ખાવામાં લાલ મરચાંને બદલે ગ્રીન ચિલીનો ઉપયોગ કરવામાં આવે તો એ વધુ હેલ્ધી આૅપ્શન છે એવું નિષ્ણાતો કહે છે
લીલાં મરચું
ભારત એની વૈવિધ્યસભર વાનગીઓ અને મસાલા માટે આખા વિશ્વથી નોખું તરી આવે છે અને એમાં પણ તીખાં-તમતમતાં મરચાં ભારતીય ભોજનને અલગ જ ઓળખ આપે છે. આપણા ગુજરાતીઓના ઘરમાં લાલ અને લીલાં બન્ને મરચાંનો ઉપયોગ રોજ થતો હોય છે. ઉનાળો આવે એટલે મરચાંના શોખીનો કેરીના રસ સાથે તાજું અથાણું અને લીલાં મરચાંનો સંભારો આંગળીઓ ચાટી-ચાટીને ખાય છે. લીલાં મરચાં અને લાલ મરચાં બન્ને મસાલેદાર અને સ્વાદિષ્ટ છે, પણ એમનું પોષણમૂલ્ય અને આરોગ્યના ફાયદા અલગ-અલગ છે. નિષ્ણાતોના મતે ખાવાના શોખીનો જો પોતાના આહારમાં લાલને બદલે લીલું મરચું ઉમેરે તો તેમનું સ્કિન-કૉમ્પ્લેક્શન સુધરી શકે છે તથા વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં અને હૃદયના હેલ્થ-મૅનેજમેન્ટમાં આ નાનકડો બદલાવ લાભ આપી શકે છે. લાલ મરચાં કરતાં લીલું મરચું વધુ હેલ્ધી ગણાતું આવ્યું છે ત્યારે આ લેખમાં આપણે મરચું ખાવાની સાચી રીત કઈ એ વિશે વિગતવાર જાણીશું.
કયું મરચું વધુ સારું?
ADVERTISEMENT
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પાઇસિસ રિસર્ચ (IISR) દ્વારા હાથ ધરાયેલા એક રિસર્ચ અનુસાર લીલાં મરચાં સૂકાં લાલ મરચાં કરતાં વધારે
ઍન્ટિ-ઑક્સિડન્ટ ધરાવે છે જે તેમને આરોગ્ય માટે વધુ લાભદાયી બનાવે છે. Critical Reviews in Food Science and Nutritionમાં પ્રકાશિત થયેલા ડૉ. કે. શ્રીનિવાસનના અભ્યાસ મુજબ લીલાં મરચાં શરીરનું વજન અને મેટાબોલિઝમ સુધારવામાં સહાયક છે. મુલુંડસ્થિત રજિસ્ટર્ડ ડાયટિશ્યન ટ્વિન્કલ રાહુલ હરિયા આ સંદર્ભે વાત કરતાં કહે છે, ‘લાલ મરચાં કરતાં લીલાં મરચાં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલું મરચું તાજેતાજું ઉપયોગમાં લેવાય છે, જ્યારે લાલ મરચું સૂકવવાની પ્રક્રિયામાં કેટલાંક પોષક તત્ત્વો ગુમાવે છે.’
આંખ અને ત્વચા માટે લાભદાયી
લીલાં મરચાંમાં રહેલું વિટામિન A આંખોની તંદુરસ્તી માટે મહત્ત્વપૂર્ણ છે, જ્યારે વિટામિન C ત્વચા માટે ઉપયોગી છે અને ત્વચા, હાડકાં, સ્નાયુઓને મજબૂતી આપતા શરીરમાંના પ્રોટીન કૉલેજનના ઉત્પાદન માટે સહાય કરે છે એમ જણાવીને ડાયટિશ્યન ટ્વિન્કલ હરિયા ઉમેરે છે, ‘લીલાં મરચામાં ઘણા પ્રકારનાં ન્યુટ્રિશન્સ હોય છે; જેમ કે વિટામિન C, વિટામિન A, વિટામિન D, આયર્ન, કૉપર, પોટૅશિયમ, થોડું પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ. ઉપરાંત એમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ પણ હોય છે જે આપણી ઇમ્યુનિટી વધારે છે અને આપણું મેટાબોલિઝમ સ્ટ્રૉન્ગ કરે છે. એ આંખ માટે પણ ગુણકારી છે. લીલાં મરચાંમાં વિટામિન E પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. એનાથી ચહેરો ચુસ્ત રહે છે અને ત્વચા હંમેશાં યુથફુલ અને સ્વસ્થ રહે છે. બ્લડ-પ્રેશરને પણ કાબૂમાં રાખવામાં લીલાં મરચાં ગુણકારી છે. સાંધાના દુખાવામાં આવતા સોજામાં પણ એ હેલ્પફુલ છે.’
વજન ઘટાડવામાં મદદ કરે
લીલાં મરચાંમાં કૅપ્સેઇસન નામનું તત્ત્વ હોય છે જે શરીરનું તાપમાન વધારવામાં અને ચરબી બાળવામાં મદદ કરે છે એમ જણાવીને ટ્વિન્કલ હરિયા કહે છે, ‘વજન ઘટાડવા માગતા લોકો અને ડાયાબિટીઝના દરદીઓ માટે લીલું મરચું અત્યંત લાભદાયી છે, કારણ કે એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને પણ ઇમ્પ્રૂવ કરે છે જેનાથી તમારી શુગર કન્ટ્રોલમાં રહે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ લીલાં મરચાંનું સેવન કરી શકાય છે. એમાં કૅપ્સેઇસન નામનું ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે જે ખરાબ કૉલેસ્ટેરોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે.’
પાચન માટે સહાયક
આયુર્વેદ મુજબ લીલાં મરચાં મર્યાદિત માત્રામાં લેવાથી પેટની તકલીફો દૂર થઈ શકે છે. જે લોકોને બંધકોશ કે કૉન્સ્ટિપેશનની તકલીફ હોય તેમના માટે પણ લીલાં મરચાં અત્યંત લાભદાયી છે. આ સંદર્ભે માહિતી આપતાં સિંધ આયુર્વેદિક ફાર્મસીનાં સંચાલક અને આયુર્વેદાચાર્ય ડૉ. મલ્લિકા ઠક્કુર કહે છે, ‘લીલાં મરચાંની અનેક જાત છે. આયુર્વેદ પ્રમાણે જાડાં, નાના કદનાં ગામઠી મરચાં આરોગવા ઉત્તમ છે. લાંબાં, પાતળાં ઘેરા રંગનાં લવિંગિયા મરચાં પિત્ત વધારે છે.’
કોલ્હાપુરી જાતનાં મરચાં સ્વભાવમાં ઉત્સાહ લાવે છે એમ જણાવીને ડાયટિશ્યન ટ્વિન્કલ હરિયા ઉમેરે છે, ‘મરચું આરોગવાથી મોઢામાં લાળ વધુ આવે છે અને તેથી પાચનક્રિયા ઝડપી બને છે એટલે પેટ સાફ આવે છે. દરરોજ પ્રમાણસર મરચાંનું અથાણું કે ચટણી જમવામાં લેવામાં આવે તો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.’
હૃદય માટે ગુણકારી
લીલાં મરચાંમાં રહેલું ઍન્ટિ-ઑક્સિડન્ટ હૃદય માટે ફાયદાકારક છે. Indian Journal of Clinical Biochemistryમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ લીલાં મરચાં નિયમિત ખાવાથી હૃદયની કાર્યક્ષમતા સુધરી શકે છે અને કૉલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ મળી શકે છે. આયુર્વેદાચાર્ય ડૉ. મલ્લિકા આ સંદર્ભે માહિતી આપતાં કહે છે, ‘હાર્ટના પેશન્ટે મરચાંનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે હાર્ટનો પેશન્ટ દવાઓ લેતો હોવાથી તેને મોટા ભાગે ઍસિડિટી થવાની શક્યતા હોય છે. હૃદયના રોગીઓએ તેમની પરિસ્થિતિ અનુસાર વૈદ્યની સલાહ મુજબ જ મરચાંનો ઉપયોગ કરવો જોઈએ. થોડું મરચું ખાવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને હૃદય પરનો સોજો ઓછો થાય છે એટલે પ્રમાણસર જ મરચું લેવું.’
બ્લડ-શુગરના નિયંત્રણમાં સહાયક
લીલાં મરચાંમાં ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. લીલાં મરચાંમાં રહેલું કૅપ્સેઇસન ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં મદદ કરે છે અને ડાયાબિટીઝને નિયંત્રિત કરે છે. Journal of Translational Medicineના અભ્યાસ મુજબ મરચાંમાં રહેલું કૅપ્સેઇસન ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં મદદ કરે છે જે ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે.
મરચાંનાં બી સ્વાસ્થ્ય માટે હાનિકારક
આયુર્વેદાચાર્ય ડૉ. મલ્લિકા ઠક્કુર કહે છે, ‘લીલાં મરચાંનો ઉપયોગ બી કાઢીને જ કરવો જોઈએ. મરચાંનાં બી નુકસાનકારક છે. મેક્સિકન કે ઇટાલિયન પીત્ઝામાં ઉપર લાલ મરચાંનાં બી અર્થાત્ ચિલી ફ્લેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિલી ફ્લેક્સનો વારંવાર ઉપયોગ આયુર્વેદના હિસાબે તબિયત માટે સારો નથી, કારણ કે એમાં કૅપ્સેઇસનનું પ્રમાણ વધુ હોય છે. એ શરીરમાં ગરમી વધારે છે જે પેટમાં બળતરા, હાર્ટ-બર્ન અને અન્ય પાચન-સમસ્યાઓનું કારણ બની શકે છે. સાધારણ રીતે મરચું ખાઈએ ત્યારે આપણા વડીલો કહેતા હોય છે કે બી કાઢી નાખવાં જોઈએ. આજે આપણી પાસે બી પચાવવાની શક્તિ જ નથી. એનો ઉપયોગ નવો મરચાંનો છોડ ઉગાડવા માટે જ કરવો જોઈએ. મરચાંની છાલ કરતાં બી હેલ્થ માટે સારાં નથી. લાલ મરચું આપણે પીસેલું વાપરીએ છીએ. એમાં બી પીસાઈ જતાં હોય છે એટલે એ સ્વાસ્થ્ય માટે સારું નથી. આપણે મરચાંને ઘરમાં જ સૂકવી, બી દૂર કરી એનો પાઉડર બનાવીને રોજિંદા જીવનમાં એનો વપરાશ કરવો જોઈએ.’
મરચાંનો અતિરેક હાનિકારક
સિંધ આયુર્વેદિક ફાર્મસીનાં સંચાલક અને આયુર્વેદાચાર્ય ડૉ. મલ્લિકા ઠક્કુર કહે છે, ‘કોઈ પણ પદાર્થનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલે જો લીલાં મરચાંનો રોજિંદા ખોરાકમાં વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિને ઍસિડિટી થઈ શકે છે, તે પાચનને લગતી તકલીફોનો ભોગ બની શકે છે. તેથી આશરે બે નાનાં લીલાં મરચાંથી વધુ મરચાં આરોગવા જોઈએ નહીં. વધુ પડતું મરચું ખોરાકમાં લેવાથી રક્ત પર ખરાબ અસર પડે છે અને પ્રકૃતિ તમસ અર્થાત્ ગુસ્સાવાળી બને છે. વધુ મરચું ખાવાથી પાઇલ્સ થવાની શક્યતા વધે છે. તેથી મરચું પ્રમાણસર જ સારું.’
કોણે ન ખવાય?
જે વ્યક્તિને ગૅસ્ટ્રિક કે પાચનને લગતા પ્રૉબ્લેમ હોય તેમણે લીલાં મરચાં પ્રમાણસર જ ખાવાં જોઈએ. પાઇલ્સ કે અલ્સરથી પીડિત દરદીએ ડૉક્ટરની સલાહ મુજબ જ લીલાં મરચાંનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીઝના દરદીઓએ બ્લડ-શુગર પર લીલાં મરચાંની અસરને ધ્યાનમાં રાખીને જ લીલાં મરચાં ખાવાં જોઈએ.
દિવસમાં બેથી ત્રણ મીડિયમ સાઇઝનાં લીલાં મરચાં કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે, પણ દરેકે પોતાના શરીરને એ સદે છે કે નહીં એ ઑબ્ઝર્વ કરવું જોઈએ.
લીલાં મરચાં વિટામિન Cનો સમૃદ્ધ સ્રોત છે જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. Journal of Food Science and Technologyમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ ૧૦૦ ગ્રામ લીલાં મરચાંમાં લગભગ ૧૦૯ મિલિગ્રામ વિટામિન C હોય છે.

