાદાસ પોપટ આજે પણ ચીરાબજાર વિસ્તારમાં આવેલા નેવું વર્ષ જૂના લોહાણા નિવાસની દસ બાય દસની સાંકડી રૂમમાં જીવન વિતાવે છે. આ ઉંમરે તેઓ ગિરગામ શાખાનું સંચાલન કરે છે. શારીરિક સ્ફૂર્તિ એવી કે જાતે દાદરા ચડ-ઊતર કરી શકે છે એટલું જ નહીં, લૉકડાઉન આવ્યું એ પહેલાં બાંદરામાં આવેલી લિજ્જત પાપડની ઑફિસમાં જવા-આવવા માટે લોકલ ટ્રેનમાં જ પ્રવાસ કરતાં હતાં. ટ્રેનો શરૂ થયા બાદ ફરીથી તેઓ સામાન્ય મહિલાની જેમ ટ્રેન દ્વારા આવ-જા કરશે.

આજની એજ્યુકેટેડ મહિલાઓ પાસે કારકિર્દી ઘડવાની અનેક તક છે. તેઓ બંધનમુક્ત જીવન જીવી શકે એમ છે છતાં નાસીપાસ થઈ જાય છે એ જોઈને તેમને નવાઈ લાગે છે. મહિલાઓને સંદેશ આપતાં તેઓ કહે છે, ‘શિક્ષણના કારણે મહિલાઓની સ્થિતિમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. તેમની માટે પ્રગતિના દરવાજા ખૂલી જાય છે, પરંતુ જે મહિલાઓ શિક્ષણથી વંચિત છે તેઓ પણ ધારે તો ઘણું કરી શકે છે. દરેક ગૃહિણીએ પોતાની આવડતને ઓળખી માર્ગ શોધી લેવો જોઈએ. જીવનના દરેક તબક્કે આત્મનિર્ભર રહેવું છે એ તમારો ધ્યાય હોવો જોઈએ.’

૧૯૫૯ની સાલમાં લોહાણા નિવાસની અગાસીમાં બેસીને કલાકો સુધી બહેનો પાપડ વણતી ત્યારે જસવંતીબહેનના પતિદેવ કીટલીમાં ચા ભરીને તેમને અગાસીમાં દેવા આવતા. પાપડ વણતાં-વણતાં બહેનો વચ્ચે આ બાબત હળવી ઠઠ્ઠામશ્કરી પણ થતી. રકાબીમાં રેડાતી ચા સાથે થતી વાતો તેમના જીવનની યાદગાર ક્ષણોમાંની એક છે. ૨૦૦૨ની સાલમાં તેમને વુમન ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો હતો. ત્યાર બાદ લિજ્જત પાપડના નામે તેમને અનેક અવૉર્ડ મળ્યા છે. તેમના જીવન પર કુરમ્ કુરમ્ નામની મૂવી બનવાની વાત સંભળવા મળી છે. જસવંતીબહેને રોપેલા મહિલા ગૃહઉદ્યોગના બીજમાંથી આજે વટવૃક્ષ બની ગયેલા લિજ્જત પાપડે તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2021 04:50 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK