આ ફીચર નૉર્મલ વિડિયો મેસેજ કરતાં ઘણું સરળ અને રિલાયેબલ હોવાની સાથે જ એટલું સિક્યૉર પણ છે
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા આજે ખૂબ જ જલદી પ્રોગેસ કરી રહ્યું છે. એમાં આજે બહુ જલદી નવા–નવા ફીચર અથવા તો કહો કે નવાં ડેવલપમેન્ટ થઈ રહ્યાં છે. એમાં હવે વૉટ્સઍપ પણ પાછળ નથી. માર્કેટમાં ટકી રહેવા વૉટ્સઍપ પણ કમર કસી રહ્યું છે. આજે રીલ્સ ખૂબ જ વાઇરલ થાય છે અને દરેક કન્ટેન્ટનું ફૉર્મેટ હવે ધીમે-ધીમે વિડિયો તરફ જઈ રહ્યું છે. નૉર્મલ કૉલની જગ્યા હવે વૉટ્સઍપ કૉલ લઈ રહ્યું છે ત્યારે હવે કંપની એક સ્ટેપ આગળ વધી રહી છે. વૉટ્સઍપ કૉલની જેમ ઑડિયો મેસેજ પણ એટલા જ પૉપ્યુલર છે અને એથી વૉટ્સઍપ હવે લોકોને વિડિયો મેસેજ તરફ મોકલી રહ્યું છે. વૉટ્સઍપ દ્વારા શૉર્ટ વિડિયો મેસેજ ફીચરને લૉન્ચ કરવામાં આવ્યું છે.
શું છે વૉટ્સઍપ શૉર્ટ વિડિયો મેસેજ? | વૉટ્સઍપ દ્વારા થોડાં વર્ષ પહેલાં જ ઑડિયો મેસેજ સર્વિસ લૉન્ચ કરવામાં આવી હતી. પહેલાં મેસેજ ટાઇપ કરવામાં આવતા હતા અને એમાં સમય જતો હતો. આથી જલદી અને સરળતાથી મેસેજ પહોંચી શકે એ માટે ઑડિયો મેસેજની શોધ થઈ હતી. જોકે હવે એક સ્ટેપ આગળ વધતાં શૉર્ટ વિડિયો મેસેજ આવ્યું છે. ઑડિયોની સાથે હવે વિઝ્યુઅલ પણ મોકલવા માટે આ સૌથી ઉત્તમ ઑપ્શન છે. કોઈ પણ યુઝરને અથવા તો ગ્રુપમાં વિડિયો મેસેજ કરવાનું હવે ખૂબ જ સરળ બન્યું છે. આ માટે વૉટ્સઍપ દ્વારા શૉર્ટ વિડિયો મેસેજ ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર પહેલાં બીટા વર્ઝનમાં હતું, પરંતુ હવે ઘણા મોબાઇલમાં ટેસ્ટિંગ હેતુ આપી દેવામાં આવ્યું છે. આ શૉર્ટ વિડિયો મેસેજનો મતલબ એ છે કે યુઝર સામેવાળી વ્યક્તિને વધુમાં વધુ ૬૦ સેકન્ડનો મેસેજ મોકલી શકે છે. વધુપડતું બોરિંગ ન લાગે અને સમય વધુ જાય એ હેતુથી તેમ જ ડેટા પણ વધુ ન બગડે એ માટે આ ૬૦ સેકન્ડની મર્યાદા રાખવામાં આવી છે. યુઝર્સ હવે કોઈ પણ મેસેજ દ્વારા તેનાં ઇમોશન્સને પણ દેખાડી શકશે.
ADVERTISEMENT
કેવી રીતે ઉપયોગ કરશો? |વૉટ્સઍપ દ્વારા આ ફીચરને પણ ખૂબ જ સરળ બનાવવામાં આવ્યું છે. કોઈ પણ ચૅટ ઓપન હોય એમાં કૉલ કરવા, ટાઇપ કરવા અને મીડિયા સેન્ડ કરવા માટે શૉર્ટકટ આપવામાં આવ્યા છે. આવો જ શૉર્ટકટ ઑડિયો રેકૉર્ડ કરવા માટેનો પણ છે, જેને હોલ્ડ કરી રાખતાં એ રેકૉર્ડ થશે. જોકે આ બટન હવે એક નહીં, બે કામ કરશે. માઇક્રોફોનનું એટલે કે રેકૉર્ડ માટેનું જે બટન છે એના પર સિંગલ ટૅપ કરતાં એ માઇક્રોફોનની જગ્યાએ કૅમેરાનું નિશાન આવી જશે. આ કૅમેરાનું નિશાન આવ્યા બાદ એને હોલ્ડ કરતાં યુઝર વિડિયો મેસેજ રેકૉર્ડ કરીને સીધો સેન્ડ કરી શકે છે. આ માટે ફ્રન્ટ અને બૅક કૅમેરાનો પણ ઑપ્શન આપવામાં આવ્યો છે. આથી યુઝર કોઈ પણ જાતની ઝંઝટ વિના સીધો વિડિયો મેસેજ કરી શકે છે. તેમ જ એ મીડિયા ફાઇલ તરીકે નહીં, પરંતુ મેસેજની જેમ જશે.
મીડિયા ફાઇલ અને શૉર્ટ મેસેજમાં શું તફાવત છે? | ઘણા યુઝર્સને થશે કે શૉર્ટ મેસેજના ફાયદો શું છે, કારણ કે તેઓ એને અલગથી વિડિયો રેકૉર્ડ કરીને પણ સેન્ડ કરી શકે છે. જોકે સૌથી મોટો ફાયદો સમયનો બચાવ છે. ઇમર્જન્સીમાં કોઈ વસ્તુ દેખાડવી હોય તો એક ક્લિક કરવાથી સીધો વિડિયો રેકૉર્ડ થઈ જશે, જ્યારે વિડિયો અલગથી રેકૉર્ડ કરવામાં ઘણો સમય લાગે છે. આ સાથે જ શૉર્ટ વિડિયો મેસેજમાં અધવચ્ચે પણ ફ્રન્ટ અને બૅક કૅમેરાને ચેન્જ કરી શકાય છે. આ સાથે જ શૉર્ટ વિડિયો મેસેજની ઑથેન્ટિસિટી હોય છે. મતલબ કે આ મેસેજ અત્યારે જ અને જે-તે યુઝર દ્વારા જ શૂટ કરવામાં આવ્યો છે. એની સામે વિડિયો કોઈ પણ વ્યક્તિએ શૂટ કર્યો હોઈ શકે છે અને ગમે ત્યાં અને ગમે ત્યારે શૂટ કર્યો હોઈ શકે છે. આ સાથે જ બીજો ફાયદો એ છે કે એ એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન સાથે આવે છે એટલે કે એ સિક્યૉર હોય છે. શૉર્ટ વિડિયો મેસેજનો સૌથી મોટો ફાયદો એ છે કે એ જેને મોકલવામાં આવ્યો હોય એ મેસેજને એ વ્યક્તિ ફોર્વર્ડ નથી કરી શકતી.

