મહારાષ્ટ્રમાં ખિદ્રાપુર ગામે આવેલા કોપેશ્વર મંદિરનો સ્વર્ગ મંડપ ઓપન ટુ સ્કાય છે અને અહીં શિવજીની સાથે વિષ્ણુ પણ લિંગ સ્વરૂપે બિરાજમાન છે
કોપેશ્વર મંદિર
કોલ્હાપુરના અંબામાઈ (મહાલક્ષ્મી માતા)ના મંદિરથી મોટા ભાગના ધર્મપ્રેમીઓ અવગત છે. પરંતુ ત્યાંથી ફક્ત ૬૦ કિલોમીટરના અંતરે આવેલું વાસ્તુશિલ્પના ચમત્કાર સમું તેમ જ પૌરાણિક કનેક્શન ધરાવતા કોપેશ્વર મંદિર વિશે બહુ ઓછા લોકો જાણે છે. ઐસા ક્યૂં? આખિર ક્યૂં? કદાચ એટલા માટે કે આપણે ક્યાંય પાઠ્યપુસ્તકમાં આપણી સંસ્કૃતિની અસલી ધરોહર વિશે ભણ્યા નથી અને જો કોઈના મોઢે જે-તે સ્થળો વિશે સાંભળ્યું હોયને તોય એની પ્રત્યે આપણે આંખ આડા કાન કર્યા છે.
ખેર, હવે ભૂતકાળની ભૂલોમાંથો ધડો લઈ ભવિષ્ય સુધારીએ. અને કોપેશ્વર તેમ જ એના જેવાં અનેકાનેક પ્રાચીન સ્થાપત્યોની ઉપેક્ષા ન કરી એની વિઝિટ કરીએ, એના સંવર્ધનમાં મદદરૂપ થઈએ સો, બંધુ આણિ બહિણ, આપલે મહારાષ્ટ્ર મધે સર્વાંચાં સ્વાગત આહે.
ADVERTISEMENT
કુલ ચાર ભાગમાં વિભાજિત આ ખૂબસૂરત મંદિર ચાલુક્ય સામ્રાજ્યના ક્ષત્રિય રાજા પુલકેશી દ્વિતીયએ નિર્માણ કરાવ્યું છે. છઠ્ઠી સદીની આસપાસ જ્યારે બદામી (કર્ણાટક)ની આસપાસ ચાલુક્યોના શાસનનો સુવર્ણકાળ હતો ત્યારે આ મંદિરની નીંવ નખાઈ હતી. જોકે કૃષ્ણા નદી પર આવેલું આ સ્થાન એ પૂર્વેથી પવિત્ર તો હતું જ. કહે છે કે આ સ્થળે વિષ્ણુ ભગવાન શિવજીનો ક્રોધ શાંત કરવા એમને અહીં લાવ્યા હતા માટે અહીંનું નામ પડ્યું કોપેશ્વર. પણ શિવજી ક્રોધિત કેમ થયા હતા? ચાલો, એ કથા ફરી એક વખત જાણીએ. શિવના સસરા એટલે સતીના પિતા દક્ષે વિશાળ યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે સમસ્ત સૃષ્ટિના ઈશ્વર, દેવો, ઋષિમુનિઓ, તાપસોને આમંત્ર્યા હતા પરંતુ સ્મશાનગૃહી, ભસ્માધારી શિવજી તેમના જમાઈ હોવા છતાં ભોળાનાથ પરત્વે અણગમો હોવાથી દક્ષ રાજાએ તેમને નિમંત્રણ નહોતું આપ્યું. જોકે ‘પિતાને ત્યાં જવા તેડાની શી જરૂર’ એમ માની સતી પતિ સહિત એ યજ્ઞમાં ગયાં પરંતુ ત્યાં શંભુનું યોગ્ય સન્માન ન થવાથી સતીએ એ યજ્ઞમાં જ કૂદીને પ્રાણ ત્યજી દીધા. આ ઘટનાથી મહાદેવ ક્રોધિત થઈ ગયા અને તેમણે સસરા દક્ષનું માથું ધડથી અલગ કરી નાખ્યું. તેઓ સંપૂર્ણ દુનિયાને નષ્ટ કરવાના મૂડમાં હતા. ત્યારે ભગવાન વિષ્ણુ શંભુને શાંત પાડવા અહીં લઈ આવ્યા હતા. બાદમાં કૈલાસવાસી શાંત થયા અને દક્ષ રાજાના ધડ ઉપર નર બકરાનું માથું લગાવી દીધું.
વેલ, એટલે જ અહીં નંદી બિરાજમાન નથી, કારણ કે શિવજી તો વિષ્ણુ સાથે આવ્યા હતા. અને માટે જ અહીં શિવલિંગ (કોપેશ્વર) સાથે વિષ્ણુ (ધોપેશ્વર)નાં પણ બેસણાં છે. વિષ્ણુ અહીં લિંગરૂપે છે અને આ જ આ શિવાલયની વિશિષ્ટતા બની રહી છે. કોપેશ્વર મહાદેવ અહીં બેઠા છે તો ગામનું નામ ખિદ્રાપુર કેમ? એની વળી એક ઓર કહાની છે. આ સ્થળનું નામ પહેલા કોપમ્ જ હતું પણ મોગલોનો એક સરદાર ખિદ્દર ખાન અહીં વસતાં તેણે આ જગ્યાને ખિદ્રાપુર નામ આપ્યું.
દક્ષ રાજાની કથા સાથે બીજી એક પણ પૉપ્યુલર છે. આ એકમેવ શિવમંદિર વિશે ડૉક્ટરેટ કરનારા પ્રખર અભ્યાસુ ડૉ. રામચંદ્ર ચોથે કહે છે, ‘મરાઠી ભાષામાં એક કિંવદંતી બહુ પ્રચલિત હતી.‘સંકેશ્વર ચા શંકનાથ, રાયબાગ ચા ડંકનાથ આણિ કોપમ્ ચા કોપેશ્વર’ નાં દર્શન જે કરી લે તેને શંકર ભગવાન સ્વર્ગમાં સ્થાન આપે. આ જાણી અનેક શિવભક્તો શંકરાચાર્યે સ્થાપેલા શંકરલિંગ (સંકેશ્વર-કર્ણાટક) રાયબાગ (બેલગામ નજીક)ના ડંકનાથ તેમ જ કોપેશ્વરના મહાદેવની પૂજા-અર્ચના કરી આવતા અને સ્વર્ગ મેળવતા. આથી સ્વર્ગમાં બહુ ભીડ વધી ગઈ. હેવનમાં વસ્તી વધી જવાથી અહીં પહેલાંથી વસવાટ કરતા દેવોને તકલીફ થવા લાગી અને તેઓ એની ફરિયાદ કરવા વિષ્ણુ ભગવાન પાસે ગયા. એમાં વિષ્ણુ અહીં કોપેશ્વરમાં પ્રગટ થયા અને શંકર ભગવાને આપેલા વરદાનનો અંત આવ્યો.’
આ બેઉ કહાનીઓમાંથી જે વાર્તા સાચી હોય તે, પણ એ હકીકત છે કે આ અદ્ભુત સ્થાપત્ય શિલ્પકલાની કવિતા છે. એની બહાર અને અંદર પથ્થરની કોતરણીના બેનમૂન નમૂનાઓ છે. મંદિરમાં પ્રવેશતાં સૌપ્રથમ સ્વર્ગ મંડપ આવે છે. ૪૮ સ્તંભની ચાર હારમાળાના સ્તંભો દ્વારા બનેલા આ મંડપના મધ્ય ભાગની ઉપર કોઈ છત નથી. મતલબ એ ઓપન ટુ સ્કાય છે. અને બરાબર એ સર્કલની નીચે રંગશિલા છે. ૧૪ ફુટ વ્યાસ ધરાવતો આ ગોળાકાર પથ્થર અખંડ છે અને એની એક્ઝૅક્ટ ઉપર એ જ શેપ અને સાઇઝનો ભાગ ખુલ્લો છે. કહે છે કે નીચે મુકાયેલી શિલા મંદિરની છત બનવાની હતી પણ એ બની ન શકી આથી એને નીચે મૂકવામાં આવી. જોકે ડૉ. ચોથે એ વાત નકારતાં કહે છે કે આવી ડિઝાઇન મંદિરના આર્કિટેક્ચરનો એક ભાગ છે. દર કાર્તકી પૂર્ણિમાએ ચંદ્ર બરાબર આ સ્વર્ગ મંડપની મધ્યમાં આવે છે, જે એ સમયના દેશી ઇજનેરોના ઍસ્ટ્રોનોમિકલ જ્ઞાનનો પરિચય કરાવે છે.
સ્વર્ગ મંડપની આગળ છે સભા મંડપ. આ મંડપની ચારે દીવાલોના ૪ લેવલ પર અલગ-અલગ કોતરણી કરવામાં આવી છે. ગજપટ્ટો, દેવપટ્ટો વગેરે. એ પછી સભા મંડપ અને ગર્ભગૃહ વચ્ચે આવે અંતરાલ. અને ત્યાર બાદ મુખ્ય ગર્ભગૃહ, જેમાં શંકર અને વિષ્ણુની જોડી બિરાજમાન છે. કાર્તકી પૂનમની જેમ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આ લિંગમ ઉપર સૂર્યોદય સમયનું પહેલું કિરણ પડે છે અને આખું ગર્ભગૃહ પ્રકાશિત થાય છે. એ દિવસ બાદ અહીં ક્યારેય સૂરજનો પ્રકાશ આવતો નથી.
આવી એક સે બઢકર એક વિશેષતા ધરાવતું આ મંદિર ઍક્ચ્યુઅલી અધૂરું જ બન્યું, કારણ કે એના નિર્માણકર્તા રાજા પુલકેશી એક લડાઈમાં યુદ્ધના મેદનમાં જ મૃત્યુ પામ્યા. આથી મંદિર વિસરાઈ ગયું. જોકે ૧૨થી ૧૪મી સદી દરમિયાન યાદવ શાસકોએ અહીંનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને કેટલુંક કામ પણ કરાવ્યું પણ અત્યારે અહીં મંદિરની દીવાલો ઉપર મૂર્તિઓના, શિલ્પોના જે તૂટેલા અવશેષો દેખાય છે એ હાલત કરી છે ઔરંગઝેબના સૈનિકોએ. ૧૭મી સદીમાં ઔરંગઝેબે કોલ્હાપુર નજીક મિરજમાં થાણું સ્થાપ્યું અને પરિવાર સાથે અહીં શિફ્ટ થયો. ત્યારે એક દિવસ તેની દીકરી આ મંદિર જોવા આવી. એ શહઝાદીને સ્થાપત્યનો આ અદ્ભુત નમુનો એવો ગમી ગયો કે તે વારંવાર અહીં આવતી. પુત્રીની આ ચાહતને જાણી ઔરંગઝેબને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે સૈનિકોને કોપેશ્વરનો ધ્વંસ કરવાનો આદેશ આપ્યો. પછી ગાંડાતુર સૈન્યએ એવી આડેધડ તોડફોડ કરી કે મંદિરની અપ્રતિમ સુંદરતા ઘવાઈ ગઈ. એના પછી આપણી પ્રજા અને સરકારની ઉપેક્ષાએ બાકી રહ્યું તે બગાડ્યું. આવી ઉપરાઉપરી ઘાત આવવા છતાં આજે પણ કોપેશ્વર અડીખમ ઊભું છે અને હવે પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. બે વર્ષ પૂર્વે સરકારે એના સંરક્ષણ અને રિસ્ટોરેશન માટે ભંડોળ ફાળવ્યું છે. હવે આશા રાખીએ કે આપણી ફ્યુચર જનરેશન માટે આ અનમોલ આર્ટ અકબંધ રહે.
મુંબઈગરા માટે ખિદ્રાપુર જવા માટે કોલ્હાપુર ઇઝ બેસ્ટ અરાઇવલ સ્થાન. રાત્રે અહીંથી ટ્રેનમાં બેસો અને ચંપલ માટે પ્રખ્યાત શહેરમાં ઊતરી ત્યાંથી એક કલાકની રોડ જર્ની બાદ પહેલું આવે કોપેશ્વર મંદિર. ખિદ્રાપુરમાં નાસ્તા, ચાપાણીની સોઈ મળી જશે પણ રહેવાનું તો જૅગરી (ગોળ) સિટી કોલ્હાપુરમાં જ રાખવું પડશે.
પૉઇન્ટ બ્લૅન્ક
આગળ કહ્યું એમ કોલ્હાપુર મહાલક્ષ્મી માતાને મત્થા ટેકવા જરૂર જજો જ. એ જ રીતે અહીંનું છત્રપતિ શાહુ મ્યુઝિયમ (ન્યુ પૅલેસ) પણ ડોન્ટ મિસ. નરસિંહવાડી દત્ત મંદિર પણ શ્રદ્ધેય સ્થાન છે. ને સમય હોય તો ફેમસ પન્હાલા ફોર્ટ પણ ખરો જ. પણ જો ક્યાંય દોડાદોડ ન કરવી હોય તો ઍન ઈવનિંગ ઑન રંકાલા તળાવ. શહેરની મધ્યમાં આવેલું આ લેક શાતાદાયક છે. સરોવરની સેન્ટરમાં રંકભૈરવનું મંદિર પણ છે જ્યાં બોટિંગ દ્વારા પહોંચી શકાય છે.


