જો ગફલતમાં રહ્યા તો એ અલ્સર કૅન્સર સુધી તમને ખેંચી જઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
હું ૪૮ વર્ષનો છું. મને મોઢામાં એક ચાંદું થયું છે. મોટા ભાગે મને ચાંદાં થતાં નથી, પરંતુ ક્યારેક થાય તો એ એની મેળે દસેક દિવસમાં જતું રહે છે. આ જે ચાંદું થયું છે એ મને જમણી બાજુના ગલોફા પાસે થયું છે અને એને વીસેક દિવસ થઈ ગયા એ જતું નથી. એ ચાંદામાં કદાચ પસ જેવું થઈ ગયું હશે, કારણ કે મને એ દુખે તો છે. મોઢામાં એક ચાંદું થયું હોય એવી નાની બાબત માટે પણ ડૉક્ટરને શું બતાવવાનું એમ મને લાગે છે. જોકે તકલીફ એ થાય છે કે એ ચાંદું વારંવાર મારાં બંને ચોકઠાં વચ્ચે આવી જાય છે અને મારી રાડ ફાટી જાય છે. હું શું કરું?
મોટા ભાગે જે માઉથ અલ્સર જોવા મળે છે એ થોડો સમય મોઢામાં રહીને જાતે જ પોતાની મેળે હીલ થઈ જાય છે. આ પ્રકારનું અલ્સર કોઈ પણ રીતે નુકસાનકર્તા હોતું નથી. મોટા ભાગે આ પ્રકારનું અલ્સર ત્રણ-ચાર દિવસથી લઈને બે-ત્રણ અઠવાડિયાં સુધીમાં પોતાની મેળે જતું રહે છે. જો કોઈ પણ અલ્સર ત્રણ અઠવાડિયાંથી વધુ રહે તો એ પ્રૉબ્લેમેટિક ગણાય છે. આ પ્રકારના અલ્સરમાં વ્યક્તિને ડૉક્ટરની મદદ જરૂરી રહે છે.
ચાંદું પડ્યું હોય અને એક-બે અઠવાડિયાંમાં એની મેળે સરખું થઈ જાય તો એ સાવ નૉર્મલ ગણાય છે જેના માટે ઇલાજની જરૂર નથી પડતી; પરંતુ જો અલ્સર લાંબા ગાળાનું હોય, ખૂબ દુખતું હોય અને એવું ને એવું જ હોય અથવા એ વધ્યા કરતું હોય કે ફેલાતું હોય તો ઇલાજ કરવો પડે છે. એ માટે ડૉક્ટરો મોટા ભાગે ઍન્ટિ-માઇક્રોબિયલ માઉથ રીન્સ, સ્ટેરૉઇડવાળી અલ્સર પર લગાડવાની દવા, પેઇન અને ઇરિટેશન દૂર થાય એ માટેની દવા પણ આપતા હોય છે.
ADVERTISEMENT
સ્મોકિંગ કે આલ્કોહૉલ જેવી કોઈ આદત હોય, તમાકુ ચાવતી હોય એવી વ્યક્તિને માઉથ અલ્સર થાય જ છે. જ્યારે તે આ આદત છોડે છે ત્યારે પણ થાય છે જે થોડા દિવસમાં જતું પણ રહે છે, પરંતુ આ પ્રકારનું અલ્સર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આમ જો તમે આવી આદતો ધરાવતા હો, તમને અલ્સર સતત થોડા-થોડા સમયે થયા કરતું હોય કે એવું અલ્સર થાય જે લાંબા સમયથી હોય અને મટે જ નહીં તો એ માટે ડૉક્ટરની સલાહની જરૂર પડે છે. ખાસ તો આ અલ્સર પાછળનાં કારણો શોધવાની અને ઇલાજની પણ જરૂર પડે છે. જો ગફલતમાં રહ્યા તો એ અલ્સર કૅન્સર સુધી તમને ખેંચી જઈ શકે છે. આમ એક વખત ડૉક્ટરને બતાવી દો એ જરૂરી છે.

