સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થયું માવઠું : કલ્યાણપુર અને વેરાવળમાં એક ઇંચ અને ખંભાળિયામાં અડધો ઇંચ કમોસમી વરસાદ પડ્યો : ખેતીના પાકને નુકસાન
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઉનાળાની આ સીઝનમાં પણ ગુજરાતને કમોસમી વરસાદ કનડી રહ્યો છે. જાણે કે વરસાદ ગુજરાતમાંથી જવાનું નામ ન લેતો હોય એમ થોડા-થોડા દિવસોના અંતરે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે પણ સૌરાષ્ટ્રના કલ્યાણપુર અને વેરાવળમાં એક ઇંચ અને ખંભાળિયામાં અડધો ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો.
ગઈ કાલે બપોરે બે વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૦ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કલ્યાણપુર, વેરાવળ, ખંભાળિયા ઉપરાંત ઓખા, અંજાર, ગાંધીધામ, લાલપુર, ભાણવડ અને તલાલા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, ઊંઝા પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે બાજરો, તલ, વરિયાળી, દાડમ, કેરી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
