Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

મુદ્રા-કવચ

Published : 06 March, 2024 10:45 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યસ, લાઇફ જૅકેટ જેવું કામ કરી શકતી અને એનર્જી સાયન્સનું અદ્ભુત સંયોજન ધરાવતી પ્રાચીન હસ્ત મુદ્રાઓમાંથી એવી મુદ્રાઓ કઈ જેનો દરરોજ અભ્યાસ કરવો જોઈએ? આજે જાણી લો એવી  ૭  મુદ્રાઓ વિશે

મુદ્રાઓની તસવીર

રોજેરોજ યોગ

મુદ્રાઓની તસવીર


ભારતીય સંસ્કૃતિની સૌથી સુંદર બાબત એ છે કે જેને વિજ્ઞાન આજે શોધી રહ્યું છે એવી વાતો હજારો વર્ષ પહેલાં આપણા વિવેકસભર પૂર્વજોએ સિદ્ધ કરી અને એની ઉપયોગિતાને જીવનનો હિસ્સો બનાવી દીધી. તમે ઘણાં સ્થાપત્યો અને પ્રાચીન મૂર્તિઓમાં હસ્ત મુદ્રાઓ જોઈ હશે. મુદ્રાથી હેલ્થમાં મિરૅક્યુલસ પરિણામ આવી શકે એમ છે એ વિશે ભૂતકાળમાં પણ આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. પરંતુ સેંકડો અને હજારો મુદ્રાઓમાંથી કઈ મુદ્રાને રોજિંદા જીવનમાં સ્થાન આપવું, એ કઈ રીતે મદદરૂપ થઈ શકે અને એને કરવાનો સમય અને સાચી રીત શું હોઈ શકે એ વિશે મુદ્રા નિષ્ણાત અભય શાહ સાથે વાતો કરીએ અને જાણીએ મુદ્રા સાથે સંકળાયેલી કેટલીક મજેદાર વાતો.

બહુ જ ઉપયોગી
મુદ્રા આજના સમયમાં માતાની જેમ આપણું ધ્યાન રાખવા સક્ષમ છે એમ જણાવીને બાર વર્ષના પોતાના રિસર્ચનો નિચોડ શૅર કરતાં અભય શાહ કહે છે, ‘જેમ માતા તમને દરેક રીતે પોષણ આપવા માટે અને તમારા સુખની કામના કરે એ પણ કોઈ પણ જાતની અપેક્ષા વિના, એ જ રીતે મુદ્રા પણ મદદરૂપ થાય છે. ઘણા લોકો કહેતા હોય છે કે મુદ્રા કઈ રીતે કામ કરે છે એની પાછળ એવિડન્સ બેઝ્ડ કોઈ લૉજિક નથી. અરે પ્રકૃતિના ઘણા નિયમો એવા છે જેની પાછળના લૉજિકને આપણે સમજી નથી શક્યા પરંતુ એ પછીયે એની ઉપયોગિતાએ માનવજાતનું ભરપૂર કલ્યાણ કર્યું છે. જેમ કે માથા પર સફરજન પડવાથી ન્યુટનને ગુરુત્વાકર્ષણ નામનું બળ પૃથ્વી પર છે એની ખબર પડી ત્યારે આ ગુરુત્વાકર્ષણ બળ કેમ છે અને ક્યાંથી આવે છે એની કોઈ ખબર નહોતી. એ પછીયે પરિણામ એ આવ્યું કે એ ગુરુત્વાકર્ષણ બળને માપવાની પદ્ધતિ માનવજાતે વિકસાવી અને એ ગ્રેવિટેશન ફોર્સનું કૅલ્ક્યુલેશન કરીને પાણી પર જહાજ તરતાં થયાં કે આકાશમાં હવાઈ જહાજ ઊડતાં થયાં, રૉકેટ ઊડી શક્યાં; કારણ કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપણને સમજાયો હતો પરંતુ એ ગુરુત્વાકર્ષણ કઈ રીતે ઉદ્ભવે છે એનું લૉજિક નહોતું આપણી પાસે. મુદ્રા પણ એ જ રીતે અસરકારક છે. એનાથી લાભ થાય છે અને ઊર્જા વિજ્ઞાન સાથે એનું કનેક્શન છે એટલી આપણને ખબર છે, પરંતુ હાથની આંગળીઓને જે-તે પોઝિશનમાં રાખવાથી જ ઊર્જાનું વહન કઈ રીતે થાય છે એની ન ખબર હોય તો પણ શું ફરક પડે છે?’




અભયભાઈએ મુદ્રા ચિકિત્સા દ્વારા ઘણા લોકોના ઇલાજ કર્યા છે અને શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તર પર થતાં ઘણાં હકારાત્મક પરિણામ મુદ્રા થકી લાવવામાં પણ તેમને સફળતા મળી છે. પંચ તત્ત્વ અને પંચ પ્રાણથી બનેલા આપણા શરીરમાં મુદ્રા વિજ્ઞાન સંતુલનનું કામ કરે છે અને એટલે જ કેટલીક મહત્ત્વપૂર્ણ મુદ્રાઓનો નિયમિત અમુક સમય માટે અભ્યાસ થાય તો એ જટિલ રોગોમાં પણ હકારાત્મક પરિણામ આપી શકે છે. 

મુદ્રા કરતી વખતે શું ધ્યાન રાખશો?
મુદ્રા તમે ચોવીસ કલાકના દિવસમાં કોઈ પણ પ્રવૃત્તિ કરતા સમયે કરી શકો છો. સૂતાં, બેસતાં, જમતાં, પાણી પીતાં, કોઈની સાથે વાત કરતાં, ચાલતાં, દોડતાં એમ દરેક સમયે તમે મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. અભય શાહ કહે છે, ‘મુદ્રામાં તમારા હાથની અવસ્થા કઈ રીતે છે એ મહત્ત્વની બાબત છે. આંગળીની ટિપ એટલે કે ટેરવાંને સમજીને અંગૂઠો બરાબર જે-તે આંગળીના ટેરવા પર એટલે કે નખની ફરતે જે અર્ધચંદ્રાકાર આકાર છે એની બરાબર વચ્ચે નખ પછી તરત જ આવતો ભાગ છે ત્યાં જ સ્પર્શ કરવો મહત્ત્વનું છે. બીજું, કોઈ પણ મુદ્રા પંદર મિનિટથી વધુ કરો ત્યારે જ એનાં પરિણામને આપણે જોઈ શકીએ છીએ. આ વાત પેલા દૂધ જેવી છે કે સાકરનો એક દાણો મોઢામાં નાખો તો મીઠાશ આપે પણ એક ગ્લાસ દૂધમાં એક દાણા સાકરની મીઠાશ ક્યાંય ખોવાઈ જાય. એક ગ્લાસ દૂધમાં તમારે દૂધની ક્વૉન્ટિટીને ધ્યાનમાં રાખીને સાકર ઉમેરવી પડે. એ જ રીતે શરીરની જરૂરિયાત પ્રમાણે તમારે મુદ્રાનું સમયપત્રક તૈયાર કરવું પડે.’


જ્ઞાન મુદ્રા |

આપણા શરીરમાં વાયુ તત્ત્વ બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાયુ તત્ત્વ અત્યારના સમયમાં મોટા ભાગના લોકોનું અસંતુલિત છે. ગુસ્સો, નિર્ણયાત્મકતાનો અભાવ, માનસિક બ્લૉકેજિસ જેવી સમસ્યાઓ ઉપરાતં ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર જેવી તકલીફોમાં પણ વાયુ તત્ત્વનું અસંતુલન જવાબદાર હોઈ શકે છે. આ તમામમાં પૉઝિટિવ પરિણામ લાવવામાં જ્ઞાન મુદ્રા ઉપયોગી છે. સેલ્ફ-કન્ટ્રોલ, મેન્ટલ બૅલૅન્સ, ફિઝિકલ અને ઇમોશનલ બૅલૅન્સ માટે પણ જ્ઞાન મુદ્રા ઉપયોગી છે. 

કરવાનું શું? : બન્ને હાથની તર્જની આંગળીનાં ટેરવાંને અંગૂઠાથી ટચ કરવાં અને બાકીની ત્રણેય આંગળીઓ કમ્ફર્ટેબલી સીધી રાખવી. આ ત્રણ આંગળીઓને ખેંચીને નહીં, પણ સહજ રીતે સીધી રાખવી.  
ક્યારે અને કેટલી મિનિટ? : સવારે ઊઠીને દરરોજ સોળ મિનિટ કરવાથી મેન્ટલ ક્લૅરિટી આપવાની સાથે દિવસની પ્રોડક્ટિવ શરૂઆત કરવાના ધ્યેયથી પણ જ્ઞાન મુદ્રા ઉપયોગી સાબિત થઈ શકે.

શૂન્ય વાયુ મુદ્રા | આકાશ તત્ત્વ આપણા શરીરમાં વિસ્તરણનું કામ કરે છે, જગાડવાનું કામ કરે છે અને વાયુ તત્ત્વ પણ શરીરને ગતિમાન રાખે છે. આકાશ અનંત છે તો એનું ઑપોઝિટ છે ઝીરો, જ્યારે શૂન્ય આપણને સંકોચિત કરે છે. આખા દિવસના થાક પછી મન જ્યારે થાક્યું હોય અને શરીરને રીચાર્જ કરવા માટે ફરી સ્વમાં સ્થિર થવાનું કામ કરવું હોય તો રાતે સૂતાં પહેલાં શૂન્ય મુદ્રા કરો. એ તમને ઊંઘ લાવવામાં અને તમારા મનને શાંત તથા સ્થિર કરવાનું કામ કરશે. 

કરવાનું શું? : તર્જની અને મધ્યમાને વાળીને એને અંગૂઠાના મૂળ ભાગ પર મૂકીને એના પર અંગૂઠાને મૂકો.
ક્યારે અને કેટલી મિનિટ? : રાતે સૂતાં પહેલાં દસ મિનિટ.

યોનિ મુદ્રા | સ્ત્રીઓના રોગના નિવારણમાં આ મુદ્રા મદદરૂપ થાય છે. પિરિયડ્સને લગતા પ્રૉબ્લેમ્સ હોય કે પછી રીપ્રોડક્ટિવ સિસ્ટમને લગતી સમસ્યા હોય કે હૉર્મોન્સને લગતા પ્રૉબ્લેમ હોય; યોનિ મુદ્રા ઉપયોગી છે. 

કરવાનું શું? : ડાબા હાથના અંગૂઠાને જમણા હાથના અંગૂઠાથી અને અને ડાબા હાથની તર્જનીને જમણા હાથની તર્જની સાથે સ્પર્શ કરાવો અને સાથે જ બાકીની ત્રણ આંગળીઓને મુઠ્ઠીની જેમ વાળીને એના નકલ્સ એકબીજાથી સ્પર્શે એ રીતે રાખો. અહીં આપેલી તસવીરમાં એ જોઈ શકો છો તમે.
ક્યારે અને કેટલી મિનિટ? : રાતના સમયે સોળ મિનિટ.

 

પ્રાણ મુદ્રા | આખા દિવસના થાકને દૂર કરવા, આંખો પર પડેલા લોડને રિલીઝ કરવા માટે રાતના સમયે આ મુદ્રા કરો તો ફરીથી તમારા શરીરના કોષોને એનર્જાઇઝ કરવામાં આ મુદ્રા 
ઉપયોગી છે. ઇમ્યુનિટી વધારવામાં, રિકવરી અને રિજુવિનેશનનું કામ આ મુદ્રા કરે છે.  

કરવાનું શું? : છેલ્લી બે આંગળીઓ એટલે કે કનિષ્ઠિકા અને અનામિકાનાં ટેરવાંને અંગૂઠાના ટેરવાથી સ્પર્શ કરવો અને પહેલી બે આંગળી સહજ રીતે સીધી રાખવી.
ક્યારે અને કેટલી મિનિટ? : રાતના સમયે સોળ મિનિટ.

 

ધ્યાન મુદ્રા | સાંજના સમયે જ્યારે તમે ડલ ફીલ કરતા હો, મનથી થાકી ગયા હો અને ઊર્જાની જરૂર હોય ત્યારે આ ધ્યાન મુદ્રા કરો. મનના તમામ તરંગો અને ઓવરથિન્કિંગ પર કન્ટ્રોલ તો આવશે જ પણ સાથે મનની સ્થિરતા સાથે શાંતિ પણ લાવશે. આ મુદ્રા એ કરનારને તાત્કાલિક લાભ આપવા માટે પ્રચલિત છે. સાંજના સમયે વિચારોના ટ્રાફિક પર આ મુદ્રાથી નિયંત્રણ લાવી શકાય છે.  

કરવાનું શું? : બન્ને હાથની 
હથેળીને એકબીજા પર મૂકીને ખોળામાં રાખવી અને એક હાથનો અંગૂઠો બીજા હાથના અંગૂઠાને વચ્ચોવચ ટચ કરતો હોય એવી રીતે હાથ રાખો. 
ક્યારે અને કેટલી મિનિટ? : સંધ્યાકાળે સોળ મિનિટ.

અપાનવાયુ મુદ્રા | સામાન્ય રીતે ભોજન પછી કરાતી આ મુદ્રા હૃદય, પાચનના અવયવોની સક્રિયતા વધારવાનું શ્રેષ્ઠ કામ કરી શકે છે. વધારાના વાયુને બહાર કાઢવાનું કામ કરે છે તો સાથે જ ભોજનનું પાચન સારી રીતે થાય એ માટે હેલ્પ કરે છે. જમ્યા પછી બ્લોટિંગ થાય, આફરો ચડે, છતીતિમાં હેવીનેસ લાગે ત્યારે આ મુદ્રા કરો તો લાભ થાય.  

કરવાનું શું? : તર્જનીને અંગૂઠાના મૂળમાં મૂકીને અંગૂઠાનાં ટેરવાંને મધ્યમા અને અનામિકાનાં ટેરવાં પર મૂકવાં અને છેલ્લી આંગળી એટલે કે કનિષ્ઠિકાને સહેજ સીધી રાખવી. 
ક્યારે અને કેટલી મિનિટ? : બપોરનું ભોજન કર્યા પછી દસ મિનિટ.

પૃથ્વી મુદ્રા | દિવસના પ્રારંભમાં થતી પૃથ્વી મુદ્રા તાકાત આપવાનું કામ કરે છે. જેમને બહુ જ ગુસ્સો આવતો હોય તેમણે પૃથ્વી મુદ્રા કરવી. મનને શાંત કરે. સ્થિરતા આપે. પૃથ્વી એટલે કે ધરતી માતાનો ગુણ છે આપવાનો. પૃથ્વી મુદ્રા તમારામાં એ ઉદારતાનો ગુણ કેળવે છે. તમારા શરીરમાં દરરોજના ૫૦ લાખ કોષો નષ્ટ થાય છે, જેને પૃથ્વી તત્ત્વ રીજનરેટ કરવાનું કામ કરે છે. પૃથ્વી મુદ્રા એ નવા કોષોના નવસર્જનમાં મદદ કરે છે. માત્ર પૈસાની દૃષ્ટિએ નહીં પણ લોકોને માફ કરવાની, કોઈનાં વખાણ કરવાની અને કોઈને જરૂરિયાત સમયે મદદ કરવાની ઉદારતા પણ પૃથ્વી મુદ્રાથી કેળવી શકાય છે.

કરવાનું શું? : તમારી અનામિકા આંગળી એટલે કે રિન્ગ-ફિંગરના ટેરવાને અંગૂઠાથી સ્પર્શ કરવાનો અને બાકીની આંગળીઓને સહજ રીતે સીધી રાખવાની. 
ક્યારે અને કેટલી મિનિટ? : સવારના ચા-નાસ્તો કર્યા પછી સોળ મિનિટ. 

 

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2024 10:45 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK