Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > મુંબઈના લાખો મુસાફરો BESTની લાલ પરીને રોજ કહેતા : મૈં તેરા તૂ મેરી, જાને સારા હિંદુસ્તાન

મુંબઈના લાખો મુસાફરો BESTની લાલ પરીને રોજ કહેતા : મૈં તેરા તૂ મેરી, જાને સારા હિંદુસ્તાન

Published : 11 July, 2026 02:59 PM | Modified : 11 July, 2026 03:02 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

હા, અમારા સુજ્ઞ વાચકોને થતું હશે કે ટ્રેન ને સ્ટીમર, સ્ટેશન ને બંદર છોડીને આજે આ ભાઈ મુંબઈની BESTની બસ પાછળ કેમ મંડી પડ્યા છે? કારણ કે હવે એ બરાબર ૧૦૦ વર્ષની ઉંમરની થઈ છે. મુંબઈની પહેલી BESTની બસ ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૨૬ના જુલાઈની ૧૫ તારીખે શરૂ થઈ હતી.

શાન ફિલ્મનું મૈં તેરા તૂ મેરી, જાને સારા હિંદુસ્તાન ગીતનો સ્ક્રીન-શૉટ.

ચલ મન મુંબઈ નગરી

શાન ફિલ્મનું મૈં તેરા તૂ મેરી, જાને સારા હિંદુસ્તાન ગીતનો સ્ક્રીન-શૉટ.


જાનૂં મેરી જાન, મૈં તેરે કુર્બાન

જાનૂં મેરી જાન, મૈં તેરે કુર્બાન



અરે મૈં તેરા તૂ મેરી


જાને સારા હિંદુસ્તાન

૧૯૮૦માં આવેલી ‘શાન’ ફિલ્મનું આ ગીત આજે એકાએક યાદ આવવાનું કારણ? સુનીલ દત્ત, શશી કપૂર, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, રાખી ગુલઝાર, પરવીન બાબી, બિંદિયા ગોસ્વામી, જૉની વૉકર, કુલભૂષણ ખરબંદા જેવાં ધરખમ કલાકારો એમાં હતાં એટલે? ના. આર. ડી. બર્મનનું સંગીત હતું એટલે? ના, ના. આ આખું ગીત ફિલ્માવાયું હતું BESTની લાલ લાલ ડબલ ડેકર બસમાં. એટલે આજે આ ગીત યાદ આવ્યું. એક જમાનો હતો આ ‘લાલ પરી’ના દબદબાનો. મુંબઈના હજારો-લાખો મુસાફરો BESTની લાલ પરીને પણ રોજ કહેતા : અરે મૈં તેરા તૂ મેરી, જાને સારા હિંદુસ્તાન. આખા દેશમાં મુંબઈની આ લાલ બસ મશહૂર હતી. મુંબઈ આવતા સહેલાણીઓ ભલે એક-બે વાર, પણ એમાં અચૂક બેસતા.



લંડનથી આવેલી પહેલી બસ, ૧૯૨૬. 

હા, અમારા સુજ્ઞ વાચકોને થતું હશે કે ટ્રેન ને સ્ટીમર, સ્ટેશન ને બંદર છોડીને આજે આ ભાઈ મુંબઈની BESTની બસ પાછળ કેમ મંડી પડ્યા છે? કારણ કે હવે એ બરાબર ૧૦૦ વર્ષની ઉંમરની થઈ છે. મુંબઈની પહેલી BESTની બસ ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૨૬ના જુલાઈની ૧૫ તારીખે શરૂ થઈ હતી. એ વખતે કાફલામાં ૨૪ સિંગલ ડેકર બસ હતી. એ બધી જ બસ ગ્રેટ બ્રિટનથી મગાવવામાં આવી હતી. બસસેવાની શરૂઆત થઈ હતી કોલાબામાં આવેલા અફઘાન ચર્ચથી ક્રૉફર્ડ માર્કેટ જતી બસ દ્વારા. થોડા દિવસમાં જ બીજા બે રૂટ ઉમેરવામાં આવ્યા : દાદરથી કિંગ્સ સર્કલ અને ઑપેરા હાઉસથી લાલબાગ. શરૂઆતનાં ઘણાં વર્ષ બસના રૂટને નંબર આપવામાં આવ્યા નહોતા, પણ A, B, C જેવા અંગ્રેજી આલ્ફાબેટના અક્ષરો દ્વારા બસરૂટ ઓળખાતા.

આ લખનારને બરાબર યાદ છે. પહેલાં ગોવાલિયા ટૅન્ક પાસેની ન્યુ ઈરા સ્કૂલમાં અને પછી ધોબીતળાવ પાસે આવેલી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં રોજ ભણવા જવાનું એ તો ટ્રામમાં જ, કારણ કે ટ્રામની ટિકિટ એક આનો, બસની ટિકિટ ૪ આના. પછી MAના વર્ગો બૉમ્બે યુનિવર્સિટીએ ચોપાટી પરની વિલ્સન કૉલેજમાં લેવાનું શરૂ કર્યું અને ત્યાં તો ટ્રામ જાય નહીં. ટ્રામ કરતાં બસની ટિકિટ ઘણી મોંઘી, પણ કાળજું કઠણ કરીને રોજ H રૂટની બસમાં જવા-આવવાનું શરૂ કર્યું. લેક્ચર પછી ઘણુંખરું અમે ૩ મિત્રો એ જ રૂટની બસમાં ઘરે પાછા ફરીએ. રાજેન્દ્ર નાણાવટી સી. પી. ટૅન્ક ઊતરી જાય. આ બંદા ચીરાબજાર ઊતરી જાય અને છેલ્લે ઊતરે મેટ્રો સિનેમા પાસે વર્ષા આચાર્ય (પછીથી અડાલજા). આખે રસ્તે જાતભાતનાં ગપ્પાં. એ વખતે સૌથી વધુ મજા આવતી એ તો C રૂટની મુસાફરીમાં. એનો મોટો ભાગ મરીન ડ્રાઇવ અને ચોપાટી પરથી પસાર થાય. એની ડબલ ડેકર બસમાં ઉપલા માળે ચડીને છેક આગળની સીટ ‘પકડી’ લેવાની. સામેની અને બન્ને બાજુની બારીઓ ખોલી નાખવાની અને જે ફરફરાટ પવન આવે. ચોમાસાના દિવસોમાં વરસાદની ઝાપટથી ભીંજાવાની મજા તો માણવી જ પડે. પછી ભલેને સાંજ પડ્યે શરદી જોરશોરથી હુમલો કરે. માના હાથની ગરમાગરમ રાબ પીતાંવેંત શરદી તો થોડી વારમાં છૂ થઈ જાય. એ જમાનાની બીજી એક યાદગાર મજા તે દિવાળીના દિવસોમાં BEST રંગબેરંગી રોશનીથી શણગારેલી થોડી ટ્રામ અને બસ જુદા-જુદા રૂટ પર સાંજ પછી દોડાવે એ જોવાની. જોકે એ શણગારેલી ટ્રામ-બસમાં મુસાફરો બેસી શકે નહીં. ફક્ત ઉજવણીના ભાગરૂપે એ મોડી રાત સુધી દોડતી રહે.


કન્ડક્ટરનું ટિકિટ-બૉક્સ.

સાહેબ, આજે તો ખીચોખીચ ભરેલી બસમાં કન્ડક્ટરને શોધી કાઢતાં પણ આંખે પાણી આવી જાય, પણ એક જમાનો હતો જ્યારે દરેક સ્ટૉપ પર કન્ડક્ટર બસના દરવાજા આગળ પહોંચી જાય. ત્યાં જતાં સુધીમાં કુલ કેટલી સીટ ખાલી છે એ ઝડપથી ગણી લે અને સ્ટૉપ પર બસ ઊભી રહે એટલે બોલે : ‘લાઇન સે પાંચ આ જાઓ’. બસ-સ્ટૉપ પર વ્યવસ્થિત રીતે લાઇનમાં ઊભેલા મુસાફરોમાંથી પહેલા પાંચ બસમાં ચડી જાય એટલે કન્ડક્ટર બે ઘંટડી વગાડે એટલે ડ્રાઇવર બસ ઉપાડે. ક્યારેક કોક અદકપાંસળિયો પોરિયો બસ ચાલુ થયા પછી કૂદીને બસમાં ચડી જાય તો કન્ડક્ટર તરત એક ઘંટડી વગાડે એટલે ડ્રાઇવર બસ ઊભી રાખે. પેલો અદકપાંસળિયો ઊતરે નહીં ત્યાં સુધી બસ આગળ ચાલે જ નહીં. ડ્રાઇવર એ બસના હાથ-પગ, અને કન્ડક્ટર આંખ-કાન. બન્ને પહેરે ખાખી રંગના યુનિફૉર્મ.

અસલના કન્ડક્ટર પાસે ૩ વાનાં હોય જ. એક, જુદી-જુદી રકમની ટિકિટો વ્યવસ્થિત રીતે જેમાં ગોઠવી હોય એવી પેટી ખભેથી લટકતી હોય, બીજા ખભેથી લટકતી હોય પૈસા (મુખ્યત્વે પરચૂરણ) રાખવાની ચામડાની થેલી અને હાથમાં હોય ચીપિયા જેવું પન્ચિંગ મશીન. પૈસા લઈ, ટિકિટ પંચ કરીને પૅસેન્જરને આપે. જાણે હાલતું-ચાલતું મશીન. પછી વખત જતાં જરૂર પ્રમાણેની ટિકિટ છાપતાં મશીન આવ્યાં. પન્ચિંગ મશીન ગયાં. જેટલી જગ્યા હોય એટલાં જ છડિયાં લેવાનો આગ્રહ ગયો. મારે તેની તલવાર એ ન્યાય લાગુ પડ્યો. બસ-સ્ટૉપ પર ક્યુને બદલે ટોળાં.


ડબલ ડેકર – અગાઉની 

પેટ્રોલની બસની જગ્યાએ પહેલાં ડીઝલ અને પછી ઇલેક્ટ્રિક બસ આવી. ઍર-કન્ડિશન્ડ બસ આવી. ટ્રેલર બસ આવી ને ગઈ. ગોવાલિયા ટૅન્ક અને માઝગાવ વચ્ચે ચાલતી ટ્રૉલી બસ પણ આવી અને ગઈ. બસ-રૂટનું જાળું વધુ ને વધુ મોટું થતું ગયું. આજે બેસ્ટની બસ ૩૦૦ કરતાં વધુ રૂટ પર દોડે છે – બલ્કે ગોકળગાયની ગતિએ સરકે છે. ક્યારેક બસના રંગ પણ બદલાયા. હવે તો ઘણી વાર આખી બસ પર જાહેરખબરો ચીતરી હોવાથી બસ કાબરચીતરી દેખાય છે. વચ્ચે વળી ડબલ ડેકર કાઢીને બધી બસ સિંગલ ડેકર કરવાનો વા વાયો. હવે ડબલ ડેકર પાછી આવી છે, ઇલેક્ટ્રિક બસરૂપે. હવે BESTની બસ બેસ્ટ રહી નથી. પરાંઓમાં રિક્ષાનું ચલણ વધ્યું છે તો આખા શહેરમાં મેટ્રો ટ્રેનો અને એનાં સ્ટેશનોનું જાળું પથરાતું જાય છે. એક બાજુથી વિકલ્પો વધતા જાય છે, બીજી બાજુથી BESTની બસોનું જાળું તૂટતું જાય છે. વેટ લીઝની સિસ્ટમને કારણે બેસ્ટનું તંત્ર, સ્ટાફ, અને મુસાફરો ઓશિયાળાં બનતાં જાય છે. અકસ્માતો વધતા જાય છે. ઘણી બસોની દશા ભંગારવાડામાં શોભે એવી હોય છે.

૧૮૭૩માં સ્થપાયેલી મૂળ ખાનગી માલિકીની કંપનીનું નામ હતું બૉમ્બે ટ્રામવે કંપની લિમિટેડ. એ જ વર્ષે કંપનીએ ઘોડાથી ખેંચાતી ટ્રામ મુંબઈમાં શરૂ કરી. ૧૯૦૫માં એ કંપની ખરીદી લીધી બીજી એક કંપનીએ. એણે શહેરના કેટલાક ભાગોને વીજળી પૂરી પાડવાનું કામ પણ હાથમાં લીધું. એટલે કંપનીનું નામ રાખ્યું બૉમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રામવે (BEST) કંપની. ૧૯૨૬ની ૧૫ જુલાઈથી એણે ટ્રામસેવા ઉપરાંત બસસેવા પણ શરૂ કરી. ૧૯૪૭માં આ ખાનગી કંપનીને બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશને લઈ લીધી. ટ્રામસેવા બંધ થયા પછી ટ્રામવેની જગ્યાએ ટ્રાન્સપોર્ટ શબ્દ મુકાયો એટલે BEST નામ બદલાયું નહીં, પણ પછી ખુદ બૉમ્બેનું જ નામ બદલાયું. બૉમ્બે બન્યું મુંબઈ. હવે બેસ્ટ નામ ચાલુ કઈ રીતે રાખવું? કોઈ ચતુર સુજાણને સરસ નુસખો સૂઝ્યો. નામમાંનો પહેલો શબ્દ ‘બૉમ્બે’ને બદલે ‘બૃહન્મુંબઈ’ રાખીએ! એટલે પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. BEST નામ કાયમ રહ્યું.


ડબલ ડેકર – આજની 

હિન્દી ફિલ્મોએ BESTની બસોને લાડ લડાવ્યાં છે તો એની બસોએ પણ સિનેમાઘરોને એક જમાનામાં લાડ લડાવેલાં. ચર્ચગેટ, ગ્રાન્ટ રોડ, દાદર જેવાં સ્ટેશનોથી ચોક્કસ સમયે ‘સિનેમા સ્પેશ્યલ’ બસ ઊપડતી. એ જમાનામાં પરાંઓમાં થિયેટરો નહીં જેવાં એટલે પિક્ચર જોવા શહેરમાં આવવું પડે. બસો મુસાફરોને સ્ટેશનથી સીધા થિયેટર લઈ જતી. શો પૂરો થાય એટલે બસ થિયેટરથી સીધી નજીકના રેલવે-સ્ટેશને મુસાફરોને લઈ જતી. આ બસો ‘સિનેમા સ્પેશ્યલ’ તરીકે ઓળખાતી. છેલ્લો શો રાતે સાડાઅગિયાર કે બાર વાગ્યે પૂરો થાય ત્યારે પણ નજીકના સ્ટેશને જવા આ બસો થિયેટરો પાસે ખડેપગે રહેતી. એવી જ રીતે SSCની પરીક્ષાઓ વખતે બેસ્ટ કંપની વિદ્યાર્થીઓ માટે ખાસ બસો દોડાવતી. એક જમાનામાં દરેક બસની અંદર ટપાલપેટી રાખવામાં આવતી. મુસાફરો પોતાની ટપાલ એમાં નાખતા. એક જમાનો હતો જ્યારે BESTની બસ એ માત્ર મુસાફરીનું સાધન નહોતું, પણ મુંબઈગરાના જીવનનો એક હિસ્સો હતી. આજે હવે ગરીબડી BESTની બસને રસ્તા પરથી મહામહેનતે જતી જોઈને ૧૯૭૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘છોટી સી બાત’માં બસ-સ્ટૉપ પર ઊભેલી વિદ્યા સિંહાએ ગાયેલા પેલા ગીતની પંક્તિઓ મનમાં ગુંજવા લાગે છે :

અચાનક યે મન

કિસી કે જાને કે બાદ

કરે ફિર ઉસકી યાદ

છોટી છોટી સી બાત

જાને ક્યૂં

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 03:02 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK