હાર્ટ-અટૅક આવે એ પહેલાંના અમુક કલાકો પહેલાં પણ ચિહ્નો દેખાય છે. અઠવાડિયા પહેલાં કે બે-ચાર દિવસ પહેલાં પણ અમુક ચિહ્નો દેખાય છે
પ્રતીકાત્મક તસવીર
કોઈ રોગ શરૂ થાય ત્યારે જ પકડાઈ જાય તો એને દૂર કરવો સરળ બને છે, પરંતુ એ શરૂઆતમાં પકડાય ત્યારે જ્યારે વ્યક્તિ શરીર પ્રત્યે જાગૃત હોય. જે વ્યક્તિ શરીર પ્રત્યે જાગૃત છે તે સમજી શકે છે કે તેના શરીરમાં અલગ-અલગ સમયે શું બદલાવ આવી રહ્યા છે. જો એ બદલાવ પકડમાં આવી જાય તો રોગ કે તકલીફ આગળ વધી ન શકે. હાર્ટ-અટૅક એક એવી તકલીફ છે જે બાબતે લોકો સમજે છે કે એ અચાનક આવી જતી તકલીફ છે, હાર્ટ-અટૅક તો એકદમ જ આવેને. ના, એવું નથી. હાર્ટ-અટૅક ત્યારે આવે છે જ્યારે હાર્ટની કૉરોનરી આર્ટરીમાં બ્લૉકેજ હોય. આ બ્લૉકેજને કારણે હાર્ટ સુધી પહોંચતું લોહી અટકે, જેને કારણે હાર્ટ-અટૅક આવે છે. એ સંભવ છે કે વ્યક્તિ એકદમ જ સ્વસ્થ હોય અને તેને હાર્ટ-અટૅક આવે, પણ એવું એકલ-દોકલ કેસમાં થતું હોય છે. મોટા ભાગે તમારું શરીર, જે કુદરતનું બનાવેલું અદ્ભુત મશીન છે, એ તમને સંકેત આપે છે. એ સંકેતને તમે જો ઓળખી પાડો તો અટૅકથી બચી શકાય છે. અટૅકથી બચવું એટલા માટે પણ જરૂરી છે કે એક વખત અટૅક આવ્યો અને એને કારણે હૃદયમાં જે ડૅમેજ થયું એ ફરી ઠીક કરી શકાતું નથી. એના બદલે જો અટૅક આવે એ પહેલાં જ એને રોકી શકાય તો હાર્ટને કાયમ માટે ડૅમેજ થતું અટકાવી શકાય છે.
હાર્ટ-અટૅક આવે એ પહેલાંના અમુક કલાકો પહેલાં પણ ચિહ્નો દેખાય છે. અઠવાડિયા પહેલાં કે બે-ચાર દિવસ પહેલાં પણ અમુક ચિહ્નો દેખાય છે. જોકે આજે આપણે જાણીશું કે અટૅક આવે એના લગભગ મહિના પહેલાં શરીરમાં અમુક ચિહ્નો દેખાય છે એ ચિહ્નો કયાં છે. લગભગ મહિના પહેલાં કયા પ્રકારનાં ચિહ્નો છે જે તમને સંકેત આપે છે એ સમજાવવાની કોશિશ કરીએ. એ વિશે વાત કરતાં ગ્લેનીગલ્સ હૉસ્પિટલ, પરેલના કાર્ડિયોલૉજી વિભાગના ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તા કહે છે, ‘મોટા ભાગે કૉરોનરી આર્ટરી બ્લૉક થઈ રહી હોય તો એ બ્લૉક થવાની પણ એક પ્રોસેસ હોય. એ દરમિયાન લોહીના પરિભ્રમણ પર અસર થાય એને કારણે ચિહ્નો દેખાય કે સંકેત મળે. આ સંકેત દર્શાવે છે કે કૉરોનરી આર્ટરીમાં બ્લૉકેજ થઈ રહ્યું છે અને હૃદયને ધીમે-ધીમે લોહી મળવામાં તકલીફ ચાલુ થઈ ગઈ છે. સમજવાનું એ છે કે આ ચિહ્નો એટલાં નૉર્મલ છે કે કોઈ પણ વ્યક્તિ એને અવગણવાનું જ વિચારે પણ જાગૃતિ એ છે કે એને નૉર્મલ જ હશે એમ માનીને અવગણવાં નહીં. ડરવાની જરૂર નથી પણ જાગૃત રહીને ખુદના શરીરને સમજવાની જરૂર ચોક્કસ છે.’
ADVERTISEMENT
અજુગતું લાગવું
મન અને શરીર બન્ને એકબીજા સાથે એ રીતે જોડાયેલાં છે કે મન ખરાબ થાય તો શરીર પર એની અસર થાય છે અને શરીર પર કોઈ પ્રૉબ્લેમ આવવાનો હોય તો મન તમને સતત સિગ્નલ્સ આપે છે. એ ચિહ્નની સ્પષ્ટતા કરતાં ડૉ. રાહુલ ગુપ્તા કહે છે, ‘પ્રેગ્નન્સીની શરૂઆતમાં જે પ્રકારે ઊલટી જેવું લાગે કે ઊબકા આવ્યા કરે અને ચક્કર જેવું લાગે એવું જ હાર્ટ-અટૅકના મહિના પહેલાં લાગી શકે છે. ઘણા દરદીઓ આવે છે જેમને આ પ્રકારનાં અમુક ચિહ્નો હતાં પણ તેમણે અવગણ્યાં હોય, કારણ કે એવું લાગે કે ખૂબ ગરમી કે હ્યુમિડિટીને લીધે આવું થતું હશે કે આજકાલ સ્ટ્રેસ ખૂબ રહે છે એને કારણે આવું થયું હશે. આ બન્ને કારણોથી પણ આવું થાય જ છે. મહત્ત્વનું એ છે કે જો સતત ૩-૪ વાર કે છેલ્લા અમુક દિવસોથી તમને આવું રહેતું હોય તો તપાસ કરવી જરૂરી છે કે આ થવાનું કારણ છે શું, કારણ કે લોહીના પરિભ્રમણમાં ગરબડ થાય ત્યારે પણ આ ચિહ્નો દેખાય છે. એટલે એ સમજવું જરૂરી છે.’
ખૂબ જ થાક અને માથાનો દુખાવો
આપણે કામ કરીએ તો થાકી જઈએ એ નૉર્મલ વાત છે પરંતુ ઘણી વાર એવું લાગે કે મેં તો કશું ખાસ કર્યું નથી તો આટલો થાક શેનો લાગે છે? આ પ્રકારનો થાક એક ચિહ્ન છે. એ વિશે વાત કરતાં ડૉ. રાહુલ ગુપ્તા કહે છે, ‘તમે કામથી નહીં, બસ આમ જ થાકી જતા હો; તમારો થાક થોડો વિચિત્ર લાગતો હોય તો તપાસવું. જેમ કે આરામ કર્યા પછી પણ તમને થાક લાગતો હોય અને દિવસે-દિવસે એ તકલીફ વધુ બગડતી જતી હોય તો ચેતવું જરૂરી છે. આ થાક થોડો નથી હોતો, આ થાક સમજાય નહીં એવો અને વધુ માત્રામાં હોય છે. આ ઉપરાંત સતત જો માથું દુખ્યા જ કરે તો એ પણ લોહીના પરિભ્રમણની તકલીફ દર્શાવે છે. હવે અહીં ઇન્ફેક્શનને કારણે કે માઇગ્રેનને લીધે પણ માથું દુખી શકે છે, પણ તમને આવી કોઈ તકલીફ ન હોય તો ચેતવું જરૂરી છે.’
બીજાં ચિહ્નો
શરીરની કોઈ એક બાજુ પર ખાલી ચડી જાય જેમ કે હાથ, પગ કે મોઢાની અડધી બાજુ પર ખાલી ચડી ગઈ હોય એમ લાગે. લોહીના પરિભ્રમણની તકલીફ હોય તો આ જગ્યાઓએ લોહી વ્યવસ્થિત પહોંચતું નથી એટલે વારે-વારે ત્યાં ખાલી ચડી જાય છે. આ સિવાય જો અચાનક દૃષ્ટિ એટલે કે વિઝનમાં તકલીફ ઊભી થાય, ધૂંધળું દેખાય કે એક આંખનું ફોકસ હલી જાય તો પરિભ્રમણની તકલીફ સમજી શકાય છે. કૉરોનરી આર્ટરીમાં પ્રૉબ્લેમ આવે તો એ આંખ સંબંધિત પ્રૉબ્લેમ્સ દર્શાવી શકે છે.
પેઇન ફક્ત છાતીમાં નહીં
મોટા ભાગના લોકોને લાગે છે કે છાતીમાં ડાબી બાજુએ દુખાવો હોય તો એનો અર્થ એ છે કે હાર્ટમાં તકલીફ છે. એ વાત સાચી, પણ આ પેઇન છાતી પૂરતું સીમિત હોતું નથી. એ સમજાવતાં એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કાર્ડિયો થૉરેસિક સર્જ્યન ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘હાલમાં જ અમારી પાસે એક કેસ આવેલો જેમાં એક સ્ત્રીને સતત ડાબા હાથમાં પેઇન રહેતું હતું. આ સિવાય જડબાંમાં દુખાવો લાગે કે પીઠમાં દુખાવો થાય તો એ પણ હાર્ટની તકલીફ જ સૂચવે છે. આ બધી જગ્યાએ દુખાવો થવાની રીત સમજવી જરૂરી છે. જો વ્યક્તિ ચાલે તો તેને પેઇન થાય અને રેસ્ટ કરે કે બેસી જાય તો પેઇન ન થાય. જો એ પર્વત ચડે, દાદર ચડે કે સાઇક્લિંગ કરે ત્યારે એકદમ જ આ જગ્યાઓએ પેઇન શરૂ થાય, શ્વાસ અચાનક જ ફૂલી જાય અને જેવો આરામ કરે એવું એ પેઇન જતું રહે. જો આવું થાય તો નક્કી સમજવું કે ચેકઅપ માટે ડૉક્ટર પાસે જવું જ પડશે.’
જમ્યા પછી
એક મહત્ત્વનું ચિહ્ન સમજાવતાં ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘ઘણી વખત એવું બને છે કે તમે જમીને ઊભા થાઓ ત્યારે અચાનક જ છાતીમાં દુખે, પરસેવો વળી જાય, એકદમ તીવ્ર દુખાવો થાય. ઘણા દરદીઓ આ દુખાવા માટે એવા શબ્દો વાપરે છે કે એવું લાગે કે જાણે છાતી પર કોઈએ પથ્થર રાખી દીધો હોય. આ પેઇન એકદમ જ ઊઠે અને પછી જતું રહે. પાંચથી દસ મિનિટમાં એ પછી ઠીક લાગવા લાગે તો લોકો એને અવગણી નાખે છે. એવું ન થવું જોઈએ. આ સિવાય જો તમને કબજિયાત હોય તો હાજતે જવામાં એકદમ જ પરસેવો વળી જાય, ખૂબ જ પેઇન ઊપડે અને પછી જતું રહે એવો અનુભવ થઈ શકે. જો તમને આવું પેઇન થયું હોય તો તાત્કાલિક કાર્ડિયોલૉજિસ્ટને મળવું જરૂરી છે.’
આવું થાય પછી શું કરવાનું?
આવાં ચિહ્નો તમને એક કે બે વાર દેખાય એટલે એને બિલકુલ અવગણવાં નહીં. તરત જ કાર્ડિયોલૉજિસ્ટ પાસે જવું જરૂરી છે. એ વિશે સમજાવતાં ડૉ. બિપિનચંદ્ર ભામરે કહે છે, ‘ક્લિનિકલ ચેકઅપ અને હિસ્ટરી દ્વારા ડૉક્ટર સમજી શકે છે કે દરદીને કયા પ્રકારની ટેસ્ટની જરૂર છે. જો ડૉક્ટરને લાગે તો તે તરત ECG, 2D ઇકો કે સ્ટ્રેસ-ટેસ્ટ સજેસ્ટ કરે છે. આ ટેસ્ટના રિપોર્ટ આધારે સમજી શકાય કે દરદીને ઍન્જિયોગ્રાફીની જરૂર છે કે નહીં.’


