લીલા ઘાસ પર ચાલવાથી અનેક ફાયદા થાય છે એવું તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ હવે બગીચા પર ઘાસની વચ્ચે પથ્થર ફિક્સ કરીને બનાવેલી પગદંડી પર ચાલવાનું પણ ચૂકશો નહીં. હા,એ માટે શું ધ્યાન રાખવું એ સમજી લેજો

પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકો પૂછતા હોય છે કે લીલા ઘાસ પર ચાલવાથી ચશ્માંના નંબર ઘટી જશે? અમે તો બે, પાંચ, સાત મહિનાથી ચાલીએ છીએ પણ નંબરમાં કોઈ ફરક નથી પડતો. આવો સવાલ તમને જો થતો હોય તો કહી દઈએ કે હા, વહેલી સવારે કુમળા અને ઝાકળ પડી હોય એવા ભીના લીલા ઘાસ પર ચાલવાથી પગમાં રહેલા સંવેદનશીલ પૉઇન્ટ્સ ઍક્ટિવેટ થાય છે અને એનાથી આંખોને ઠંડક મળે છે અને દૃષ્ટિ સુધરે છે. જોકે એ માટે આપણી જીવનશેલી અને આંખોનો ઉપયોગ કરવાની આદતો પણ સારી હોવી જોઈએ. દિવસના દસ કલાક સ્ક્રીન સામે જોયા કરવાથી ડ્રાય આઇઝ થઈ ગઈ હોય અને તમે પંદર મિનિટ ઘાસ પર ચાલીને એની આડઅસરો મટી જાય એવું ઇચ્છતા હો તો એ સાવ જ યોગ્ય નથી. આંખોને પૂરતું પોષણ ન આપતા હો, રાતે સૂતાં-સૂતાં અથવા અંધારામાં વાંચતા હો તો આંખોનું તેજ બગડવાનું જ.
આપણે વાત કરતા હતા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાના ફાયદાની. હા, ખુલ્લા પગે ચાલવાના અનેક ફાયદા છે, પણ હવે તો આપણે ઘરમાં પણ સ્લિપર પહેરીને ફરતા થઈ ગયા છીએ. આ એક વિષચક્ર જેવું છે. ઘરમાં એવા માર્બલ વાપરવાના જે એકદમ ઠંડાગાર થઈ જતા હોય. એ ઠંડકથી બચવા માટે સ્લિપર પહેરવાના. ઘર હોય કે ગાર્ડન, ખુલ્લા પગે ચાલવાની આદત અનેક રીતે ફાયદાકારક છે. એનાથી તમને ચાલવાના જેટલા પણ ફાયદા થાય છે એ તો મળવાના જ ઉપરાંત સ્ટ્રેસ, ડિપ્રેશન અને મૂડ ડિસઑર્ડરમાં પણ ફાયદો થવાનો. સ્નાયુઓ ઍક્ટિવ થાય, બ્લડ સર્ક્યુલેશન સારું થાય અને સાયટિકાને કારણે થતા કમરના દુખાવામાં પણ રાહત મળે.
ADVERTISEMENT
પૃથ્વી તત્ત્વની સ્થિરતા
જમીન પર ખુલ્લા પગે ચાલવાથી તમે પૃથ્વી તત્ત્વના સંપર્કમાં રહો છો. આપણું શરીર પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ એમ પંચમહાભૂતનું બનેલું છે એ તો સૌ જાણે છે. પૃથ્વી તત્ત્વ સ્થિરતા માટે બહુ જરૂરી છે. એ જિંદગીમાં ઠહેરાવ આપે છે. માનસિક ઉદ્વેગ, અશાંતિ, ઍન્ગ્ઝાયટીમાં પૃથ્વી તત્ત્વનો સંપર્ક વ્યક્તિના ચંચળ મનને શાંત કરવાનું કામ
કરે છે.
પથ્થરો પર ચાલવું ખુલ્લા પગે માટી પર કે ઘાસ પર ચાલવાના ફાયદા તો છે જ, પણ બગીચામાં પગદંડીઓ પર જે પથ્થરો ગોઠવેલા હોય છે એની પર ચાલવાથી પણ બેનિફિટ થાય છે. જો તમારી ઉંમર પચાસ-પંચાવન વર્ષથી વધુ હોય તો એ પથ્થરો પર ચાલવાથી બૉડીનું સંતુલન સુધરે છે. જેમ-જેમ ઉંમર થતી જાય એમ-એમ ચાલવાની ગતિ, દિશા જાળવી રાખવાનું મુશ્કેલ થવા લાગે છે. વડીલો પથ્થર પર ચાલવાની આદત રાખે તો એનાથી ચાલવાની ગતિ અને સંતુલનમાં ફરક પડે છે. તમે જોયું હોય તો બાળકો પણ જ્યારે ચાલવાનું શીખતાં હોય છે ત્યારે ખુલ્લા પગે વધુ સારી રીતે શીખી જાય છે. પગમાં ફૅન્સી શૂઝ પહેરાવવાથી બાળકની ચાલમાં પણ ગરબડ થવા લાગે છે. એવી જ રીતે જે વડીલોને ચાલતી વખતે સંતુલન રાખવામાં મુશ્કેલી પડતી હોય તેમણે ચંપલ કે સ્લિપર વિના જ ખુલ્લા પગે નૅચરલ સર્ફેસ પર ચાલવાની કસરત કરવી જોઈએ.
ક્યાં ખુલ્લા પગ ન રાખવા?
જેમ ખુલ્લા પગે ચાલવું ફાયદાકારક છે એમ ક્યારેક એ હાનિકારક પણ બની શકે છે. જ્યાં પારાવાર ગંદકી, કીચડ કે કચરો પડ્યો હોય એવી માટી કે ઘાસમાં ચાલવું એ સામે ચાલીને રોગને આમંત્રવા જેવું છે. ડામરના રોડ પર ખુલ્લા પગે ચાલવું હિતકારી નથી. હંમેશાં ખુલ્લા પગે ચાલીને ઘરે આવ્યા પછી પગને બરાબર સાફ કરવા જરૂરી છે. નખમાં માટી ભરાઈને જામી ન જાય એ માટે વીકમાં એક વાર હૂંફાળા પાણીમાં બોળીને નખ સાફ કરવા. રોજેરોજ મૉઇશ્ચરાઇઝર લગાવીને તળિયાંને સૉફ્ટ રાખવાં.

