દરેક વ્યક્તિને આ કારણોસર કૅન્સર થાય જ એવું જરૂરી નથી પરંતુ આ કારણોસર જ તમને કૅન્સર નહીં જ થાય એવો દાવો પણ કરી શકાતો નથી. એટલે સાવચેત રહેવું જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
પેટનું કૅન્સર એક એવું કૅન્સર છે જેનું નિદાન તરત સામે ન આવવાને કારણે દરદી જ્યારે અમારી પાસે આવે ત્યારે મોડું થઈ ગયું હોય છે. એનો વ્યાપ પણ આજકાલ ઘણો વધુ જોવા મળે છે. પેટનું કૅન્સર થવાનાં કારણો પર ધ્યાન આપીએ તો આપણી આજકાલની લાઇફસ્ટાઇલ એક મુખ્ય કારણ ગણી શકાય. આપણો બદલાયેલો ખોરાક કોઈ ને કોઈ રીતે કૅન્સર સાથે જોડાયેલો છે. એ વિશે ઘણાં જુદા-જુદા રિસર્ચ પણ પ્રકાશિત થયાં છે અને વૈજ્ઞાનિકો એ દ્વારા સાબિત કરી ચૂક્યા છે કે કૅન્સર પાછળ આ બદલાયેલો ખોરાકનો મોટો હાથ છે. કેમિકલયુક્ત ખાતરમાં ઉગાડેલો ખોરાક અને પ્રોસેસ્ડ ફૂડ કૅન્સરકારક હોય છે. આ સિવાય જન્ક ફૂડનું પ્રમાણ વધ્યું છે, જેમાં સૉલ્ટનું પ્રમાણ વધુ હોય છે અને આ વધુ માત્રામાં સૉલ્ટ પેટની લાઇનિંગને અસર કરે છે, જેને કારણે કૅન્સર થવાનું રિસ્ક વધે છે. અલબત્ત, દરેક વ્યક્તિને આ કારણોસર કૅન્સર થાય જ એવું જરૂરી નથી પરંતુ આ કારણોસર જ તમને કૅન્સર નહીં જ થાય એવો દાવો પણ કરી શકાતો નથી. એટલે સાવચેત રહેવું જરૂરી છે.
ફક્ત બદલાયેલો ખોરાક જ નહીં; ખોરાક લેવાનો અનિયમિત સમય, સૂવાનો-ઊઠવાનો ખોટો સમય જેવાં પરિબળો પણ અહીં કામ કરે છે. ચોક્કસ એ વાત અહીં સમજવા જેવી છે કે આ કારણો જ્યારે વર્ષો સુધી પેટ અને પાચનની સિસ્ટમ પર અસર કરે છે ત્યારે આવું થાય છે. પેટનું એક મહત્ત્વનું અંગ છે લિવર. ખાસ કરીને હેપેટાઇટિસ Bનો ભોગ બનનારા લોકોને લિવરનું કૅન્સર થતું હોય છે. આ સિવાય જે લોકો ખૂબ વધારે આલ્કોહોલ લેતા હોય તેમને પણ આ તકલીફ થઈ શકે છે. સ્મોકિંગ અને તમાકુ પણ એક મોટું રિસ્ક ફૅક્ટર છે. આ સિવાય ઓબેસિટી અને બેઠાડુ જીવન પણ કૅન્સરકારક છે. આ કારણો એવાં છે જેને દૂર કરી આપણે કૅન્સરથી બચવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને એના રિસ્કને ઘટાડી શકીએ છીએ.
ADVERTISEMENT
કોઈ પણ જાતના કૅન્સરમાં જિનેટિક્સ અને ફૅમિલી હિસ્ટરી મહત્ત્વનાં રહે જ છે. જો તમારા ઘરમાં કે સગાંમાં કોઈને પણ અમુક પ્રકારનું કૅન્સર હોય તો તમને એ થવાની શક્યતા કે રિસ્ક ઘણું વધારે હોય છે. કોલોન કૅન્સર પણ જિનેટિકલી સ્ટ્રૉન્ગ હોય છે અને એ જોવા મળે છે. પરંતુ જ્યારે ઘર-પરિવારમાં કોઈને પેટનું કૅન્સર હોય ત્યારે વ્યક્તિએ ગભરાવાના બદલે સચેત થઈ જવું જરૂરી છે, કારણ કે જ્યારે તેને ખબર જ છે કે તેને થવાની શક્યતા વધુ છે તો તેણે પોતાની લાઇફસ્ટાઇલ પહેલેથી સારી જ રાખવી. બીજું એ કે સમયસર ચેકઅપ કરાવતા રહેવું. તો એનાથી બચવાની શક્યતા પણ વધી જાય છે અને રિસ્ક આપોઆપ ઘટે છે.
-ડૉ. જેહાન ધાભર


