`મિડ-ડે’ સાથેની વાતચીતમાં ઉદયભાઈ વાત કરે છે જીવનમાં ક્યારેય ન મળી હોય એવી વ્યક્તિ સાથે ફરવા જવાના રોમાંચ સાથે શરૂ થયેલી સેકન્ડ ઇનિંગ્સની.
G2G ટ્રિપના મેમ્બરો.
આને કહેવાય રિયલ લાઇફ ઍડ્વેન્ચર. રિટાયરમેન્ટને રોમાંચક બનાવવા ગાંધીનગરના ૬૦ વર્ષના ઉદય અંતાણીએ દમદાર નુસખો શોધી કાઢ્યો છે. લૉન્ગ ડિસ્ટન્સ ડ્રાઇવિંગનો શોખ ધરાવતા આ ભાઈ સોશ્યલ મીડિયા દ્વારા સમાન શોખ ધરાવતા લોકોને શોધીને ફરવા ઊપડી જાય છે. હાલમાં તેઓ અજાણ્યા લોકો સાથે ગાંધીનગરથી ગૅન્ગટૉકની સેલ્ફ-ડ્રાઇવ ટ્રિપ કરી આવ્યા. ભૂતકાળમાં આવી જ રીતે તેમણે કોટેશ્વરથી રામેશ્વરમનો અને ગાંધીનગરથી લેહનો પ્રવાસ કર્યો છે. ઉદયભાઈ વાત કરે છે સાહસ, સલામતીના નિયમો અને સેકન્ડ ઇનિંગ્સની શાનદાર શરૂઆતની
૮ સભ્યોનું ગ્રુપ ગાંધીનગરથી ગૅન્ગટૉકની અને ત્યાંથી ફરી ગાંધીનગરની કુલ ૪૮૨૯ કિલોમીટરની રોડ-ટ્રિપ કરી આવ્યું. આ સાહસિક સફરમાં ઉજ્જૈન, જબલપુર, વારાણસી, દાર્જીલિંગ, પ્રયાગ, ચિત્રકૂટ અને કોટા જેવાં સ્થળોને આવરી લેવાયાં હતાં. આ પ્રવાસમાં ૫૧થી ૬૩ વર્ષની વયના પુરુષોએ સેલ્ફ-ડ્રાઇવ કર્યું હતું. આ કોઈ સામાન્ય ટ્રિપ નહોતી. ગાંધીનગર ટુ ગૅન્ગટૉક (G2G) પ્રવાસમાં ગયેલા મેમ્બરો જીવનમાં પહેલી વાર એકબીજાને મળ્યા હતા. સોલો ટ્રિપ કરનારા ઘણા મળી જશે, પરંતુ અજાણ્યા લોકો સાથે લાંબા અંતરનો પ્રવાસ પ્લાન કરવાનું સાહસ બધામાં નથી હોતું. લૉન્ગ ડિસ્ટન્સ ડ્રાઇવિંગમાં રુચિ ધરાવતા ૬૦ વર્ષના ઉદય અંતાણીએ નિવૃત્તિ બાદ પોતાના શોખને વ્યક્તિગત આનંદ પૂરતો મર્યાદિત ન રાખતાં તેમના જેવા અન્ય લોકોને શોધીને પ્રવાસો શરૂ કર્યા છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં ઉદયભાઈ વાત કરે છે જીવનમાં ક્યારેય ન મળી હોય એવી વ્યક્તિ સાથે ફરવા જવાના રોમાંચ સાથે શરૂ થયેલી સેકન્ડ ઇનિંગ્સની.
ADVERTISEMENT
G2Gનો પ્રવાસ
ગાંધીનગરથી ગૅન્ગટૉકની અપ-ડાઉન સેલ્ફ-ડ્રાઇવ રોડ-ટ્રિપ ૪૮૨૯ કિલોમીટરની હતી. ૨૩ મેએ ઉદયભાઈનાં ૮૮ વર્ષનાં બા દક્ષા અંતાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સૌને વિદાય આપી હતી. અગાઉથી બનાવેલી આઇટનરરી મુજબ ઉજ્જૈન, જબલપુર, વારાણસી, પૂર્ણિયા, ગૅન્ગટૉક, દાર્જીલિંગ, મુઝફ્ફરપુર, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને કોટા થઈ પાંચમી જૂને ગાંધીનગર પાછા ફર્યા હતા. તેઓ ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને રાજસ્થાન રાજ્યોમાંથી પસાર થયા. દરરોજ મહત્તમ ૬૦૦ કિલોમીટર ડ્રાઇવિંગના ટાર્ગેટ પ્રમાણે તમામ સભ્યોએ ન્યુનતમ ૧૫૦ કિલોમીટર ડ્રાઇવિંગ ફરજિયાત કરવાનું હતું. વાહનની ઝડપ ૮૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી મર્યાદિત રાખી હતી.

ઉદયભાઈ તેમની ડાર્લિંગ બીના સાથે
G2G ટ્રિપના મેમ્બરો
ઉદય અંતાણી-ગાંધીનગર, વિરલ વોરા-ભુજ, રાજેન્દ્ર જાધવ-સુરત, પંકજ ઠક્કર-ગાંધીધામ, ભરત ઠક્કર-આદિપુર, દિવ્યાંશુ ધોળકિયા-ભાવનગર, ગોવિંદ દનીચા-ગાંધીધામ અને બળવંત ઠક્કર-ગાંધીધામ
પ્રવાસ વિશે વધુ માહિતી આપતાં ઉદયભાઈ કહે છે, ‘સેલ્ફ-ડ્રાઇવ ટ્રિપનું આયોજન ટ્રાફિકના નિયમો મુજબ થાય. ૮ મેમ્બરો માટે એક અર્ટિગા અને એક મહિન્દ્ર બોલેરો હતી. ૧૪ દિવસની આ સફર સાહસ અને રોમાંચથી ભરપૂર હતી. માર્ગમાં સાબરમતી, શિપ્રા, નર્મદા, ગંગા, યમુના, ગંડક, તીસ્તા જેવી મુખ્ય નદીઓનો નજારો જોવા મળ્યો. ઉજ્જૈનમાં મહાકાલ, વારાણસીમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા ઉપરાંત માર્ગમાં આવતાં અનેક પ્રાચીન સ્થળોની મુલાકાત પણ લીધી હતી. સિક્કિમની રાજધાની ગૅન્ગટૉક ૧૬૫૦ મીટરની ઊંચાઈએ પૂર્વીય હિમાલયમાં આવેલું સુંદર શહેર છે. પ્રાકૃતિક સૌંદર્ય, ખીણો અને વાઇબ્રન્ટ તિબેટિયન-સિક્કિમીઝ સંસ્કૃતિ જોવાની ઘણા વખતથી ઇચ્છા હતી. પહાડોના સૌંદર્યને માણવાની સાથે આધ્યાત્મિક યાત્રાને આવરી લીધી હતી. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં ખડક કાપીને બનાવવામાં આવેલી બૌદ્ધ ગુફાઓ, હરસિદ્ધિ માતાના મંદિરે દીપમાળાનાં દર્શન જીવનનો લહાવો છે. મહાકાલ કૉરિડોરની રોશની અદ્ભુત છે. ડમરુવાલા દુકાન, શ્રી ગંગા રેસ્ટોરાંની દાલબાટી અને સુદામા પોહા ફેમસ છે. ગૅન્ગટૉક અને દાર્જીલિંગના પહાડ ચડતી અને ઊતરતી વખતે ડ્રાઇવિંગની કુશળતાની કસોટી થઈ. જોકે કોઈ અઘટિત ઘટના બની નહોતી. પ્રવર્તમાન સંજોગો જોતાં અમને ભીતિ હતી કે ઈંધણ મેળવવામાં મુશ્કેલી પડશે, પરંતુ બધી જ જગ્યાએ પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ હતું. ઉત્તર પ્રદેશમાં તાપમાન ૪૮ ડિગ્રી જેટલું ઊંચું હતું અને ગૅન્ગટૉકમાં માઇનસ ૪ ડિગ્રી તાપમાન હતું. બદલાતા હવામાનમાં નથી કોઈની તબિયત બગડી કે નથી કાર ખોટકાઈ. જોકે સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં શાકાહારી ફૂડ શોધવું પડ્યું. G2G સેલ્ફ-ડ્રાઇવ સફરમાં વ્યક્તિદીઠ ૨૭,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો. એમાં ઈંધણ, ટોલ-ટૅક્સ, ભોજન, રહેઠાણ, સ્થાનિક પરિવહન અને અન્ય સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે. તમામ આઠેય મેમ્બરની ઉંમર પચાસની ઉપર હતી. સફરમાં જોડાયા ત્યારે હું અને વિરલ વોરા સિવાય બધા અજાણ્યા હતા. વિરલ સાથે મારી ઓળખાણ પ્રથમ ટ્રિપમાં થઈ હતી. મિત્રો સાથે પ્રવાસનું આયોજન બધા કરે, હું પ્રવાસમાં મિત્રો બનાવું છું. નવા લોકોને મળવામાં આનંદ આવે છે.’

ટીમ G2G કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં.
અજાણ્યા સાથે કેમ?
મૂળ ભુજના ઉદયભાઈ સુરતસ્થિત રિલાયન્સમાં ઇન્વેન્ટરી મટીરિયલ મૅનેજર તરીકે કાર્યરત હતા. સેલ્ફ-ડ્રાઇવિંગનો પહેલેથી જબરો શોખ હતો. ૨૦૦૫માં પહેલી કાર લીધી ત્યારથી ઘણી વાર સુરતથી કચ્છ કાર લઈને જતા. ૨૦૨૩માં નિવૃત્ત થયા પછી ગાંધીનગર આવી ગયા. તેમના બન્ને દીકરા અમદાવાદમાં નોકરી કરે છે. એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે. ઉદયભાઈએ કૉલેજનો અભ્યાસ ગાંધીનગરથી કર્યો છે. જાણીતું શહેર અને સંતાનોની નજીક રહેવા અહીં સ્થાયી થઈ ગયા. ૨૦૧૯માં અજાણ્યા લોકો સાથે પહેલો પ્રવાસ કર્યો ત્યારથી નક્કી હતું કે નિવૃત્તિ પછી બાય રોડ ભારતભ્રમણ કરવું છે. બહેનના પ્રવાસને ટ્રૅક કર્યા પછી તેમને આવો વિચાર આવ્યો હતો.
ઉદયભાઈ કહે છે, ‘૨૦૧૯માં મારી બહેનના પરિવારને બાય રોડ કર્ણાટક ફરવા જવું હતું. હું કાર લઈને ફર-ફર કરતો હોઉં છું આથી ખણખોદ કરી આખી ટ્રિપ પ્લાન કરી આપી. માહિતી માટે તેમની ટ્રિપને ટ્રૅક પણ કરતો હતો. લાઇવ લોકેશન પ્રમાણે જઈ રહ્યા છે કે નહીં એ મૉનિટરિંગ કરતી વખતે મારી નજર નૅશનલ હાઇવે ૬૬ પર પડી. પનવેલથી કન્યાકુમારી તરફ આગળ વધતા હતા. મને થયું કે અરે, આ તો મસ્ત કોસ્ટલ રૂટ છે; આવા રોડ પર કાર ચલાવવાની મજા પડે; પણ જવું કોની સાથે? મારી ડાર્લિંગ (પત્નીને તેઓ ડાર્લિંગ કહીને સંબોધે છે) બીનાને લાંબા રૂટમાં ફરવાનો ઓછો શોખ. તેને કમ્ફર્ટ ટ્રાવેલ ગમે. મોટા ભાગે મિત્રો સાથે સંઘ કાશીએ પહોંચતો નથી. એક પ્રયોગ કરવાનું સૂઝ્યું. ફેસબુક પર પોસ્ટ મૂકી, કચ્છના કોટેશ્વરથી રામેશ્વરમ (K2R) સેલ્ફ-ડ્રાઇવ કરીને આવવું હોય તો નીચેના નંબર પર આ તારીખ સુધી કૉન્ટૅક્ટ કરો. આશ્ચર્યજનક રીતે ૧૫ જણના ફોન આવ્યા. એમાંથી એક હતા ભુજના વિરલ વોરા. ત્યાર બાદ વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું. પ્રોફાઇલ પિક્ચરના ભરોસે ડ્રાઇવિંગની આવડત નક્કી ન થાય. ફિઝિકલ મીટિંગ માટે બધાને ગાંધીનગર બોલાવ્યા. હું જોખમ લેવા નહોતો માગતો. આથી સેલ્ફ-ડ્રાઇવિંગ ટ્રિપ માટેનો ક્રાઇટેરિયા પહેલેથી ફિક્સ કરી રાખ્યો હતો. ઓછામાં ઓછા ૫૦૦ કિલોમીટર એકધારી કાર ચલાવવાનો અનુભવ હોવો જોઈએ. ટ્રાફિકના નિયમોની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. તેમની પાસે કઈ કાર છે અને કેટલાં વર્ષ જૂની છે એ પણ જાણી લીધું. એક કારમાં ૪ જણથી વધુ નહીં બેસે એવો નિયમ બનાવ્યો. રૂબરૂ મુલાકાત બાદ ૧૨ જણ કુલ ૬૫૦૦ કિલોમીટરની K2R ટ્રિપ માટે તૈયાર થયા. નવેમ્બર ૨૦૧૯માં આયોજિત આ ટ્રિપમાં અમે બેટી બચાઓ, બેટી પઢાઓ અને વ્યસનમુક્ત સમાજનો સંદેશો આપ્યો હતો. સરખા ભાગે ખર્ચ વહેંચી લીધો. પ્રતિ વ્યક્તિ ૨૦,૭૦૦ રૂપિયા ખર્ચ થયો હતો. પ્રથમ ટ્રિપમાં વિરલ સાથે જુગલબંધી જામી ગઈ. પ્રોફાઇલ પિક્ચરથી શરૂ થયેલી સફર ગાડીની વિન્ડસ્ક્રીન સુધી પહોંચી. એકસમાન શોખ ધરાવતા અજાણ્યા લોકો સાથે હજારો કિલોમીટર લાંબી સફર ખેડવાની મજા આવી. એ વખતે નક્કી કર્યું કે નિવૃત્તિ બાદ આમ જ મોજ કરવી છે. જૂન ૨૦૨૪માં ગાંધીનગરથી લેહ (G2L) સુધીની સેલ્ફ-ડ્રાઇવ ટ્રિપમાં ૪ મેમ્બર હતા. બીકાનેર, અમ્રિતસર, શ્રીનગર, કારગિલ થઈને લેહ અને પાછા ગાંધીનગર સુધી ૪૨૦૦ કિલોમીટરના પ્રવાસમાં વ્યક્તિદીઠ ૨૪,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો. G2G ત્રીજી ટ્રિપ હતી જેમાં ૮ મેમ્બરો જોડાયા. ત્રણેય ટ્રિપમાં ફેસબુક પોસ્ટથી એવા લોકો જોડાયા જેમને હાઇવે પર ડ્રાઇવ કરવાનું, નવાં સ્થળોએ ફરવાનું અને નવા લોકોને મળવાનું ગમતું હોય. અજાણી વ્યક્તિ સાથે લૉન્ગ ડ્રાઇવ માટે માપદંડ જરૂરી છે. સલામતી માટે ડેક્લેરેશન ફૉર્મ બનાવી લીધું છે. નવી પોસ્ટ, નવા મેમ્બર, નવું ગ્રુપ. સફર પૂરી થયા પછી ગ્રુપ બંધ કરી દઈએ. જોકે લોકો ફોન દ્વારા જોડાયેલા રહેવાનું પસંદ કરે છે.’

G2L પ્રવાસમાં જોડાયેલા મેમ્બરો કારગિલ વૉર મેમોરિયલની મુલાકાતે.
સેલ્ફ-ડેક્લેરેશન ફૉર્મમાં શું છે?
સેલ્ફ-ડ્રાઇવિંગનો શોખ ધરાવતા ઉદયભાઈની કેટલીક કમજોરી પણ છે. તેઓ શિષ્ટાચારના આગ્રહી છે એટલે સિટી ડ્રાઇવિંગથી દૂર રહે છે. બે કિલોમીટરના અંતરમાં ચાલીને જાય. ઘર અને ગાડી બન્ને ચમકદાર જોઈએ. તમામ વસ્તુ એની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવેલી જોઈએ. ખુરસી આડીઅવળી પડી હોય તો જાતે ઊભા થઈને સરખી રીતે ગોઠવે. તેઓ માને છે કે આ એક પ્રકારની માનસિક બીમારી છે. જોકે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર (OCD)ને લીધે તેઓ માઇક્રો પ્લાનિંગ કરી શકે છે. તેમણે રજૂ કરેલા એનરોલમેન્ટ અને સેલ્ફ-ડેક્લેરેશન ફૉર્મમાં આ બાબત ઉજાગર થાય છે. જે સ્થળ ફરવાની ઇચ્છા થાય એના વિશે ઝીણામાં ઝીણી માહિતી એકઠી કરે. કયા રૂટ પરથી જવાનું, રસ્તામાં કયાં સ્થળો એક્સપ્લોર કરી શકાય, કેટલાં ટોલનાકાં આવશે, એના કેટલા રૂપિયા થશે, હાઇવે-નંબર, કેટલા કિલોમીટર પછી પેટ્રોલ-પમ્પ આવે છે, રાત્રિરોકાણ માટે હોટેલ અને ખાણી-પીણીની કેવી સુવિધા છે વગેરે જાણ્યા પછી જ ફેસબુક પર પોસ્ટ મૂકે. જે લોકો તેમનો કૉન્ટૅક્ટ કરે તેમની પાસે પહેલાં એનરોલમેન્ટ ફૉર્મ ભરાવે. એમાં પૂરું નામ, ઉંમર, વ્યવસાય, સરનામું, ડ્રાઇવિંગનો અનુભવ, કારનું મૉડલ, ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, ડ્રાઇવિંગના પરવાનાની મુદત, છેલ્લાં પાંચ વર્ષમાં કેટલા કિલોમીટર ડ્રાઇવ કર્યું છે અને ઇમર્જન્સી નંબર ભરવાના હોય છે. ઉંમર ૨૧થી ઉપર અને ૬૫થી નીચે હોવી જોઈએ. કોસ્ટલ રોડથી લઈને પહાડોના રસ્તા પર ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ. બધું બરાબર લાગે પછી તે સભ્યને પ્રાઇમરી ગ્રુપમાં ઍડ કરે. એનરોલ થયેલા મેમ્બરોમાંથી કેટલા ટ્રિપ માટે તૈયાર છે અથવા ટ્રિપમાં જોડાવાની લાયકાત ધરાવે છે એ નક્કી થયા પછી એટલા જ મેમ્બરોને જે-તે ટ્રિપના મેઇન ગ્રુપમાં ઍડ કરવામાં આવે છે. મુખ્ય ગ્રુપમાં ફૅમિલી મેમ્બરને પણ ઍડ કરે જેથી તેઓ ફોટો અને વિડિયો દ્વારા બધાને આનંદ કરતા જોઈ શકે. ટ્રિપમાં જતાં પહેલાં મેમ્બરે સેલ્ફ-ડેક્લેરેશન ફૉર્મ ભરવું પડે.
સેલ્ફ-ડેક્લેરેશન ફૉર્મ વિશે માહિતી આપતાં ઉદયભાઈ કહે છે, ‘એમાં મુખ્યત્વે નિયમો છે. ફાઇવ-સીટર કાર હોય કે સેવન-સીટર, એક કારમાં ચારથી વધુ લોકો નહીં બેસે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ડ્રાઇવ કરવાનું રહેશે. નક્કી કરેલા રૂટથી કાર ચલાવવાની રહેશે. જલદી પહોંચવાની ઉતાવળમાં શૉર્ટકટ લઈને છૂટા ન પડવું. દરરોજ દરેક મેમ્બરે ફરજિયાત ડ્રાઇવ કરવાનું. કાર સમારકામનું પ્રાથમિક જ્ઞાન જરૂરી છે. દિવ્યાંગ વ્યક્તિ અથવા ઓછું સંભળાતું હોય એવી વ્યક્તિ સફરમાં જોડાઈ ન શકે. ચશ્માંના નંબર હોય તો તપાસ આવશ્યક છે. અકસ્માત નડે અથવા તબિયત બગડે તો એની જવાબદારી પોતાની રહેશે. કારની અને પોતાની વીમાની જીવંત પૉલિસી ફરજિયાત છે. સફરમાં ભાગે પડતો જે પણ ખર્ચ આવે એ ઉઠાવી લેવાનો. કાર પેટ્રોલ અથવા ડીઝલથી ચાલે એવી લાવવી. CNG ગાડી નહીં ચાલે. સફર શરૂ થવાના ૧૫ દિવસ અગાઉ ગાડી સર્વિસિંગ કરાવી લેવી. આવા કડક નિયમોને લીધે આજ સુધી કોઈ મુશ્કેલી નડી નથી. અત્યાર સુધી જેટલા મેમ્બરો સાથે મુલાકાત થઈ છે તેમણે સહકાર આપ્યો છે. એને કારણે વધુ ટ્રિપ પ્લાન કરવાનો જુસ્સો વધે છે.’

G2L પ્રવાસમાં જોડાયેલા મેમ્બરો ખારદુંગ લા પાસ ખાતે.
આગામી ટ્રિપ
હવે પછીની ટ્રિપ વિશે વાત કરતાં ઉદયભાઈ કહે છે, ‘કપલ ટ્રિપનું આયોજન કરો છો? ઘણાએ આવી પૂછપરછ કરી છે. G2G ટ્રિપ અગાઉ મારો વિચાર દ્વારકાથી દાર્જીલિંગ વિથ ડાર્લિંગ ટ્રિપનો હતો. પોસ્ટ પણ મૂકી હતી. જોકે એનરોલમેન્ટ એન્ટ્રીથી વાત આગળ ન વધતાં પ્લાન પડતો મૂકીને ગાંધીનગરથી ગૅન્ગટૉક ગયા. હજી ડાર્લિંગ એટલે કે લાઇફ-પાર્ટનર સાથેની ટ્રિપ ઇનલાઇન છે. આ સિવાય ભારતમાંથી કૈલાસ જોવાની ઇચ્છા છે. થોડુંઘણું રિસર્ચ કર્યું છે. જાણવા મળ્યું છે કે ભારતથી ચીન અથવા નેપાલ ગયા વિના બાય રોડ આપણા દેશમાંથી જ પચાસ કિલોમીટર દૂરથી કૈલાસ પર્વતનાં દર્શન થઈ શકશે. રોડનિર્માણનું કાર્ય ક્યાં સુધી પહોંચ્યું એની જાણકારી મેળવવાની બાકી છે. ટ્રિપ પ્લાન કરવા માટે ઓછામાં ઓછો ૬ મહિનાનો સમય જોઈએ. હવે પછીની ટ્રિપ ૨૦૨૭માં થશે. આ દરમ્યાન બીના સાથે ૧૨ જ્યોતિર્લિંગની યાત્રા કરવી છે.’
