પહેલાં હું પણ સોશ્યલ મીડિયાનાં મારાં કામ મારી ટીમમાં કોઈને સોંપી દેતો, પણ પછી મને સમજાયું કે એવું કરીને હું મારો જ વિકાસ, મારી જ સમૃદ્ધિને રોકું છું.
પ્રતીકાત્મક તસવીર
તમને બધાયને ક્યારેક એવું થાય છે ખરું કે તમારા હાથમાં આ જે તમારો સ્માર્ટફોન છે એ તમારા કરતાં વધારે સારી રીતે તમારાં સંતાનો વાપરી શકે છે? ક્યારેય તમને થાય ખરું કે ટેક્નૉલૉજીની બાબતમાં તમે છો એના કરતાં તમારાં સંતાનો વધારે ઍડ્વાન્સ છે? છેલ્લો સવાલ, થાય ક્યારેય તમને એવું કે તમારા ઘરના ટીવીથી માંડીને બીજાં જે બધાં ઇલેક્ટ્રૉનિક્સ ગૅજેટ્સ કે પછી ઇલેક્ટ્રિકલ આઇટમ્સ છે એ તમે વાપરો છો એના કરતાં તમારાં સંતાનો એનો વધારે સારી રીતે વપરાશ કરે છે?
આ પુરુષો તો બીજી રીતે પણ કહી શકે કે અમારા કરતાં અમારી વાઇફને ઓછું વાપરતાં આવડે છે. આ જ તો કારણ છે કે મોટા ભાગના પુરુષોને એવું જ લાગ્યા કરે છે કે આ પત્નીઓને બહુ આવડતું નથી એટલે તો તે વારંવાર દરેક વાતમાં, ‘તું રહેવા દે, તને નહીં સમજાય. હું કરી આપીશ’ કે પછી ‘તને નહીં આવડે’ એવું કહેતા રહે છે, પણ મારે એ પુરુષોને કહેવું છે કે સાચેસાચું કહેજો, તમને વૉશિંગ મશીન ચાલુ કરતાં આવડે છે. આજે પણ અઢળક પુરુષો એવા છે જે ગીઝર ચાલુ કરવા માટે પણ વાઇફને કહે છે અને એ બંધ કરવાનું કામ પણ વાઇફને જ સોંપે છે. કહે પુરુષો મને કે શું તેમને ગૅસ પર બધું બનાવતાં આવડે છે? માઇક્રોવેવ કેવી રીતે ચાલુ કરવું અને કઈ આઇટમ એમાં કેટલી વાર માઇક્રો કરવી એની સમજણ તેનામાં છે? રેફ્રિજરેટર કેવી રીતે ખોલવું અને બંધ કરવું એ વાતમાં પુરુષો પારંગત છે, પણ તેમને એ નથી ખબર હોતી કે કઈ વસ્તુ ક્યાં મૂકવાથી એ વસ્તુ બગડી શકે છે. આ તો ઠીક, આવી તો અઢળક વાતો છે જે પુરુષોને નથી આવડતી એટલે મારું કહેવું એ છે કે માત્ર વાઇફ જ નહીં, આપણે પણ અમુક બાબતમાં તેમનાથી પાછળ જ છીએ.
ADVERTISEMENT
મારી વાત કરું, હું તો આ બધામાં બહુ પાછળ ચાલું છું. તમને જાણીને બહુ નવાઈ લાગશે, આશ્ચર્ય થશે કે ટેક્નૉલૉજીની બાબતમાં પણ હું બહુ મોડે-મોડે જરાક ઇન્ટરેસ્ટ દેખાડતો થયો. મને બહુ વાર અફસોસ થતો કે ઘણી ચીજો મને આવડતી નથી કે હું શીખ્યો જ નહીં. આમ તો હું ઘણો આગળ પડતો, ભણેલો પણ ખાસ્સો છું. આટલું બધું કામ કરું છું, મારું પોતાનું આટલું એક્સપોઝર છે દુનિયામાં અને કામ પણ બહુ સરસ કરું એટલે બધાની સામાન્ય માન્યતા એવી હોય કે જેડીભાઈને તો બધું આવડતું હશે, તેને તો બધી ખબર પડતી હશે, પણ ના, મને ઘરનાં કહેવાય એવાં ડોમેસ્ટિક કામ પણ શીખતાં બહુ વાર લાગી અને એ પણ હું હજી બધાં શીખી નથી શક્યો કે પછી મને બધાં કામ આવડતાં નથી. જો મને વૉશિંગ મશીનમાં કપડાં ધોવાનું કહેવામાં આવે તો હું ધોઈ ન શકું એટલે આમ એક રીતે તો સારું જ છે કે તમે કોઈ મને તમારાં કપડાં ધોવા ક્યારેય નહીં મોકલો.
હા... હા... હા...
બૅડ જોકને અહીં જ અટકાવી, આપણે આપણી વાત આગળ વધારીએ.
આપણે કહીએ કે પ્રોગ્રેસ થયો એ જ રીતે મારો પણ પ્રોગ્રેસ થયો. સમૃદ્ધિ વધી, માણસો વધ્યા, સ્ટાફ વધ્યો અને એ બધા વચ્ચે હું પણ વધુ કામ કરવા માંડ્યો. અમારી કંપનીમાં હું ક્રીએટિવ અને પ્રોડક્શનનાં કામ જોવા માંડ્યો એટલે મારાં જે નાનાં-મોટાં કામ હતાં એ મારાં જે પર્સનલ અસિસ્ટન્ટ છે એ રીનાબહેનને સોંપવાં માંડ્યો. તેને કહી દઉં કે રીના આ કરી નાખોને, તે કરી નાખોને અને રીના એ બધું કરી આપે, પણ આ આખી પ્રોસેસ દરમ્યાન કેટકેટલી ચીજો શીખવાનું મારું રહી ગયું. તમે માનશો નહીં, એ બધું રીનાને જ આવડે.
મારી સાથે બન્યું એવું તમારી સાથે, તમારી લાઇફમાં પણ બન્યું હશે. આ ડેલિગેશનનો મોટો માઇનસ પૉઇન્ટ છે કે તમે તમારી ટીમના કે પછી તમારા હાથ નીચે આવતા હોય તેમને કામ સોંપી દો એટલે એ કામ તમારે કરવાનું નથી અને તમારે એ કામ કરવાનું નથી એટલે તમે એ કામ શીખવાના નથી. કારણ કે ડેલિગેશન દરમ્યાન તમે ઘણાં કામ એવાં સોંપી દેતા હો છો જે તમારે કરવાં જોઈએ, જેનાથી તમને શીખવા મળે, તમારો વિકાસ થાય. આવું તમારી સાથે પણ બન્યું હશે. તમે કામ સોંપી દો એટલે પછી નિરાંતે બેસી જાઓ અને બીજાં કામને પ્રાધાન્ય આપી દો, પણ એ ભૂલી જાઓ છો કે જે કામ તમે સોંપ્યું એ પણ તમને આવડવું તો જોઈએ જ. મેં એવું જ કર્યું, પણ એ પછી મને થોડા સમયમાં સમજાવાનું શરૂ થયું કે કેટલાંક કામ એવાં હતાં જે મારે શીખવાની જરૂર હતી.
એ કામમાં જો મારે કોઈ એકાદ કામનો ઉલ્લેખ કરવાનો હોય તો એ છે સોશ્યલ મીડિયાનું કામ. પહેલાં કંઈ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું મન થાય તો મેં મારા અકાઉન્ટના પાસવર્ડ પહેલેથી જ આપી રાખ્યા હોય એટલે મારે માત્ર એટલું કહેવાનું કે તમે આ કરી નાખો કે તે કરી નાખો અને એ કામ થઈ જાય, પણ હમણાં-હમણાં થોડા સમયથી મને રિયલાઇઝ થયું કે ના, આ મારી ભૂલ છે. આ બધું તો... મારો વિકાસ છે, મારે એ શીખવાનું છે અને મને સમજાય કે ટેક્નૉલૉજી તો તમારે નિરંતર શીખતા રહેવાની હોય. એની સાથે આગળ વધવાનું તમને હંમેશાં આવડવું જોઈએ. જો તમે એ કામ શીખવાની ઇચ્છા ન દાખવો, તાત્પર્ય ન દાખવો તો તમે તમારો જ વિકાસ રૂંધી નાખો છો અને બસ, ઘણુંબધું કામ મેં મારા હાથમાં લીધું અને હું એ બધું શીખવા માંડ્યો અને જાતે કરવા માંડ્યો. સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકવાથી માંડીને ઇન્સ્ટાગ્રામ અને એ બધું શીખવાનું શરૂ કર્યું. મને સમજાયું પણ ખરું કે એ બધામાં કોઈ રૉકેટ સાયન્સ નથી. સરળ પણ છે અને સરસ પણ છે અને એટલે જ કહું છું, આપણે એનાથી દૂર નહીં જવાનું. હા, આ બધાનો કેટલી માત્રામાં ઉપયોગ કરો છે એ બહુ મહત્ત્વનું છે.
ટેક્નૉલૉજીનું ઍડિક્શન ન થવું જોઈએ. આ વાત જેટલી મહત્ત્વની છે એટલું જ મહત્ત્વનું એ પણ છે કે આજની તારીખમાં આ બધું શીખવું પણ બહુ જરૂરી છે. કેમ કે એના ઍડ્વાન્ટેજ પુષ્કળ છે. તમે પોતે શીખીને ઘણું બધું જાણી શકો છો. દુનિયામાં શું ચાલે છે અને દુનિયા હવે કઈ દિશામાં જઈ રહી છે એની તમને ખબર આ ટેક્નૉલૉજી આપે છે તો સાથોસાથ સોશ્યલ મીડિયા પણ તમને આ બધી બાબતોથી અપડેટ કરે છે. એવું નથી કે તમે એમ માનતા હો કે સોશ્યલ મીડિયા પર માત્ર ફોટો જ પોસ્ટ કરવાના હોય છે. ના, એવું જરા પણ નથી. એટલા સારા-સારા વિડિયો આવે છે જે તમને અપડેટ કરે છે, નૉલેજ આપે છે અને દેશ-વિદેશની વાતોથી તમને માહિતગાર પણ રાખે છે. ઘણી વાર એવું પણ બને કે તમે એ માહિતીના દરિયામાં એવા તો ગુમ થઈ જાઓ કે બધું ભૂલી જાઓ, પણ અહીં જ કન્ટ્રોલ રાખવાનો છે. આ બધાને કેટલો સમય આપવા ઇચ્છો છો એ તમારે નક્કી કરવાનું છે, પણ એટલું તો નક્કી જ છે કે ટેક્નૉસૅવી થવું અગત્યનું છે, આજના સમયમાં એનું મહત્ત્વ ઘણું વધારે છે. ટેક્નૉલૉજીની આ આખી વાતનો વિષય કેવી રીતે શરૂ થયો એની ચર્ચા આપણે કરવાની છે, પણ એ ચર્ચા આપણે નેક્સ્ટ વીકમાં કરીશું, અત્યારે તો મારું તમને એ જ કહેવું છે કે આ બધાથી દૂર રહેવું એવી માનસિકતા જો મનમાં ઊભી થઈ ગઈ હોય તો પ્લીઝ એ માનસિકતાને દૂર કરો અને વાજબી કન્ટ્રોલ સાથે ટેક્નૉસૅવી બનવાની દિશામાં મક્કમતા સાથે આગળ વધો. જરૂરી નથી કે દરેક કામ કોઈ હસ્તક પૂરાં થઈ જાય એટલે આપણે એના વિશે જાણકારી પણ રાખીએ. ના, એ ભૂલભરેલી માનસિકતાને પણ દૂર કરો.
મળીએ આવતા ગુરુવારે...

