Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > એક અકસ્માતે નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ પકડતું આ ડિવાઇસ શોધવા પ્રેર્યા આમને

એક અકસ્માતે નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ પકડતું આ ડિવાઇસ શોધવા પ્રેર્યા આમને

10 May, 2021 02:37 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આ યુવાનોનો દાવો છે કે વાહનમાં આ ડિવાઇસને ઇન્સ્ટૉલ કરવાથી ફેક ડ્રાઇવિંગ લાઇસન્સનો પર્દાફાશ થશે અને અકસ્માત તેમ જ કાર-ચોરીનું પ્રમાણ પણ ઘટશે. આ ડિવાઇસની પેટન્ટને રજિસ્ટર કરાવવાની પ્રોસેસ પણ તેમણે શરૂ કરી દીધી છે

મોનિલ શાહ અને ચિરાગ મિસ્ત્રીએ તૈયાર કરેલા લાઇસન્સ અસિસ્ટેડ ડ્રાઇવ ડિવાઇસની પેટન્ટ પણ નોંધાવેલી છે.

મોનિલ શાહ અને ચિરાગ મિસ્ત્રીએ તૈયાર કરેલા લાઇસન્સ અસિસ્ટેડ ડ્રાઇવ ડિવાઇસની પેટન્ટ પણ નોંધાવેલી છે.


મલબાર હિલના મોનિલ શાહ અને વિરારના ચિરાગ મિસ્ત્રીએ વાહનચાલકનો ડેટા સંગ્રહી રાખે એવું ડિવાઇસ બનાવ્યું છે. આ યુવાનોનો દાવો છે કે વાહનમાં આ ડિવાઇસને ઇન્સ્ટૉલ કરવાથી ફેક ડ્રાઇવિંગ લાઇસન્સનો પર્દાફાશ થશે અને અકસ્માત તેમ જ કાર-ચોરીનું પ્રમાણ પણ ઘટશે. આ ડિવાઇસની પેટન્ટને રજિસ્ટર કરાવવાની પ્રોસેસ પણ તેમણે શરૂ કરી દીધી છે
 


વસઈના સાતીવલીથી બે મિત્રો કાર ડ્રાઇવ કરીને હાઇવે પહોંચ્યા. મુંબઈ તરફના મૂવિંગ ટ્રાફિકમાં ગાડી ઊભી રહી ત્યાં તો પાછળથી ગાડીને જોરદાર ટક્કર લાગતાં તેઓ ચોંકી ઊઠ્યા. બહાર નીકળીને જોયું તો પીક-અપ ટ્રકના ડ્રાઇવરે બ્રેક મારવામાં વાર લગાડતાં કારના બમ્પરને ભારે નુકસાન થયું હતું. પહેલાં તો સૉરી કહીને ડ્રાઇવરે વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ જોયું કે યુવાનો ગુસ્સામાં છે એટલે નીચે ઊતર્યો. કિશોર વયના ડ્રાઇવરને જોઈને બન્ને મિત્રો નવાઈ પામ્યા. લાઇસન્સ પણ હશે? ડાઉટ જતાં પોલીસ સ્ટેશન ચાલવા કહ્યું. એટલી વારમાં ટ્રકચાલકે તેના માલિકને ફોન કરી દીધો હતો. માલિક અને યુવાનો વચ્ચે નુકસાનને લઈને ચડભડ થતી હતી એનો લાભ લઈને કિશોર વયનો ટ્રકચાલક રફુચક્કર થઈ ગયો. વાત પોલીસ સ્ટેશન સુધી ગઈ તો ખરી, પરંતુ ડ્રાઇવરનો અતોપતો ન હોવાથી પોલીસને વચ્ચે નાખી ટ્રકમાલિકે સેટલમેન્ટ કરી લીધું. 

અઢી વર્ષ પહેલાં બનેલી આ ઘટનાએ મલબાર હિલના મોનિલ શાહ અને વિરારમાં રહેતા ચિરાગ મિસ્ત્રીને તેમના એક વર્કિંગ પ્રોજેક્ટને વહેલી તકે પૂરો કરવાનું બળ આપ્યું. ૨૪ વર્ષના આ યુવાનોનો દાવો છે કે તેમણે ડેવલપ કરેલા ડિવાઇસને વાહનમાં ઇન્સ્ટૉલ કરવાથી ફેક ડ્રાઇવિંગ લાઇસન્સનો પર્દાફાશ થશે અને અકસ્માતો ઘટશે. ડિવાઇસની પેટન્ટને રજિસ્ટર કરાવવા તેઓ દિલ્હી જઈ આવ્યા છે તેમ જ ઇન્ટલૅક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઇન્ડિયાની સાઇટ પર એને અપલોડ પણ કરવામાં આવી છે. લાઇસન્સ અસિસ્ટેડ ડ્રાઇવ નામથી ઓળખાતા આ ડિવાઇસની ખાસિયત વિશે બન્ને મિત્રો સાથે વાત કરીએ.
પ્રોજેક્ટ હાથ પર હતો

મોનિલ અને ચિરાગને બોરીવલીમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ પૉલિટેક્નિક કૉલેજમાં ભણતા હતા. બન્નેની પ્રથમ મુલાકાત અહીં જ થઈ અને બહુ જલદી બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. સ્ટડી દરમિયાન રાજ્યકક્ષાની સ્પર્ધામાં ટેક્નિકલ રિસર્ચ પેપરની રજૂઆત કરીને તેમણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ચિરાગ કહે છે, ‘ફાઇનલ યરમાં વાહનની તકનીકી ખામીઓના નિવારણ, અકસ્માતને ટાળવાના ઉપાયો, ડ્રાઇવિંગ સ્કૂલમાં ચાલતી ગેરરીતિ, સ્માર્ટ લાઇસન્સ વગેરે માહિતી એકત્રિત કરતા હતા. પ્રોજેક્ટ પર કામ ચાલતું હતું એ સમયગાળામાં ગેરકાયદે રીતે ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરની ભૂલના કારણે ભારે આર્થિક નુકસાની વેઠવી પડી. આ સમસ્યાને ડેપ્થમાં સમજવા માટે મોર્ટ (માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય) દ્વારા જારી કરેલા અહેવાલો વાંચ્યા પછી નિષ્કર્ષ પર આવ્યા કે ડ્રાઇવિંગ લાઇસન્સ મુખ્ય મુદ્દો છે.’
ઇન્ટરનેટના યુગમાં જરૂરી છે કે બધું ડિજિટલાઇઝ્ડ થાય, પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સની વાત આવે ત્યારે ઘણા લૂપહૉલ્સ જોવા મળે છે. વાતચીતનો દોર હાથમાં લેતાં મોનિલ કહે છે, ‘ડેટા સિક્યૉર કરવાના હેતુથી સ્માર્ટ લાઇસન્સ જારી કરવાની શરૂઆત થઈ ત્યારથી બનાવટી લાઇસન્સધારકોની સંખ્યામાં વધારો થયો છે. થોડાં વર્ષ પહેલાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે પણ કબૂલ્યું હતું કે ભારતમાં ૩૦ ટકા વાહનચાલકો પાસે લાઇસન્સ નથી અથવા બનાવટી કાર્ડ ધરાવે છે. માર્ગઅકસ્માતના ૭૮ ટકા કેસમાં વાહનચાલકની ભૂલ હોય છે. પરીક્ષા આપ્યા વગર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું આપણા દેશમાં અઘરું નથી. યોગ્ય તાલીમ વિના વાહન ચલાવતા ડ્રાઇવરોના કારણે આર્થિક નુકસાન થાય અને રાહદારીઓ કે અન્ય વાહનચાલકોના જીવ જાય એ કેમ ચલાવી લેવાય? શોધખોળ કરતાં જાણવા મળ્યું કે સ્માર્ટ લાઇસન્સમાં આઉટર કવરિંગ સેમ રાખી લોકો ફેક ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા લાગ્યા છે. નકલી લાઇસન્સ પકડી પાડવા માટે જે સિસ્ટમ ડેવલપ થવી જોઈએ એના પર અમે કામ કર્યું છે.’
ડિવાઇસ વિકસાવ્યું
ડ્રાઇવિંગ લાઇસન્સ એ વાહન ચલાવવાનો પરવાનો છે, જ્યારે બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ એ નિર્દોષની હત્યા કરવા માટેની પરવાનગી છે એવો આક્રોશ વ્યક્ત કરતાં ચિરાગ કહે છે, ‘રિસર્ચ દરમિયાન અમને જાણવા મળ્યું કે મુંબઈની કેટલીક ડ્રાઇવિંગ સ્કૂલો તાલીમ અધૂરી હોય તેમ જ આરટીઓના કાયદાથી પરિચિત ન હોય એવા ચાલકોને લાઇસન્સ બનાવી આપવામાં મદદ કરે છે. અનેક ચાલકો લાઇસન્સ વગર ડ્રાઇવ કરતા હોય છે. ટ્રાફિક પોલીસ માટે દરેક વાહનને અટકાવીને ચાલકનું લાઇસન્સ અસલી છે કે નકલી એની ચકાસણી કરવી શક્ય નથી તેથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા ડ્રાઇવરો સ્થળ પરથી છટકી જાય છે. કેટલીક વાર પોલીસ માટે ગુનેગાર સુધી પહોંચવું મુશ્કેલ થઈ જાય છે, કારણ કે અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. આનો ઉકેલ શું? જવાબ છે લાઇસન્સ અસિસ્ટેડ ડ્રાઇવ ડિવાઇસ.’
લાઇસન્સ અસિસ્ટેડ ડ્રાઇવ એવું ડિવાઇસ છે જેને વાહનના ડેસ્કબોર્ડ પર ઇન્સ્ટૉલ કરી શકાય. એનાં ફીચર્સ વિશે માહિતી આપતાં મોનિલ કહે છે, ‘ડિવાઇસમાં સૉફ્ટવેઅર અને માઇક્રો કન્ટ્રોલર બેસાડવામાં આવ્યાં છે જે ડ્રાઇવરનું ફેસરીડિંગ, બાયોમૅટ્રિક્સ, સરનામું, સંપર્ક નંબર, ડીએલ નંબર અને વાહન ચલાવવાની શ્રેણી વગેરે માહિતી રીડ કરીને સેવ કરી રાખશે. બનાવટી લાઇસન્સને ડિવાઇસ સ્વીકારશે નહીં, કારણ કે એની અંદરની ચિપમાં ડેટા મૅચ નહીં થાય. એટીએમ મશીનની જેમ ડિવાઇસમાં લાઇસન્સ નાખ્યા પછી જ વાહન ચલાવી શકાશે. આજકાલના યુવાનોને ડ્રાઇવિંગનો ચસકો છે. ઘણી વાર લાઇસન્સ ધરાવતો યુવાન ઘરેથી કાર ડ્રાઇવ કરીને લઈ જાય છે અને આગળ જઈને ફન ખાતર ૧૮ વર્ષથી નીચેના મિત્રના હાથમાં સ્ટિયરિંગ સોંપી દે છે. કનેક્ટેડ વેહિકલ ટેક્નૉલૉજી ડિવાઇસ ઇન્સ્ટૉલ કર્યું હશે તો તમારાં સંતાનો આવી હરકત કરતાં અચકાશે.’

ભારતમાં આ પ્રકારના ડિવાઇસની પહેલી પેટન્ટ
ડિવાઇસની પેટન્ટ અમારી અંગત મિલકત હોવાથી રજિસ્ટર કરાવવી અનિવાર્ય હતી. ચિરાગ કહે છે, ‘૨૦૧૯ના અંતમાં પેટન્ટને રજિસ્ટર કરાવવા અમે દિલ્હી ગયા હતા. અહીં જાણવા મળ્યું કે ભારતમાં આ પ્રકારના ડિવાઇસની પેટન્ટ રજિસ્ટર કરાવનારા અમે પહેલા છીએ. ઇન ફૅક્ટ વિશ્વમાં હજી સુધી ત્રણ પેટન્ટ રજિસ્ટર થઈ છે. ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા તેમ જ માર્ગઅકસ્માતની સંખ્યા ઘટાડવા ડિવાઇસ બહુ કામનું હોવાથી ફરજિયાત બનાવવું જોઈએ.’

કી પૉઇન્ટ્સ

 ડિવાઇસ બનાવવામાં માટે ઍવરેજ સ્માર્ટ ફોન જેટલો એટલે કે દસ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે બજારમાં મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે તો ખર્ચ ઘટી શકે છે. 
 એટીએમ કાર્ડને જે રીતે મશીનમાં નાખવામાં આવે છે એવી જ રીતે ડિવાઇસમાં સ્માર્ટ લાઇસન્સ નાખવાથી અંદર ગોઠવવામાં આવેલી ચિપ તમામ વિગતોને રીડ કરીને સંગ્રહી રાખે છે. 
 અકસ્માતના કેસમાં ઇન્શ્યૉરન્સ ક્લેમ કરતી વખતે એવિડન્સનું કામ કરશે.
  ડિવાઇસમાં એક કરતાં વધુ વાહનચાલકોના ડેટા પણ ફીડ કરી શકાશે.
 ફેસરીડિંગ ફીચર્સને લીધે તમારું લાઇસન્સ ચોરીને કોઈ બીજી વ્યક્તિ વાહન ચલાવી નહીં શકે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2021 02:37 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK