૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા મ્યુઝિયમમાં 3D ઇફેક્ટ્સ સાથે રામાયણનાં ૫૦ જીવંત પાત્રો નિહાળવા મળશે : ખાસ સેલ્ફી ઝોન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે
રામાયણ થીમ આધારિત ભવ્ય વૅક્સ મ્યુઝિયમ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અયોધ્યાના દીદાર બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે.

ADVERTISEMENT
રામ મંદિરના નિર્માણની સાથે અનેક નવા ઘાટ, પહોળા રસ્તા, ટૂરિઝમને પ્રોત્સાહન આપે એવી સુવિધાઓ અને સાંસ્કૃતિક પરિયોજનાઓ વિકસી છે.

એમાં એક નવું નજરાણું ઉમેરાયું છે વૅક્સ મ્યુઝિયમનું. આ મ્યુઝિયમ માત્ર પર્યટનનું સ્થળ જ નહીં; ભારતીય સંસ્કૃતિ, રામકથા અને આસ્થાનો સમન્વય છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં રામાયણ ગ્રંથ પર આધારિત ભવ્ય વૅક્સ (મીણ) મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. રામ મંદિરથી માત્ર ૨.૨૫ કિલોમીટર દૂર ૧૪ કોસી પરિક્રમા માર્ગ પર બનેલું આ બે માળનું ડિજિટલ મ્યુઝિયમ અંદાજે ૧૦,૦૦૦ ચોરસફુટમાં ફેલાયેલું છે.

આ મ્યુઝિયમ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલ હેઠળ કેરલમની સુનીલ વૅક્સ મ્યુઝિયમ કંપની દ્વારા આશરે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

જોવા જવું હોય તો?
રામાયણ વૅક્સ મ્યુઝિયમ જોવા જવું હોય તો ૨૦૦ રૂપિયાની એન્ટ્રી-ફી છે. જોકે ઉદ્ઘાટન હમણાં જ થયું છે એટલે એક મહિના માટે આ ફી ૧૫૦ રૂપિયા રાખવામાં આવી છે. સવારે દસથી રાતે ૮ વાગ્યા સુધી મ્યુઝિયમ ખુલ્લું રહે છે.
આ મ્યુઝિયમ માટે જમીન અયોધ્યા મહાનગરપાલિકાએ પૂરી પાડી છે, જેને કરાર મુજબ મ્યુઝિયમની કુલ કમાણીના ૧૨ ટકા હિસ્સો મળશે.

આ આધુનિક મ્યુઝિયમમાં પ્રભુ શ્રીરામ, સીતામાતા, લક્ષ્મણ, હનુમાનજી અને રાવણ સહિત રામાયણનાં વિવિધ પાત્રોની ૫૦ જેટલી આબેહૂબ મીણની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
અહીં ખાસ થીમ આધારિત સેટ્સ અને થ્રી-ડાયમેન્શનલ (3D) વિઝ્યુઅલ ઇફેક્ટ્સના સમન્વયથી રામ-સીતા સ્વયંવર, પ્રભુ રામનો વનવાસ, હનુમાનજી દ્વારા લંકાદહન અને રામ-રાવણના ભીષણ યુદ્ધ જેવા ઐતિહાસિક પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા છે.
મ્યુઝિયમમાં બાળકો માટે ખાસ ‘બાલ રામ સેલ્ફી ઝોન’ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું એ પછી એક સૂચન કર્યું હતું કે મ્યુઝિયમના આગામી ફેઝમાં વર્ચ્યુઅલ રિયલિટી (VR) ટેક્નૉલૉજી ઉમેરવી જોઈએ, જેથી પ્રવાસીઓ રામચરિતમાનસની ચોપાઈઓ અને ડિજિટલ વિગતો સાથે આખી રામાયણનો વાસ્તવિક અનુભવ કરી શકે. મહાનગરપાલિકા હવે બીજા તબક્કામાં આ પ્રસ્તાવ પર કામ કરશે.
