સોશ્યલ મીડિયા માર્કેટિંગ માટે ધૂમ વપરાતી ઇન્સ્ટા ઍપમાં પણ હવે રીડ રિસીટ, મેસેજ એડિટ અને હાઇલાઇટ ચૅટ જેવાં ફીચર્સનો ઉપયોગ કરી શકાશે અને એ પણ કસ્ટમાઇઝેશન સાથે. આ ફીચર્સ વિશે જાણી લેશો તો ઇન્સ્ટાનો એક પ્રોફેશનલની જેમ ઉપયોગ કરી શકશો
પ્રતીકાત્મક તસવીર
ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ કેટલાંક ફીચર્સ ઍડ કરવામાં આવ્યાં છે. આ ફીચર્સનો સમાવેશ ઇન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજમાં એટલે કે ડીએમમાં કરવામાં આવ્યા છે. ફેસબુકની કંપની મેટાએ એના વૉટ્સઍપનાં ઘણાં ફીચર્સનો સમાવેશ હવે ફોટોશૅરિંગ ઍપ્લિકેશનમાં કર્યો છે. આ ફીચર્સની મદદથી યુઝર્સ તેમના ફ્રેન્ડ્સ અને અન્ય યુઝર્સ સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકશે. ઇન્સ્ટાગ્રામ પર યુઝર પોસ્ટ, સ્ટોરીઝ અને રીલ્સ દ્વારા જ કનેક્ટ થાય એવું નથી. ડાયરેક્ટ મેસેજ (DM) પણ એકમેક સાથે કનેક્ટ કરવા એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક સંજોગોમાં તો DM મૅચમેકિંગનું પણ કામ કરે છે. ‘બિગ બૉસ 17’માં મુનવ્વર ફારુકીના DMની સ્ટોરીથી તો બધા અવગત હશે જ. એનો ઉપયોગ પર્સનલ મેસેજિંગ માટે વધી ગયો હોવાથી મેટાને ફરજ પડી છે કે તેઓ વૉટ્સઍપનાં ફીચર્સનો પણ એમાં સમાવેશ કરે.
મેસેજ એડિટ કરવા
વૉટ્સઍપ પર એક વાર મેસેજ સેન્ડ કર્યા બાદ એને એડિટ કરી શકાય છે અને એ જ રીતે હવે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ એક વાર સેન્ડ કર્યા બાદ પંદર મિનિટની અંદર એને એડિટ કરી શકાય છે. આ ફીચર પહેલાં નહોતું, જેનો હવે સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર દ્વારા સેન્ડ કરવામાં આવેલા મેસેજ પર ક્લિક કરીને એને હોલ્ડ કરી રાખવાથી એક વિન્ડો ઓપન થશે. એ વિન્ડોમાં એડિટ ઑપ્શન સિલેક્ટ કરીને મેસેજને એડિટ કરી શકાશે. આ ફીચરને કારણે મેસેજ હવે ક્લિયર રહેશે. ઘણી વાર ઑટોકરેક્શનને કારણે અર્થનો અનર્થ થઈ જાય છે અને હવે એ પ્રકારની એરરથી દૂર રહી શકાશે. અત્યાર સુધી મેસેજને ડિલીટ કરવાની સુવિધા હતી, પરંતુ હવે એને એડિટ જ કરી શકાશે જેથી ફરી આખો મેસેજ ટાઇપ કરવાની જરૂર નહીં પડે.
ADVERTISEMENT
હાઇલાઇટ ચૅટ
ઇન્સ્ટાગ્રામના DMમાં હવે હાઇલાઇટ ચૅટનો ઑપ્શન આવી ગયો છે. આ ફીચરની મદદથી કોઈ પણ ચૅટને પિન કરી શકાય છે એટલે કે કોઈ પણ ચૅટને હંમેશાં પ્રાયોરિટીમાં રાખી ટૉપ પર હાઇલાઇટ કરી શકાય છે. આ ફીચરની મદદથી હંમેશાં જેની સાથે વધુ વાત થતી હોય એવા યુઝરને ટૉપ પર રાખવાથી તેની ચૅટ વારંવાર શોધવી નહીં પડે તેમ જ DMમાં જતાંની સાથે જ ટૉપ પર હોવાથી ખૂબ જ ઝડપથી કન્વર્સેશન સ્ટાર્ટ કરી શકાય છે. આ ફીચરમાં વધુમાં વધુ ત્રણ ચૅટને પિન કરી શકાય છે. આ ચૅટમાં ગ્રુપ અને પર્સનલ ચૅટ બન્નેનો સમાવેશ થઈ શકે છે તેમ જ યુઝર એને ગમે એ સમયે ચેન્જ કરી શકે છે. આ માટે કોઈ પણ ચૅટ પર લેફ્ટ અથવા તો હોલ્ડ કરવાથી એક મેનુ ખૂલશે અને એમાં પિન ચૅટ ઑપ્શન પસંદ કરવાથી એ પ્રાયોરિટીમાં આવી જશે.
પ્રાઇવસીનો ફુલ કન્ટ્રોલ
ઇન્સ્ટાગ્રામ દ્વારા એના યુઝર્સને વધુ પ્રાઇવસી કન્ટ્રોલ આપવામાં આવ્યો છે. રીડ રિસીટ એટલે કે મેસેજ વાંચ્યો કે નહીં એની જાણ સામેની વ્યક્તિને કરવી કે નહીં એ પણ હવે જાતે નક્કી કરી શકાશે. આ રીડ રિસીટ દરેક ચૅટ માટે રાખવી કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે ગ્રુપ માટે રાખવી એ પણ યુઝર હવે નક્કી કરી શકશે. આ માટે અકાઉન્ટ સેટિંગ્સમાં જઈને મેસેજ અને સ્ટોરી રિપ્લાયમાં જઈને રીડ રિસીટ ઑપ્શનમાં યુઝર પોતાની ચૉઇસ મુજબનાં સેટિંગ્સ નક્કી કરી શકે છે. જોકે અહીં સેટિંગ્સ કરવામાં આવશે તો એ દરેક યુઝર માટે અપ્લાય થશે. કોઈ ચોક્કસ યુઝર માટે કરવું હોય તો તેની ચૅટ ઓપન કરી એમાં રીડ રિસીટ બંધ અથવા તો ચાલુ કરવાનું રહેશે.
સ્ટાન્ડર્ડ સવાલોનો જવાબ પહેલેથી ફિક્સ કરી રાખી શકો છો
ઇન્સ્ટાગ્રામે અત્યાર સુધી યુઝર્સને ડાયરેક્ટ મેસેજમાં ઘણા ઑપ્શન આપ્યા છે જેમાં પર્સનલાઇઝ થીમ અને સ્ટિકર્સનો સમાવેશ થાય છે. આ થીમમાં અને સ્ટિકરમાં અન્ય ઘણા ઑપ્શન આપવામાં આવ્યા છે. જોકે હવે ફેવરિટ સ્ટિકર્સને સેવ કરી શકાય છે અને ક્રીએટ પણ કરી શકાય છે. અત્યાર સુધી સ્ટિકર્સ, વિડિયો, ફોટો અને વૉઇસ મેસેજ દ્વારા રિપ્લાય તો આપી શકાતો હતો, પરંતુ હવે આ રિપ્લાયને પણ અપગ્રેડ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે યુઝરને પૂછવામાં આવે કે ‘હાઉ આર યુ?’ તો આ પ્રકારના સ્ટાન્ડર્ડ મેસેજ માટે હવે જવાબ સેવ રાખી શકાય છે. કોઈ પણ યુઝર આ સવાલ કરે ત્યારે સેવ રાખેલા રિપ્લાયમાંથી એ જવાબ સેન્ડ કરી શકાય છે. આ ફીચરની મદદથી યુઝર માટે જવાબ આપવા વધુ સરળ થવાની સાથે તેનો સમય પણ બચી શકે છે.

