સ્પાઇસિસ સાથે હવે બ્લૅક કૉફી પીવાનો શરૂ થયેલો નવો ટ્રેન્ડ હેલ્થ માટે મૅજિક છે કે માત્ર સોશ્યલ મીડિયાની હાઇપ? આ પીણાથી થતા સ્વાસ્થ્યના ફાયદાઓના દાવા પાછળનું સાયન્સ શું કહે છે એ જાણીએ
પ્રતીકાત્મક તસવીર
મસાલા ચાય તો આપણે બહુ પીધી, પણ હવે કૉફીમાં પણ મસાલા ઉમેરીને એને ફ્લેવરફુલ બનાવવાનો પ્રયોગ થયો છે. કૉફીના શોખીનો માટે અત્યારે સોશ્યલ મીડિયા પર એક નવો કન્સેપ્ટ વાઇરલ થઈ રહ્યો છે - સ્પાઇસ્ડ બ્લૅક કૉફી. તાજેતરમાં એક ફંક્શનલ ન્યુટ્રિશનિસ્ટ્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી બ્લૅક કૉફીમાં રસોડાના સામાન્ય મસાલા જેવા કે તજ, આદું કે એલચી ઉમેરવામાં આવે તો એ માત્ર સ્વાદ જ નથી વધારતા, બ્લડ-શુગરને મૅનેજ પણ કરે છે. આ દાવો કેટલી હદે સાચો છે અને ખરેખર એનાથી સ્વાસ્થ્યને કેટલે ફાયદો થાય છે એ નિષ્ણાત પાસેથી જાણીએ.
માત્ર સ્વાદ કે સ્વાસ્થ્ય?
ADVERTISEMENT
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મસાલા ઉમેરવાથી કૅફીનની અસર ઓછી થાય છે, પરંતુ મૉડર્ન સાયન્સ શું કહે છે એ વિશે સમજાવતાં અનુભવી ન્યુટ્રિશનિસ્ટ વર્ષા પટેલ જોશી કહે છે, ‘મસાલા કૅફીન ઍબ્સૉર્બ્શન કરતા નથી અથવા એની અસરને ઘટાડતા નથી. એટલે કે કૉફીનો મૂળ યથાવત્ રહે છે. કેટલાક મસાલાઓ પાચન અને બ્લડ-શુગર પર નાનો સહાયક પ્રભાવ આપી શકે છે. જેમ કે તજ ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી સુધારવામાં થોડો સહયોગ આપી શકે, આદું પાચન માટે ઉપયોગી બની શકે અને એલચી ઍસિડિટી અને બ્લોટિંગની સમસ્યામાં રાહત આપે છે. જોકે આ તમામની અસર મર્યાદિત છે અને કોઈ પણ રીતે ટ્રીટમેન્ટ કે સૉલ્યુશન તરીકે ટ્રીટ ન કરી શકાય. મસાલા ઉમેરવાથી મુખ્ય ફાયદો સ્વાદમાં ફેરફાર અને થોડી ડાઇજેસ્ટિવ કમ્ફર્ટ છે. મેટાબોલિઝમ બૂસ્ટ જેવા દાવાઓ ટેક્નિકલી સાચા હોઈ શકે, પણ એની પ્રૅક્ટિકલ ઇમ્પૅક્ટ ખૂબ નાની હોય છે. મસાલા ઉમેરવાથી સ્વાદ સુધરી શકે છે અને થોડી ડાઇજેસ્ટિવ કમ્ફર્ટ પણ મળે છે, પણ એનો મતલબ એ નથી કે આ હેલ્થ હૅક કે મૅજિક ડ્રિન્ક છે. આ ડ્રિન્ક કોઈ ટ્રીટમેન્ટ માટે પી શકાય નહીં. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે અન્ય સમસ્યાઓ માટે મસાલાવાળી કૉફી ફક્ત સપોર્ટિવ એલિમેન્ટ તરીકે કામ કરશે, એના પર નિર્ભર રહી શકાય નહીં.’
સ્વાદ સાથે સ્વાસ્થ્યનું સંતુલન
કૉફીમાં આ મસાલા ઉમેરવા માટે સ્વાદ અને સ્વાસ્થ્યનું સંતુલન જાળવવું જરૂરી છે એમ જણાવતાં ડૉ. વર્ષા પટેલ જોશી કહે છે, ‘તમે આ મસાલાઓને ઇન્ડિવિજ્યુઅલી અથવા કૉમ્બિનેશનમાં ચોક્કસપણે વાપરી શકો છો, પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કૉફીમાં મસાલા ઉમેરતી વખતે મર્યાદા મહત્ત્વપૂર્ણ છે. એક અથવા બે મસાલાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે, જેથી કૉફીનો મૂળ સ્વાદ બગડે નહીં. સવારે આદું અથવા તજ ઉમેરવાથી ગરમાહટ અને ફ્લેવર મળે, તજ અને એલચીનું કૉમ્બિનેશન સ્વાદમાં નૅચરલ મીઠાશ આપે, આદું અને હળદર સાથે ચપટી કાળા મરી ઉમેરવાથી પાચન માટે થોડો સપોર્ટ મળી શકે. આ બધું હેલ્થ-હૅક નહીં પણ માત્ર એક સહાયક વિકલ્પ છે.’
સમયનું મહત્ત્વ
મસાલા કૉફી કેવા સમયે પીવી જોઈએ એ વિશે વાત કરતાં ડૉ. વર્ષા પટેલ જોશી વધુમાં કહે છે, ‘કૉફી ક્યારેય ખાલી પેટે ન પીવી જોઈએ. ખાલી પેટે કૉફી પીવાથી શરીરમાં સ્ટ્રેસ હૉર્મોન્સ વધે છે અને ઍસિડિટી થાય છે. કેટલાક લોકોને ખાલી પેટે કૉફી પીવાથી અસ્વસ્થતાનો અનુભવ થાય છે એટલે નાસ્તા પછી અથવા જમ્યાના થોડા સમય બાદ સ્પાઇસ્ડ કૉફી લેવી હિતાવહ છે. દિવસ દરમ્યાન બેથી ૩ કપ પી શકાય. એમાં આશરે ૩૦૦-૪૦૦ મિલીગ્રામ કૅફીન હોય છે જે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ જો તમને બ્લડપ્રેશર કે ઊંઘની સમસ્યા હોય તો માત્ર ૧-૨ કપ જ લેવા જોઈએ. ખાસ યાદ રાખો કે બપોરે બે-ત્રણ વાગ્યા પછી કૉફી પીવાનું ટાળવું જોઈએ જેથી ઊંઘમાં ખલેલ ન પહોંચે. જેમને શરીરમાં ગરમી કે ઍસિડિટી વધુ રહેતી હોય તેમણે આદું અને તજનો ઉપયોગ ઓછો કરવો. જો બ્લડપ્રેશર ખૂબ વધારે રહેતું હોય તો કૅફીનનું પ્રમાણ મર્યાદિત રાખવું. સગર્ભા સ્ત્રીઓએ મસાલેદાર કૉફી લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.’
કૉફી બનાવવાની સાચી પદ્ધતિ
કૉફી બનાવતી વખતે મસાલા કઈ રીતે ઉમેરો છે એ પણ જરૂરી હોય છે એમ સમજાવતાં એને બનાવવાની સાચી પદ્ધતિ વિશે વાત કરતાં ડૉ. વર્ષા પટેલ જોશી કહે છે, ‘જો તમે ફિલ્ટર કૉફી કે ઉકાળીને કૉફી બનાવતા હો તો આદુંના ટુકડા, તજની સ્ટિક અથવા આખી એલચીને પાણી સાથે જ ઉકાળો. આનાથી તેલ અને પોષક તત્ત્વો પાણીમાં બરાબર ભળી જશે. જો તમે ઇન્સ્ટન્ટ કૉફી પીતા હો તો તજ, જાયફળ કે એલચીનો બારીક પાઉડર કૉફી તૈયાર થયા પછી ઉપરથી નાખો. મસાલાનો કુલ જથ્થો અડધી ચમચીથી વધવો જોઈએ નહીં. વધુપડતા મસાલા કૉફીને કડવી કે તીખી બનાવી શકે છે. તજ અને આદુંની પ્રકૃતિ ગરમ છે એટલે જો તમને પિત્ત કે ગરમીની સમસ્યા હોય તો ઉનાળામાં એનું પ્રમાણ ઓછું રાખવું. મસાલાનો ઉપયોગ ચપટીમાં થવો જોઈએ, ચમચીમાં નહીં. જો તમે એકસાથે અનેક મસાલા ઉમેરતા હો તો એનું પ્રમાણ પ્રમાણસર ઓછું કરી દેવું જોઈએ. અતિરેક હંમેશાં નુકસાનકારક હોય છે એટલે જ સ્વાદ અને સ્વાસ્થ્યનું સંતુલન જાળવવું જરૂરી છે.’
શું આ કમ્પ્લીટ હેલ્થ ડ્રિન્ક છે?
વાતના દોરને આગળ વધારતાં ડૉ. વર્ષા પટેલ જોશી કહે છે, ‘ભલે આ મસાલેદાર કૉફી સાદી બ્લૅક કૉફી કરતાં વધુ સારી છે, પરંતુ એને સંપૂર્ણ પૌષ્ટિક પીણું ન કહી શકાય. એક આદર્શ હેલ્ધી ડ્રિન્કમાં પ્રોટીન, હેલ્ધી ફૅટ્સ અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ હોવાં જોઈએ જે કૉફીમાં નથી હોતાં. એ કોઈ ભોજનનો વિકલ્પ નથી, પરંતુ એને એક ફંક્શનલ બેવરેજ કહી શકાય જે તમારા મેટાબોલિઝમને થોડો ટેકો આપે છે. સ્પાઇસ્ડ બ્લૅક કૉફી સ્વાદ અને થોડા મર્યાદિત હેલ્થ-ફાયદા આપે છે, પણ એ કોઈ મૅજિક અથવા મેડિકલ સૉલ્યુશન નથી.’
