Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એક બાજુ ચાવવાની આદત હોય તો ચેતજો

એક બાજુ ચાવવાની આદત હોય તો ચેતજો

Published : 11 June, 2025 01:15 PM | Modified : 12 June, 2025 07:04 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ખાતી વખતે મોબાઇલ, લૅપટૉપ કે ટીવીમાં જોવાની આદત હોય અથવા ઑફિસના ડેસ્ક પર જમતી વખતે એક હાથથી કીબોર્ડ ઑપરેટ થતું હોય અને બીજા હાથથી જમાતું હોય એ બધી જ ટેવ એક બાજુ ચાવવાની આદતને વિકસાવે છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


સતત એક જ બાજુ ખોરાક ચાવવાથી એ તરફના જડબાનું હાડકું ઓગળવા માંડે છે અને બીજી બાજુના જડબાનું કામ વધી જાય છે. પરિણામે લાંબા ગાળે માઇગ્રેન, દાંતમાં ફ્રૅક્ચર, સાઇનસ અને સ્પાઇનલ પેઇન જેવા પ્રૉબ્લેમ્સ થવાની સંભાવના વધી જાય છે.


સતત એક જ બાજુ એટલે કે ખાતી વખતે હંમેશાં જમણી અથવા ડાબી એમ એક જ સાઇડથી ચાવવાની આદત આમ તો સામાન્ય લાગે છે, પણ સામાન્ય દેખાતી આ આદત લાંબા ગાળે ઓરલ હેલ્થની સાથે તમારા એકંદર સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. આ આદત શરીરને કયા પ્રકારે અસર કરે છે તથા ઓરલ હેલ્થને કેટલી હદે નુકસાન પહોંચાડી શકે છે એ વિશે અને આ આદતને સુધારવા આપણને શું કરવું જોઈએ તથા દાંતને હેલ્ધી રાખવા શું કરવું જોઈએ એ વિશે દહિસર અને ભાઈંદરમાં બે ડેન્ટલ ક્લિનિકનું સંચાલન કરતા અને અને બે દાયકાનો અનુભવ ધરાવતા ડેન્ટિસ્ટ ડૉ. ધવલ ગોર પાસેથી જાણીએ.



મસલ્સ પર ઓવરલોડ


આપણા જડબાના બન્ને બાજુનાં હાડકાં ખોપડી સાથે કનેક્ટેડ હોય છે તેથી ડાબી બાજુ ચાવશો અને એના થકી જે મૂવમેન્ટ થશે એ જ મૂવમેન્ટ જમણી બાજુ થવાની જ છે. આપણું જડબું આગળ-પાછળ ઉપર અને નીચે એમ ૩૬૦ ડિગ્રી ફરી શકે છે. એટલે કે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યો ખોરાકને બરાબર ચાવી શકે છે અને દાંત તથા સ્વાસ્થ્યની કાળજી રાખી શકે છે, તેમ છતાં આપણી બેદકારી આપણને નડતી હોય છે. એક બાજુ દાંત નથી એટલે કે કોઈ બીજા કારણસર એક બાજુ ચાવવાની આદતને લીધે એક બાજુના મસલ્સ પર ઓવરલોડ આવે છે અને એને લીધે હાડકું નબળું પડવાની શરૂઆત થાય છે. હાડકું નબળું પડે એટલે ડાયટ ઓછી થઈ જાય છે અથવા સોશ્યલી ખોરાક ખાવામાં ઑક્વર્ડ ફીલ કરતાં હોવાથી પેટ ભરીને જમી શકતા નથી. શરીરની જરૂરિયાત પૂરી ન થાય એટલે પાચનસંબંધિત સમસ્યાઓ તથા વિટામિન્સ અને મિનરલ્સની કમી સર્જાય છે, વજન ઘટે છે અને પછી જાતજાતની ગંભીર બીમારીઓ થવા લાગે છે. સતત એક જ બાજુ ખોરાક ચાવવાથી એ બાજુના ચહેરાની પેશીઓ વધારે મજબૂત અને મોટી થાય છે, જ્યારે બીજી બાજુની પેશીઓ દુર્બળ રહે છે. સમય જતાં ચહેરાનો એક ભાગ વધુ ફૂલેલો અને વધુ ઊંડો દેખાઈ શકે છે. આ અસંતુલન દેખાવમાં, ખાસ કરીને ફોટોમાં સ્પષ્ટ દેખાવા લાગે છે.

દાંતમાં ઘસારો


સતત એક બાજુ ચાવવાથી આ સાંધામાં ટેન્શન વધી જાય છે. આ સાથે એક જ બાજુ દાંતનો સતત ઉપયોગ થવાથી એ દાંત વધુ ઘસાઈ જાય છે. એમાં ખોરાકના કણો જમા થતાં દાંતમાં સડો અને કૅવિટી થવાની શક્યતાને વધારે છે. બન્ને બાજુ સમાન ચાવવાની આદત જ દાંતના સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે. ખોરાક યોગ્ય રીતે ચવાઈ ન જાય તો એ સારી રીતે હજમ પણ થતો નથી; જેના કારણે ગૅસ, ઍસિડિટી અને પેટમાં અસ્વસ્થતા થવાની શક્યતા વધે છે.

માઇગ્રેન-સાઇનસ થવાની શક્યતા

એક બાજુ ચાવવાની આદત પર ધ્યાન આપવામાં ન આવે તો લાંબા ગાળે જે બાજુ ચાવવાનું ઓછું થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે એ બાજુ જડબાનું હાડકું ઓગળવા માંડે છે. બીજી બાજુનું જડબું એની ક્ષમતા કરતાં વધુ કામ કરે છે એને લીધે સ્વાસ્થ્ય સંબંધિત અઢળક સમસ્યાઓ સર્જાય છે. એમાં માઇગ્રેન, દાંતમાં ફ્રૅક્ચર, દાંતમાં ઘસારો, સાઇનસ ઉપરાંત ગરદનમાં દુખાવો થાય છે તથા પોશ્ચર બગડે છે. આ ઉપરાંત બૅક-પેઇન અને સ્પાઇનમાં દુખાવો જેવી સમસ્યા થવાની સંભાવના વધુ હોય છે.

લાઇફસ્ટાઇલ પણ જવાબદાર

એક બાજુ ખાવાની આદત માટે લાઇફસ્ટાઇલ પણ જવાબદાર છે એવું કહી શકાય. ખાતી વખતે સ્ક્રીન-ટાઇમ વધુ હોય એટલે કે મોબાઇલ, લૅપટૉપ કે ટીવીમાં જોવાની આદત હોય અથવા ઑફિસના ડેસ્ક પર જમતી વખતે એક હાથથી કીબોર્ડ ઑપરેટ થતું હોય અને બીજા હાથથી જમાતું હોય એ બધી જ ટેવ એક બાજુ ચાવવાની આદતને વિકસાવે છે. તેથી જો તમારી પણ આવી આદતો હોય તો તાત્કાલિક એને સુધારવાની જરૂર છે. ઘણા લોકોના દાંતનું સ્ટ્રક્ચર આડુંઅવળું હોય એ લોકોને દાંતનું ધ્યાન રાખવાની સૌથી વધુ જરૂર છે. દાંત આડાઅવળા હોવાથી તેઓ પ્રૉપરલી ચાવી શકતા નથી અને ખોરાકના કણો દાંતમાં ફસાઈ જાય છે. એને કાઢવામાં પણ મુશ્કેલી થતી હોવાથી દાંત સાફ ન રહેવાની સમસ્યા વધે છે, પરિણામે મોઢાની દુર્ગંધ, પ્લાક અને કૅવિટીના પ્રૉબ્લેમ વધે છે. આવું એટલા માટે થાય છે કારણ કે દાંતનું પ્રોટેક્ટિવ લેયર બહુ જ ઝડપથી ઘસાઈ જાય છે અને દાંતની પોઝિશન પર વધુ દબાણ પડે છે અને એ નબળા પડવા લાગે છે. સમયાંતરે ઑર્થોડોન્ટિસ્ટનો સંપર્ક કરીને અલાઇનર અથવા બ્રેસિસ લગાવવી જોઈએ. આ ટ્રીટમેન્ટ પછી બધા દાંત અલાઇન એટલે સીધા થઈ જશે. દાંતની હેલ્થ સારી રહે એ માટે વર્ષમાં ઓછામાં ઓછા બે વખત ડેન્ટલ ક્લીનિંગ કરાવવું જોઈએ.

૧૦-૧૦ની ફૉર્મ્યુલા અપનાવો

ડેન્ટિસ્ટ પાસે દરદીઓ દાંતના દુખાવાની ફરિયાદ લઈને આવે છે અને અમે એક્ઝામિન કરીએ ત્યારે ખબર પડે કે તેઓ એક બાજુ સૌથી વધુ ચાવે છે તો ડૉક્ટર્સ ૧૦ વાર જમણી બાજુ અને ૧૦ વાર ડાબી બાજુ ચાવવાની ફૉર્મ્યુલા અપ્લાય કરવાનું કહેતા હોય છે. આ બહુ જ નૉર્મલ હોવું જોઈએ. આ શીખવાડવાની જરૂર પડવી ન જોઈએ. આપણા ભારતીય લોકોમાં એવી ટેન્ડન્સી છે કે હાર્ટ એક છે તો એને બચાવશે અને દાંત ૩૨ છે તો એને નહીં બચાવે. થોડો દુખાવો હશે તો કઢાવી નાખશે, પણ એ યોગ્ય નથી. દાંતને પણ ઑર્ગનની જેમ ટ્રીટ કરશો તો બદલાવની સાથે જાગૃતિ પણ આવશે. ચાવવાની હૅબિટ બદલવી હોય તો તમારા લંચ-ટાઇમ માટે એક અલાર્મ સેટ કરો અથવા રિમાઇન્ડર રાખો. આ ઉપરાંત જેમ એક્ઝામ આવે એની પહેલાં આપણે વાંચીને બધું યાદ કરતા હતા એમ તમારે ચાવવા માટેનો એક કોડવર્ડ સેટ કરો, પછી એને પેપર પર લખો અને વાંચો. સબકૉન્શિયસ માઇન્ડને એની ટેવ પડે એના માટે આ ટ્રિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. જમતી વખતે ફક્ત તમને જ ખબર પડે એ રીતે કોડવર્ડ સેટ કર્યા હશે તો માઇન્ડને ધીરે-ધીરે બન્ને બાજુ ખાવાની આદત પડશે. આવી કોડવર્ડ ટ્રિકથી તમે તમારી લાઇફસ્ટાઇલમાં નાનો ચેન્જ લાવી શકો છો.

આ પણ રાખજો ધ્યાનમાં

મિરર સામે બેસીને ચાવવાથી તમે તમારા ચહેરાની હિલચાલ જોઈ શકશો. ચાવવાની બાજુ ઓળખીને એને સંતુલિત કરવાની કોશિશ કરવી. અઠવાડિયા સુધી તકલીફ પડશે પણ પછી બન્ને બાજુ સરખું ચાવવાની આદત થઈ જશે.
મોટી બાઇટ લઈને ફટાફટ ખાવા કરતાં નાની બાઇટ લઈને 
ધીમે-ધીમે માઇન્ડફુલ ઈટિંગ કરવું. આવું કરવાથી મગજ અલર્ટ રહેશે અને એને ખબર પડશે કે હવે મારે બીજી બાજુ સ્વિચ કરવાનું છે.
બન્ને બાજુની પેશીઓને સમતુલનમાં લાવવા માટે ચ્યુઇંગ ગમ બન્ને બાજુ ચાવવાની પ્રૅક્ટિસ કરો. દરરોજ ૫-૧૦ મિનિટ પણ સહાયરૂપ બની શકે છે.
જો દાંતમાં એક બાજુ દુખાવો થાય કે દાંતની ગોઠવણમાં ફેરફાર દેખાય તો તાત્કાલિક ડેન્ટલ એક્સપર્ટની સલાહ લેવી.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2025 07:04 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK