આપણે થોડું પણ ચાલીએ તો હાંફી જઈએ એવી પ્રજા બનતા જઈ રહ્યા છીએ ત્યારે હાર્ટની હેલ્થ માટે વિચારવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
લગ્નમાં ડાન્સ કરતી છોકરીને સ્ટેજ પર જ હાર્ટ-અટૅક આવી ગયો. એક છોકરો તેની જાનમાં જ ઘોડા પર બેઠો-બેઠો પડી ગયો અને અટૅકને કારણે મૃત્યુ પામ્યો. આ વિડિયોઝ તો તમે પણ જોયા જ હશે. એ જોઈને તમને ચિંતા પણ થઈ હશે. યુવાનોમાં હાર્ટ-અટૅક દિવસે-દિવસે સામાન્ય બનતા જાય છે. યુવાનોમાં અટૅક માટે જવાબદાર કારણોમાં ૮૦ ટકા કૉરોનરી આર્ટરી ડિસીઝ જવાબદાર રહે છે. ૨૦ ટકા અન્ય કારણો હોઈ શકે છે. હૃદયમાં ત્રણ કૉરોનરી આર્ટરી રહેલી છે. આ ત્રણમાંથી એકમાં પણ બ્લૉકેજ હોય તો હૃદય પર અસર આવી શકે છે, જેને લીધે યુવાન વયે હાર્ટ-અટૅક આવતો હોય છે. આ કોરોનરી આર્ટરી ડિસીઝ એક લાઇફ-સ્ટાઇલ ડિસીઝ ગણાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે એ યુવાનોમાં જોવા મળતો હોય. ત્રણ મહત્ત્વની તકલીફો છે જે ઘણી નાની ઉંમરે આજકાલ લોકોમાં જોવા મળે છે અને એ છે હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલ. આ ત્રણેય રોગોની અસર શરીરમાં લોહીની નસો પર થાય છે, જેને કારણે આ નસો ડૅમેજ થાય છે અને એ નસોમાં કૉલેસ્ટરોલ જમા થતું જાય છે જેને લીધે નસોમાં બ્લૉકેજ બને છે. આ બ્લૉકેજ લોહીને આગળ વધતું રોકે છે, જેને લીધે આ બ્લૉકેજ હાર્ટ સુધી લોહી પૂરતા પ્રમાણમાં પહોંચવા દેતું નથી. આ રોગોનાં કોઈ ખાસ ચિહ્નો જોવા મળતાં નથી. આમ સાયલન્ટ કિલર્સની જેમ શરીરમાં વધતા રહે છે અને શરીરને નુકસાન પહોંચાડ્યા કરે છે. આપણી બગડતી ડાયટ અને બેઠાડુ જીવન એના માટે જવાબદાર છે. આપણે થોડું પણ ચાલીએ તો હાંફી જઈએ એવી પ્રજા બનતા જઈ રહ્યા છીએ ત્યારે હાર્ટની હેલ્થ માટે વિચારવું જરૂરી છે. કોઈ પણ પ્રકારનો ડર, દરરોજની નાની-મોટી ચિંતાઓ, જીવનના દરરોજ લેવા પડતા મહત્ત્વના નિર્ણયો, કંટાળો કે ફ્રસ્ટ્રેશન, એકબીજા માટેની અને ખુદ પ્રત્યેની પણ વધુપડતી અપેક્ષાઓને કારણે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. જેમના કામના કલાકો ખૂબ વધારે છે તેમના કામનું સ્ટ્રેસ પણ વધારે જ હોવાનું. આ સ્ટ્રેસની અસર હૃદય પર થાય છે. ઊંઘને લગતા પ્રૉબ્લેમ્સ અને હાર્ટ-અટૅક વચ્ચે સીધો સંબંધ છે. યુવાન છો એટલે જાગી શકો છો એ વિચાર પણ આજે વિચાર માગી રહ્યો છે. સ્મોકિંગને કારણે હાર્ટ ડિસીઝનું રિસ્ક ચારગણું વધી જાય છે. આલ્કોહોલ પણ એક એવી કુટેવ છે જે સીધી નહીં તો આડકતરી રીતે પણ હૃદય પર અસર કરે છે.
- ડૉ. લેખા પાઠક

