પરભણી જિલ્લાની ઘટના : રાજ્ય સરકારે મરનારના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરી
સભામંડપ તૂટી પડ્યો એની વિડિયોમાંથી લેવામાં આવેલી તસવીરો.
પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલી યશવાડીના હનુમાન મંદિરમાં દર શનિવારે ૨૫,૦૦૦થી ૫૦,૦૦૦ ભક્તો દર્શન માટે આવતા હોય છે. એ મંદિરના પથ્થરના સભામંડપનું કામ ચાલી રહ્યું હતું અને એ માટે લાકડાનો માંચડો પણ બનાવવામાં આવ્યો હતો. ગઈ કાલે બપોરે ૩.૦૨ વાગ્યે એ સભામંડપ જ તૂટી પડતાં હાહાકાર મચી ગયો હતો. એ સભામંડપના પથ્થર નીચે ૩૨ ભાવિકો દબાઈ ગયા હતા. એમાંથી ૭ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે પચીસ ભાવિકોને ગંભીર ઈજા થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કહ્યું હતું કે ‘પરભણી જિલ્લાની યશવાડીમાં આવેલા હનુમાન મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. એના છતનો ભાગ તૂટી પડતાં થયેલી દુર્ઘટનામાં કેટલાક ભાવિકોનાં મોત થયાં છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના કુટુંબીજનોના દુઃખમાં અમે સહભાગી છીએ. આ ઘટનાના ઘાયલોની સારવાર કરાઈ રહી છે. સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓ બચાવકાર્ય કરી રહ્યા છે. સરકાર તરફથી મરનારના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.’
ADVERTISEMENT
સંભાજીનગરના પાંચ યુવાનો ગણપતિપુળેમાં તણાઈ ગયા
સંભાજીનગરમાં રહેતા પાંચ યુવાનો ગઈ કાલે રત્નાગિરિ પાસેના ગણપતિપુળેના દરિયામાં તણાઈ ગયા હતા. તેમને શોધવાના પ્રયાસો મોડી સાંજ સુધી ચાલી રહ્યા હતા.
સંભાજીનગરમાં રહેતા ૧૯ જણનું ગ્રુપ ગણપતિપુળે ફરવા આવ્યું હતું. એમાંથી ૮ જણ દરિયામાં નાહવા પડ્યા હતા. જોકે પાણીના જોરદાર પ્રવાહ અને ઊંડાઈનો ખ્યાલ ન આવતાં તેઓ તણાવા માંડ્યા હતા. યુવાનો તણાઈ રહ્યા હોવાની જાણ થતાં જ લાઇફ-ગાર્ડ અને સ્થાનિક રહેવાસીઓએ દરિયામાં ઝંપલાવીને તેમને બચાવવાના પ્રયાસ કર્યા હતા પણ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે ૩ જણને બચાવી લેવાયા, પરંતુ બાકીના પાંચને બચાવી નહોતા શકાયા. ત્યાર બાદ બોટ લઈને પણ તેમને શોધવાના પ્રયાસ કરાયા હતા.
સરકારનું ધ્યાન દોરવા માટે કૂવામાં ઊતરીને આંદોલન

મહારાષ્ટ્રના જાલના જિલ્લાના ભોકરદાનના બે ખેડૂતો નારાયણ લોખંડે અને વિકાસ જાધવે ખેડૂતોનું પૂરું કર્જ માફ કરવામાં આવે અને તેમનો ૭/૧૨નો દાખલો ક્લિયર કરી આપવામાં આવે એવી માગણીઓ સાથે અનોખું આંદોલન કર્યું હતું. તેમણે ખાટલાને દોરીઓ બાંધીને કૂવામાં ઉતાર્યો હતો અને કૂવામાં ઉતારેલા ખાટલા પર બેસીને આંદોલન કર્યું હતું. સરકારે બે લાખ રૂપિયા સુધીની કર્જમાફીની જાહેરાત કરી છે, પણ સાથે જ એ માટે ઘણી બધી શરતો રાખી છે. એ બધી જ શરતો રદ કરીને ખેડૂતોનું બધું જ કર્જ માફ કરવામાં આવે એવી માગણી તેઓ કરી રહ્યા છે.
