મહાશિવરાત્રિ અને હોળી-ધુળેટીનાં પર્વ આવે એટલે આપણને જાણે ભાંગ પીવાનું છડેચોક લાઇસન્સ મળી જાય છે, પણ આખરે તો એ એક માદકદ્રવ્ય જ છે એ યાદ રાખવું ઘટે. આ દ્રવ્ય દવા તરીકે અનેક રોગોમાં વપરાય છે, પણ એને આંખ બંધ કરીને વાપરવાનું કેમ હિતાવહ નથી એ આજે જાણીએ
પ્રતીકાત્મક તસવીર
ભાંગ એટલે કે ગાંજો.
આપણા તહેવારોમાં અમુક ચોક્કસ પરંપરાઓ નિભાવવામાં આવે છે એ દરેકની પાછળ કોઈને કોઈ વિજ્ઞાન સંકળાયેલું હોય જ છે. જેમ કે હોળીમાં કેસૂડાથી કેમ નહાવાનું? મકરસંક્રાંતિમાં કેમ ધાબે ચડીને પતંગ ચગાવવાની અને સાથે તલ-શિંગ-દાળિયાની ચિક્કી ખાવાની? ઋતુઓના સંધિકાળના સમય દરમ્યાન આવી ચોક્કસ પરંપરાઓ ઊજવાતી આવી છે, એનું આયુર્વેદ શાસ્ત્રમાં ચોક્કસ કારણ વણાયેલું જોયું છે. પણ જ્યારે મહાશિવરાત્રિ કે હોળી-ધુળેટીના પર્વમાં ભાંગનું સેવન કેમ થાય છે એ સવાલ પૂછીએ ત્યારે ખાસ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી મળતું. કેટલીક લોકવાયકાઓ સાંભળવા મળે કે જ્યારે શિવજીએ સમુદ્રમંથન દરમ્યાન વિષનો કુંભ ગટગટાવી લીધેલો અને ગળામાં જ એને અટકાવી દીધો ત્યારે વિષની ગરમીને કારણે તેમની બેચેની બહુ વધી ગયેલી અને આખું શરીર ગરમીથી ધગધગવા લાગેલું. તેઓ કૈલાસ પર ગયા અને ત્યાં ભાંગનો છોડ ચાવી ગયા ત્યારે પરસેવો વળીને તેમનું શરીર ઠંડું થયું અને બેચેની શમી. આ માત્ર લોકવાયકા જ છે, એને ક્યાંય કોઈ શાસ્ત્રોમાં પુષ્ટિ નથી મળી. શિવપુરાણના અભ્યાસુ અને આયુર્વેદશાસ્ત્રના નિષ્ણાત વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘કેમ મહાશિવરાત્રિના દિવસે ભાંગનું સેવન કરવામાં આવે છે એનું કોઈ લૉજિકલ કારણ જણાતું નથી. કદાચ મહાશિવરાત્રિ અને હોળીની આસપાસના સમયમાં ઠંડાઈની સાથે ભાંગ લેવાનું કારણ કદાચ એનર્જીની તત્કાળપૂર્તિ હોઈ શકે. લોકોએ કદાચ એને ધર્મની સાથે જોડી લીધું છે જેથી બધા ભાંગને માત્ર પ્રસાદસ્વરૂપે લે. બાકી કોઈ પણ માદક વસ્તુનું સેવન આ રીતે કરવાનું યોગ્ય નથી જ નથી.
ADVERTISEMENT
દવાની દૃષ્ટિએ પણ નહીં.’
ભાંગને સંસ્કૃતમાં વિવિધ નામે ઓળખવામાં આવે છે. ગુણમાં એ તીક્ષ્ણ અને કફ કાપતી હોવાથી એને ભંગા કહે છે. જો એનું સહેજ પણ વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો બેભાન કરી નાખે છે એટલે એને માદિની કહે છે અને શરીરમાં વધારાના કફને દૂર કરે છે એટલે જયા કે વિજયા પણ કહે છે. પહેલાંના જમાનામાં જંગલમાં જીવતા લોકો ભાંગના પાનનો લેપ વેદના ઘટાડવામાં, સોજો કે ઇરિટેશન ઘટાડવા તેમ જ પરસેવો લાવવા માટે કરતા હોવાનું કહેવાયું છે. એના છોડ જંગલમાં એમ જ કોઈ માવજત વિના પણ ઊગી નીકળે છે. જોકે એ ચેતાતંત્રને થોડાક સમય માટે ઠપ્પ કરી દેવાનો ગુણ ધરાવતું હોવાથી એનો ઔષધમાં ઉપયોગ પણ બહુ જ સમજીવિચારીને કરવો જોઈએ એવું જણાવતાં વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘વૈદકની દૃષ્ટિએ કહું તો કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યનું સેવન યોગ્ય નથી જ નથી, એમ છતાં આ એવી વનસ્પતિ છે જેના કેટલાક ઔષધીય ગુણો પણ છે. માનસિક સંતાપ, ખોટા વિચારોના વમળમાં અટવાયા રહેતા લોકોમાં તેમ જ ગુસ્સો-બેચેની અને ઍન્ગ્ઝાયટી જેવી મનોસ્થિતિમાં ભાંગનો ઉપયોગ થતો આવ્યો છે. જોકે હું કહીશ કે આ ઔષધ પ્રયોગ લાઇસન્સવાળી દવાકંપનીઓએ બનાવેલાં ઔષધો થકી જ થવો જોઈએ. એમાં નિષ્ણાતોને ખબર છે કે કઈ સમસ્યા માટે કેટલી માત્રામાં આ માદક દ્રવ્યની જરૂર છે.’
કઈ દવાઓમાં હોય?
ભાંગનાં પાંચેય અંગો પાન, ડાળખી, મૂળ, પર્ણ અને બીજ બધું જ ઔષધ તરીકે વપરાય છે; પણ જે છોડનાં બી પાકાં થઈ ગયાં હોય એ મૅચ્યોર છોડ કહેવાય અને ઔષધમાં એ સારું પરિણામ આપે એમ જણાવતાં વૈદ્ય પ્રબોધભાઈ કહે છે, ‘કેટલીક મેન્ટલ કન્ડિશન્સ, શરદી, ઍલર્જિક રાઇનાઇટિસ જેવા રોગોના શમન માટેની દવાઓમાં બે-પાંચ કે સાત ટકા જેટલો ભાંગનો ઉપયોગ થાય છે. એ જ કારણથી આવી દવાઓ લીધા પછી મગજ શાંત થાય છે અને ઊંઘ આવી જાય છે. ગાંજો કડવો, ગરમ, પિત્તકારક, માદક અને મોહકારક છે. જે દરદીને ધનુર ઊપડ્યું હોય કે આંચકી આવતી હોય તેને ચલમમાં નાખીને ગાંજાનો ધુમાડો આપવાથી તરત ફાયદો થાય છે. ગોળ અથવા સાકર સાથે ગાંજાનું ચૂર્ણ લેવાથી ઝાડા તરત જ અટકે છે.’
આ પણ વાંચો: જે સહાનુભૂતિ હાર્ટ પેશન્ટને મળે છે એ એપિલેપ્સીના દરદીને કેમ નહીં?
આડઅસર ઉતારવા શું?
ભાંગ થોડીક પણ માત્રામાં લેવાથી એનાથી નર્વસ સિસ્ટમ થોડાક સમય માટે ખોરવાય છે. અલબત્ત, એ ટેમ્પરરી છે એની વાત કરતાં પ્રબોધભાઈ કહે છે, ‘ભાંગની સાથે બીજી કોઈ માદક ચીજ મિક્સ કરી લેવામાં આવે તો એની માઠી અસર થઈ શકે છે. બાકી એકલી ભાંગનું સેવન થાય તો એનાથી બબડાટ વધે, ભ્રાંતિ થાય અને વ્યક્તિ ઊંઘમાં સરી પડે એવું થાય. આ અસર પાંચ-સાત કલાક કે વધુમાં વધુ બાર કલાક રહે છે. જોકે ભાંગ લીધા પછી એની અસર ઉતારવી હોય તો એ માટે છાશ ઉત્તમ છે. વ્યક્તિ લવારીએ ચડી હોય કે ભ્રાંતિ અનુભવતી હોય તો તેને એક ગ્લાસ છાશ પીવડાવી દેશો તો એની માદક અસર તરત ઘટી જશે.’
માદક હોવાથી વ્યસન પ્રેરે
કોઈ પણ માદક ચીજ લેવાથી શરીરને મજા આવે છે. દારૂ, તમાકુ કે ડ્રગ્સથી જેમ ક્ષણભર માટે આનંદ અનુભવાય છે એમ ભાંગથી પણ થાય છે. એને કારણે જો એનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો એની આદત થવા લાગે એવું સંભવ છે.
માનસિક સંતાપ, ખોટા વિચારોના વમળમાં અટવાયેલા રહેતા લોકોમાં તેમ જ ગુસ્સો-બેચેની અને ઍન્ગ્ઝાયટી જેવી મનોસ્થિતિમાં ભાંગનો ઉપયોગ થતો આવ્યો છે. - વૈદ્ય પ્રબોધ ગોસ્વામી

