Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ભલે તમે ગમે એટલા સફળ અને પ્રોડક્ટિવ હો, ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન તમને પણ આવી શકે છે

ભલે તમે ગમે એટલા સફળ અને પ્રોડક્ટિવ હો, ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન તમને પણ આવી શકે છે

Published : 09 October, 2026 04:20 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આવતી કાલે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે ત્યારે સમજીએ કે અસ્વસ્થતાનો સ્વીકાર સફળ વ્યક્તિ માટે કેમ અઘરો છે અને એનો સ્વીકાર કરવો એ જ અસ્વસ્થતામાંથી નીકળવાની પહેલી કડી કઈ રીતે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઊંચા હોદ્દા પર કામ કરતા, હાઈ-પ્રોડક્ટિવિટી ધરાવતા, સમાજમાં શાણા અને સફળ ગણાતા લોકોમાં માનસિક અસ્વસ્થતાનું પ્રમાણ વધી રહ્યું છે. સફળ વ્યક્તિને શરદી થાય, મલેરિયા થાય કે કૅન્સર થાય તો આપણને નવાઈ લાગતી નથી પરંતુ તેને ડિપ્રેશન કે માનસિક અસ્વસ્થતા છે એ તે ખુદ નથી સ્વીકારી શકતી. આવતી કાલે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે ત્યારે સમજીએ કે અસ્વસ્થતાનો સ્વીકાર સફળ વ્યક્તિ માટે કેમ અઘરો છે અને એનો સ્વીકાર કરવો એ જ અસ્વસ્થતામાંથી નીકળવાની પહેલી કડી કઈ રીતે છે!

કેસ ૧ : ૩૮ વર્ષના એક ઉદ્યોગપતિ ૧૪-૧૬ કલાક સખત કામ કરવાની આદત ધરાવે છે. ઝડપી નિર્ણયો લેવા અને સતત મીટિંગ્સ કરવી તેમની ટેવ હતી. જોકે આજકાલ અમુક તકલીફો તેમને હેરાન કરી રહી છે. રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ઊંઘ ન આવવી, હૃદયના ધબકારા વધી જવા અને સતત અસ્વસ્થતા રહેવી, ચીડિયાપણું વધી જવું અને નાની-નાની બાબતોમાં ટીમ પર ગુસ્સે થઈ જવું, અંદરથી સતત એવો ડર રહેવો કે બધું જ નાશ પામશે, જેટલી મહેનતથી આ બધું ઊભું કર્યું છે એ ધ્વંસ થઈ જશે.



પરિવારે અને સહકર્મીઓએ જ્યારે તેમને બ્રેક લેવા અથવા ડૉક્ટરને બતાવવા કહ્યું ત્યારે તેમણે એને સખત શબ્દોમાં નકારી કાઢ્યું. તેમનું માનવું હતું કે ‘સફળ થવા માટે આટલું સ્ટ્રેસ તો લેવું જ પડેઽ આ કોઈ માનસિક બીમારી નથી, માત્ર વિટામિનની કમી કે શારીરિક થાક છે.’ તેઓ પોતાનાં લક્ષણોને હાર્ડ વર્ક અને ડિઝાઇનર સ્ટ્રેસનું નામ આપીને માનસિક સમસ્યા હોવાનો સ્વીકાર કરતા નહોતા. જોકે થોડા મહિનાઓમાં તેમની માનસિક સ્થિતિ એકદમ જ બગડી. ઍન્ગ્ઝાયટીનો એવો અટૅક આવ્યો કે તેમના ઘરના લોકો પણ ગભરાઈ ગયા. છેલ્લા એક મહિનાથી તેઓ દવાઓ પર છે અને કામમાંથી સંપૂર્ણ બ્રેક લઈને ઘરે બેઠા છે.


કેસ ૨ : ૪૨ વર્ષનાં એક સિનિયર કૉર્પોરેટ વાઇસ-પ્રમુખને ઑફિસમાં હંમેશાં સુપરવુમન કે પર્ફેક્ટ લીડર તરીકે લોકો ઓળખતા. ટાર્ગેટ પૂરા કરવામાં ક્યારેય પાછળ ન પડે. બધું જ હોવા છતાં તેઓ અંદરથી સતત ખાલીપો અને નિરાશા અનુભવતાં. કોઈ પણ સફળતા કે ખુશીના પ્રસંગે તેમને જાણે કે આનંદ ન અનુભવાતો. વીક-એન્ડમાં પથારીમાંથી ઊઠવાનું તેમને મન જ ન થતું અને બધા તેમની આસપાસ હતા પણ સતત એકલતા તેમને લાગતી.

તેઓ મનોમન જાણતાં હતાં કે કંઈક ગરબડ છે, પણ પોતાની જાત સામે પણ સ્વીકારવા તૈયાર નહોતાં. તેઓ માનતાં કે ‘હું આટલી સફળ છું, મારી પાસે બધું જ છે તો મને ડિપ્રેશન કેવી રીતે હોઈ શકે? ડિપ્રેશન તો નબળા કે નિષ્ફળ લોકોને થાય.’ તેઓ પોતાના આંતરિક દુઃખને વધુ કામ કરીને અને વ્યસ્ત રહીને છુપાવવાનો પ્રયાસ કરતાં રહ્યાં, જેથી કોઈને ખબર ન પડે.


સમાજ જેને ‘સફળ’, ‘બુદ્ધિમાન’ અને ‘હાઈ-પ્રોડક્ટિવ’ કહે છે એવા લોકોના જીવનને દૂરથી જોવું ખૂબ આકર્ષક લાગે છે. મોટી કંપનીઓના CEO, સિનિયર એક્ઝિક્યુટિવ્ઝ, ડૉક્ટરો, વકીલો કે જાણીતા ઉદ્યોગપતિઓ જેઓ દરેક પરિસ્થિતિમાં શાંત, નિર્ણાયક અને સક્ષમ દેખાય છે; જેમને જોઈને કોઈ ન કહી શકે કે તેઓ કોઈ પણ રીતે કોઈ મોટી તકલીફમાં છે તે વ્યક્તિઓ પણ માનસિક રોગોનો ભોગ બની શકે છે એવું આપણે કે આપણો સમાજ તો શું તે વ્યક્તિઓ ખુદ સ્વીકારી નથી શકતી. એને કારણે તેઓ ઇલાજ સુધી વિચારી જ નથી શકતા. તેઓ કોઈની મદદ માગી નથી શકતા. આ જેટલું દેખાય છે એના કરતાં વધુ પેચીદું છે. પહેલાં તો એ સમજીએ કે આવા લોકો માટે માનસિક બીમારીનો સ્વીકાર આટલો અઘરો કેમ છે.

રોગ નહીં, નબળાઈ માનવી

આ અસ્વીકાર પાછળનાં મુખ્ય કારણો જણાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘માનસિક રોગોને વ્યક્તિ રોગ તરીકે નહીં, ખુદની કમજોરી તરીકે જુએ છે. વ્યક્તિને જ્યારે તાવ આવે તો તેને દવા લઈને આરામ કરવાનું કહેવામાં આવે છે; પણ જ્યારે વ્યક્તિને ડિપ્રેશન આવે તો કહેશે કે પૉઝિટિવ વિચારો, હિંમત રાખો, મેન્ટલી સ્ટ્રૉન્ગ બનો વગેરે. હકીકતમાં માનસિક સમસ્યા પણ રોગ છે જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે આવી શકે છે. આટલી જાગરૂકતા હોવી જરૂરી છે. જોકે જો સતત એને ખુદની કમજોરી તરીકે જ જોવામાં આવે તો વ્યક્તિ પોતાની તકલીફ સ્વીકારવામાં કચવાટ અનુભવે છે. ખાસ કરીને સફળ અને ઊંચા દરજ્જે પહોંચેલી વ્યક્તિ આ સરળતાથી સ્વીકારી નથી શકતી.’

સોશ્યલ સ્ટેટસ ખોવાનો ડર

ઊંચા હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ માટે માનસિક અસ્વસ્થતાનો સ્વીકાર કરવો એ માત્ર સ્વાસ્થ્યનો મુદ્દો નથી રહેતો. તેમના માટે એ તેમની પ્રતિષ્ઠા, ક્ષમતા અને સોશ્યલ સ્ટેટસ પર પ્રશ્નાર્થચિહ્ન બની જાય છે. સમાજ તેમની પાસે હંમેશાં પર્ફેક્ટ અને મજબૂત રહેવાની અપેક્ષા રાખે છે. જો તેઓ સ્વીકારે કે તેઓ ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટીથી પીડાઈ રહ્યા છે તો તેમને ડર હોય છે કે લોકો તેમને નબળા ગણશે અથવા તો તેમની વ્યાવસાયિક ક્ષમતા પર શંકા કરશે. આ વાત કરતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘જો હું સ્વીકારીશ તો મારી લીડરશિપ અને વગ પર લોકો શંકા કરશે. જે વ્યક્તિ ટોચ પર પહોંચેલી હોય તેણે એકસાથે ઘણાં કષ્ટ સહન કર્યાં હોય, અઢળક લોકોને સાચવ્યા હોય, અઢળક લોકો સાથે તેણે દરરોજ ડીલ કરવાનું હોય, તેણે કેટલાય લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હોય અને જો તે માનસિક રીતે બીમાર હોય તો કોઈ બીજી વ્યક્તિ તેને કાઉન્સિલ કરે કે માર્ગદર્શન આપે એ તેને ગમે નહીં. સફળ લોકોને એવું લાગે છે કે પોતે આખી દુનિયાને કન્ટ્રોલ કરી શકે છે, પણ ખુદને કન્ટ્રોલ કરવા માટે કોઈ બીજી વ્યક્તિ કે ડૉક્ટરની જરૂર છે એવું તે ન સમજે અને જો સમજતી હોય તો પણ સ્વીકારે તો નહીં જ. આજના સમયમાં એક કડવી વાસ્તવિકતા એ છે કે જે લોકો બીજાના પ્રશ્નો ઉકેલે છે તેઓ પોતે જ્યારે માનસિક રીતે ભાંગી પડે છે ત્યારે મદદ માગવા માટે કોઈની પાસે જઈ શકતા નથી.’

શા માટે સ્વીકાર જરૂરી?

માનસિક અસ્વસ્થતાનો સ્વીકાર એ સાજા થવાનું પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું છે જે સમજવું જરૂરી છે. આમ સ્વીકાર એ પ્રાથમિક શરત છે એમ સમજાવતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘સફળતા કે ઊંચો હોદ્દો તમને શારીરિક કે માનસિક રીતે અજેય બનાવી દેતો નથી. શારીરિક તાવ કે ડાયાબિટીઝની જેમ માનસિક સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવવો એ સહજ અને કુદરતી છે. બીજું એ કે મદદ માગવી એ નબળાઈ નથી પરંતુ હિંમત છે. પોતાના સોશ્યલ સ્ટેટસને કે પ્રતિષ્ઠાને બાજુ પર મૂકીને નિષ્ણાતની મદદ લેવી એ નબળા હોવાની નિશાની નથી, પરંતુ પોતાની જાત પ્રત્યે જવાબદાર હોવાની સાબિતી છે. મનોચિકિત્સકો અને કાઉન્સેલર્સ દરદીની ઓળખ અને વિગતો સંપૂર્ણ રીતે ગુપ્ત રાખે છે. તેથી સ્ટેટસ જવાનો ડર રાખ્યા વિના મદદ લેવી શક્ય છે. યાદ રાખો, માનસિક અસ્વસ્થતાનો સ્વીકાર કરવો એ પતન નથી, ફરીથી સ્વસ્થ અને સશક્ત બનવાની દિશામાં ભરાયેલું પહેલું અને સૌથી મજબૂત પગલું છે.’

કેમ છો? પૂછો તો કહે મજામાં

આવા લોકો ડિપ્રેશનમાં હોવા છતાં પોતાનું દૈનિક કામ પૂરતી કાર્યક્ષમતાથી કરતા રહે છે. બહારથી બધું જ સામાન્ય લાગે છે, પરંતુ અંદરથી તેઓ દરરોજ માનસિક રીતે ક્ષીણ થતા જાય છે. બહારથી કામ અટકતું ન હોવાથી તેમને લાગે છે કે બધું બરાબર છે. માનસિક રોગની શરૂઆત એવી હોય કે તકલીફો હોય પણ એવી ન હોય જેને લીધે બધાં કામ અટકી જાય. ભારતમાં આમ પણ વ્યક્તિ અંદરથી ગમે એટલી તૂટી ગઈ હોય તેને પૂછો કેમ છે? તો મજામાં જ નીકળે તેના મોઢામાંથી કારણ કે આપણે એવું કહેવા માટે ટેવાયેલા છીએ. વિચારો, એક કક્ષાએ પહોંચી ગયેલી વ્યક્તિએ તો કેટલી જગ્યાએ હસીને કહેવું પડતું હશે કે બધું જ ઠીક છે. વળી આવી વ્યક્તિને કામ કરવાની પણ એટલી આદત હશે કે કામ તો તેનાથી થઈ જ જતું હશે. એ સિવાયની બાબતોમાં તકલીફ પડતી હશે. એટલે જ્યાં સુધી કામ પર અસર ન પડે ત્યાં સુધી વ્યક્તિને લાગે છે કે બધું બરાબર છે.

આટલું સમજો

• માનસિક રોગ ફક્ત લાગણીઓ સાથે સંકળાયેલો નથી. જો જીવનમાં કંઈક ખરાબ થાય તો જ માનસિક રોગ થાય એવું નથી હોતું. જીવનમાં બધું જ સારું હોય ત્યારે પણ માનસિક રોગ આવી શકે છે. એનું કારણ એ છે કે માનસિક રોગ શારીરિક કારણોસર, હૉર્મોન્સની ઊથલપાથલને કારણે, લાઇફસ્ટાઇલ ખોટી હોય ત્યારે પણ આવી શકે છે. 
• માનસિક રોગ મેન્ટલી સ્ટ્રૉન્ગ હોય એવા લોકોને પણ આવી જ શકે છે. એક જ પ્રકારની તકલીફ ભૂતકાળમાં આવી હોય ત્યારે કંઈ ન થયું હોય, પણ એના જેવી કે એનાથી પણ નબળી તકલીફમાં માનસિક સ્વાથ્ય બગડે એવું પણ બને. ત્યારે એવું કહેવું કે પહેલાં પણ તમે આવી તકલીફો સહન કરી જ છે તો પછી અત્યારે કેમ તમે એને માનસિક આઘાત તરીકે લઈ રહ્યા છો.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 04:20 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK