જે મેળવવા તે અવારનવાર એના ખોળે જવા માગે છે. ત્યાંનું ખુલ્લું આકાશ અને એના અગણિત તારાઓનું તેમને ઘણું આકર્ષણ છે

હિમાલયના પ્રેમમાં છે આ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ
૩૪ વર્ષના રોહન મહેતા ઉત્તરાખંડનો રૂપકુંડ ટ્રેક અને કાશ્મીરમાં આવેલો ગ્રેટ લેક ટ્રેક કરી ચૂક્યાે છે. હિમાલયની અદ્ભુત સુંદરતા તેને એક અલૌકિક શાંતિ આપે છે, જે મેળવવા તે અવારનવાર એના ખોળે જવા માગે છે. ત્યાંનું ખુલ્લું આકાશ અને એના અગણિત તારાઓનું તેમને ઘણું આકર્ષણ છે
‘જ્યાં સુધી તમે હિમાલય ગયા નથી ત્યાં સુધી એ તમારા માટે એક પર્વત હોય કે એક જગ્યા માત્ર હોય, પણ બસ એક નજર એને સાક્ષાત જોઈ લો, એના ખોળે બેસો કે એને થોડોક એવો પણ ખૂંદી લો તો તમને એ હંમેશાં માટે પોતાના બનાવી લે છે. લોકો કહે છે કે એ જગ્યા પર કંઈક એવો જાદુ છે જે તમને જીવનનો એક એવો અનુભવ આપી જાય છે જે તમે ક્યારેય ભૂલતા નથી. ત્યાં જઈને મને જે શાંતિ મળે છે એ શાંતિ અમૂલ્ય છે મારા માટે.’
પર્વતો સાથે મિત્રતા
આ શબ્દો છે ૩૪ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રોહન મહેતાના, જે હાલમાં મિત્રો સાથે કાશ્મીર ગ્રેટ લેક (KGL) ટ્રેક કરી આવ્યા છે જે તેમનો હિમાલયમાં જ બીજો ટ્રેક હતો. ૨૦૧૬માં તેઓ પહેલી વાર મિત્રો સાથે જ રૂપકુંડ ટ્રેક પર ગયેલા. એ પહેલા ટ્રેક પર જ તેમને હિમાલય જોડે પ્રેમ થઈ ગયેલો. એક મિડલક્લાસ પરિવારના બાળક તરીકે નાનપણમાં ફરવાનું કે ટ્રેકિંગ જેવા ખર્ચાળ કહી શકાય એવા શોખ પાળેલા નહીં તેમણે, પરંતુ પર્વતોનું આકર્ષણ પહેલેથી હતું. રોહને કૉલેજકાળમાં સહ્યાદ્રિના કોંઢાણા, નાનેઘાટ અને લોહગઢ જેવા થોડા ટ્રેક્સ કર્યા હતા. હાલમાં તેઓ અંધારબન ટ્રેક પણ કરી આવ્યા. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મુંબઈમાં રહીને સહ્યાદ્રિનો એકાદ ટ્રેક પણ ન કર્યો હોય એવા ભાગ્યે જ કોઈ મળે. નાનપણથી હું પરિવાર સાથે પાવાગઢ, ગિરનાર જેવી જાત્રાઓ પર ગયો છું; પરંતુ એ રીતે પર્વત ચડવા અને ટ્રેક કરવામાં ફરક તો ખરો જ. સહ્યાદ્રિના ટ્રેક મારા જીવનના પહેલા ટ્રેક્સ છે જે કરતી વખતે મને પહલો એ અંદાજ આવ્યો કે પર્વતો ખૂંદવાની મને ભારે મજા પડે છે. જોકે ત્યારે મેં નહોતું વિચાર્યું કે આ મજા ધીમે-ધીમે મારો શોખ બની જશે.’
રૂપકુંડ ટ્રેક
રોહનને ૨૦૧૬માં રૂપકુંડ ટ્રેક પર જવાનો મોકો મળ્યો. રૂપકુંડ એક તળાવ છે, જે મિસ્ટરી લેક તરીકે ઓળખાય છે. એ ઉત્તરાખંડમાં આવેલું છે. એ ટ્રેક તમને ૧૬,૪૯૯ ફીટની ઊંચાઈ સુધી લઈ જાય છે. ટ્રેકર્સની ભાષામાં એને મૉડરેટ ટ્રેક કહી શકાય, જે કરતી વખતે દિવસના તમે પર્વતોમાંથી કૂદતી આવતી નદીઓના પ્રવાહ, આંખને ઠંડક આપે એવું હરિયાળું ગીચ વન માણી શકો છો અને રાત્રે નીરવ શાંતિ વચ્ચે, ખુલ્લા આકાશમાં ચમકતા અરબો તારાઓના પ્રકાશમાં નાહી શકો છો. આ ટ્રેકમાં રૂપકુંડ તળાવ, નીલગંગા નદી અને કાલુ વિનાયક મંદિર એનાં મહત્ત્વનાં સ્થળો કહી શકાય. આ સિવાય ટ્રેક દરમિયાન તમને નંદાદેવી, કામેટ, દ્રોણાગિરિ અને હાથ-ઘોડી પર્વત જોવા મળે છે.
અવિસ્મરણીય દૃશ્ય
પોતાના અનુભવ વિશે વાત કરતાં રોહન કહે છે, ‘એ સમયે હું ૨૭-૨૮ વર્ષનો હતો. ક્રિકેટ રમવા જતો અને જિમની મુલાકાતો પણ વચ્ચે-વચ્ચે લઈ લેતો એટલે ટ્રેક પર જવું છે તો તૈયારી જોશે એવું લાગ્યું નહીં. હવે એવું રહ્યું નથી. હવે તૈયારીની જરૂર પડે છે. બાકી રૂપકુંડ મારા જીવનનો બેસ્ટ ટ્રેક હતો એમ કહી શકું. લોહગંજ અમારો બેઝ કૅમ્પ હતો. આમ તો આ આખો ટ્રેક યાદગાર છે પરંતુ એની એક રાત હું ક્યારેય નહીં ભૂલું. હું કૃષ્ણ પક્ષમાં ગયેલો એટલે ચાંદો દેખાય નહીં ત્યારે તારાઓને વધુ ચમકવાનો મોકો મળે. બીજું એ કે અમે ગયા ત્યારે વાદળાં નહોતાં એટલે આકાશ એકદમ ચોખ્ખું. એટલી ઊંચાઈએ જ્યારે તમે હો તો રાત્રે તારાઓ જાણે કે એકદમ નજીક આવી ગયા હોય એવું લાગે અને ખુલ્લા પટમાં કરોડો-અરબો તારાઓ ઝગારા મારતા દેખાય. એનાથી સુંદર દૃશ્ય મેં આજ સુધી જોયું જ નથી. એવું લાગે કે આ રાત પતે જ નહીં.’
KGL ટ્રેક
રૂપકુંડે રોહનમાં વધુ ટ્રેક કરવાનો જોશ ભર્યો પરંતુ કોરોના વચ્ચે નડી ગયો. એ પછી હાલમાં આ જ વર્ષે કાશ્મીર ગ્રેટ લેક ટ્રેક, જેને KGL તરીકે ઓળખાય છે ત્યાં જવાની તક મળી. ફરી મિત્રો સાથે કાશ્મીરનાં જુદાં-જુદાં સાત તળાવો જોવા રોહન ઊપડ્યો. આ વખતે કાર્ડિયો, ક્રૉસ ફીટ અને જિમની એક મહિનાની તૈયારી પછી એ ટ્રેક પર ગયા હતા. આ એક ૭ દિવસનો ટ્રેક હતો, જે તેમણે ૬ દિવસમાં પૂરો કરેલો. એના અનુભવ વિશે વાત કરતાં રોહન કહે છે, ‘રૂપકુંડથી સરખામણી કરું તો આ ટ્રેક એના કરતાં અઘરો હતો, કારણ કે રૂપકુંડમાં દરરોજ એકાદ હજાર ફીટનું ચડાણ અમે કરતા અને એ એકધારું ઉપર ચડાણ હતું. જ્યારે KGLમાં ઉપર ચડો અને ઊતરો, ફરી પાછા ચડો અને ઊતરો. એક જ દિવસમાં ચડાણ અને ઉતરાણ બન્ને કરવાનાં. લગભગ ૧૨-૧૩ કિલોમીટરનું ચડાણ દરરોજ કરવાનું હતું. આશરે ૧૩ હજાર ફીટ જેટલી ઊંચાઈએ હતા અમે. જોકે આ ટ્રેકમાં મેદાનો પણ પાર કરવાનાં હતાં, જે સરળ હતું. પણ અહીંના પર્વતો વધુ અઘરા હતા સર કરવાના. મારો એક મિત્ર બેઝ કૅમ્પથી પહેલા દિવસની ચડાઈ કરવામાં જ એટલો ડરી ગયો કે એ ટ્રેક અધૂરો છોડી દીધો. ત્યાં પણ અમને બધાએ એ સલાહ આપી કે જેને આત્મવિશ્વાસ ન હોય કે તે કરી શકશે તેને પુશ ન કરો.’
વિશેષતા
શ્રીનગર રોડ પર સોનમર્ગથી ૩ કિલોમીટર પહેલાંથી આ ટ્રેકની શરૂઆત થાય છે. આ ટ્રેક પર જવાનો સમય જૂનથી સપ્ટેમ્બરનો છે. એ સમયે બરફ પીગળી ગયો હોય છે અને હરિયાળી સાથે પીળાં અને પર્પલ જંગલી ફૂલો આ સમયે ઘણાં જોવા મળે છે. આ આખા ટ્રેક દરમિયાન ત્રણ હાઈ અલ્ટિટ્યુડ પાસ, પાંચ રિવર વૅલી ક્રૉસિંગ્સ અને સાત તળાવોનો આહ્લાદક અનુભવ મેળવી શકાય છે. આમ આ ટ્રેક ૬૯ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. સૌથી મજાની વાત જણાવતાં રોહન મહેતા કહે છે, ‘કિશનસર અને વિશનસર તળાવ, નંદકોલ અને ગંગબાલ તળાવની સુંદરતા અદ્ભુત છે. મજા એ વાતની છે કે અમારો રાતવાસો આ તળાવના કિનારે ટેન્ટ બાંધીને થતો. જોકે અહીં અમે તારાઓની જગ્યાએ ચંદ્રથી નજીક હતા, કારણ કે અમે શુક્લ પક્ષમાં ગયા હતા. રાત્રે અહીં બિલકુલ લાઇટ ન હોવા છતાં અંધારું લાગે જ નહીં એટલો પ્રકાશ હતો ચંદ્રનો. આ જગ્યાએ હિમાલયની સુંદરતાને જેટલી મનમાં ભરવી હોય એટલી ભરી લઈએ એમ લાગે.’
હિમાલય અને હું
હિમાલયની ખાસિયત જણાવતાં રોહન કહે છે, ‘આ એક એવી જગ્યા છે જ્યાં દરેક વ્યક્તિ માટે કંઈ ને કંઈ મળી રહેશે. એની સાથે દરેક વ્યક્તિ પોતાનો સંબંધ બાંધી શકે એમ છે. દરેક વિઝિટમાં અને દરેક જગ્યાએથી જુદો જ દેખાતો પણ છતાંય એક જ છે એનો ભાસ આપતો હિમાલય જેટલો ખૂંદીએ એટલો ઓછો. મારું ચાલે તો અહીં જ વસી જાઉં પણ જો એમ ન થાય તોય હિમાલયને હંમેશાં એક જ પ્રાર્થના કરીને આવું છું કે હવે જલદી બોલાવજે. જો એની મરજી હશે તો નેક્સ્ટ કેદારકંઠ ટ્રેક જવાની ઇચ્છા છે.’
પહાડોએ આપી છે હિંમત
ટ્રેક્સ સિવાય રોહન મહેતા સિંગાપોર, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, સાઉથ આફ્રિકા જેવા ઇન્ટરનૅશનલ અને કેરલા, મનાલી, ગોવા, જગન્નાથપુરી જેવાં લોકલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ જઈ આવ્યા છે. ઘણી ઍડ્વેન્ચર સ્પોર્ટ્સમાં તે સ્કાય ડાઇવિંગ, બંજી જમ્પિંગ, પૅરાગ્લાઇડિંગ, પૅરાસેઇલિંગ, સ્નોર્કલિંગ અજમાવી ચૂક્યા છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઍડ્વેન્ચર કરવાની હિંમત મને પહાડોએ જ આપી છે. એની સાથે જ્યારે મિત્રતા કરો ત્યારે જીવનમાંથી ડર જતો રહે છે.’