આ સમસ્યામાં પરેજી સૌથી વધુ મહત્ત્વની છે

પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૬૨ વર્ષ છે. વર્ષોથી કબજિયાતની તકલીફ હતી એટલે મળદ્વારા પર ચીરા પડ્યા છે. છેલ્લા બે મહિનાથી નિયતિમ પણ સવારે નરણા કોઠે હરડે લઉં છું એને કારણે હવે પેટ સાફ આવે છે. ક્યારેક ગૅસ જેવું લાગે તો હરડે સાથે એરંડિયું પણ લઉં. એનાથી હવે વધુ ચીરા નથી પડતા, પરંતુ જે પડી ગયા છે એને રુઝવવા શું કરવું? ત્યાં ખૂબ ખણજ આવે છે અને ખણી નાખવાથી ત્યાંની ચામડી સૂજી જાય છે અને બળતરા થાય છે. ચીરા અને બળતરા મટાડવાનો કોઈ ઇલાજ ખરો?
આયુર્વેદ માને છે સર્વરોગેઽપિ મંદાગ્નૌ. શરીરમાં તમામ રોગ શરીરમાં રહેલો પાચકાગ્નિ-જઠરાગ્નિ મંદ થવાને કારણે થાય છે. આ સમસ્યામાં પરેજી સૌથી વધુ મહત્ત્વની છે. શરીરના ત્રણેય દોષ તેમ જ રક્ત અને માંસધાતુ બગડેલા હોવાને કારણે ખોરાક શરીરમાં કબજિયાત-ગૅસ કરે છે. જેના સેવનથી શરીરમાં રહેલા પિત્ત અને રક્ત દૂષિત થાય એવો તીખો, ખારો, મસાલાવાળો અને તળેલો ખોરાક ન લેવો તેમ જ જેના સેવનથી શરીરમાં કફ વધે ઍવી કોલ્ડ ડ્રિન્ક્સ, ઠંડું પાણી, ઠંડાં પીણાં, આઇસક્રીમ, મિલ્કશેક, મીઠાઈ, ચીઝ, બટર, પનીર જેવી ભારે અને ચીકણી ચીજો ન ખાવી.
ખાવામાં બને ત્યાં સુધી હલકો અને સહેલાઈથી પચે એવો ખોરાક લેવો. ખીચડી-કઢી, મગ-ભાત, દાળ-ભાત, જવનો રોટલો, ઘીમાં સાંતળેલું સૂરણ, ગાયના દૂધની બનાવેલી તાજી છાશ લેવી.
પાચન સારું થાય એ માટે ખોરાક પર ત્રિકટુ ભભરાવીને લેવું. રેસાવાળાં ફ્રૂટ્સનું સેવન કરવું અને એની પર પણ બને તો થોડો કાળાં મરીનું ચૂર્ણ છાંટવું. ફળોમાં પપૈયું, પેર, દાડમ, અનનાસ, કેળું, ચીકુ, કલિંગર, મોસંબી, સંતરાં લઈ શકાય.
ADVERTISEMENT
તમને કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. મળ કઠણ થશે તો નીકળતી વખતે છોલાશે, માટે ભોજનના અંતે છાશ જરૂર લેવી.
માર્કેટમાં ઉપલબ્ધ જાત્યાદિ મલમ જેમાં મુખ્ય દ્રવ્ય ચમેલીનું તેલ છે એને ચીરા પર તેમ જ મળદ્વારની આજુબાજુ લગાવવું. આનાથી ચીરા જલદી ભરાશે અને બળતરા તેમ જ ખણજ આવતી મટશે.
જાત્યાદિ મલમ ન મળે તો શતદ્યૌત ઘૃત દિવસમાં ત્રણથી ચાર વખત આ ઘી મળદ્વારના સ્થાન પર અને આજુબાજુના ચીરા પર લગાવવું.

