Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ઇસરોનું નવું મિશન : નવું લૉન્ચપૅડ

ઇસરોનું નવું મિશન : નવું લૉન્ચપૅડ

10 March, 2024 07:35 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

૯૮૬ કરોડના ખર્ચે તામિલનાડુના કોસ્ટલ એરિયામાં થૂટુકુડી જિલ્લાના કુલસેકરપટનમમાં બીજી લૉન્ચિંગ-સાઇટ તૈયાર થવાની શરૂઆત થઈ છે

ઈસરોનું નવું લૉન્ચ પૅડ

ઈસરોનું નવું લૉન્ચ પૅડ


અત્યાર સુધી કોઈ પણ અવકાશી અભિયાનના લૉન્ચિંગ માટે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાની જ મોનોપૉલી રહી છે, પણ હવે ૯૮૬ કરોડના ખર્ચે તામિલનાડુના કોસ્ટલ એરિયામાં થૂટુકુડી જિલ્લાના કુલસેકરપટનમમાં બીજી લૉન્ચિંગ-સાઇટ તૈયાર થવાની શરૂઆત થઈ છે. આ પ્રોજેક્ટ કેમ શરૂ કરવો પડ્યો એ સમજવા પહેલાં જાણીએ શ્રીહરિકોટાની ખાસિયતો અને સાથે જ નવો પ્રોજેક્ટ ભારતના અવકાશ સંશોધનના મિશનને કઈ રીતે અલગ લેવલ પર લઈ જઈ શકે એમ છે એ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો હવે શ્રીહરિકોટાની સાથે કુલસેકરપટનમમાં બીજી પણ એક લૉન્ચિંગ-સાઇટ તૈયાર કરી રહ્યું છે. ૨૮ ફેબ્રુઆરીએ વડા પ્રધાને ફાઉન્ડેશન સ્ટોન મૂકી આ સાઇટને સત્તાવાર રીતે કન્સ્ટ્રક્શન માટે ખુલ્લી મૂકી હતી. ત્યારથી આપણા બધાની આ સાઇટ વિશે જાણવાની અને શા માટે ઇસરોને બીજી રૉકેટ લૉન્ચિંગ-સાઇટ બનાવવાની જરૂર પડી એ વિશે જાણવાની જિજ્ઞાસા વધી ગઈ છે.



તામિલનાડુના કોસ્ટલ એરિયામાં થૂટુકુડી જિલ્લા નજીક બની રહેલી આ નવી સાઇટ અંદાજે ૯૮૬ કરોડ રૂપિયાના ખર્ચે ઇસરો માટે બીજી લૉન્ચિંગ-સાઇટ તરીકે તૈયાર થવા જઈ રહી છે. અંદાજે ૨૦૦૦ એકર જેટલી જમીન એના માટે હસ્તગત કરવામાં આવી છે અને હવે એ નાનાં સૅટેલાઇટ્સ લૉન્ચ કરવા માટે એક અલાયદી સાઇટ તરીકે અસ્તિત્વમાં આવશે. સ્મૉલ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ (SSLV) સાઇટ તરીકે આ પ્રોજેક્ટને વિકસાવવા માટે સરકારે જમીન હસ્તગત કરીને ઇસરોને સોંપી ત્યારથી જ આપણામાંના ઘણા લોકોને એવું થયું હશે કે શ્રીહરિકોટા છે તો ખરું, પછી આટલા બધા ખર્ચે બીજી એક નવી લૉન્ચિંગ-સાઇટ બનાવવાની જરૂર શા માટે ઊભી થઈ?


નવી સાઇટ શા માટે?

તો મૂળ વાત અને કારણ કંઈક એવું છે કે સ્પેસ સેન્ટર અને રિસર્ચ જેવું સેક્ટર હમણાં સુધી માત્ર સરકારહસ્તક હતું અને ઇસરો પણ આપણા દેશની સરકારી સંસ્થા જ છે એ આપણે સૌ જાણીએ છીએ. હવે સરકાર સ્પેસ સેક્ટર પ્રાઇવેટ પ્લેયર્સ માટે પણ ખુલ્લું મૂકી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આ પ્રાઇવેટ પ્લેયર્સ પણ પોતાનાં સૅટેલાઇટ્સ લૉન્ચ કરશે. તો આવાં કમર્શિયલ લૉ​ન્ચિસ માટે તેમને પણ એક લૉન્ચ-સાઇટની જરૂરિયાત તો રહેવાની જ. આથી જ ઇસરો હાલ જે આ નવી લૉન્ચિંગ-સાઇટ તૈયાર કરી રહી છે એ એક SSLV સાઇટ તરીકે તૈયાર થવાની છે. અર્થાત્, સ્મૉલ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ માટે.


હવે જો ભવિષ્યમાં તૈયાર થનારા એ બધા જ પ્રાઇવેટ પ્લેયર્સને પણ શ્રીહરિકોટાની સાઇટ પરથી જ લૉન્ચ કરવાની પરવાનગી આપવા વિશે વિચારવામાં આવે તો એ સાઇટ ઓવરલોડેડ થઈ જાય. આથી જ શ્રીહરિકોટાની સાઇટ હવે ભારે અને મોટાં લૉ​ન્ચિસ માટે અલાયદી છોડી દેવી એવો નિર્ણય કરવામાં આવ્યો.

આ નવી લૉન્ચ-સાઇટ બનવાને કારણે સ્પેસ સેક્ટરમાં જબરદસ્ત મોટું રેવલ્યુશન સર્જાવા જઈ રહ્યું છે એમ કહી શકાય; કારણ કે હવે પ્રાઇવેટ પ્લેયર્સ, સ્પેસ ક્વૉલિફાઇડ સબ્સ્ટન્સિસ સૅટેલાઇટ્સ, લૉન્ચ વેહિકલ વગેરે ન માત્ર ડેવલપ કરી શકશે પરંતુ એને લૉન્ચ પણ કરી શકશે.

તામિલનાડુ જ શા માટે?

તો પ્રશ્ન એવો પણ થાય કે તામિલનાડુ જ શા માટે? તો એ માટે પણ તાર્કિક કારણો અને યોગ્ય નિર્ણયો છે જ. જેમ કે કુલસેકરપટનમ લૉન્ચિંગ માટે એક નૅચરલ બૂસ્ટર પુરવાર થઈ શકે એવી સાઇટ છે અને કારણ તો એ કે એની એક તરફ સમુદ્ર આવેલો છે અને એનો દરિયા તરફ ખૂલતો એ હિસ્સો સીધેસીધો દક્ષિણાભિમુખ લૉન્ચ ટ્રેજેક્ટરી પૂરી પાડે છે જેને કારણે આપણે જે રૉકેટ કે સૅટેલાઇટ લૉન્ચ કરી રહ્યા હોઈએ એનું ફ્યુઅલ કન્ઝમ્પશન તો બચે જ બચે, સાથે જ દક્ષિણાભિમુખ લૉન્ચ ટ્રેજેક્ટરી હોવાને લીધે લૉન્ચ વેહિકલ એની લૉન્ચિંગ ક્ષણથી જ પૂરેપૂરી કાર્યક્ષમતા સાથે કામ પણ કરી શકે.

ઓલ્ડ કી ગોલ્ડ કહાની

છેક વિક્રમ સારાભાઈ અને ડૉ. હોમી ભાભાના સમયથી ઇસરો શ્રીહરિકોટાની એકમાત્ર લૉન્ચિંગ-સાઇટનો જ ઉપયોગ કરી રહ્યું છે. સામાન્ય રીતે મોટા ભાગની આવી સંસ્થાઓ પાસે એક કરતાં વધુ લૉન્ચિંગ-સાઇટ્સ હોય છે. એની પાછળનું એક કારણ એ પણ ખરું કે વિશાળ પેલોડવાળા જે પ્રોજેક્ટ્સ હોય એ માટે સાઇટ પણ એવી જોઈએ જેનું ક્ષેત્રફળ વધુ હોય અને નાના પેલોડ્સવાળા નાના પ્રોજેક્ટ્સ માટે સ્વાભાવિક રીતે જ એટલા મોટા લૉન્ચિંગ પૅડની કોઈ જરૂર નથી હોતી. જોકે આપણો દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ સુધી ઇસરો પાસે સત્તાવાર રીતે જોવા જઈએ તો માત્ર એક જ લૉન્ચિંગ-સાઇટ છે અને એ છે શ્રીહરિકોટા. જોકે આ સાઇટ પર લૉન્ચ-પૅડ્સ બે છે.

ભારતમાં અવકાશ સંશોધનસંસ્થા ઇસરો શરૂ થઈ ત્યાર બાદ ૧૯૬૯માં ચેન્નઈની ઉત્તરે લગભગ ૮૦ કિલોમીટર દૂર આવેલા એક નાના આઇલૅન્ડને સંસ્થાએ પોતાની લૉન્ચ-પોર્ટ સાઇટ તરીકે ફાઇનલ કરી. જરૂરિયાત અનુસાર લૉન્ચિંગ-પૅડથી લઈને સાઇટ ડેવલપમેન્ટનું કામ શરૂ થયું અને ત્યાર બાદ ૯ ઑક્ટોબર ૧૯૭૧ની સાલમાં પહેલી વાર ઇસરોએ RH–125 સાઉન્ડિંગ રૉકેટ ત્યાંથી લૉન્ચ કર્યું. જોકે એવું કહો તો ચાલે કે આ માત્ર એક ટેસ્ટ-લૉન્ચ હતું. ત્યાર બાદ ૧૦ ઑગસ્ટ ૧૯૭૯નો એ દિવસ જ્યારે સૌપ્રથમ વાર શ્રીહરિકોટાની જમીનનો એક-એક કણ જબરદસ્ત ઊર્જા સાથે આગની જ્વાળાઓ છોડી રહેલા પેલોડ રૉકેટની ગરમી સહન કરવાનો હતો. રોહિણી-1A નામનું સૅટેલાઇટ આ લૉન્ચિંગ-સાઇટ પરથી લૉન્ચ કરવામાં આવ્યું અને બસ, ઇસરોના આ લૉન્ચિંગ-પોર્ટને નામ મળ્યું SHAR અર્થાત્ શ્રીહરિકોટા રેન્જ.

ત્યાર બાદ તો આ સાઇટ ઇસરો માટે જબરદસ્ત મોટી ડે​ડિકેટેડ સાઇટ પુરવાર થઈ છે. ગયા મહિના સુધીનાં જ ટોટલ લૉન્ચની વાત કરીએ તો ઇસરો એની આ લૉન્ચિંગ-સાઇટથી હમણાં સુધીમાં કુલ ૯૫ લૉન્ચ કરી ચૂકી છે. એમાંથી ૮૦ સક્સેસફુલ લૉ​ન્ચિસ રહ્યાં હતાં, પાંચ પા​ર્શિયલ સક્સેસ સુધી પહોંચી શક્યાં અને માત્ર ૧૦ મિશન એવાં રહ્યાં જે ફેલ થયાં હોય. ઇસરો માટે અને શ્રીહરિકોટાની લૉન્ચિંગ-સાઇટ માટે પણ લૉન્ચિંગનો આ સક્સેસ-રેશિયો જબરદસ્ત કહી શકાય એવો છે.

પાંચમી સપ્ટેમ્બર ૨૦૦૨ના દિવસે SHARને કોઈકના સન્માનમાં એક નવું નામ મળ્યું. આ દિવસ પછી SHAR એના નવા નામ SDSC - SHAR તરીકે ઓળખાવા માંડ્યું. શા માટે? ભારત દેશે અને ઇસરોએ એના ભૂતપૂર્વ ચૅરમૅન સતીશ ધવનનો આ રીતે ઋણસ્વીકાર કર્યો અને શ્રદ્ધાંજલિ આપી. હવે શ્રીહરિકોટાનું નામ થઈ ગયું  સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)  શ્રીહરિકોટા રેન્જ. મૂળતઃ ઇસરો પાસે આ સાઇટ દ્વારા બે લૉન્ચિંગ-પૅડ્સ છે. અર્થાત્, લૉન્ચિંગ-સાઇટ એક છે, પણ ત્યાં લૉન્ચિંગ-પૅડ બે છે. સમજોને કોઈ એક ઍરપોર્ટ પર બે હવાઈ પટ્ટીઓ હોય એવું જ કંઈક, જ્યાંથી પોલર સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ (PSLV) અને લૉન્ચ વેહિકલ માર્ક-૩ (LMV3) રૉકેટ લૉન્ચિંગ ​ઍક્ટિવિટી હાલ ઇસરો કરી રહી છે. ચંદ્રયાનથી લઈને મંગળયાન અને આદિત્ય L-1 જેવાં અનેક મિશન્સ જે આપણે લૉન્ચ કર્યાં એ બધાં જ આ બે લૉન્ચિંગ-પૅડ્સ સાઇટ્સ પરથી લૉન્ચ થયાં હતાં.

આવો ભવ્ય ઇતિહાસ સંગોપીને વિદ્યમાન એવી શ્રીહરિકોટાની લૉન્ચિંગ-સાઇટ હવે રિટાયર થઈ રહી છે એવું જરાય નથી. માત્ર એક ઉદાહરણ સાથે આ વાત જાણીશું તો સમજાઈ જશે. જો દિશાની દૃષ્ટિએ કહીએ તો આ નવી બની રહેલી સાઇટ આપણી શ્રીહરિકોટાની સાઇટ કરતાં પણ શ્રેષ્ઠ છે એમ કહીએ તો ચાલે, કારણ કે હાલ શ્રીહરિકોટાથી આપણે જેટલાં પણ લૉન્ચિસ કરીએ છીએ તે તમામ લૉ​ન્ચિસ લૉન્ચ થતાંની સાથે જ ઈસ્ટ-ફેસિંગ એટલે કે શ્રીલંકા તરફ એક ઘુમાવ લઈને ત્યાર બાદ પોતાની દક્ષિણાભિમુખ સફરનો આરંભ કરે છે, જ્યારે આ નવી સાઇટ પરથી લૉન્ચ થનારું લૉન્ચિંગ વેહિકલ સીધેસીધું જ દક્ષિણ દિશા તરફ ઉદ્ગમ કરી શકશે જેને કારણે સારુંએવું ફ્યુઅલ પણ બચી જશે.

કેટલો સમય લાગશે?

તામિલનાડુ રાજ્ય સરકારે જમીન તો હસ્તગત કરી લીધી અને ઇસરોને હૅન્ડઓવર પણ કરી દીધી છે, પરંતુ હાલ અંદાજ કંઈક એવો મુકાઈ રહ્યો છે કે આ પ્રોજેક્ટ પૂરો થવામાં બે વર્ષ જેટલો સમય લાગશે. આ સાઇટ એક ૩ સ્ટેજિસ લૉન્ચ-પૅડ તરીકે તૈયાર થઈ રહી છે જે ૫૦૦ કિલો વજન સુધી એવાં સૅટેલાઇટ્સ લૉન્ચ કરી શકશે જે ૫૦૦ કિલોમીટર સુધી ઑર્બિટલ સફર કરી શકે.

વળી ઇસરો આ સાઇટને એક એવી સાઇટ બનાવવા જઈ રહ્યું છે જે સૌથી વધુ ફ્લેક્સિબલ લૉન્ચિંગ-સાઇટ હોય, જે લો-કૉસ્ટ એટલે કે વાજબી હોય. વળી એકસાથે મ​લ્ટિપલ સૅટેલાઇટ્સને અકૉમોડેટ કરી શકે એવી કૅપે​સિટી પણ આ લૉન્ચ-સાઇટ પર હોવી જોઈએ એવી ઇસરોની તૈયારી છે. આટલું ઓછું હોય એમ ઇસરો કહે છે કે આ સાઇટ તેઓ કંઈક એવી બનાવશે કે લૉન્ચરને ઓછામાં ઓછા લૉન્ચ-ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર રહે અને ‘લૉન્ચ ઑન ડિમાન્ડ’ જેટલા લેવલ સુધીની એ લૉન્ચિંગ-સાઇટ હોય. એક વર્ષમાં ૨૦થી ૩૦ લૉન્ચિંગ આ સાઇટ પરથી થઈ શકે એટલી કાર્યક્ષમતા સાથે આ લૉન્ચ-સ્ટેશન બનાવવામાં આવે એવી હાલના તબક્કે તૈયારીઓ થઈ રહી છે.

ભારત નહીં, વિશ્વ આખું હવે જાણી ચૂક્યું છે કે ભારત કોઈ ચાર્મર્સનો દેશ નથી. ભવ્ય સાંસ્કૃતિક વારસાનું અગર આ દેશને ગૌરવ છે તો વિજ્ઞાન અને અંતરીક્ષ ક્ષેત્રે પણ રોજ નવી હરણફાળ ભરી રહ્યા હોવાનું પણ ગૌરવ છે.

સ્મૉલ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ (SSLV) શું છે?

સ્મૉલ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ એ ઇસરો દ્વારા ડિઝાઇન અને તૈયાર થયેલું એક એવું લૉન્ચ વેહિકલ છે જે ૧૦ કિલોથી લઈને ૫૦૦ કિલો સુધીનાં સ્મૉલ સૅટેલાઇટ્સ લૉન્ચ કરી શકવા સક્ષમ છે. ઇસરો દ્વારા આ લૉન્ચ વેહિકલ બનાવવાને કારણે હવે ​મિની, માઇક્રો અને નૅનો સૅટેલાઇટ્સ અંતરીક્ષમાં લૉન્ચ કરવાનું કામ ખૂબ સરળ થઈ ગયું છે; કારણ કે આ લૉન્ચ વેહિકલ ફ્યુઅલ એફિશિયન્ટ તો છે જ, આર્થિક ખર્ચની દૃષ્ટિએ પણ રીઝનેબલ છે અને ઝડપથી તૈયાર થઈ શકનારું વેહિકલ છે. એને કારણે ઇસરો હવે પ્રાઇવેટ પ્લેયર્સને પણ લૉન્ચ ઑન ડિમાન્ડ જેટલી ઝડપથી એ પૂરું પાડી શકશે. SSLVની શરૂઆતની સફર પીડાદાયક રહી છે. પહેલી વાર SSLV બનાવવામાં અને લૉન્ચ કરવામાં આવ્યું ત્યારે એની સાથે બે સૅટેલાઇટ્સ લૉન્ચ કરવામાં આવ્યાં હતાં, પરંતુ એ મિશન સંપૂર્ણ અસફળ રહેલું અને SSLVના માથે અસફળતાની કાળી ટીલી વળગી ગઈ હતી. જોકે ત્યાર બાદ એની બનાવટ માટે વધુ મહેનત કરવામાં આવી. નાની-નાની રહી ગયેલી ખામીઓને દૂર કરવામાં આવતાં ફરી એક વાર SSLV એની નવી સફર માટે તૈયાર થઈ ગયું. આ વખતે ત્રણ સૅટેલાઇટનું લૉન્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું અને એ પ્રોજેક્ટ સંપૂર્ણ સફળ રહ્યો. એક હૅન્ડી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે SSLVએ નામના મેળવી અને હવે પોતાના માટે એક સાવ નવી લૉન્ચ-સાઇટ તૈયાર કરાવી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2024 07:35 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK