Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > આ રિસૉર્ટ ફક્ત મહેલ કે કોઈ ઇતિહાસ નહીં; સાત્ત્વિકતા, ભક્તિભાવ, પરંપરાનો શુભ સરવાળો છે

આ રિસૉર્ટ ફક્ત મહેલ કે કોઈ ઇતિહાસ નહીં; સાત્ત્વિકતા, ભક્તિભાવ, પરંપરાનો શુભ સરવાળો છે

Published : 09 July, 2023 04:01 PM | Modified : 09 July, 2023 04:39 PM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

દરેક ઓરડો લગભગ અલગ રંગમાં અને એ પણ આછેરા શેડમાં. દરેક રંગની ઝાંય જ દેખાય તમને. બ્લુ રંગ, લીલો રંગ, પીળો રંગ પણ ખરો; પણ એકદમ આંખો ઠરે એવા પેસ્ટલ રંગ અને વાઇટ પ્લાસ્ટર ઑફ પૅરિસની કિનારીથી સજાવેલી દીવાલો ખરેખર આંખોને ઠંડક પહોંચાડે. 

પૂનમના ચંદ્રમા સાથે રહેણાકના મકાનનું પ્રવેશદ્વાર

શ્રી કુદરત શરણમ્ મમ:

પૂનમના ચંદ્રમા સાથે રહેણાકના મકાનનું પ્રવેશદ્વાર


આખો પરિસર મોરરાજાના આગમન સાથે ગહેકી ગયો અને અમે ભાવવિભોર. શામળિયો સાંભરી આવ્યો. ખરેખર કોઈ જ ડર નહીં. પ્રેમની ઉઘરાણી જાણે. અમે ખુરસી પર હાલ્યા-ચાલ્યા વિના થોડા સંકોચ અને ખૂબબધા અહોભાવ સાથે બેસી રહ્યા. ભાઈસાહેબ તો અમારી હાજરીની નોંધ લઈને ઓસરીમાં પણ પ્રવેશી ગયા. 

હૉન્ગકૉન્ગસ્થિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આર્કિટેક્ટ ચંદુ ચઢ્ઢાએ ૧૦૦ એકરના આ પરિસરને ખૂબ વિચાર કરીને, શાંતિથી, રચનાત્મક રીતે ન્યાય આપ્યો છે. નાની-નાની બાબતોમાં પણ અપાયેલું ધ્યાન કાબિલે-તારીફ છે. મસમોટાં હરિયાળાં મેદાનો, અલગ-અલગ ચોક્કસ સ્થાનો પર ગોઠવાયેલા કેટલાય બાંકડાઓ. ક્યાંકથી હરિયાળી દેખાય તો ક્યાંકથી ખીણપ્રદેશનો વૈભવ, ક્યાંકથી ડુંગરાઓ તો ક્યાંકથી કંદરાઓ, ક્યાંકથી સૂર્યોદય અને ક્યાંકથી સૂર્યાસ્ત. તમને ઢાળી દેવા, પ્રેમમાં પાડી દેવાની સંપૂર્ણ સજ્જતા તથા પૂરેપૂરો શસ્ત્રસરંજામ હાજર. યોદ્ધાઓ પણ કેવા? એક-એકથી ચડિયાતા. બન્ને પ્રકારની સેના હાજર - કુદરતી અને માનવનિર્મિત. કુદરતી પરિબળો તો લાજવાબ, મબલક માત્રામાં. વૃક્ષો, મેદાનો, પર્વતમાળાઓ, નદી, સરોવર, પક્ષીઓ, પ્રાણીઓ. બાકી હતું એ વરસાદે પૂરું કર્યું. માનવનિર્મિત મહેલાતો, રહેઠાણની સગવડ, ચોખ્ખો વ્યવસ્થિત ગૂંથેલો પરિસર. એક ઍમ્ફી થિયેટર પણ ખરું. ભારતીય પરંપરા, કુદરત અને માનવીય કૌશલનો સર્વશ્રેષ્ઠ સમન્વય છે આ આનંદા. ૯૦ ટકા હરિયાળો આ પરિસર કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે એ નક્કી સમજવું. ૧૦ ટકા ભાગમાં રહેઠાણો માટેનાં બે મકાનો, બાજુમાં ખાણી-પીણી માટેનાં મકાનો, એની બાજુમાં ભવ્ય વિશાળ સ્વિમિંગ-પૂલ અને એને જ લાગીને આખા રિસૉર્ટનો સૌથી પ્રવૃત્ત ભાગ એટલે કે સ્પા સેન્ટર; જ્યાં દરેક મુલાકાતીએ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત તો હાજરી પુરાવવી જ પડે, અલગ-અલગ પ્રકારની ચિકિત્સા માટે. પોતાનો અંગત સમય જેને વ્યતીત કરવો હોય એવા મોભાદાર લોકો માટે ત્રણ પ્રાઇવેટ વિલા પણ ખરી અને મહેલાતો. આમ આ ૧૦૦ ટચનું સોનું જોઈ લો. પાંચ દિવસ માટે પૂરેપૂરી પ્રવૃત્તિ હાજરાહજૂર. પસંદગી તમારી, ૧૦૦ ટકા ન્યાયની ગૅરન્ટી અમારી. રાતે સાડાનવ વાગ્યે તો બધું જ થંભી જાય, ફક્ત સમય જ ચાલતો રહે. એકસરખો માહોલ સવારે પાંચ વાગ્યા સુધી. તમારું મન અને સમય બન્ને ચાલે, મહાલે, નિરંતર, ગતિશીલ. બન્ને કર્મયોગી ખરાને?



વાચકમિત્રો, આને આ રિસૉર્ટની જાહેરાત ન સમજતા. એક સરસ અને સુંદર અનુભવની વહેંચણી જ સમજજો. આનાથી વધારે અનન્ય અનુભવો મને આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમનાં ગાઢ જંગલોનાં સાવ જ વિખૂટાં જંગલ ખાતાનાં કૉટેજિસમાં, લદ્દાખી લોકોના ઘરમાં, કચ્છના રાજસ્થાનના રણમાં તથા હિમાલયના સાંનિધ્યમાં થયા છે એ જરૂર જાણવું. આ તો એક અલગ અનુભવની વહેંચણી કરી રહ્યો છું. આગળ વધીએ...


રાતે મનગમતું પુસ્તક વાંચતાં-વાંચતાં આંખ ક્યારે લાગી ગઈ એની ખબર જ ન પડી. અમારો દિવસ સાત વાગ્યે શરૂ થવાનો હતો. માલિશના પ્રથમ સત્રનો આરંભ. સાડાપાંચ વાગ્યે જ આંખ ખૂલી ગઈ. ભરપૂર ઑક્સિજન ગણો કે મનની શાંતિ, અહીં પાંચ-છ કલાકની ઊંઘ પૂરતી થઈ પડે. માલિશ પછી જ નાહવાનું નક્કી કર્યું. ચાલો બગીચામાં બેસીએ. આગલી રાતે વરસાદે મુલાકાત લીધી હતી. અમે ગોઠવાયા. પાંચેક મિનિટ થઈ હશે. હજી તો પંખીઓ જોઈ રહ્યા હતા, કલરવ સાંભળી રહ્યા હતા, ઓળખાણ-પિછાણની આપ-લે થઈ રહી હતી અને સવારની સુંદરતામાં વધારો કરવા અમારા પ્રથમ મુલાકાતીના આગમન સાથે જ આખું વાતાવરણ રંગોથી તરબોળ થઈ ગયું. રંગો જાણે ધોધમાર વરસી રહ્યા હતા અને અમે અવાક, તરબોળ, સંતૃપ્ત થઈને આ આગમનને નિહાળી રહ્યા હતા. ધીમી, મલપતી ચાલે રંગોની છોળોનો પ્રવેશ. ‘શ્યામ રંગ સમીપે ના જાવું...’ કવિશ્રી દયારામની પંક્તિ અહીં અત્યારે આ ક્ષણે સાવ નિરર્થક થઈને ખરી પડી. ઠસ્સો કોને કહેવાય, રંગનો વૈભવ કોને કહેવાય એ એક જ પળમાં સમજાઈ ગયું. અકલ્પનીય આગમન. પક્ષીઓના રાજા મોરનું અને એ પણ કેવું? પોતાના અધિકાર ક્ષેત્રમાં આધિપત્ય દર્શાવતો રાજવી પ્રવેશ. આખો પરિસર મોરરાજાના આગમન સાથે ગહેકી ગયો અને અમે ભાવવિભોર. શામળિયો સાંભરી આવ્યો. ખરેખર કોઈ જ ડર નહીં, સંકોચ નહીં. પ્રેમની ઉઘરાણી જાણે. અમે ખુરસી પર હાલ્યા-ચાલ્યા વિના થોડા સંકોચ અને ખૂબબધા અહોભાવ સાથે બેસી રહ્યા. ભાઈસાહેબ તો અમારી હાજરીની નોંધ લઈને ઓસરીમાં પણ પ્રવેશી ગયા. બારણાના કાચને ચાંચના ટકોરા. બીના અસમંજસમાં. મેં કહ્યું, ‘બિન્દાસ જા, આ તો દાણ લેવા આવ્યો છે.’ અને ખરેખર બીના ગઈ, ઓસરીમાં પ્રવેશી. મહાશય તરફથી કોઈ ડર નહીં, કોઈ ફફડાટ નહીં. બીના કાચનો દરવાજો ખોલીને પ્રવેશી ગઈ. રાજાજી ઊભા રહ્યા. બીના કાજુ-બદામ લઈને આવી અને દાણ એક પ્લેટમાં ધરી દીધું. આમ તો સૃષ્ટિના નિયમની વિરુદ્ધ છે, પરંતુ અહીં આવતા મહેમાનોની આવગતથી મહાશય પરિચિત હશે એટલે જ પધાર્યા હશે. તેમને પાછા કેમ ઠેલાય? ત્રણ બદામ ઉપાડી અને આખા પરિસરનું અવલોકન કરીને આગળ વધી ગયા. દિનચર્યાનો જ એક ભાગ હશે. થોડા સમય પછી બે ઢેલ પણ આવી. સુંદર સવાર કોને કહેવાય એ સાક્ષાત્કાર થઈ ગયો. બધા જ ભાવ છલકાઈ રહ્યા હતા.

માલિશ માટે પાંચેક મિનિટ મોડા પડ્યા, પરંતુ બધું જ સાર્થક. ભાવ જ સર્વોપરી છે, ક્રિયાઓ ઠીક જ છે. ભાવપ્રેરિત ક્રિયા જ ફળદાયી નીવડે છે એનો એક વધુ પુરાવો. વિસ્તારથી આ વિષયો પર ફરી ક્યારેક વાત માંડીશું. અત્યારે આગળ વધીએ? 


પહેલો દિવસ લગભગ માલિશ માટે આવવા-જવામાં જ ગયો. સાંજે સૂર્યાસ્ત જોયો અને ઘણું ચાલ્યા. ખબર નહીં, પણ મને ખૂબ ચટપટી થઈ રહી હતી. જેટલી વાર મહેલનો અંશમાત્ર પણ દેખાય એટલે મને ઉત્પાત થઈ જતો. અંદરનો ફોટોગ્રાફરનો આત્મા, ઇતિહાસનો જીવ મહેલની મુલાકાત લેવા માટે રીતસરનો ટળવળી રહ્યો હતો. મેં આવતી કાલ માટે ત્રાગું કર્યું. સવારના સમયને થોડો મોડો કરી નાખ્યો, ૯.૩૦નો અને સવારે વહેલા ઊઠીને મહેલની મુલાકાતનું મનોમન નક્કી કરી નાખ્યું. બે કલાક પૂરતા થઈ પડશે એવી ગણતરી હતી. સમયનો પૂરેપૂરો સદુપયોગ થઈ રહ્યો હતો. એકબીજા માટે પૂરેપૂરો ક્વૉલિટી ટાઇમ મળી રહ્યો હતો. સવારે ૬.૩૦ વાગ્યે ઊઠી ગયો અને મહેલની મુલાકાતે નીકળી પડ્યો. કોઈ જ નહોતું. લૉબી આખી ખાલી. રિસેપ્શન પણ ખાલી. ફક્ત લાઇટ ચાલુ. વરસાદ નહોતો. રહેણાકનાં મકાનો અને સ્પા સેન્ટર પૂરતી જ ચહલપહલ હતી. બાકી બધે નીરવ શાંતિ. મહેલ તો એકદમ જ શાંત. લૉબીમાં પ્રવેશ્યો. જો નીલમબાગ પૅલેસમાં ક્રૉકરીનું આધિપત્ય હોય, ફલકનુમા પૅલેસમાં આરસની કલાકૃતિઓનું હોય તો અહીં પૉર્સલિનની બનાવેલી કલાકૃતિઓનું અને ફોટોગ્રાફ્સનું આધિપત્ય હતું. જોકે સૌથી વધારે નવાઈ મને મુલાકાતીઓના ફોટોગ્રાફ્સ જોઈને લાગી. તેહરી ગઢવાલના રાજાને મળવા ઘણા રાજા-રજવાડાંના રાજવી આવતા હશે એવું લાગ્યું. કદાચ મા આનંદમયીના સાંનિધ્યનો લાભ લેવા અથવા હરિદ્વાર, હૃષીકેશની મુલાકાત વખતે રાજવીઓ અહીંની મહેમાનગતિનો લાભ લેતા હશે એવું લાગ્યું. ફોટોગ્રાફ્સ પણ કોના-કોના? સૌરાષ્ટ્રનાં લગભગ નાનાં-મોટાં બધાં રજવાડાંના, રાજ્યના કુળદીપકના ફોટોથી દીવાલ શોભતી હતી. થોડાં નામ જણાવું, ચાલો. પટિયાલાના મહારાજા, રતલામના રાજા, રાજપીપળાના રાજા, ગોંડલના રાજવી, નવાનગરના જામસાહેબ, ઇડરના રાજા, ભાવનગર, જૂનાગઢ... આટલા ફોટો તો મેં જોયા. એ સિવાય પણ કેટલાય રાજવીઓના ફોટો બીજી દીવાલ પર લાગેલા છે એ પણ જણાવી દઉં. લૉબીની એક દીવાલ પર તો આપણા ભારતના છેલ્લા વાઇસરૉય માઉન્ટબેટન તથા તેમનાં પત્ની એડવિના માઉન્ટબેટનની તસવીરો પણ લટકાવાયેલી હતી.

પૉર્સલિનની કલાકૃતિઓ તો એક જુઓ ને એક ભૂલો. જૂનાં તેલચિત્રો પણ ખરાં. લૉબીને ન્યાય આપીને બાજુની રૂમમાં પ્રવેશ્યો અને ત્યાં બિલિયર્ડ્સ ટેબલ જોઈને જ મજા પડી ગઈ. તકતી જોઈને જ ખ્યાલ આવી ગયો કે ખાસ્સું જૂનું હશે. કલકત્તાની કોઈ સી. લાઝારુસ ઍન્ડ કંપનીની તકતી ટેબલ પર લાગી હતી. પછીથી ખબર પડી કે આ બિલિયર્ડ્સનું ટેબલ તો ભારતનું સૌથી જૂનામાં જૂનું બિલિયર્ડ્સનું ટેબલ હતું. ૧૦૦ વર્ષથી પણ વધારે જૂના આ ટેબલનો ઠસ્સો જ કંઈક ઑર જ હતો. ટેબલ પણ વળી પાછું એકદમ સરસ હાલતમાં. માવજત અને સાચવણી સરસ રીતે થઈ રહી છે એ તો ટેબલને જોતાં જ કળાઈ આવે. અહીંની દીવાલો પર પણ અનેક મહાનુભાવોની તસવીરો અને પેઇન્ટિંગ્સ જોવા મળે. ન જાણે કેટલીયે રાજકીય મુલાકાતોનું સાક્ષી હશે આ ટેબલ. કેટલીયે મહત્ત્વની વાતો ચર્ચાઈ હશે, નિર્ણયો લેવાયા હશે, રાજરમતના કારસા ગોઠવાયા હશે. આ ટેબલ ન જાણે કેટલીયે મહત્ત્વની વાતોનું સાક્ષી હશે. જોકે એકંદરે આ સરસમજાનો ઓરડો હતો.

ખાસ વાત કરવાની આ મહેલની દીવાલોના રંગની. દરેક ઓરડો લગભગ અલગ રંગમાં અને એ પણ આછેરા શેડમાં. દરેક રંગની ઝાંય જ દેખાય તમને. બ્લુ રંગ, લીલો રંગ, પીળો રંગ પણ ખરો; પણ એકદમ આંખો ઠરે એવા પેસ્ટલ રંગ અને વાઇટ પ્લાસ્ટર ઑફ પૅરિસની કિનારીથી સજાવેલી દીવાલો ખરેખર આંખોને ઠંડક પહોંચાડે. આવી દીવાલો અને આવા રંગોની ઝાંય કૉલોનિયલ સમયની એક અભિન્ન ઓળખ છે. લૉબીમાં વચ્ચોવચ લટકાવેલા તત્કાલીન રાજાના પેઇન્ટિંગની વાત કર્યા વગર લૉબી છોડાય જ નહીં. અતિ ભવ્ય લાગતું પેઇન્ટિંગ અને એ પણ એ સમયના લાક્ષણિક પોશાકમાં. તમને સંમોહિત કરે એટલું સરસ. બિલિયર્ડ્સ રૂમ વટાવીને તમે પહોંચો છો લાઇબ્રેરીમાં. વાહ! પુસ્તકોની વાત તો ખરી જ, પરંતુ સૌપ્રથમ તમારું ધ્યાન આકર્ષિત કરે છે નાના-નાના ત્રણથી ચાર ટેબલ-લૅમ્પ. અહીં ટેબલો પર નાના-નાના લૅમ્પ્સ મૂક્યા હતા, પરંતુ આ લેન્સના કાચ લીલા રંગના. કંઈક અલગ, કંઈક હટકે અંદાજ. સવારના પહોરમાં આ લૅમ્પ્સ ખૂબ આકર્ષક લાગી રહ્યા હતા. હું ત્યાં ગયો અને સ્વિચ ચાલુ કરી. લૅમ્પ્સ ઝળકી ઊઠ્યા. સરસ શાતાદાયક લીલો પ્રકાશ. આ અંદાજ અનુસરવાલાયક ખરો. લાઇબ્રેરીનાં પુસ્તકોનો સંગ્રહ જુઓ તો ખબર પડે કે એ રાજવીઓએ કેટલાં સુંદર પુસ્તકો અહીં વસાવ્યાં છે. અલભ્ય એવાં અનેક પુસ્તકો અહીં તમને જોવા મળે, પરંતુ ઘણાંખરાં પુસ્તકો આ સમયે તો કબાટમાં કેદ હતાં. ખેર, પછી ફુરસદથી જોવા-વાંચવા આવીશ એમ નક્કી કરીને આ રૂમને મેં છોડી. લીલા લૅમ્પ્સ સિવાય એક દીવાલ પર લીલા રંગની ટાઇલ્સ પણ લગાડાયેલી હતી જે આ ખંડને અલગ શોભા પ્રદાન કરતી હતી.

લૉબી, બિલિયર્ડ્સ રૂમ અને લાઇબ્રેરી જોઈને હવે વારો ઉપરના માળનો હતો; પરંતુ ઉપરના માળે આવેલા વાઇસ રીગલ ખંડમાં દિલ્હીના કોઈ મુલાકાતીઓનું ત્રણ દિવસનું રોકાણ હતું એટલે અગાસીમાં જવાનું નક્કી કર્યું. સીડી ચડીને અગાસીમાં પહોંચ્યો. વહેલી સવારનો કુમળો તડકો અગાસીમાં રેલાઈ રહ્યો હતો. પક્ષીઓનો કલરવ, હવાની તાજગી અને આજુબાજુ દેખાઈ રહેલી લીલોતરીએ તો મન-મગજ તરબતર કરી નાખ્યાં. અગાસીમાં પગ મૂકતાં જ અજબ સ્પંદનો મનને ઘેરી વળ્યાં. સામેના છેડે એક ઓરડી હતી. દરવાજો ખુલ્લો. આપોઆપ જ પગ ત્યાં જવા માંડ્યા. અચરજ, કૌતુક છવાયેલું હતું. ત્યાં પહોંચીને હળવેકથી અંદર ડોકિયું કર્યું. આહાહાહા! રૂમની સાદગીસભર દિવ્યતા નિહાળતાં જ હું ભાવવિભોર. જૂતાં કાઢ્યાં અને અંદર પ્રવેશી ગયો. નાનકડા આ ઓરડામાં ડાબી દીવાલને લાગીને જ મા આનંદમયીનું પૂર્ણ કદનું કટઆઉટ ગોઠવાયેલું હતું. સામે એક પલંગ અને પલંગ પર માની માળા એકદમ વ્યવસ્થિત રીતે મુકાઈ હતી. થોડાં ફૂલ પણ આખા રૂમમાં અનેરો પમરાટ ફેલાવી રહ્યાં હતાં. આખી રૂમમાં માની દિવ્યતા, માની આભા, સ્પંદનોનો ધબકાર અને હું? અભિભૂત, વિવશ, મુગ્ધ. બરાબર પલંગની ધાર પાસે બેસી ગયો. આંખો મીંચીને બેઠો રહ્યો. શ્વસી રહ્યો આ અનુભવને. કોઈ પ્રેમાળ, વત્સલ સૂક્ષ્મ રૂપને સંવેદી રહેલો હું, દૈવી સામીપ્યથી ધબકી રહેલો હું, ધન્ય-ધન્ય થયેલો હું, ચેતના અને આનંદથી થિરકી રહેલો હું, આપોઆપ હૃદયના ઉલ્લાસથી ઉપાર્જિત થયેલી અશ્રુધારથી માનાં ચરણ પખાળી રહેલો હું. હું ક્યાં હતો? ક્યાંય નહીં અને ચોમેર ફેલાયેલો પણ હતો. કેટલો સમય વીત્યો, ખબર નથી; પરંતુ આંખો ખૂલી. મન ગજબની હળવાશ અનુભવી રહ્યું હતું. કેટકેટલું વહી ગયું; પરંતુ એક સભરતા, ચોક્કસ. માતાને, પલંગને, કટઆઉટને વંદન કરી બહાર નીકળી ગયો.

લૉબીને અડીને આવેલા વાઇસ રીગલ ટી લાઉન્જમાં કંઈક ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. રિસૉર્ટનો સ્ટાફ આ વહેલી સવારના આગંતુકને ઉપરથી ટપકી પડેલો જોઈને સાનંદાશ્ચર્યમાં ગરકાવ. હું તેમની સામે સ્મિત રેલાવતો નીકળી ગયો સીધો રૂમ પર. ક્યાં કોઈ માલિશની, ચિકિત્સાની જરૂર હતી? માએ આ બાળનો કબજો લઈ લીધો હતો. બીના તો સમયસર નીકળી ગઈ હતી. હું પણ પહોંચી ગયો. બધું અને બધા વધુ સુંદર લાગી રહ્યા હતા.

 પ્રથમ સત્ર પતાવીને રૂમ પર આવ્યા. આજે તો સૌપ્રથમ ઢેલ આવી, પછી મહાશય પણ પધાર્યા. તેઓ ગયાં અને બે હરણ પણ પધાર્યાં, પરંતુ હરણને કંઈ ન આપ્યું. પાછળના બગીચામાં ચરવા દીધાં. કુદરતી જીવોના સાંનિધ્યનો નશો જ કંઈ ઑર હોય છે. કેટલાં પક્ષી જોયાં? આ પાંચ દિવસોદરમ્યાન લગભગ પક્ષીઓની જ પાંત્રીસેક પ્રજાતિઓ જોઈ, માણી.

હવે માના કક્ષને છોડીને આ ૭૦ રૂમ, પાંચ સ્વીટ અને ત્રણ વિલા મળીને કુલ ૭૮ રૂમ ધરાવતા ૧૦૦ એકરના પરિસરના સૌથી સુંદર સ્થાનની વાત કરું? આમ તો એને મ્યુઝિક પૅવિલિયન કે યોગા પૅવિલિયન કહે છે, પરંતુ આ એક અદ્ભુત સ્થાન છે એમાં કોઈ બેમત નથી. રાજાઓના સમયમાં આ સ્થાનનો ઉપયોગ સંગીતના કાર્યક્રમ માટે થતો. આની રચના એટલી ભવ્ય છે કે ન પૂછો વાત. ચારે બાજુથી ખુલ્લા અને થાંભલાઓના ટેકે ઊભેલા પૅવિલિયનની બ્લુ રંગની છત જુઓ. આ છે આ સ્થાનના પ્રેમમાં પડવાની શરૂઆત. સામે છે નજર ઠારતું પાણીનું નાનુંશું જળાશય અને જળાશય વટાવીને નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલી લીલીછમ લૉન. આ સંયોજન તમારું મન હરી ન લે તો જ નવાઈ. સંગીતના કાર્યક્રમો વખતે રાજા સહિત આમંત્રિત મહેમાનો લૉનમાં બેસતા અને જળાશય વટાવીને પૅવિલિયનમાં કલાકારો પોતપોતાની કલાની રજૂઆત કરતા. સૌથી બેમિસાલ છે અવાજની ગુંજને વધુ અસરકારક રીતે ઘૂંટતી અને પછી હવામાં રેલાવતી આ છતની બાંધણી, જેને અંગ્રેજીમાં એકુસ્ટિક કહેવાય છે. ના કોઈ ઍમ્પ્લિફાયરની જરૂર છે, ના કોઈ લાઉડ સ્પીકરની. અવાજ ઘૂંટાઈને મહેમાનો સુધી પહોંચી જાય છે. મેં પોતે વચ્ચોવચ બેસીને થોડા મંત્રોચ્ચાર કર્યા અને લગભગ ૨૦ ફુટના અંતરે લૉનમાં બેઠેલી બીનાને એકદમ સ્પષ્ટ સંભળાયા પણ ખરા. બીનાને તો છોડો, મંત્રોનો આટલો સરસ ગુંજારવ અને એ પણ ખુલ્લામાં મેં પોતે ક્યારેય અનુભવ્યો નથી. કમાલની કારીગરી. ત્યારના આ બેમિસાલ કારીગરોને, તેમની વિદ્યા અને કુશળતાને સો સો સલામ. છત, પાણીનો જથ્થો અને હવાની દિશા એ બધાં પરિબળોનો ગજબનાક સમન્વય એટલે આ મ્યુઝિક પૅવિલિયન.

આ સિવાય ઍમ્ફી થિયેટરના ઢોળાવની પણ વાત ન્યારી છે. લગભગ ૩૦ ડિગ્રીનો ઢોળાવ અને આખા થિયેટરને આવરી લેતું લીલું ઘાસ આળોટીને થિયેટરમાં પહોંચી જવાનું મન થાય એટલો સુંદર આ ઢોળાવ છે. ઢોળાવ પર સૂતાં-સૂતાં કોઈ મનગમતું પુસ્તક વાંચવાનો લહાવો લેવો જ લેવો. ન તકિયા, ન કોઈ ગાદી. આરામથી સૂતાં-સૂતાં પુસ્તક વાંચો, ધ્યાન કરો કે સાંજના સમયે કાર્યક્રમ માણો. આ સ્થાન પણ ખૂબ સુંદર છે.

અમારા રોકાણના ત્રીજા દિવસે પૂર્ણિમા હતી એટલે આજે રાતે ફોટોગ્રાફી કરવાનું નક્કી કર્યું. રહેઠાણ પરિસર સામે આવેલા ખુલ્લા બગીચામાં ટ્રાયપૉડ ગોઠવાઈ ગયું અને જેવો પૂર્ણિમાનો ચંદ્ર ઉપર આવ્યો કે બધા પ્રયોગ ચાલુ થઈ ગયા. પરિસરને અજવાળતી ઘેરી સોનેરી લાઇટ વૃક્ષો અને વૃક્ષોથી થોડે ઉપર દેખાઈ રહેલો પૂર્ણ ચંદ્ર કોઈ અલગ જ આભા પ્રસરાવી રહ્યો હતો. મજા પડી ગઈ. અલગ-અલગ રીતે ઘણા પ્રયોગ જે મનમાં ધરબાયેલા હતા એનો અમલ કર્યો અને થોડાઘણા અંશે ફોટોગ્રાફીના જ્ઞાનમાં અભિવૃદ્ધિ પણ થઈ ખરી. મનની શાંતિ અને એકાગ્રતા સફળ પરિણામો આપે છે એ અહીં અનુભવસિદ્ધ. 

રિસૉર્ટની બીજી વાતો, ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓ વિશે ફરી ક્યારેક લખવાનો મોકો મળશે તો જરૂરથી લખીશ. સનસેટ પૉઇન્ટના એક સુંદર અનુભવ વિશે લખીને આપણે અહીં અટકીશું. ચોથા દિવસે સનસેટ જોવા અને ફોટોગ્રાફી કરવા અમે પરિસરના સનસેટ પૉઇન્ટ પર ગયા. વાદળો અને વરસાદી માહોલ હોવાને કારણે વાતાવરણમાં ઘણી ઝાંય હતી. સૂરજદાદા ઝાંખા દેખાઈ રહ્યા હતા. થોડા ધૂંધળા. ફોટો લીધા અને હજી આજુબાજુ જોવા પાછળ ફર્યો ત્યાં તો મોરરાજાનું રુઆબદાર આગમન થયું. તમામ રંગોનો વૈભવ પોતાનાં પીછાંમાં સમાવીને અભૂતપૂર્વ જાંબુડી ચમકદાર રંગોવાળી ડોક લચકાવતા ભાઈસાહેબ મળવા પહોંચી ગયા જાણે. અમે દસેક જણ ત્યાં હાજર હોઈશું. ત્યાં જ આવેલી શિલા પર ગોઠવાઈને ભાઈસાહેબ મંડ્યા ગહેકવા. કિલકારીઓ અને એ પણ આટલી નજીકથી! ભવ સુધરી ગયો હોય એવી લાગણી થઈ, ખરેખર. અમારી વચ્ચે પાંચ ફુટનું પણ અંતર નહીં હોય. આંખો બંધ કરું તો હજી પણ એ સૌંદર્ય આંખ સામે તરવરી ઊઠે છે. કેટલા ફોટો પાડ્યા, પાડી રહ્યો હતો અને મહાશયને જાણે કે પોરસ ચડ્યું. પીછાં ઉઠાવ્યાં અને પૂર્ણ કળાએ મોર ખીલ્યો. સૂર્યનું અસ્ત થવું અને વરસાદી માહોલમાં મોરનું ખીલવું, ખૂલવું હજીયે ગુંજે છે હૃદયપટમાં. ઝંકૃત કરી નાખે છે રોમેરોમ. અતિ ઘેરો જાંબુડી રંગ ક્યારેક એક અલગ ચમક છોડે છે એને જ કદાચ શ્યામ રંગ કહેતા હશે? શ્રીકૃષ્ણનો રંગ પણ શ્યામ જ, ખરુંને? મોરના, એની ડોકના અને પીછાંના રંગવૈભવને શ્યામદર્શન કહી શકાય? બેશક કહી શકાય. ભક્તિ અને સમર્પિત ભાવનું અતિ ઉત્તમ સંયોજન. આનંદા રિસૉર્ટ ફક્ત મહેલ કે કોઈ ઇતિહાસ નથી. સાત્ત્વિકતા, ભક્તિભાવ, ભારતીય યોગસાધના, ભારતીય પરંપરા અને સુંદર આચાર-વિચારોનો શુભ સરવાળો છે. સમન્વય છે. એક અંતઃ યાત્રા છે; વિચારથી આચાર સુધીની, ભાવથી ક્રિયા સુધીની રચનાત્મક યાત્રા. શુદ્ધ કુદરતી પરિબળોને સ્વીકારવાની યાત્રા છે, સંવેદવાની યાત્રા છે, મા પ્રકૃતિને

શરણે જવાની યાત્રા છે જીવનમંત્રથી જીવનસૂત્ર સુધીની યાત્રા છે. શ્રી કુદરત શરણમ્ મમ.

આ શ્રેણીના આગલા મણકાની વાત લઈને મળીશું આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2023 04:39 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK