સરકારના સંચારસાથી પોર્ટલની મદદથી મોબાઇલ બ્લૉક અને અનબ્લૉક કરવાની સાથે યુઝરના નામ પર કેટલાં સિમ-કાર્ડ ચાલે છે એ પણ જાણી શકાય છે અને અજાણ્યા નંબરનો રિપોર્ટ પણ કરી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
આજે સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ જ વધુ થઈ ગયો છે. દરેક કામ માટે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. પૈસા ચૂકવવા માટે પણ આજે મોબાઇલથી પેમેન્ટ કરવામાં આવે છે. સ્માર્ટફોનનો ઉપયોગ જ્યારે વધી ગયો છે ત્યારે એના પર ફ્રૉડ પણ એટલા વધી ગયા છે. જોકે સૌથી ખતરનાક વસ્તુ કોઈ હોય તો એ છે મોબાઇલ ખોવાઈ જવો અથવા તો ચોરી થઈ જવો. ચોરાઈ જવાથી અથવા તો ખોવાઈ જવાથી મિલકતનું તો નુકસાન થાય જ છે, પરંતુ એ સાથે ડેટા અને પ્રાઇવસીનું પણ નુકસાન થાય છે. યુઝરના ડેટા લીક થવાની સાથે બૅન્ક-અકાઉન્ટની ડીટેલ્સ પણ મળી શકે છે. મોબાઇલ ખોવાઈ જતાં અથવા તો ચોરી થતાંની સાથે તરત મોબાઇલનું સિમ-કાર્ડ બંધ નથી થતું. આથી કોઈએ સિક્યૉરિટી કોડને બાયપાસ કર્યો અને બૅન્ક ડીટેલ મળી ગઈ તો એ યુઝરનું બૅન્ક-અકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે, કારણ કે ઓટીપી પણ જે-તે વ્યક્તિ પાસે મોબાઇલ હશે એના પર જ જશે. જોકે આ તમામ દુવિધાનો રસ્તો ભારત સરકાર લઈને આવી છે. સરકાર દ્વારા સંચાર સાથી પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ પર વેબસાઇટ sancharsaathi.gov.in દ્વારા જઈ શકાય છે. આ વેબસાઇટ પર ગયા બાદ ત્રણ સુવિધાનો લાભ લઈ શકાય છે.
આઇએમઈઆઇ નંબરની ડીટેલ
ADVERTISEMENT
યુઝરના આઇએમઈઆઇ નંબરની માહિતી મેળવવા માટે આ પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે. આની મદદથી યુઝરનો મોબાઇલ કઈ કંપનીનો છે અને મૉડલ કયું છે અને એ નંબર વૅલિડ છે કે નહીં એ પણ જાણી શકાશે. એને નો યૉર નંબર સેક્શનમાં જવું પડશે. ત્યાં ગયા બાદ મોબાઇલ-નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યાર બાદ ઓટીપી આવશે અને એ દાખલ કર્યા બાદ આઇએમઈઆઇ નંબર દાખલ કરતાં દરેક માહિતી આવી જશે.
કેટલાં સિમ-કાર્ડ ચાલે છે?
છેલ્લા થોડા સમયથી સિમ-કાર્ડ લેવા માટે બાયોમેટ્રિક ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે પહેલાં એવું નહોતું. આથી યુઝરના નામ પર વર્ષોથી કોઈ નંબર ચાલી આવતા હોય તો પણ એની જાણ તેને નહીં હોય. આ માટે sancharsaathi.gov.in વેબસાઇટ પર જઈને નો યૉર મોબાઇલ કનેક્શન સેક્શનમાં જવું. એમાં ગયા બાદ મોબાઇલ-નંબર ઍડ કરવાનો રહેશે અને કૅપ્ચા આપવાના રહેશે. ત્યાર બાદ યુઝરના નંબર પર ઓટીપી આવશે અને એ દાખલ કરતાંની સાથે જ યુઝરના નામ પર કેટલા નંબર છે એ સામે આવી જશે. આ નંબરમાં વચ્ચેના ચાર નંબર નહીં દેખાડવામાં આવે. જો એમાંથી કોઈ નંબર અજાણ્યો હોય તો નૉટ રિક્વાયર્ડ અથવા તો એના પર રિપોર્ટ કરી શકાય છે. આ નંબરને તમારા નામ પરથી કાઢી શકાય છે જેથી ભવિષ્યમાં કોઈ ખોટા કામમાં એ નંબરનો ઉપયોગ થયો હોય તો એમાં અન્યનું નામ ન આવે. આથી જો નંબર તમારા નામ પર હોય અને તમને એની જાણ ન હોય તો એને તરત જ રિપોર્ટ કરવો જોઈએ.
મોબાઇલ બ્લૉક કરવો
મોબાઇલ ખોવાઈ ગયો હોય અથવો તો ચોરાઈ ગયો હોય તો સૌથી પહેલાં એ માટે પોલીસ-ફરિયાદ કરવી પડે છે. આ પોલીસ-ફરિયાદ કરવાથી મોબાઇલ બ્લૉક નહીં થાય, પરંતુ એક પ્રોસીજર છે. પોલીસ-ફરિયાદ કરવાથી મોબાઇલ ટ્રેસ થાય જ એની ગૅરન્ટી નથી, પરંતુ આ પોર્ટલ પર ફરિયાદ કરવાથી તેમના ડેટામાં રજિસ્ટર થાય છે અને એથી એ શોધવાની તેમને ફરજ પડે છે. આ ફરિયાદ કર્યા બાદ sancharsaathi.gov.in પર જવું. ત્યાં બ્લૉક મોબાઇલ સેક્શનમાં જવું. આ સેક્શનમાં જઈને સૌથી પહેલાં તો મોબાઇલની ઇન્ફર્મેશન દાખલ કરવી. ત્યાર બાદ પોલીસ-ફરિયાદનો નંબર અને ક્યાં રજિસ્ટર કરાવી એ દાખલ કરવું. ત્યાર બાદ પર્સનલ માહિતી દાખલ કરીને સબમિટ કરવું. આટલું કરવાથી ફક્ત ૨૪ કલાકની અંદર મોબાઇલ બ્લૉક થઈ જશે. ત્યાર બાદ આ આઇએમઈઆઇ નંબરનો મોબાઇલ એક રમકડું બની જશે.
અનબ્લૉક કરવો
બ્લૉક કરેલો મોબાઇલ ગમે એટલા સમય બાદ મળી જાય તો ફરી એને અનબ્લૉક કરી શકાય છે. આ માટે sancharsaathi.gov.in પર જઈને અનબ્લૉક સેક્શનમાં જવું. ત્યાં ગયા બાદ બ્લૉક સમયે જે મોબાઇલ-નંબર અને માહિતી નાખી હોય એ દાખલ કરવાની રહેશે. ત્યાર બાદ અનબ્લૉક કર્યાનું કારણ પસંદ કરવાનું રહેશે. જો ભૂલથી બ્લૉક કરાવવામાં આવ્યો હોય તો એ પણ કરી શકાય છે. આ કારણ પસંદ કર્યા બાદ અનબ્લૉક કરવા માટે જે મોબાઇલ-નંબરનો ઉપયોગ કરવો હોય એ કરી શકાય છે ઓટીપી માટે. આ નંબર ઉપરના નંબર મુજબનો જ રાખવો હોય તો એ પણ કરી શકાય છે. આ કર્યા બાદ મોબાઇલ અનબ્લૉક જઈ જશે અને એનો ઉપયોગ ફરી કરી શકાશે.

