Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ‘ઇન્ડિયા કા અપના વર્કઆઉટ’ના નામથી જે આજકાલ ચર્ચામાં છે એ મુદગર આખરે છે શું?

‘ઇન્ડિયા કા અપના વર્કઆઉટ’ના નામથી જે આજકાલ ચર્ચામાં છે એ મુદગર આખરે છે શું?

Published : 27 November, 2023 12:37 PM | Modified : 27 November, 2023 12:59 PM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

મહેન્દ્ર સિંહ ધોનીએ હમણાં જે બ્રૅન્ડમાં ઇન્વેસ્ટ કરીને ભારતની જૂની વર્કઆઉટ પદ્ધતિને પુનર્જીવિત કરી છે એ મુદગર બીજું તો કાંઈ નહીં, ભારતની છ હજાર વર્ષ પુરાણી પોતીકી પરંપરા છે.

મહેન્દ્ર સિહ ધોની

સ્પેશિયલ સ્ટોરી

મહેન્દ્ર સિહ ધોની


મોટા-મોટા પહેલવાનોને યાદ કરીએ એટલે અખાડામાં એ એક ધોકા જેવું ઓજાર કે સાધન લઈને ઊભા હોય છે એવું ધ્યાન પડે એ સાધનનું નામ મુદગર. મુદગર, મુગદર, કર્લાકટ્ટાઈ જેવાં વિવિધ નામોથી જે પ્રચલિત છે એ મુદગર મૂળે તો ભારતની છ હજાર વર્ષ પુરાણી વૉરિયર આર્ટ છે એવું કહે છે વિલે પાર્લેમાં મુદગરની ટ્રેઇનિંગ આપતાં વાસુદેવ કુલકર્ણી. વાસુદેવભાઈ ખુશી સાથે ખેદ વ્યક્ત કરતાં કહે છે, ‘તમને પ્રાચીન સ્થાપત્યોમાં પણ આના અનેક પુરાવાઓ મળશે. બહુ સારું કહેવાય કે મહેન્દ્રસિંહ ધોની અને મિલિંદ સોમણ જેવા સેલેબ્રિટીઝ આગળ આવીને આપણી પુરાણી પરંપરા સાથે આપણો ફરીથી પરિચય કરાવે છે. બાકી વેસ્ટર્ન કલ્ચરનું આંધળું અનુકરણ આપણને આપણી ફિટનેસ પરંપરાથી જોજન દૂર લઈ ગયું છે. આજે પણ બહુ જ ઓછા લોકો મુદગરથી પરિચિત છે. જે થોડાઘણા જાણે છે એ લોકો પણ મુદગરની સાચી ટેક્નિક જાણતાં જ હોય એ જરૂરી નથી. આ એક એવી વિદ્યા છે જેને ગુરુની હાજરીમાં શીખવી જરૂરી છે. મુદગરને સાચી રીતે શીખવામાં અંદાજે બે વર્ષે જેવો સમય લાગે છે. પછી તમે ઘરે જ એની પ્રૅક્ટિસ કરી શકો છો.’



શું હોય છે મુદગર?
‘મુદગર દેખાવે તો ધોકા કે ખંભા જેવું લાગે છે એમ જણાવતાં વાસુદેવભાઈ કહે છે, ‘એમાં એક બાજુ એને પકડવા મોટા દંડા જેવું હોય અને બીજી બાજુ એનાથી ત્રણ કે ચારગણી જાડી હોય છે. એનું મૂળ નામ છે કર્લાકટ્ટાઈ. તામિલનાડુમાં એને આ જ નામથી ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે શિવગણમાં આ નામનો એક ગાર્ડ હતો. એ ઝાડને એનાં મૂળિયાં સમેત ઉખાડીને એને ઓજારની જેમ વાપરી જાણતો હતો. તામિલમાં કટ્ટાઈ એટલે લાકડું. એના પરથી આવું ઓજાર ડેવલપ થયું અને આગળ જતાં એ વૉરિયર્સ દ્વારા વાપરવામાં આવ્યું. તામિલમાં તો એ ઘણું અલગ-અલગ રીતે ડેવલપ થયું છે. ગદા એનાથી પણ એક સ્ટેપ આગળ છે, પણ મૂળે તો મુદગરનું જ એક રૂપ છે. મુદગર પર વિવિધ રીતના તેલ ચડાવીને વાપરવાથી એના ફાયદાઓ વધારી શકાય છે. અમુક આયુર્વેદિક તેલ ચડાવી વાપરવાથી હાથમાં કોઈ જખમ થાય તો એ પણ નિવારી શકાય છે. જેમ કે સ્વૉર્ડ ફાઇટિંગમાં હાથમાં જખમ થાય છે એ મુદગરની રોજ પ્રૅક્ટિસ કરતા લોકો નિવારી શકે છે. પ્રદેશે-પ્રદેશે એનાં વિવિધ નામો પડતાં રહ્યાં છે. હજી પણ અખાડામાં મુદગર કમ્પલ્સરી છે. પહેલાંના જમાનામાં વૉરિયર્સ માટે ફરજિયાત હતું. ખાસ કરીને તલવારની ટ્રેઇનિંગ લેનાર તરત જ એની ટ્રેઇનિંગ ન લેતા. બે-ત્રણ વર્ષ મુદગર ચલાવવામાં મહારત હાંસલ ન થાય ત્યાં સુધી એ તલવાર પકડતા પણ નહીં. શિવાજીના લશ્કરમાં અનેક મુદગર વૉરિયર્સ હતા.’


મુદગરનું મૂળ નામ છે કર્લાકટ્ટાઈ. એવું મનાય છે કે શિવગણમાં આ નામનો એક ગાર્ડ હતો. જે ઝાડને એનાં મૂળિયાં સમેત ઉખાડીને એને ઓજારની જેમ વાપરી જાણતો 
હતો.

મુદગર કઈ સ્પોર્ટને કૉમ્પ્લીમેન્ટ કરે છે?
એવું મનાય છે કે દરેક સ્પોર્ટ્સમૅન મુદગર વાપરી જાણે છે. જોકે એ સાચું નથી. ઘણા લોકો જિમ વર્કઆઉટને જ પ્રાધાન્ય આપીને મુદગર જેવી પ્રૅક્ટિસ અવૉઇડ કરતા હોય છે. પાંચ કિલોનું મુદગર જિમના વીસ કિલોના વેઇટ બરાબર હોઈ શકે છે. જેવું એમાં વપરાયેલું લાકડું. આવું જણાવતાં વાસુદેવભાઈ આગળ કહે છે, ‘હું મૂળે તો જૅપનીઝ સ્વૉર્ડ આર્ટની ટ્રેઇનિંગ આપું છું. છેલ્લાં ત્રીસ વર્ષોથી હું આ જ કામ કરું છું. પણ એમાં રિસ્ટ, કોર મસલ્સ અને શૉલ્ડર મૂવમેન્ટ કન્ટ્રોલ વિશે વધુ શીખવાના ચક્કરમાં મેં મુદગર વિશે અભ્યાસ શરૂ કર્યો અને એક વખત પરિચય થતાં હું એમાં વધુ ને વધુ ઊંડાણમાં જતો ગયો. આપણા ઘરઆંગણે આટલી અદ્ભુત વૉરિયર આર્ટ ઇન્વેન્ટ થયેલી છે એ શીખવી જ રહી. સ્વૉર્ડ ચલાવવા માટે જરૂરી એવી બધી જ વસ્તુઓ મુદગરથી મળે છે. એનાથી ઇનર સ્ટ્રેંગ્થ, કોર મસલ્સ, ઍબ્ડમન કોર મજબૂત થાય. સ્વૉર્ડ ફાઇટિંગમાં બૅલૅન્સ સંભાળવા આ બંને જરૂરી. એવી સ્પોર્ટ્સ કે જેમાં શૉલ્ડર અને રિસ્ટનું ઇન્વૉલ્વમેન્ટ છે એમાં એ મદદ કરે છે. જેમ કે ક્રિકેટ, બૅડ્મિન્ટન, ગૉલ્ફ, ટેનિસ વગેરેમાં આના અનેક ફાયદાઓ છે. આવી સ્પોર્ટ્સમાં જે લોકોને ટેનિસ એલ્બો થાય છે એમણે જો મુદગરની ટ્રેઇનિંગ લીધી હોય તો આ સમસ્યા નિવારી શકાય. આ સિવાય વેઇટલૉસમાં પણ એ મદદ કરે છે. મુદગર ફક્ત અપર બૉડી જ નહીં પણ લોઅર બૉડીમાં પણ મદદરૂપ થાય છે. મુદગરને પગ નીચેથી પસાર કરીને થતી એક્સરસાઇઝમાં સ્ટમકના કોર મસલ્સ મજબૂત થાય છે અને પેટ અને પગની ફૅટ લૂઝ પણ થાય છે. આ ઉપરાંત જે લોકો હૅન્ડ સ્ટૅન્ડ કરતા હોય 
એવા લોકોને શૉલ્ડર કન્ટ્રોલ અને સ્ટ્રેંગ્થનિંગ માટે મુદગર વરદાનરૂપ સાબિત થાય છે.’


કઈ રીતે થાય પ્રૅક્ટિસ?
એમ. એસ. ધોની ઉપરાંત મિલિંદ સોમણ, સુરેશ રાયના, રૉબિન ઉથપ્પા, હરિયાણા સ્ટીલર્સ (ટીમનું નામ છે, માણસ નહીં) જેવા સેલિબ્રિટીઝને 
લીધે  સોશ્યલ મીડિયામાં મુદગરનો ટ્રેન્ડ વધ્યો અને લોકોને એના પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે ત્યારે મુદગર કોઈ પણ ગાઇડ વગર યુટ્યુબ પર શીખવા મંડી ન પડવું. આ વાતને વિસ્તારથી સમજાવતાં વાસુદેવભાઈ કહે છે. ‘મુદગર વાપરવાની ૬૪ ઓરિજિનલ ટેક્નિક્સના પુરાવા મળ્યા છે. એ સિવાયની બધી એના કૉમ્બિનેશનમાં જોવા મળે છે. આ ચોસઠે ચોસઠ ટેક્નિકસ બહુ જ અભ્યાસ માગી લે છે. ત્રણ કે આઠ મિનિટમાં રિપીટેડલી એક ટેક્નિક પ્રૅક્ટિસ કરવાની હોય છે. યોગ્ય ગુરુ વગર એ શીખવું મુશ્કેલ છે. એની સાથેનું તત્ત્વજ્ઞાન અને  સ્પિરિચ્યુઆલિટી એક ગુરુ જ બરાબર સમજાવી શકે છે. શરૂઆતમાં દોઢ કે અઢી કિલો જેટલા વજનનાં મુદગર વપરાય છે. વધુ વજનવાળું મુદગર પહેલાંથી શરૂ કરો તો ફ્રૅક્ચર, બૅક પેઇન કે શ્વાસની તકલીફ થઈ શકે. કોને કેટલું વજન વાપરવું એ માટેની પણ ફૉર્મ્યુલા છે. જે-તે લોકોના વજનને ત્રણ વડે ભાગીને જે સંખ્યા આવે એટલા વજનનું મુદગર એ વાપરી શકે. મુદગરમાં હાથ ઉપર જાય ત્યારે બ્રીધ ઇન અને નીચે આવે તો કોર મસલ ટાઇટ કરીને બ્રીધ આઉટ કરવું. આમાં જો ચૂક થાય તો નુકસાન થઈ શકે છે. એની ટેક્નિકસ ચોક્કસ જાણી લેવી.’

કોણ વાપરી શકે મુદગર?                                                                                                                                                                                                                            મુદગર બધા જ લોકો વાપરી શકે છે. કોઈ પગેથી દિવ્યાંગ હોય તો પણ હાથની સ્ટ્રેંગ્થ માટે કરી શકે. વૃદ્ધ લોકો એકાદ કિલોનું વજન લઈ કરી શકે. એમને થોડા વધુ કાઉન્ટ્સ કરવા પડે. બીપી અને શ્વાસવાળાને પણ લાભ કરે છે. એમના કાઉન્ટ્સ ઓછા હોય છે. લેડીઝ પણ આની પ્રૅક્ટિસ કરી શકે છે. જે લેડીઝને અનિયમિત માસિકને લગતી બીમારીઓ હોય એને મુદગર સારી અસર કરે છે.

આયુર્વેદિક અને સ્પિરિચ્યુઅલ કનેક્શન
કોઈ પણ પ્રાચીન વૉરિયર આર્ટ સાથે એનું એક સ્પિરિચ્યુઅલ કનેક્શન ચોક્કસ જોડાયેલું હોય છે. આ વાતનું સમર્થન કરતાં વાસુદેવભાઈ કહે છે, ‘રુદ્રાક્ષની માળામાં જેમ ૧૦૮ મણકા છે એ જ રીતે આપણી બૉડીમાં પણ ૧૦૮ એનર્જી પૉઇન્ટ્સ હોય છે એવું મારા ગુરુ શ્રી જ્યોથિ કન્નન કહે છે. એટલે અમે જ્યારે પણ મુદગર શીખતાં ત્યારે ૨૭-૨૭ના ચાર સેટમાં એની પ્રૅક્ટિસ થતી. એકની એક ટેક્નિક આ રીતે ૧૦૮ વાર કરવાથી શરીરના ૧૦૮ એનર્જી પૉઇન્ટ્સ ઍક્ટિવ થઈ જાય છે. મુદગરની આ જ રીતે પ્રૅક્ટિસ કરીએ તો એના ફાયદાઓ અનેક છે. કહેવાય છે કે બીપી, અસ્થમા, લેડીઝ ઇશ્યુઝ એવા કુલ મળીને ૬૦ રોગોનું નિવારણ આ રીતે થાય છે. મુદગર કે કર્લાકટ્ટાઈને વધુ ડેવલપ કરીને એમાં આયુર્વેદિક ઑઇલ વાપરીને એના ફાયદાઓ લણવામાં આવે છે. એમાં વપરાતું લાકડું પણ નીલ અને સાગ જેવાં વૃક્ષમાંથી બને છે. બૅન્ગલોર અને કર્ણાટક પાસે જોવા મળતા કાથાના ઝાડમાંથી બનેલાં મુદગર ઉત્તમ કક્ષાનાં સાબિત થયાં છે.’

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2023 12:59 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK