Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ડેસ્ટિનેશન સુધી પહોંચવા ત્રણ વખત ફ્લાઇટ બદલી

ડેસ્ટિનેશન સુધી પહોંચવા ત્રણ વખત ફ્લાઇટ બદલી

13 October, 2022 12:58 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

દુનિયાનાં અજાયબ સ્થળોની સફર ખેડતાં-ખેડતાં કુદરત સાથે નિકટતા કેળવવી તેમના પ્રવાસની ખાસિયત રહી છે

વિપુલ અને શ્રુતિ ચિતલિયા

અલગારી રખડપટ્ટી

વિપુલ અને શ્રુતિ ચિતલિયા


પૃથ્વીના સૌથી લીલાછમ દેશમાં સક્રિય જ્વાળામુખી જોવા ડુંગરની ટોચે જવું, દોરડા પર સરકવું, મધદરિયે સ્ટીમરના એક છેડેથી ઝંપલાવી તરીને બીજા છેડે સુધી પહોંચવું, હાથીના પગ નીચે સૂઈ જવું જેવાં સાહસો કરનારાં ઘાટકોપરનાં વિપુલ અને શ્રુતિ ચિતલિયા ત્રણ ફ્લાઇટ બદલીને કોસ્ટારિકા પહોંચ્યાં હતાં. દુનિયાનાં અજાયબ સ્થળોની સફર ખેડતાં-ખેડતાં કુદરત સાથે નિકટતા કેળવવી તેમના પ્રવાસની ખાસિયત રહી છે

દુનિયામાં સૌથી સુખી અને આનંદી જીવન વિતાવતા લોકોના ટૉપ ફાઇવ દેશમાં સ્થાન ધરાવતા કોસ્ટારિકાનો પ્રવાસ ખેડી આવેલા ઘાટકોપરનાં વિપુલ અને શ્રુતિ ચિતલિયાને અજાયબ ડેસ્ટિનેશનની મુસાફરી કરવાનો શોખ છે. સક્રિય જ્વાળામુખી જોવા ત્રણ વખત ફ્લાઇટ બદલવાથી લઈને દરિયાનાં ઊછળતાં મોજાંથી ભયભીત થયા વિના સ્ટીમરના છેડે બાંધેલી નેટમાં તણાતાં રહેવું જેવા સાહસો તેમના પ્રવાસની ખાસિયત છે. નેચર અને ઍડ્વેન્ચરનો સાથે આનંદ ઉઠાવી શકાય એવા ભારતીય સહેલાણીઓમાં ઓછાં જાણીતાં પ્રવાસન સ્થળો એક્સપ્લોર કરવાનો તેમનો અનુભવ કેવો રહ્યો જોઈએ.  



ટ્રિપ પ્લાન થઈ


હસબન્ડને ફરવાનો ખૂબ શોખ હોવાથી અડધાથી વધારે દુનિયા ફરી લીધી છે જેમાંથી કિંગ ઑફ નૅશનલ પાર્ક તરીકે ઓળખાતા કોસ્ટારિકાની ટ્રિપ વન ઑફ ધ બેસ્ટ કહી શકાય એવી માહિતી શૅર કરતાં શ્રુતિ કહે છે, ‘સાહસ કરવાના શોખીન અમેરિકામાં રહેતા ઘણા ભારતીયો કોસ્ટારિકા ફરવા જાય છે, પરંતુ અહીંથી જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી છે. ભારતથી કોસ્ટારિકા જવા માટે ડાયરેક્ટ ફ્લાઇટ નથી. અહીંથી લંડન, માયામી ત્યાંથી સૅન હોસે (કોસ્ટારિકાનું કૅપિટલ) એમ જુદી-જુદી ફ્લાઇટ બદલીને જવું પડે. ત્યાંથી પાછું નૅશનલ પાર્ક સુધી પહોંચવાનું. એક્સપ્લોર કરવા માટે થઈને આટલી લાંબી મુસાફરી ભાગ્યે જ કોઈ કરે. અમને છેક ઇન્ડિયાથી પ્રવાસ કરીને આવ્યા છીએ જાણીને લોકલ પબ્લિકને નવાઈ લાગી હતી. વાસ્તવમાં મેક્સિકોમાં અમને એક વેડિંગ અટેન્ડ કરવાની હતી. મારા હસબન્ડને ન્યુ ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવાં ગમે એની ભાણેજને ખબર હોવાથી કોસ્ટારિકા સજેસ્ટ કર્યું હતું. નેચર અને ઍડ્વેન્ચર બન્નેનું કૉમ્બિનેશન તમને આ દેશમાં મળી રહેશે. પ્રવાસીઓને અટ્રૅક્ટ કરે એવી તમામ ઍક્ટિવિટી માટે કોસ્ટારિકા પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે.’

સાહસિક સફર


કોસ્ટારિકામાં લિમિટલેસ ઍડ્વેન્ચર ઍક્ટિવિટી કરવા મળે છે. સ્પૅનિશ ભાષામાં કોસ્ટારિકાનો અર્થ થાય છે ‘રિચ કોસ્ટ’. નામને સાર્થક કરે એવો વૈવિધ્યથી ભરપૂર સમૃદ્ધ દેશ છે. વેકેશન પ્લાન કરતી વખતે સામાન્ય રીતે લોકો યુરોપ, અમેરિકા અને યુકેનાં આરામદાયક સ્થળો શોધે છે. જ્યારે અમને જ્વાળામુખી જોવામાં રસ પડ્યો. હાઇડ્રોલિક્સ મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ્સ ધરાવતા વિપુલભાઈ કહે છે, ‘કોસ્ટારિકાનાં જંગલોમાં ઍડ્વેન્ચરસ સ્પૉટ, સક્રિય જ્વાળામુખી અને સમુદ્રકિનારો અહીંની વિશેષતા છે. આરેનલ અને પાઓ ઍક્ટિવ વૉલ્કેનો મુખ્ય આકર્ષણ છે. આરેનલ વૉલ્કેનો જોવા જંગલમાંથી પસાર થવું પડે. અમુક હાઇટ સુધી ઘોડા પર જઈ શકાય. ત્યાર બાદ આગળ વધીને પહાડની ઊંચાઈએ પહોંચવાનું. અહીંથી તમે સામેના નીચા પહાડનો સક્રિય જ્વાળામુખી જોઈ શકો. રાખ ઊડતી હતી એ સ્પષ્ટ જોઈ શકાતું હતું. વાદળના ગડગડાટ જેવો અવાજ આવે. ઝરમર-ઝરમર વરસાદમાં જોયેલો આ નઝારો અનબિલીવેબલ લાગતો હતો. મજાની વાત એ થઈ કે અમે જે જગ્યાએ સ્ટે કર્યું હતું એ હોટેલના બ્રેકફાસ્ટ ટેબલ પરથી પણ વૉલ્કેનો દેખાતો હતો. સુપર્બ એક્સ્પીરિયન્સ રહ્યો.’

અમે જુદા પ્રકારનાં સાહસો કરવાના શોખીન છીએ. અમુક એવા વૉટરફૉલ્સ છે જ્યાં પહોંચવા માટેનો રસ્તો ડિફિકલ્ટ હોય. અમારા માટે એ ઍડ્વેન્ચર ઍક્ટિવિટી બની જાય. સાહસિક સફર વિશે આગળ વાત કરતાં તેઓ કહે છે, ‘અમુક ઍક્ટિવિટી અમે સાથે કરી છે તો કેટલીક મેં એકલાએ કરી છે. ૧૦૦ ફીટ જેટલી લાંબી સ્ટીમરની ટૂર દરમિયાન મધદરિયે પહોંચીને આગળના ભાગથી દરિયામાં જમ્પ મારીને તરતાં-તરતાં સ્ટીમરના બીજા છેડે જઈને ચડી જવાનું. આ ડેરિંગ મેં કરી હતી. હાથની પગ નીચે સૂઈ જવા જેવું રિસ્ક પણ લીધું હતું. એક માઉન્ટનથી બીજા માઉન્ટન પર રોપ પર સરકીને કરવામાં આવતી ઍક્ટિવિટી ઝિપ લાઇનિંગ બન્નેએ કરી હતી. નીચે રેઇન ફૉરેસ્ટ અને ઉપરથી તમે સરકતા હો ત્યારે ઘડીક ભય લાગે પણ અનુભવ કરવા જેવો છે. જંગલની અંદર લાકડાંના નાના-નાના હૅન્ગિંગ બ્રિજની તો અહીં ભરમાર છે. આખો દિવસ વરસાદ પડતો હોય એવી જગ્યાએ પુલ પર ચાલવું એ પણ સાહસ છે. લૉન્ગેસ્ટ વૉકિંગ રેઇન ફૉરેસ્ટની ટૂર કરીને જાતજાતની વન્યસૃષ્ટિને નજીકથી નિહાળવાની જે મજા છે એ તમને દુનિયાના કોઈ પણ નૅશનલ પાર્કમાં નહીં મળે. અલગ-અલગ જીવજંતુઓ વિશે જાણવા મળ્યું. નેચરમાં આવું પણ છે એની ખરેખર આપણને ખબર નથી હોતી. રિટર્નમાં અમે લોકો મેક્સિકોમાં પ્રસંગમાં હાજરી આપીને ઇન્ડિયા આવ્યાં હતાં.’

કુદરતનું સાંનિધ્ય 

પ્રાકૃતિક સૌંદર્યનો નઝારો માણવો બધાને ગમતો હોય, પરંતુ એની અનુભૂતિ સૌની જુદી હોવાની. શ્રુતિ કહે છે, ‘બારેમાસ વરસાદ પડતો હોવાથી કોસ્ટારિકામાં ચારે બાજુ હરિયાળી છે. અહીંની ગ્રીનરીની કલ્પના કરવી મુશ્કેલ છે. વર્લ્ડમાં ફર્સ્ટ નંબર પર આવે છે. ડામરના રોડ સિવાય બધું જ લીલુંછમ દેખાય. આંખને અને દિલને ગમી જાય એવી સુંદર જગ્યાએ કોઈ પણ ઍક્ટિવિટી કર્યા વિના થોડા દિવસ રોકાઈ જવાથી પ્રવાસનો બધો થાક ઊતરી જાય અને શરીરમાં જોમ આવે. એક જગ્યાએ શાંતિથી બેસીને એની સુંદરતાને નિકટતાથી નિહાળવામાં અમને વધારે ખુશી મળે છે. નેચર સાથે કનેક્ટ થવું એક પ્રકારનું મેડિટેશન છે. કોઈ પણ દેશમાં જોવાલાયક સ્થળોની મુલાકાત અને સાહસો કર્યા પછી અઠવાડિયું કુદરતના સાંનિધ્યમાં વિતાવીને પરત ફરવાનો અમારો વણલખ્યો નિયમ છે. આ સમયગાળામાં માત્ર સ્થાનિક લોકો સાથે વાતો કરવાની, એ લોકોના કલ્ચર વિશે જાણવાનું અને લોકલ ડિશ ટેસ્ટ કરવાની. જુદા-જુદા દેશોની ટ્રામ અને મેટ્રોમાં ટ્રાવેલ કરવાનું ગમે. કોસ્ટારિકા ઉપરાંત ક્રોએ​શિયાનો પ્રવાસ પણ રસપ્રદ હતો. કૅનેડા અને અમેરિકા લગભગ આખું ફરી લીધું છે. ઇટલી, ઑસ્ટ્રેલિયા,મૉરિશ્યસ, મૉલદિવ્ઝ, ન્યુ ઝીલૅન્ડ, નેધરલૅન્ડ્સ વગેરે ડેસ્ટિનેશનની બ્યુટીને નજીકથી માણી છે. ભારતમાં પણ ઓછાં જાણીતાં સ્થળો ફરવાનું પસંદ છે.

ટિપ્સ

કોસ્ટારિકાની રાજધાની સૅન હોસે છે અને મેક્સિકોમાં પણ સૅન હોસે નામની સિટી છે તેથી ફ્લાઇટ બુક કરતી વખતે ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા પ્રવાસીઓ થાપ ખાઈ ગયાના દાખલા છે.

મલેશિયામાં કરી મજા

મલેશિયામાં આવેલા લેંગકાવી આઇલૅન્ડની સફર અત્યંત રોમાંચક હતી એમ જણાવતાં શ્રુતિ કહે છે, ‘અહીં સરસ મજાની ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી થાય છે. એક મોટી શિપના પાછળના ભાગમાં જાડા દોરડામાંથી બનાવેલી નેટ બાંધવામાં આવી હોય. ૮થી ૧૦ ટૂરિસ્ટો આ નેટ પર બેસી જાય. શિપની સાથે આપણે ખેંચાતા જઈએ. દરિયાનાં મોજાં ઊછળે એમ આપણે પણ ઊછળ્યા કરીએ. વેવ સાથે ફ્લોટ કરો. અમેઝિંગ એક્સ્પીરિયન્સને એક્સપ્લેન કરવા શબ્દો નથી. સ્કૂબા ડાઇવિંગ અને અન્ડર વૉટર વૉકિંગ આની આગળ કૉમન લાગે. આટલું ફર્યા છીએ પણ આવી ઍક્ટિવિટી દુનિયાના બીજા દેશમાં નથી જોઈ. ક્રોએશિયામાં ઝડાર નામની એક જગ્યા પણ બ્યુટિફુલ છે. અહીં સી ઑર્ગેન (દરિયાઈ સંગીત)નો આનંદ ઉઠાવવા જેવો છે. દરિયાનાં મોજાં ઊછળે ત્યારે સંગીત સંભળાય. વેવ ઊંચી હોય તો સાઉન્ડ વધુ આવે અને નાની વેવનો સાઉન્ડ ધીમો હોય. જોકે આ નૅચરલ નથી. દરિયાની અંદર ટેક્નૉલૉજી વાપરીને અરેન્જ કરવામાં આવ્યું છે. ટેક્નૉલૉજીનો આવો સુંદર ઉપયોગ બીજે ક્યાંય નથી જોયો. નૉર્વેમાં મિડનાઇટ સન જોવાનો અને ઇલેક્ટ્રિક કારમાં બેસીને માઉન્ટન રાઇડનો આનંદ પણ ઉઠાવ્યો છે. દરેક પ્રવાસમાં કંઈક નવું જોઈ આવ્યા એવો એહસાસ થવો જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2022 12:58 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK