ઍડ્વાન્સ સ્ટેજના કૅન્સર સાથે અને એના ઇલાજ સાથે વ્યક્તિની શું હાલત હોય છે એ તમે જોઈ છે એટલે તમે તમારી મમ્મીને એ પીડા આપવા નથી માગતા એ સમજી શકાય
પ્રતીકાત્મક તસવીર
મારી મમ્મી ૬૩ વર્ષની છે અને હાલમાં તેને બ્રેસ્ટ-કૅન્સર હોવાનું નિદાન થયું છે. બધી ટેસ્ટ થયા પછી ખબર પડી છે કે અત્યારે એ ચોથા સ્ટેજ પર છે. તેનું કૅન્સર તેની પાંસળીઓ સુધી ફેલાઈ ગયું છે. એવા સમયે મમ્મીને કીમો અપાવીને વધુ પેઇન ન આપીએ અને કોઈ ઇલાજ જ ન કરાવીએ તો? સવાલ પૈસાનો છે જ નહીં. મોંઘામાં મોંઘો ઇલાજ કરાવવા અમે તૈયાર છીએ, પરંતુ અમારા ઘરમાં જ અમે કૅન્સરના બે દરદીનાં મૃત્યુ જોયાં છે. કીમો આપીને એક-બે વર્ષનું જીવન તેમનું લંબાવી શકીએ, પણ એ એક-બે વર્ષ તેમને પીડા આપવી એના કરતાં જેટલું આયુષ્ય છે એ કૅન્સર સાથે તે જીવી કાઢે તો તેને રિબાવું ન પડે.
ઍડ્વાન્સ સ્ટેજના કૅન્સર સાથે અને એના ઇલાજ સાથે વ્યક્તિની શું હાલત હોય છે એ તમે જોઈ છે એટલે તમે તમારી મમ્મીને એ પીડા આપવા નથી માગતા એ સમજી શકાય, પણ શું તમને એની બીજી બાજુ ખબર છે? એટલે કે ઇલાજ ન કરાવીએ તો વ્યક્તિનું શું થાય છે એનો અંદાજ તમને નથી. જો સીધી રીતે કહું તો મૃત્યુ એટલું સરળ નથી. તમે ઇલાજ નહીં કરાવો એટલે મમ્મી અમુક મહિનાની અંદર મૃત્યુ પામશે એવું તમે વિચારો છો, પરંતુ એ અમુક મહિના કેવા જશે એનો તમને અંદાજ નથી. એ જે પ્રકારની તકલીફ છે એ કોઈ પોતાના આપ્તજનને આપી ન શકે અને તેને એ હાલતમાં તમે જોઈ નહીં શકો. ચોથા સ્ટેજના કૅન્સરને સંપૂર્ણ રીતે ક્યૉર ન કરી શકાય એ એક હકીકત છે, પરંતુ એટલે ઇલાજ જ ન કરવો એ એનો ઉપાય નથી. આવો નિર્ણય આજના મેડિકલ સાયન્સના યુગમાં લેવો બિલકુલ યોગ્ય નથી.
મેં તમારા રિપોર્ટ્સ જોયા. તમારા કેસમાં હાલની તારીખે હૉર્મોન થેરપી છે જે ઘણી અસરકારક છે અને એમાં સર્જરી કે કીમો જેવી પીડા પણ નથી. આ થેરપીમાં હૉસ્પિટલાઇઝેશન પણ હશે નહીં. ઘરે રહીને દવા જ કરવાની છે. આ વિશે વિસ્તારમાં સંપૂર્ણ સમજ લેવા માટે તમારે ડૉક્ટરને મળવું જરૂરી છે. તમારાં મમ્મીના કેસમાં સર્જરી કે કીમો હાલમાં આપી નહીં શકાય. એ ઑપ્શન પણ નથી. આ વિશે તમે મન મક્કમ કરો અને સમજદારી દાખવો. ઇલાજ ઠીક થવા માટે નહીં, પરંતુ જેટલું જીવન બચ્યું છે એને સુખરૂપ જીવવા માટે કરવાનો છે. આ બંનેનો ફરક ખુદ સમજો અને મમ્મીને પણ સમજાવો.


