પપ્પાના મર્ડરકેસના ચુકાદા પછી ધારાશિવના સંસદસભ્ય ઓમરાજે નિમ્બાળકર હવે કહે છે કે મતદારસંઘના લોકો સાથે ચર્ચા કરીને બે દિવસ પછી નિર્ણય લઈશ
પિતાના મર્ડરકેસના ચુકાદા માટે ગઈ કાલે મુંબઈમાં સ્પેશ્યલ CBI કોર્ટમાં આવેલા સંસદસભ્ય ઓમરાજે નિમ્બાળકર.
પવનરાજે નિમ્બાળકર હત્યાકેસના બધા જ આરોપીઓને છોડી મૂકવામાં આવતાં તેમના પુત્ર અને સંસદસભ્ય ઓમરાજે નિમ્બાળકરને મોટો ધક્કો પહોંચ્યો છે. આ બાબતે નિરાશા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે કળિયુગમાં ખરાબ બાબતોને બળ મળે છે અને સારી બાબતોને યશ નથી મળતો. હવે તેઓ શિવસેના (UBT) છોડીને શિવસેના જૉઇન કરશે કે નહીં એના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. શિવસેના (UBT)ના જે ૬ સંસદસભ્યો શિવસેના જૉઇન કરવાના હતા એમાં ઓમરાજે નિમ્બાળકર પણ હતા. હવે તેમણે કહ્યું હતું કે ‘મેં એ બાબતે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. હું બે દિવસમાં મારા મતદારક્ષેત્રના લોકો સાથે વાત કરીશ અને ત્યાર બાદ નિર્ણય લઈશ.’
જોકે તેમના આ નિવેદન બાદ શિવસેના (UBT)ના એ સંસદસભ્યોનું ગ્રુપ છૂટું પડે છે કે નહીં કે પછી સાતમા સંસદસભ્ય (જેમણે સહી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે)નો સમાવેશ કરીને શિવસેનામાં પ્રવેશ થશે એ વિશે હાલ રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે.
ADVERTISEMENT
પવનરાજે કેસનો ચુકાદો આવ્યા બાદ ઓમરાજેના પુણેના ઘરની બહાર મોટા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમના ઘરની બહાર ભેગા થયેલા સમર્થકોમાં એકનાથ શિંદેની શિવસેનાના શિવસૈનિકો હોવાનું પણ જણાઈ આવ્યું હતું. વળી ઓમરાજે તેમના પુણેના ઘરે પહોંચ્યા પછી એકનાથ શિંદેની શિવસેનાના માવળના સંસદસભ્ય શ્રીરંગ બારણે તેમને મળવા પહોંચી ગયા હતા. એથી એકનાથ શિંદેની શિવસેના તેમનું મન પોતાના તરફ વાળવા પૂરતા પ્રયાસ કરી રહી હોવાનું જણાઈ આવ્યું હતું.
શિવસેના (UBT)એ શું કહ્યું?
શિવસેના (UBT)નાં નેતા સુષમા અંધારેએ આ બાબતે કહ્યું હતું કે ‘ઓમરાજેના અમારી સાથેના સંબંધ છેલ્લા બે–ત્રણ દિવસથી બગડ્યા હતા. એમ છતાં માતોશ્રી છેલ્લાં ૨૦ વર્ષથી પવનરાજેને ન્યાય મળે એની પ્રતીક્ષા કરી રહ્યું હતું. તેમને ન્યાય મળવો જોઈતો હતો. જોકે કોર્ટના એક ચુકાદા પર રાજકીય નિર્ણય પેન્ડિંગ રાખવો એ એક વાર વિધાનસભ્ય અને ૩ વાર સંસદસભ્ય બનેલી મૅચ્યોર વ્યક્તિ માટે યોગ્ય જણાતું નથી. હાલ ઓમરાજે ચક્રવ્યૂહમાં ફસાયા છે, પણ તેમને એ ચક્રવ્યૂહ ભેદવા દેશે કે કેમ એની ચિંતા થઈ રહી છે.’
શિંદેસેનાના રામદાસ કદમનો દાવો : શિવસેના (UBT)ના ૬ નહીં પણ ૭ સંસદસભ્યોએ સહી કરી છે
શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો પક્ષ સાથે છેડો ફાડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ રહ્યા છે ત્યારે શિવસેનાના નેતા રામદાસ કદમે તેમની સ્ટાઇલમાં ઑપરેશન ટાઇગર બાબતે બહુ જ સ્પષ્ટ વિચારો માંડીને ઉદ્ધવ ઠાકરેને સંબોધીને કહ્યું હતું કે તમને બધા કેમ છોડી જાય છે એ માટે તમારે આત્મપરીક્ષણ કરવું જોઈએ. તેમણે ખળભળાટ મચાવે એવો દાવો કરતાં ઉદ્ધવ ઠાકરેને સંબોધીને કહ્યું હતું કે ‘શિવસેના (UBT)ના ૬ નહીં પણ ૭ સંસદસભ્યોએ પક્ષ છોડવાના પત્ર પર સહી કરી છે. એ પત્રમાં સાતમા સંસદસભ્યની પણ સહી છે જ. તે પ્રધાનપદ માગી રહ્યો હતો. એ જ માણસ આજે તમારી બાજુમાં બેઠો હતો.’
