એવામાં પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ શું છે, એનો ફાયદો શું, ખોરાકમાંથી કઈ રીતે એ મેળવી શકાય, સપ્લિમેન્ટ લેવાં કેટલાં હિતકારક એ બધાં જ પાસાંઓ જાણી લેવાં જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહેનારા લોકો માટે એ વાત નવી નથી કે પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી ગટ-હેલ્થ સારી રહે છે. ગટ-હેલ્થ સારી રાખવી કેમ જરૂરી છે એને લઈને લોકોમાં વધુ અવેરનેસ આવી છે અને એના પગલે પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સનાં સપ્લિમેન્ટ્સ પણ બજારમાં મળતાં થયાં છે. એવામાં પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ શું છે, એનો ફાયદો શું, ખોરાકમાંથી કઈ રીતે એ મેળવી શકાય, સપ્લિમેન્ટ લેવાં કેટલાં હિતકારક એ બધાં જ પાસાંઓ જાણી લેવાં જરૂરી છે
છેલ્લા થોડા સમયથી સોશ્યલ મીડિયા પર પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સનો ક્રેઝ ખૂબ જોવા મળી રહ્યો છે. હેલ્થ-ઇન્ફ્લુએન્સર્સ અને ડાયટ-એક્સપર્ટ એના ફાયદાઓ ગણાવી રહ્યા છે. એટલે લોકોમાં ગટ-હેલ્થને લઈને અવેરનેસ આવી રહી છે. શહેરોમાં જન્ક ફૂડનું સેવન અને સ્ટ્રેસને કારણે લોકોને ગટ-સંબંધિત સમસ્યાઓ વધુ થઈ રહી છે. એવામાં ગટ-હેલ્થ માટે સારાં ગણાતાં પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ લોકોને આકર્ષી રહ્યાં છે. લોકો ફર્મેન્ટેડ ફૂડ જેમ કે કેફિર, કિમચીની નવી-નવી રેસિપીઝ શીખીને ડાયટમાં એનો સમાવેશ કરી રહ્યા છે. માર્કેટમાં એની ટૅબ્લેટ્સ, પાઉડરનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકોની ખરીદશક્તિ અને હેલ્થ પ્રત્યેની અવેરનેસ વધતાં લોકો એમાં ઇન્વેસ્ટ પણ કરી રહ્યા છે. જોકે આ બધા વચ્ચે કેટલીક વસ્તુની કાળજી રાખવી જરૂરી છે. પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ આપણી ગટ-હેલ્થ માટે બહુ સારાં છે, એનાથી શરીરને અનેક રીતે ફાયદો પહોંચે છે પણ એનું સેવન કરતી વખતે કાળજી રાખવી જરૂરી છે. ક્રેઝના ચક્કરમાં એનો ઓવરડોઝ થઈ જાય તો નુકસાન પણ પહોંચી શકે છે. એવી જ રીતે ભૂતકાળમાં એવા બનાવ બની ચૂક્યા છે જ્યાં પ્રોબાયોટિક્સનાં સપ્લિમેન્ટ લેવાથી ઇન્ફેક્શન થયું હોય અને એનાથી મૃત્યુ થયું હોય. એટલે આજે ન્યુટ્રિશનિસ્ટ રીમા ધોરાજીવાલા પાસેથી પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સને લઈને સઘળી માહિતી મેળવી લઈએ જેથી બીજા લોકો જેવી ભૂલ આપણે ન કરીએ.
ADVERTISEMENT
આહારમાં શા માટે જરૂર?
પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ શું છે એ જાણતાં પહેલાં એની આહારમાં શા માટે જરૂર છે એ જાણવું જરૂરી છે. આપણે ત્યાં થતી મોટા ભાગની બીમારી ખરાબ ગટને કારણે થાય છે. ગટ-હેલ્થને સારી રાખવામાં ગુડ બૅક્ટેરિયાનો ખૂબ મોટો હાથ હોય છે. આહારમાં પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સથી ભરપૂર ખોરાક ખાવાથી ગટમાં ગુડ બૅક્ટેરિયાનું પ્રમાણ વધે છે. આપણા ગટ એટલે કે આંતરડામાં ગુડ બૅક્ટેરિયા અને બૅડ બૅક્ટેરિયા બન્ને નૅચરલી હોય છે. એને ગટ માઇક્રોબાયોમ કહેવાય છે. ગટમાં ગુડ અને બૅડ બૅક્ટેરિયા વચ્ચે સંતુલન જળવાઈ રહેવું જરૂરી છે.
ગુડ બૅક્ટેરિયા આપણા શરીરને ઘણીબધી રીતે ફાયદો પહોંચાડે છે. જેમ કે એ આપણું પાચન સારું રાખે, ઇમ્યુનિટીને મજબૂત બનાવે, મૂડ સુધારે, સ્ટ્રેસ ઓછું કરે, હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે, ડાયાબિટીઝનું જોખમ ઘટાડે, વેઇટ-મૅનેજમેન્ટમાં મદદ કરે, સ્કિન-હેલ્થને સારી કરે, પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન સુધારે, શરીરમાં ઇન્ફ્લમેશન થયું હોય તો ઓછું કરવામાં મદદ કરે.
આપણે જ્યારે સાકરવાળી, તળેલી વસ્તુ અને જન્ક ફૂડનું વધુપડતું સેવન કરતા હોઈએ કે પછી ઍન્ટિબાયોટિક દવાઓ લેતા હોઈએ, આહારમાં પ્રોબાયોટિક્સથી ભરપૂર ખોરાકની કમી હોય, સ્ટ્રેસ રહેતું હોય તો પેટમાં ગુડ બૅક્ટેરિયાનું પ્રમાણ ઓછું થતું જાય છે અને બૅડ બૅક્ટેરિયા વધવા લાગે છે. શરીરમાં ગુડ બૅક્ટેરિયાની કમીને કારણે પાચનમાં ગરબડ થાય, શરીરને ઇન્ફેક્શન લાગવાનું જોખમ વધી જાય, B12-ફોલેટ-બાયોટિન જેવાં વિટામિન્સની કમી થઈ જાય, સ્મરણશક્તિ ઓછી થઈ જાય, શરીરને સતત થાક લાગ્યા કરે, ઍક્ને-સોરાયસિસ જેવી ત્વચાસંબંધિત બીમારી થાય, ટાઇપ-ટૂ ડાયાબિટીઝ અને હૃદય સંબંધિત બીમારી વગેરે જેવી સમસ્યા આવે.
પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ એટલે શું?
શરીરમાં ગુડ બૅક્ટેરિયાનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. એ માટે પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સથી ભરપૂર ખોરાક આહારમાં લેવો જોઈએ. પ્રોબાયોટિક્સ એટલે કે જીવિત સૂક્ષ્મ જીવ. સામાન્ય રીતે બૅક્ટેરિયા, યીસ્ટ જે શરીર માટે લાભદાયક છે. ઇન શૉર્ટ પ્રોબાયોટિક્સ એટલે ગુડ બૅક્ટેરિયા. અમુક આથાવાળી વસ્તુ જેમ કે દહીં, યોગર્ટ, અથાણાં, ઇડલી, કાંજી વગેરે પ્રોબાયોટિક ફૂડ છે. એવી જ રીતે કિમચી, કમ્બુચા જેવાં ક્વિઝિન જે ભારતનાં નથી પણ તેમ છતાં એના પ્રોબાયોટિક ગુણોને લઈને ભારતમાં ફેમસ થઈ રહ્યાં છે.
પ્રીબાયોટિક્સ એક પ્રકારનું ડાયટરી ફાઇબર છે જેને આપણું નાનું આંતરડું પચાવી શકતું નથી એટલે એ સીધું મોટા આંતરડામાં જાય છે. અહીં ગુડ બૅક્ટેરિયા દ્વારા એનું ફર્મેન્ટેશન થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો પ્રીબાયોટિક્સ એક પ્રકારનું ફાઇબર છે જેને આપણું શરીર પચાવી શકતું નથી, પણ એ આપણા આંતરડામાં રહેતા સૂક્ષ્મ જીવો માટે ભોજનની જેમ કામ કરે છે. એ આપણા શરીરમાં ગુડ બૅક્ટેરિયાને ગ્રો થવામાં મદદ કરે છે. જવ, ઓટ્સ, કાંદા, કોબી, બ્રૉકલી, લસણ, કેળાં, સફરજન, કાજુ, બદામ, ચિયા સિડ્સ, ફ્લેક્સ સીડ્સ વગેરેમાં પ્રીબાયોટિક ફાઇબર વધુ હોય છે.
ઓવરડોઝ ન થાય એનું ધ્યાન રાખો
ઘણા લોકો ગટ-હેલ્થને સારી રાખવા તેમ જ સંપૂર્ણ સ્વાસ્થ્યને સારું રાખવા જેમ કે પાચન સુધારવા, ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે માર્કેટમાંથી ખરીદીને કૅપ્સ્યુલ, ટૅબ્લેટ, પાઉડર વગેરે ખાતા હોય છે. પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સનાં આવાં રેડીમેડ સપ્લિમેન્ટ્સથી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળતું હોવાથી લોકો એની તરફ આકર્ષાય છે. આ બધી વસ્તુઓમાં કેમિકલ યુઝ થતું હોય છે જેની આપણા શરીરમાં સાઇડ-ઇફેક્ટ્સ પણ થઈ શકે છે.
એટલે બને ત્યાં સુધી ખોરાકમાંથી જ પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરમાં એની ઊણપ ન સર્જાય એ માટે જન્ક ફૂડ અવૉઇડ કરીને જે ખોરાકમાંથી પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ મળે એનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ગુડ બૅક્ટેરિયા પણ વિવિધ પ્રકારના હોય છે એટલે પ્રીબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સના ફક્ત એક જ સોર્સ પર નિર્ભર રહેવા કરતાં આહારમાં વિવિધ પ્રકારનું ફૂડ ઍડ કરવું જોઈએ.
આપણે પ્રોબાયોટિક્સનાં સપ્લિમેન્ટ્સ લેવાં પડી રહ્યાં છે એનું એક કારણ એ પણ છે કે આપણે આપણી ટ્રેડિશનલ ફર્મેન્ટેડ રેસિપીઝને અવગણી રહ્યા છીએ. કોઈની પાસે એટલો સમય નથી કે આથાવાળા બૅટરમાંથી ઇડલી, ઢોસા બનાવે. એટલે ઝટપટ ઇન્સ્ટન્ટ ઇડલી, ઢોસા બનાવીને ખાવામાં આવે છે. પણ એનાથી પ્રોબાયોટિક્સનો ફાયદો મળતો નથી. અથાણાંનું પણ એવું જ છે. લોકો નૅચરલ ફર્મેન્ટેશનને બદલે અથાણામાં વિનેગરનો ઉપયોગ કરે છે પણ એનાથી પ્રોબાયોટિક્સનો કોઈ ફાયદો મળતો નથી. એવી જ રીતે માર્કેટમાંથી ખરીદીને લાવવામાં આવેલા દહીંને કઈ રીતે બનાવવામાં આવ્યું છે અને એને કઈ કન્ડિશનમાં સ્ટોર કરવામાં આવ્યું છે એના પર ડિપેન્ડ કરે છે કે એમાં કેટલા પ્રોબાયોટિક્સ છે. એટલે રેડીમેડ દહીંમાં ઘરે જમાવેલા દહીં જેટલા પ્રોબાયોટિક્સ ન હોય એ સ્વાભાવિક છે.
ગટ-હેલ્થને સારી રાખવા માટે પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ ફૂડ લેવાની સાથે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીને શરીરને હાઇડ્રેટ રાખવું જોઈએ. જન્ક ફૂડ ખાવાનું ઓછું કરવું જોઇએ. શરીરને ફિઝિકલી ઍક્ટિવ રાખવા માટે રેગ્યુલર બેઝિસ પર એક્સરસાઇઝ કરવી જોઈએ. સ્ટ્રેસ ઓછું કરવા યોગ-પ્રાણાયામ કરવા જોઈએ. સાથે જ પૂરતી ઊંઘ લેવી જોઈએ. ડેઇલી લાઇફસ્ટાઇલમાં આ બધી જ વસ્તુનું જો ધ્યાન રાખવામાં આવે તો ગટ-હેલ્થની સાથે સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું રહે છે.

