Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અતિ સર્વત્ર વર્જયેત્

26 April, 2024 11:20 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

ચરબીમાં સંઘરાતાં વિટામિન્સ લિવરને નુકસાન કરે છે. એનાથી ક્યારેક ડાયેરિયા, ઊબકા-ઊલટી થાય છે.

પ્રતીકાત્મક તસવીર

યે જો હૈ ઝિંદગી

પ્રતીકાત્મક તસવીર


મલ્ટિવિટામિનની ગોળીઓ ફાકો છો? તો એ તમારાં લિવર અને કિડની પર લોડ ક્રીએટ કરી શકે છે. મલ્ટિવિટામિન ડેફિશ્યન્સી જેવું કશું હોતું જ નથી એવું નિષ્ણાતો કહી રહ્યા છે અને બીજી તરફ ન્યુટ્રિશનના નામે વિવિધ કૉમ્બિનેશનનાં વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓનું માર્કેટ ફૂલીફાલી રહ્યું છે. શરીરને જરૂરી પોષણ સંતુલન સાથે પૂરું પડે અને આડઅસર પણ ન થાય એ માટે શું થઈ શકે એ જાણીએ

મને બહુ નબળાઈ આવી ગઈ છે, વિટામિનની ગોળીઓ લખી આપોને... મને દાળ નથી ભાવતી, પ્રોટીનનાં સપ્લિમેન્ટ્સ કયાં લઉં જેથી એની ઊણપ ન થાય? ઓમેગા-3 અને ઓમેગા-6 ફૅટી ઍસિડ્સનાં સપ્લિમેન્ટ્સ શરૂ કરેલાં, પણ એનાથી તો ખીલ ખૂબ થાય છે, શું કરું? છ મહિનાથી મલ્ટિવિટામિન લઉં છું, પણ એનાથી સ્ફૂર્તિ લાગવાને બદલે હાડકાં દુખે છે અને મસલ-ક્રૅમ્પ્સ વધુ આવે છે, ઊબકા-ઊલટી જેવું લાગે છે, મારા રિલેટિવ અમેરિકાથી મલ્ટિવિટામિન આપી ગયા છે, ઘરમાં બધાને આપીએ છીએ જેથી બધા હેલ્ધી રહે. પણ લાગે છે મને એ સદતી નથી, શું કરું?
ઉપરના સંવાદો મને અવારનવાર પેશન્ટ્સ પાસેથી સાંભળવા મળે છે એમ જણાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘મલ્ટિવિટામિન ડેફિશ્યન્સી હોય કે ન હોય, ઊંચી બ્રૅન્ડની આવી દવાઓ સપ્લિમેન્ટ તરીકે લેતા રહેવાની જાણે ફૅશન બની ગઈ છે. લોકોને સમજાવવું અઘરું થઈ ગયું છે કે ભાઈ, ઊણપ ન હોય તો પણ બહારથી સિન્થેટિક વિટામિન સપ્લિમેન્ટ્સ લેતા રહેવાથી ફાયદો નહીં, નુકસાન થવાનું છે.’

વધુપડતાં વિટામિન્સની આડઅસરો
હેલ્થ-પ્રોડક્ટ્સના નામે ગેરમાર્ગે દોરનારી અનેક ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ એવી આશા બંધાવે છે કે મલ્ટિવિટામિન, પ્રોટીન સપ્લિમેન્ટ્સ કે ઈવન પ્રોબાયોટિક્સ લેવાથી તમે હેલ્ધી થઈ જશો. ૨૦૨૩માં ભારતમાં ડાયટરી સપ્લિમેન્ટ્સની પ્રોડક્ટ્સનું માર્કેટ ૧૫૭.૪ અબજ રૂપિયાનું હતું. હજી એમાં વધારો થશે અને આગામી ૨૦૩૨ સુધીમાં એ વધીને ૪૯૧.૪ અબજ રૂપિયા જેટલું થઈ જશે. ન્યુટ્રાસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રી માટે કમાણીનું આ સાધન અનેક સમસ્યાઓનું જનક છે. થોડા સમય પહેલાં જ પચાસ વર્ષનો એક અમેરિકન મૃત્યુ પામ્યો તેની ઑટોપ્સીમાં વિટામિન Dનો ઓવરડોઝ જોવા મળ્યો હતો. વિટામિન D કંઈ રાતોરાત વધી જાય એવું નથી હોતું. જ્યારે ધીમે-ધીમે કરીને વધુ માત્રામાં વિટામિન D શરીરમાં જમા થાય છે ત્યારે લોહીમાં કૅલ્શિયમની જમાવટ વધે છે અને હાડકાં નબળાં પડે છે. મલ્ટિવિટામિન ડેફિશ્યન્સીના નામે આ ઇન્ડસ્ટ્રી ફૂલીફાલી છે એમ જણાવીને તાજેતરમાં પદ્‍મશ્રી ખિતાબથી સન્માનિત ડૉ. વી. મોહને પણ લાલબત્તી ધરી છે. મલ્ટિવિટામિન ડેફિશ્યન્સી જેવું કંઈ હોતું જ નથી. વિટામિન B12 અને વિટામિન D આ બે એવાં વિટામિન્સ છે જેની ઊણપ થઈ શકે છે, પણ એને કારણે સાથે બીજાં વિટામિન્સનાં ફાકડા પણ લેવાનું શરૂ કરી દેવું યોગ્ય નથી. વિટામિન Aનો ઓવરડોઝ થવાને કારણે ઊબકા-ઊલટી, સુસ્તી, અકળામણ, માથાનો દુખાવો, હેરલૉસ, સ્નાયુઓમાં દુખાવો જેવાં લક્ષણો જોવા મળે છે. 



પોષતું એ જ મારતું
આમ તો વિટામિન્સ અને મિનરલ્સ શરીરની કેટલીક સૂક્ષ્મ ક્રિયાઓમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને જો એ પૂરતી માત્રામાં ન હોય તો પણ અનેક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. આ વાત સાથે સહમત થતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘જે ચીજ જેટલી માત્રામાં જરૂરી હોય એટલી જ સારી. મીઠું રસોઈમાં ન હોય તો ભોજનનો સ્વાદ ન આવે, પણ સહેજ મીઠું વધી જાય તો એ રસોઈ બગડી જાય. એમ સૂક્ષ્મ માત્રામાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સનો જો ખડકલો થવા લાગે તો એનાથી શરીરની વિવિધ વ્યવસ્થાઓ ખોરવાઈ શકે છે.’


ઊણપ શાની છે એ સમજો
ઇન્ટરનેટ પરથી વાંચેલું અધૂરું જ્ઞાન અને લોભામણી જાહેરાતો આજકાલ લોકોને પોતાની જાત સાથે અખતરા કરવા પ્રેરે છે, પણ શરીરની જરૂરિયાત સમજવી આવશ્યક છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘મલ્ટિવિટામિનના નામે જાતજાતના કૉમ્બિનેશનવાળાં સપ્લિમેન્ટ્સ મળે છે. શું તમારા શરીરમાં એ જ કૉમ્બિનેશનમાં ઊણપ છે? તમારા શરીરમાં શાની કમી છે એ જાણ્યા વિના આડેધડ સારી વસ્તુઓનો મારો કરવાથી ફાયદો નહીં જ થાય. જો તમને વિટામિન B12ની કમી હોય અને એ ડાયટથી પૂરી થઈ શકે એમ ન હોય તો થોડાક સમય માટે એનાં સપ્લિમેન્ટ્સ ઠીક છે, પણ B12ની સાથે બીજાં વિટામિન્સ અને મિનરલ્સ પણ સાથે હોય એવી ચીજો લાંબા સમય સુધી લેવાથી શરીરમાં આડઅસર કરે.’

કેવી આડઅસરો થાય?
દરેક વિટામિનનું કામ જુદું છે. એની કાર્યપદ્ધતિ જુદી છે એટલે એ રીતે ઓવરડોઝ થાય ત્યારે આડઅસરો પણ જુદી રહેવાની. એ વાત સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘વિટામિન્સ બે પ્રકારનાં હોય. એક વૉટર સૉલ્યુબલ અને બીજાં ફૅટ સૉલ્યુબલ. વિટામિન A, D, E અને K ફૅટ સોલ્યુબલ છે. મતલબ કે એ ચરબીમાં ઓગળીને શરીરમાં સંઘરાઈ શકે છે. જે વિટામિન્સ સંઘરાઈ શકે છે એનો ઓવરડોઝ વધુ હાનિકારક બને છે. આ વિટામિનના સ્ટોરેજનું કામ ચરબીમાં થતું હોવાથી એનો લોડ લિવર પર આવે છે. વૉટર સૉલ્યુબલ વિટામિન્સ શરીરમાં સંઘરાતાં નથી, પરંતુ એ યુરિન વાટે નીકળી જાય છે. અલબત્ત, એ કાઢવાની પ્રક્રિયામાં કિડની પર વધુ લોડ આવે છે. આમ જ્યારે મલ્ટિવિટામિન્સનો ઓવરડોઝ થાય ત્યારે શરીરના આ બે અવયવો પર સૌથી પહેલાં લોડ આવે છે. કિડનીને વધુ કામ કરવું પડે છે અને ઓવરયુઝને કારણે એ થાકી જાય કે ડૅમેજ થાય એવું બને છે. ચરબીમાં સંઘરાતાં વિટામિન્સ લિવરને નુકસાન કરે છે. એનાથી ક્યારેક ડાયેરિયા, ઊબકા-ઊલટી થાય છે.’ 


આહારસ્રોતમાંથી જે મળે એ ઉત્તમ 
મલ્ટિવિટામિન ડેફિશ્યન્સી બહુ જ ખોટી ધારણા છે. જો ભોજનમાં શુદ્ધતા અને સંતુલન જાળવવામાં આવે તો કોઈ વિટામિન કે મિનરલ્સની ઊણપ પણ ન થાય એ વાત સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘સૌથી પહેલાં તો આપણે ખોટી લાઇફસ્ટાઇલ કેળવીને જે હેલ્ધી છે એ ખાવાનું ઓછું કરી નાખીએ છીએ. જન્ક ફૂડ ખાઈને ફળો અને શાકભાજીમાંથી મળતાં વિટામિન્સ અને મિનરલ્સ ઍબ્સૉર્બ થવાની ક્ષમતા ખોરવી નાખીએ છીએ અને પછી વધારાનાં સિન્થેટિક સપ્લિમેન્ટ્સની ગોળીઓ, પાઉડર્સ લઈએ છીએ. આ આદત જો ધરમૂળથી બદલવામાં આવે અને સંતુલિત ભોજન લો તો કોઈ વધારાનાં સપ્લિમેન્ટ્સની જરૂર જ ન પડે. ઇન ફૅક્ટ, ભોજનમાં રોજ ત્રણથી ચાર રંગનાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવામાં આવે, દૂધ-દાળ-કઠોળનું પ્રોટીન લેવામાં આવે, રિફાઇન્ડ અને પ્રોસેસ્ડ ફૂડ બંધ કરીને હોલગ્રેન અને મિલેટ્સનાં ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી રીતે જ જરૂરી સંતુલન મળી જાય છે. જરા યાદ કરો, આજથી વીસ-પચીસ વર્ષ પહેલાં કેમ કોઈને વિટામિન અને મિનરલ્સનાં સપ્લિમેન્ટ્સની જરૂર નહોતી પડતી? હેલ્ધી લાઇફસ્ટાઇલનો કોઈ વિકલ્પ નથી.’

ઊણપથી શું થાય?
વિટામિન A : આંખોમાં ડ્રાયનેસ, ખીલ, રફ-ડ્રાય સ્કિન, અંધારામાં વિઝનની નબળાઈ
વિટામિન D : રિકેટ્સ, લો બોન ડેન્સિટી, દાંતમાં સડો, નબળી ઇમ્યુનિટી, ગ્લુકોઝ ઇનટૉલરન્સ
વિટામિન E : સ્નાયુઓમાં નબળાઈ, લાલ રક્તકણોમાં ડૅમેજ, ખીલ, વિઝનમાં તકલીફ
વિટામિન K : બ્લડ-ક્લૉટિંગમાં ગરબડ, મેટાબોલિઝમમાં ગરબડ

ઓવરડોઝથી શું થાય?
વિટામિન A : ઊબકા-ઊલટી, માથાનો દુખાવો, થાક, ગર્ભવિકાસમાં તકલીફ
વિટામિન D : લોહીમાં કૅલ્શિયમ વધી જવું, ભૂખ ન લાગવી, ખંજવાળ, કિડની સ્ટોન
વિટામિન E : બ્લડ-ક્લૉટિંગમાં મુશ્કેલી
વિટામિન K : બ્લડ-થિનિંગ વધી જવાથી તકલીફ

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 11:20 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK