હાલમાં સુનીલ શેટ્ટીએ પોતાની દીકરી આથિયાનાં વખાણ કરતાં ગર્વ સાથે કહ્યું હતું કે આથિયાએ સિઝેરિયન સેક્શનનું કમ્ફર્ટ છોડીને નૅચરલ ડિલિવરી પસંદ કરી હતી
અથિયા શેટ્ટી પતિ કે. એલ. રાહુલ અને દીકરી સાથે.
હાલમાં સુનીલ શેટ્ટીએ પોતાની દીકરી આથિયાનાં વખાણ કરતાં ગર્વ સાથે કહ્યું હતું કે આથિયાએ સિઝેરિયન સેક્શનનું કમ્ફર્ટ છોડીને નૅચરલ ડિલિવરી પસંદ કરી હતી અને નૅચરલ ડિલિવરી કરવા બદલ તેમણે દીકરીને સ્ટ્રૉન્ગ ગણાવી હતી. આ વાત પર ઘણા લોકો નારાજ થઈ ગયા અને C-સેક્શન કે નૉર્મલ ડિલિવરી એ બન્ને વચ્ચેનો વર્ષો જૂનો જંગ ફરી છેડાઈ ગયો. નૉર્મલ કહેવાતી ડિલિવરી કેટલી નૉર્મલ હોય છે? C-સેક્શન ડિલિવરીનું પ્રમાણ વધવાનાં કારણો શું છે? કઈ રીતે નક્કી થવું જોઈએ કે સ્ત્રીએ કયા પ્રકારની ડિલિવરી કરવી એ પ્રશ્નોના વૈજ્ઞાનિક જવાબો મેળવવાની કોશિશ કરીએ
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ ગયા માર્ચ મહિનામાં એક દીકરીને જન્મ આપ્યો હતો. એ બાબતે હાલમાં સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં અથિયાનાં વખાણ કર્યાં હતાં કે તેમની દીકરીએ સિઝેરિયન ડિલિવરીનું કમ્ફર્ટ છોડીને નૅચરલ ડિલિવરી પસંદ કરી હતી. તેમના જ ચોક્કસ શબ્દો જોઈએ તો એ કંઈક આવા હતા – ‘જ્યાં બધાને સિઝેરિયન બેબીનું કમ્ફર્ટ જોઈએ છે ત્યાં તેણે (અથિયાએ) એના પર પસંદગી ન ઢોળી અને નૅચરલ ડિલિવરી કરાવવાનું પસંદ કર્યું. અથિયા એ રીતે ઘણી સ્ટ્રૉન્ગ છે.’
ADVERTISEMENT
બને કે સુનીલ શેટ્ટી એક પિતા તરીકેની પોતાની લાગણી જ વ્યક્ત કરતા હોય, પરંતુ તેમણે C-સેક્શન એટલે કે સિઝેરિયન સેક્શન ડિલિવરીને કમ્ફર્ટનો ટૅગ આપ્યો એ ઘણા લોકોને બિલકુલ ગમ્યું નહીં. એટલે જ સોશ્યલ મીડિયા પર લોકોએ તેમને ઘણી ખરી-ખોટી સંભળાવી.
ટૅબુ
સુનીલ શેટ્ટીને કારણે સોશ્યલ મીડિયા પર ફરી સિઝેરિયન ડિલિવરી અને નૉર્મલ ડિલિવરી વચ્ચેની વર્ષો જૂની ટસલ પણ ચાલુ થઈ ગઈ. આ કોઈ નવી ચર્ચા તો છે નહીં, વર્ષોથી આ વિષય પર લોકો ચર્ચા કરતા આવ્યા છે. એક સમય એવો હતો કે જ્યારે લોકો નૉર્મલ ડિલિવરી જ થવી જોઈએ એવું માનતા. જો ખબર પડે કે C-સેક્શન થયું છે તો ‘અરે! નૉર્મલ ન થઈ? બિચારી!’ C-સેક્શનને એક ટૅબુની જેમ જોવામાં આવતું. એ અત્યંત ખર્ચાળ અને અકુદરતી રીત માનવામાં આવતી એટલે લોકો એના પર અણગમો વ્યક્ત કરતા. ત્યાંથી લઈને આજે એ યુગમાં છીએ જ્યાં નૉર્મલ ડિલિવરી થઈ એમ કોઈ સાંભળે તો આશ્ચર્ય વ્યક્ત કરતા હોય છે. લોકોને એ કોઈ ચમત્કાર જેવું ફીલ થાય છે. આજે સિઝેરિયન ડિલિવરી થઈ એ સાંભળીને લોકોને એકદમ નૉર્મલ લાગવા લાગ્યું છે. આ બન્ને પ્રકારની ડિલિવરી અને એની પાછળની બદલાયેલી પરિસ્થિતિ પાછળનું વિજ્ઞાન અને માનસિકતા બન્નેને સમજવાની કોશિશ આજે કરીએ.
સુનીલ શેટ્ટી
નૉર્મલ ડિલિવરી
નૉર્મલ ડિલિવરી એટલે શું? બાળક ૯ મહિના પૂરા માના ગર્ભમાં રહે, તેને જાતે સમય આવ્યે દર્દ ઊઠે અને તે વજાઇનામાંથી બહાર જન્મ લે એને નૉર્મલ ડિલિવરી માનવામાં આવે છે. જોકે પ્રૅક્ટિકલી શું થાય છે એ સમજાવતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘નૉર્મલ ડિલિવરીને આપણે જેટલી સમજીએ છીએ એટલી એ નૉર્મલ રહેતી નથી. ઘણા કેસમાં લેબર પેઇન લાંબું ચાલે છે ત્યારે સ્ત્રી સહન કરે છે એ તો સાચું, પરંતુ બાળક એ દરમિયાન સ્ટૂલ પાસ કરી દે, એ સમયે તે બહાર ન આવી શકે ત્યારે ચીપિયાથી તેને બહાર ખેંચવું પડે અને એ જન્મ સમયે તેને ઑક્સિજનની કમી થઈ જાય. આવાં બાળકોને સેરિબ્રલ પૉલ્ઝી થઈ જાય એવા કિસ્સાઓ એકલદોકલ નથી, ઘણા છે. મેડિકલ પ્રોફેશનમાં આ ચર્ચાઓ હંમેશાં ચાલતી કે આ રીતે થતા જન્મને કઈ રીતે આપણે ‘નૉર્મલ’ જેવો ટૅગ આપીએ, કારણ કે એ નૉર્મલ નથી. આમ વજાઇનાથી જન્મેલું દરેક બાળક નૉર્મલ ડિલિવરીનું જ બાળક હોય એ માનવું ભૂલભરેલું છે.’
બદલાયેલી શારીરિક પરિસ્થિતિ
આજે કેમ નૉર્મલ ડિલિવરી થવામાં મુશ્કેલીઓ નડે છે એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘સમયની સાથે આજે સ્ત્રીઓનાં સ્ટ્રક્ચર ઘણાં બદલાયાં છે. પહેલાંની સ્ત્રીઓનાં પેલ્વિસ એકદમ બ્રૉડ હતાં. ઓવલ અને સર્ક્યુલર શેપનાં. એટલે બાળક ખૂબ સરળતાથી બહાર આવી જતું. હવે એ જગ્યા જ સાંકડી થઈ ગઈ છે. એનું કારણ બદલાતી લાઇફસ્ટાઇલ તથા એક્સરસાઇઝ અને હાડમારીનો અભાવ છે. બીજું એ કે એક સમયે ગર્ભવતી સ્ત્રીઓનું આટલું ધ્યાન નહોતું રખાતું જેટલું આજે રખાય છે એટલે બેબીઝ સાવ દૂબળાં-પાતળાં જન્મતાં નથી. બેબીઝ એકદમ ભરાવદાર હોય અને ખાસ કરીને એકદમ મોટાં માથાનાં હોય. પેલ્વિસની જગ્યા નાની અને બેબી મોટાં માથાંનાં હોય તો આમાં નૉર્મલ ડિલિવરી જ કરવી છે એવો આગ્રહ બાળક અને માના જીવનને રિસ્ક પર જ મૂકે છે. અથિયા ખૂબ જ લાંબી છે, ખૂબ એક્સરસાઇઝ કરતી હશે એટલે તેને વાંધો ન આવ્યો પણ તેની દેખાદેખી કોઈ છોકરી આવીને કહે કે મારે પણ તેની જેમ નૉર્મલ ડિલિવરી જ કરવી છે તો એવું ન થઈ શકે. બધી જ સ્ત્રીઓ જુદી છે. બધી જ ડિલિવરી પણ જુદી છે. આજે નૉર્મલ ડિલિવરી ઓછી થવાનું એક મહત્ત્વનું કારણ સ્ત્રીઓના શરીરમાં આવેલો બદલાવ છે, જે અવગણી ન શકાય.’
રિસ્ક લેવું કે નહીં?
ઘણા લોકો કહે છે કે પહેલાંની સ્ત્રીઓ તો કેટલાં બાળકો પેદા કરતી અને તે બધાં જ બાળકો નૉર્મલ ડિલિવરીમાં જ પેદા કરતી, આજની સ્ત્રીઓ એટલી હિંમતવાળી નથી રહી. એ વાતની હકીકત સમજાવતાં ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘પહેલાં ડિલિવરી સમયે વધુપડતું બ્લીડિંગ થવાને કારણે કેટલીયે સ્ત્રીઓ મરી જતી. કેટલાંય બાળકો જન્મ લેતાં જ મરી જતાં. એક સ્ત્રીનાં ઍવરેજ પાંચ-સાત બાળકો હોય તો એમાંથી ૧-૨ કોઈ ને કોઈ કારણોસર મૃત્યુ પામ્યાં જ હોય. આ રિસ્ક-ફૅક્ટર એ સમયે નૉર્મલ ગણાતાં, પરંતુ સાયન્સ જ્યારે આટલું આગળ વધી ગયું હોય ત્યારે પણ આપણે નૅચરલના નામે લોકોને મરવા દઈએ એવું તો ન થઈ શકેને? હું એવું જરાય નથી કહેતી કે નૉર્મલ ડિલિવરી કરશો તો મરી જશો. એવું નથી જ. જો તમારી પ્રેગ્નન્સી એકદમ નૉર્મલ હોય, તમે એકદમ ફિટ હો, કોઈ કૉમ્પ્લીકેશન ન હોય તો આજે પણ ગાયનેકોલૉજિસ્ટ નૉર્મલ ડિલિવરી જ સજેસ્ટ કરે છે. જો કોઈ પણ પ્રકારનાં રિસ્ક-ફૅક્ટર જોડાયેલાં હોય તો આજે ઍડ્વાન્સ સાયન્સ સાથે આપણે પહેલેથી જ સમજી શકીએ છીએ, એ પહેલાંના સમયમાં શક્ય જ નહોતું. તો પછી પહેલાંની સ્ત્રીઓ ફક્ત નૉર્મલ ડિલિવરી જ કરતી હતી એ રીતે રિસ્ક લઈને બાળકને જન્મ આપવાનો શું તર્ક બંધ બેસે છે?’
C-સેક્શન વધવાનાં ખોટાં કારણો
C-સેક્શનનું પ્રમાણ વધવાનાં ખોટાં કારણો આ પણ છે. જેમ કે અમુક ડૉક્ટર્સ પૈસા ખાતર અનૈતિક પ્રૅક્ટિસ કરીને કપલને ડરાવીને C-સેક્શન કરવાનું કહે છે. આ સિવાય હમણાં અમેરિકામાં જે થયું કે આટલી તારીખ સુધી જન્મેલાં બાળકોને જ સિટિઝનશિપ મળશે તો લોકો સિટિઝનશિપ માટે થઈને C-સેક્શન પસંદ કરે છે કે ફલાણા જ્યોતિષીએ કહ્યું કે આ મુરતમાં બાળક જન્મશે તો સારા યોગ બનશે એટલે C-સેક્શન કરે છે. એમાં નર્યો સ્વાર્થ છે. કેટલાક કેસમાં ડૉક્ટરનો તો કેટલાક કેસમાં કપલનો ખુદનો.
સામાજિક કારણો
બીજાં સામાજિક કારણો પર પ્રકાશ પાડતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘આ પ્રકારનું રિસ્ક લેવાનું આજે પેરન્ટ્સ કે ડૉક્ટર બન્ને પસંદ કરતા નથી. આજે વ્યક્તિ લગ્ન મોડાં કરે છે, બાળકને જન્મ આપવો કે નહીં એ વિશે તે વિચારીને નિર્ણય લે છે, એમાંથી કેટલાક એવા છે જે ટ્રીટમેન્ટ સાથે પ્રેગ્નન્સી પામ્યા હોય તો એ તો ખૂબ પ્રેશિયસ પ્રેગ્નન્સી ગણાય. જે લોકોએ ટ્રીટમેન્ટ નથી પણ લીધી તેઓ એક જ કે વધુમાં વધુ બે બાળકો ઇચ્છે છે. એમાં એ બાળકને કંઈ પણ થાય એ રિસ્ક તેઓ લેવા નથી માગતા. વળી પ્રેગ્નન્સી મોટી ઉંમરે આવી હોય તો કોઈ ને કોઈ કૉમ્પ્લીકેશન તો સાથે લાવી જ હોય. પહેલાંના સમય અને આજના સમયની પ્રેગ્નન્સી, કપલ્સની બાળક માટેની ઇચ્છા અને તૈયારી, સ્ત્રીની બાળક ડિલિવર કરતાં પહેલાં ઊભી થયેલી ઍન્ગ્ઝાયટી, મુંબઈ જેવા શહેરમાં છેલ્લા સમયે ડૉક્ટર સુધી તાત્કાલિક ન પહોંચવાની બીક; આ બધી દેખીતી રીતે નાની બાબતો એ સમયે ઘણી મોટી બની જતી હોય છે. ડિલિવરી માટે આજની તારીખે પાંચ ટકા રિસ્ક પણ કોઈ લેવા નથી માગતું એ નક્કી વાત છે.’
કોઈ પણ ડિલિવરી કમ્ફર્ટ ન ગણાય
તો શું સુનીલ શેટ્ટીએ C-સેક્શનને કમ્ફર્ટનો ટૅગ આપ્યો એ સાચું છે? એ વાતની સ્પષ્ટતા કરતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘કોઈ પણ ડિલિવરીને કમ્ફર્ટ ટૅગ આપી જ ન શકાય. સ્ત્રી સાથે બનતી આ ઘટનાને રિસ્કરહિત બનાવવાની કોશિશ સાયન્સ વર્ષોથી કરતું આવ્યું છે. દિવસે-દિવસે એ ટેક્નૉલૉજીને વધુ ને વધુ પાવરફુલ બનાવવામાં આવી રહી છે કે જેને લીધે આ આખી પ્રોસેસમાં બાળક અને માને જેટલી બને એટલી તકલીફ ઓછી પડે અને બન્ને સ્વસ્થ રહી શકે, પરંતુ C-સેક્શન સાવ પેઇનલેસ છે એવું નથી. જ્યાં કટ મૂકવામાં આવે ત્યાં ઇન્ફેક્શન થવાની બીક રહે છે. નૉર્મલ ડિલિવરીની પ્રોસેસમાં બાળકનાં ફેફસાં એકદમ ખૂલી જતાં હોય છે, પરંતુ C-સેક્શનમાં એકાદ કેસમાં એવું બને કે તેને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે.’
સહનશક્તિ ખૂટી રહી છે સ્ત્રીઓની?
આ સ્ટેટમેન્ટ સમાજમાં ઘણું જ સાંભળવા મળે છે. ઘણી સ્ત્રીઓ પણ એવું કહેતી થઈ છે કે હું લેબર પેઇન સહન નથી કરવા માગતી. એ વાતનું સ્પષ્ટીકરણ કરતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘નૉર્મલ ડિલિવરીના નામે કોઈ સ્ત્રી ગભરાયેલી હોય તો એ પણ નૉર્મલ જ છે. આવી પરિસ્થિતિમાં ગાયનેક તેનું કાઉન્સેલિંગ કરે છે. તેને પ્રોસેસ સમજાવે છે એટલે તેનો ડર કે ગેરસમજ દૂર થાય. તેને લમાઝ મેથડ શીખવાડી શકાય જેને કારણે કુદરતી રીતે નૅચરલ ડિલિવરી મૅનેજ કરવાની સ્ત્રીઓમાં શક્તિ આવે. C-સેક્શન કે નૉર્મલ ડિલિવરી તમારા મન પ્રમાણે નક્કી ન થાય. એ ચૉઇસ એ સ્ત્રીની શારીરિક હાલત પર નિર્ભર કરે છે. કોઈ પણ પ્રકારનાં રિસ્ક-ફૅક્ટર કે કૉમ્પ્લીકેશન હોય તો ડૉક્ટર C-સેક્શન સજેસ્ટ કરે છે. બીજું એ કે જો IVFથી બાળક પ્લાન કર્યું હોય તો એ આખી પ્રોસેસને રિસ્કલેસ જ બનાવવા પેરન્ટ્સ અને ડૉક્ટર મથતા હોય છે. એટલે C-સેક્શન નક્કી ગણાતું હોય છે. વળી બે-ત્રણ બાળકો ગર્ભમાં હોય તો પણ એ એક મોટું રિસ્ક છે એટલે C-સેક્શન કરવું પડે છે. આમ મારાથી લેબર પેઇન સહન નહીં થાય એવું સ્ત્રી કહે અને ડૉક્ટર C-સેક્શન કરી નાખે એવું નથી હોતું. જો સ્ત્રી પેઇન સહન ન કરી શકતી હોય તો એપિડ્યુરલ આપી શકાય. એ એક પ્રકારનું ઇન્જેક્શન હોય છે. એનાથી સ્ત્રીને લેબર પેઇન તો ઊઠે પરંતુ તેને મહેસૂસ ન થાય. એને કારણે સ્ત્રીને વધુ સહન ન કરવું પડે અને નૉર્મલ ડિલિવરી શક્ય બને.’
સાચી દૃષ્ટિ
તો આ સમગ્ર મુદ્દાને કઈ રીતે જોઈ શકાય એ બાબતે સાચી દૃષ્ટિ સૂચવતાં ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘દરેક પ્રેગ્નન્સી અલગ છે. એની સાથે જોડાયેલી તકલીફો અને જરૂરિયાતો પણ અલગ જ રહેવાની. ડિલિવરી નૉર્મલ થઈ કે C-સેક્શન, બાળક અને મા બન્ને સેફ છે કે નહીં તથા હેલ્ધી છે કે નહીં એ વસ્તુ વધુ મહત્ત્વની છે. કોઈ પણ સ્ત્રી એ માનસિકતા દૃઢ ન રાખે કે મારે તો નૉર્મલ ડિલિવરી જ કરવી છે કે મારે C-સેક્શન જ કરાવવું છે. આ એક જર્ની છે. એમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાશે એ મુજબ નિર્ણય તમે અને તમારા ડૉક્ટર મળીને લઈ શકો છો. બન્ને ડિલિવરીના પોતાના ફાયદા અને પોતાના નુકસાન છે. એટલે કશું ધારીને બેસી ન જાઓ એ જરૂરી છે.’

