ન્યુ ઝીલૅન્ડના વેલિંગ્ટનથી નૉર્થ આઇલૅન્ડના મધ્યમાં આવેલા રોટોરુઆ સુધીની સાડાચારસો કિલોમીટરની સફરમાં અજાયબીઓ, વચ્ચે આવેલાં રમણીય ગામો અને આર્કિટેક્ચરની દૃષ્ટિએ અદ્ભુત અને ઐતિહાસિક સેન્ટ પૉલ ચર્ચની મુલાકાત કરીને સફરની વાતો કરીએ
બુલ્સ ગામનું પોલીસ સ્ટેશન -પૂર્ણ નિરાંત.
નૉર્થ આઇલૅન્ડ, સાઉથની સરખામણીએ હજી હૂંફાળો કહેવાય. વેલિંગ્ટન તો આમ પણ ગીચ છે એટલે હૂંફાળું જ રહેવાનું. ક્યુબા સ્ટ્રીટમાં રખડીને, શૉપિંગ કરીને, બકેટ ફાઉન્ટનની વાંછટમાં પલળીને કોપથૉર્ન પહોંચ્યાં ત્યારે રાત પડી ગઈ હતી. ડિનર આજે પણ બહાર પતાવ્યું. વેલિંગ્ટન પ્રમાણમાં ઘણું નાનું લાગ્યું. અમારી યાદીમાં એકાદ-બે આકર્ષણો જ બાકી હતાં એ કાલે થોડાં વહેલાં પતાવીને પછી આગળ નીકળી જઈશું એમ રાતે નક્કી કર્યું હતું. આવતી કાલનો દિવસ થોડો લાંબો બની રહેવાનો હતો એમ લાગી રહ્યું હતું. આગલો પડાવ હતો લગભગ સાડાચારસો કિલોમીટરના અંતરે આવેલું રોટોરુઆ. રોટોરુઆ નૉર્થ આઇલૅન્ડની એકદમ મધ્યમાં આવેલું છે. એને અહીંના મૂળભૂત નિવાસી માઓરીઓનો પ્રદેશ કહી શકાય. રોટોરુઆ અને એની આજુબાજુનો વિસ્તાર કુદરતી અજાયબીઓનો પ્રદેશ છે એમ કહી શકાય. રાતે નકશો ખોલ્યો.



