કફ પરેડના જૉલી મેકર ચેમ્બર્સમાં આગ ૨૮ જણને આબાદ ઉગારી લેવામાં આવ્યા

Published: 3rd December, 2012 06:00 IST

દક્ષિણ મુંબઈના કફ પરેડમાં આવેલા જૉલી મેકર ચેમ્બર્સ-એકમાં ગઈ કાલે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ બુઝાયેલી આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ.
કફ પરેડ પોલીસે કહ્યું હતું કે ‘કફ પરેડમાં આવેલા ૨૬ માળના જૉલી મેકર ચેમ્બર્સ-એકમાં ગઈ કાલે વહેલી સવારે ૧૯મા માળે ૩.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે ૯ ફાયર-એન્જિન, ૬ વૉટર-ટૅન્કર અને બે ઍમ્બ્યુલન્સ સાથે ફાયરબ્રિગેડ આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની શરૂઆત કરી હતી. એ દરમ્યાન બિલ્ડિંગમાં ઉપરના માળે ફસાયેલા ૨૮ લોકોને ફાયરબ્રિગેડે ઉગારી લીધા હતા. લગભગ પાંચેક કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ શૉર્ટ-સર્કિટને લીધે આગ લાગી હતી.

ગઈ કાલે જૉલી મેકર ચેમ્બર્સમાં લાગેલી આગ બાદ મુંબઈ મહાનગરપાલિકાનું ફાયર-ડિપાર્ટમેન્ટ આ બિલ્ડિંગને એક નોટિસ મોકલશે એવું જાણવા મળ્યું છે, કારણ કે છેલ્લા દોઢ વર્ષથી બિલ્ડિંગમાં ફાયર ઑડિટ કરવામાં નહોતું આવ્યું. ઊંચાં બિલ્ડિંગોમાં દર છ મહિને ફાયર ઑડિટ કરાવવું ફરજિયાત હોય છે ત્યારે જૉલી મેકર એમાં નિષ્ફળ ગયું હતું. એટલું જ નહીં, ઊંચાં બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી રિસોર્સિસ રાખવા ફરજિયાત છે જેથી આગ લાગે ત્યારે તરત એ મદદરૂપ બની શકે, પરંતુ જૉલી મેકરમાં રહેલા ફાયર સેફટી રિસોર્સિસ બરોબર કામ ન કરતા હોવાનો દાવો ફાયરબ્રિગેડે કર્યો હતો.


હેમખેમ ઊગરી ગયા : કફ પરેડમાં આવેલા જૉલી મેકર ચેમ્બર્સ-એકના ૨૬મા માળે ગઈ કાલે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. 
ફસાયેલા લોકોને ઉગારી રહેલી ફાયરબ્રિગેડ. તસવીર : દિપક સાલવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK