Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રગ્બીની નૅશનલ ટીમમાં રમવા ચીન પહોંચી છે આ કચ્છી ગર્લ

રગ્બીની નૅશનલ ટીમમાં રમવા ચીન પહોંચી છે આ કચ્છી ગર્લ

Published : 03 September, 2026 12:37 PM | Modified : 03 September, 2026 01:13 PM | IST | Bhuj
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

૫-૬ સપ્ટેમ્બરે ચીનના ચિંગદાઓ ખાતે આયોજિત એશિયા રગ્બી એમિરેટ્સ U-18 સેવન્સ 2026 ટુર્નામેન્ટ માટે ભારતની રગ્બી ટીમમાં સિલેક્ટ થનારી ૧૭ વર્ષની નમ્રતા ભુડિયા ગુજરાતની પહેલી પ્લેયર છે

નમ્રતા ભુડિયા

નમ્રતા ભુડિયા


ગુજરાત રાજ્યની જુનિયર અને સિનિયર વિમેન્સ રગ્બી ટીમની કૅપ્ટન નમ્રતા ભુડિયાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. કચ્છ જિલ્લાની નમ્રતાની નૅશનલ અન્ડર-18 ગર્લ્સ રગ્બી ટીમમાં પસંદગી થઈ છે. ૫-૬ સપ્ટેમ્બરે ચીનના ચિંગદાઓ ખાતે આયોજિત એશિયા રગ્બી એમિરેટ્સ U-18 સેવન્સ 2026 ટુર્નામેન્ટમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ટીમમાં સ્થાન પામનારી તે ગુજરાત રાજ્યની પ્રથમ રગ્બી ખેલાડી બની છે.
નમ્રતા ભુજના મિરઝાપર ગામની વતની છે. તે પટેલ સમાજમાંથી આવે છે. તેના પપ્પા દિનેશ ભુડિયા ઈસ્ટ આફ્રિકાના સેશેલ્સમાં બિઝનેસ ધરાવે છે. મમ્મી ભાવનાબહેન ખેતીવાડી સંભાળે છે. પરંપરાગત અને રૂઢિચુસ્ત ગ્રામીણ વાતાવરણમાંથી બહાર આવીને નમ્રતા રગ્બી જેવી કઠિન અને ઇન્જરીના જોખમવાળી સ્પોર્ટ્સમાં આગળ વધી રહી છે. તેની સફળતા દર્શાવે છે કે યોગ્ય સમયે પ્રતિભાની ઓળખ, શિસ્તબદ્ધ તાલીમ, પરિવારનો સહયોગ અને રમત પ્રત્યેનું સમર્પણ ગ્રાસરૂટ સ્તરના ખેલાડીને પણ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડી શકે છે.

રસ કઈ રીતે પડ્યો?



હાલમાં ભુજની સંસ્કાર કૉલેજથી BComનો અભ્યાસ કરી રહેલી ૧૭ વર્ષની નમ્રતાએ જણાવ્યું હતું કે ‘સ્કૂલના PT પિરિયડથી ઇન્ડિયા જર્સી સુધીની મારી સફર એક સપના જેવી છે. હું ભુજ-નખત્રાણા હાઇવે પર આવેલી શ્રી સહજાનંદ ગુરુકુળ, માનકુવા સ્કૂલમાં ભણતી હતી. નાનપણથી જ મને રમતગમતમાં રુચિ હતી, પણ અમારી સ્કૂલમાં કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ નહોતી. PTના પિરિયડમાં પણ અમે માત્ર ટ્રેડિશનલ ગેમ્સ રમતા. જ્યારે હું છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે સ્કૂલમાં નવા સર આવ્યા. કોચ વેદાંત ધનાણીએ સ્કૂલમાં રગ્બીની શરૂઆત કરાવી. મેં જ્યારે પહેલી વાર અંડાકાર રગ્બી બૉલ જોયો ત્યારે આ રમત માટે ભારે કુતૂહલ જાગ્યું હતું. નાનપણથી હું બહુ ઝડપથી દોડી શકતી. રગ્બી રમવાના નિયમો જાણ્યા પછી મને સમજાયું કે આ ગેમ માત્ર મારા માટે જ બની છે. રગ્બીની અદ્ભુત સ્પીડ, ટીમવર્ક, શારીરિક પડકારો અને મેદાન પરની કૉમ્પિટિટિવ સ્પિરિટે મને આ રમતની દીવાની બનાવી દીધી. સ્કૂલના ગ્રાઉન્ડ પર કુતૂહલથી શરૂ થયેલી રમત ક્યારે મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો ભાગ બની ગઈ એની મને પણ ખબર ન રહી. હું ઇન્ડિયન ટીમની જર્સી સુધી પહોંચી એ સપના જેવું લાગે છે.’


નૅશનલ લેવલ સુધી પહોંચી

કોચ વેદાંત ધનાણીએ નમ્રતાની પ્રતિભાને ઓળખીને, તેને રગ્બીની વ્યવસ્થિત તાલીમ અને સતત માર્ગદર્શન આપીને રાજ્યકક્ષાએ પહોંચાડી. નમ્રતાએ ગુજરાતની જુનિયર ગર્લ્સ તેમ જ સિનિયર વિમેન્સ રગ્બી ટીમનું નેતૃત્વ કર્યું છે. રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લીડરશિપનો ગુણ જોઈને રગ્બી ગુજરાત અસોસિએશનના સ્થાપક અને સેક્રેટરી ડૉ. દીપ રાવલે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે તેને કોચિંગ આપ્યું. છેલ્લાં ૩ વર્ષથી આ કચ્છી ગર્લ ભારતીય ટીમના કૅમ્પનો ભાગ રહી છે. સતત તાલીમ અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવાથી તેની રમત વધુ ધારદાર બની. ૨૦૨૬ની ૬-૭ જુલાઈએ હૈદરાબાદ ખાતે યોજાયેલી અન્ડર-18 ઇન્ડિયન નૅશનલ રગ્બી ચૅમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટની સર્વોચ્ચ સ્કોરર બનવાની સિદ્ધિ પણ નમ્રતાએ મેળવી હતી. આ શાનદાર પ્રદર્શને તેને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી અને ઇન્ડિયન ટીમમાં સ્થાન મળ્યું. આંતરરાષ્ટ્રીય મંચ પર રગ્બી રમવા જનારી તે ગુજરાત રાજ્યની પ્રથમ ખેલાડી બની છે એટલું જ નહીં, નૅશનલ ટીમમાં પણ તે એકમાત્ર ગુજરાતી ગર્લ છે. આ પસંદગી તેની સતત મહેનત, શિસ્ત, સમર્પણ અને રમત પ્રત્યેના અવિરત જુસ્સાનું પરિણામ છે.
ભાવુક થતાં નમ્રતાએ જણાવ્યું હતું કે ‘વેદાંતસર મારા માટે માત્ર કોચ નથી. તેમણે મને પિતાની જેમ સપોર્ટ આપ્યો છે. મને આ મુકામ સુધી પહોંચાડવા માટે તેમણે પોતાના જીવનના અગણિત કલાકો અને એનર્જી મારી પાછળ લગાડી દીધાં. 
હોમ-ક્લબ ‘કચ્છ વૉરિયર્સ રગ્બી ક્લબ’ અને ‘કચ્છ રગ્બી અસોસિએશન’ દ્વારા મળેલા પ્લૅટફૉર્મ અને સતત પ્રોત્સાહનને કારણે જ આગળ વધી છું. રગ્બી ગુજરાત અસોસિએશનનો પણ મારી સફળતામાં મોટો ફાળો છે. આજે જ્યારે હું ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છું ત્યારે હું માત્ર મારું જ નહીં, મારા કોચનું પણ સપનું જીવી રહી છું. ચીનમાં એવું પ્રદર્શન કરવું છે કે તેઓ ગર્વ લઈ શકે. ઇન્ડિયાની જર્સી એક વાર પહેરવા મળે એટલે સફર પૂરી નથી થઈ જતી. આ તો માત્ર શરૂઆત છે. મારું સપનું દેશ માટે સતત રમવાનું અને મેડલ જીતવાનું છે.’


ચીન જવા રવાના થઈ

૧૩ જુલાઈએ નમ્રતાનું ઇન્ડિયન રગ્બી ટીમમાં સિલેક્શન થઈ ગયું હોવાની ઈ-મેઇલ આવી હતી. ત્યાર બાદ ૨૬ જુલાઈથી પહેલી સપ્ટેમ્બર સુધી ભુવનેશ્વર ખાતે કૅમ્પમાં ટ્રેઇનિંગ અને પ્રૅક્ટિસ હતી. બીજી સપ્ટેમ્બરે તે ટીમ સાથે ચીન જવા રવાના થઈ હતી જ્યાં ૫-૬ સપ્ટેમ્બરે યોજાનારી એશિયા રગ્બી એમિરેટ્સ U-18 સેવન્સ 2026 ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 01:13 PM IST | Bhuj | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK