શિયાળો આવી ગયો છે ત્યારે પાચનશક્તિ સુધારવી હોય, ડ્રાયનેસથી છુટકારો મેળવવો હોય, ગ્લૉઇંગ સ્કિન બનાવવી હોય, સાંધાના દુખાવામાં રાહત જોઈતી હોય તો રોજ રાતે સૂતાં પહેલાં દૂંટીમાં ગાયનું ઘી, તલનું તેલ કે કોપરેલનું પૂરણ કરવું
પ્રતીકાત્મક તસવીર
ઠંડીની મોસમ આવી છે. આમ તો આ સેહત બનાવવાની મોસમ કહેવાય, પણ જો તમારી પાચનશક્તિ કે લાઇફસ્ટાઇલ સારી ન હોય તો શિયાળામાં રૂટીન સમસ્યાઓ પરેશાન કરતી જ રહે છે. હા, સીઝનને કારણે પાચકાગ્નિ પ્રદીપ્ત થાય, પણ ડાઇજેશનની ક્રિયા આપમેળે સુધરી ન જાય. ક્રોનિક કબજિયાત હોય તો શિયાળો આવતાં આપમેળે પાચન સારું થઈ જાય એવું નથી થતું. આ સીઝન છે ડ્રાયનેસની. હાથ-પગની ત્વચા સુકાવા લાગે, હોઠ ફાટવા લાગે અને સાંધાઓમાં સ્ટિફનેસ વધે છે.
જો આ સમસ્યાઓ કોઈ અન્ડરલાઇનિંગ કન્ડિશનને કારણે નહીં, પણ માત્ર ઠંડીની સીઝનના પ્રભાવને કારણે વધી હોય તો આ સીઝનમાં ખાસ આયુર્વેદનું એક નિત્યકર્મ અપનાવવા જેવું છે. એનું નામ છે નાભિપૂરણ. બહુ પહેલાં આપણે કર્ણપૂરણ ક્રિયા વિશે વાત કરી હતી. રાતે સૂતાં પહેલાં કાનમાં તલનું કે સરસવનું તેલ ભરીને સૂવાથી ઊંઘ અને વિચારો પર કાબૂ આવે છે એની વાત કરેલી. આજે વાત કરીશું નાભિપૂરણ એટલે કે નાભિના ખાડામાં ચોક્કસ દ્રવ્યનું પૂરણ કરવું.
ADVERTISEMENT
નાભિનું મહત્ત્વ કેમ?
શરીરના પોષણની વાત આવે ત્યારે નાભિનો ભાગ સૌથી મહત્ત્વનો છે, જેને આપણે સાવ જ ઇગ્નોર કરીએ છીએ. આ દૂંટી જ્યારે આપણે માના ગર્ભમાં હતા ત્યારે આપણા પોષણનો એકમાત્ર જરિયો હતો. માતા-પિતાના બે કોષોમાંથી ગર્ભનું સર્જન થાય અને એ એક બાળકનું વિકસિત શરીર નિર્માણ થાય ત્યાં સુધીનો તમામ વિકાસ આ દૂંટી સાથે જોડાયેલી ગર્ભનાળ થકી મળતા પોષણને આધારે જ થાય છે. પૃથ્વી પર પહેલો શ્વાસ લીધા પછી શ્વાસ અને પોષણ બધું સ્વતંત્રપણે બાળક લેતું થાય ત્યાં સુધીનો તમામ આધાર નાભિ પર રહેલો છે. ભલે, એ પછી નાભિનું ખાસ કામ રહ્યું ન હોય, પરંતુ એ સુષુપ્ત રીતે શરીરના પોષણનું દ્વાર તો બનેલું રહે જ છે. એનો મતલબ એ કે શરીરના પ્રત્યેક કોષને ઊર્જા પહોંચાડી શકે એવી સૂક્ષ્મ ચૅનલ નાભિમાં ઑલરેડી છે જ. માત્ર આપણે એનો યોગ્ય ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.
નાભિપૂરણ કેવી રીતે કરવું?
દૂંટીમાં ચોક્કસ દ્રવ્યનું પૂરણ કરીને થોડાક સમય માટે એમ જ રાખી મૂકવું એને નાભિપૂરણ કહેવાય. વાયુના કન્ટ્રોલ માટે સ્નિગ્ધ દ્રવ્યો હોવાં જરૂરી છે અને એટલે તેલ અથવા ઘી એ બે ચીજો પૂરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે. શું સમસ્યા છે અથવા તો કેવાં લક્ષણો છે એને આધારે કોપરેલ, તલનું તેલ, સરસવનું તેલ કે ગાયનું ઘી વાપરી શકાય. આયુર્વેદની ક્લાસિકલ નાભિપૂરણની ક્રિયા કરવી હોય તો દૂંટી પાસે પહેલાં તેલ કે ઘીની હળવી માલશિ કરીને એની ફરતે બાંધેલા લોટની એક દીવાલ રચીને એની અંદર સ્નિગ્ધ દ્રવ્ય ભરી રાખવામાં આવે. જોકે તમારે રોજિંદા જીવનમાં નાભિપૂરણનો ફાયદો મેળવવો હોય તો બહુ લાંબી પ્રક્રિયાઓમાં પડવાની જરૂર નથી. રાતે તમામ ક્રિયાઓ પૂરી કરીને પથારીમાં પડો એ પછી છેલ્લું આ કામ કરવાનું. તેલ અથવા ઘીનાં બેથી ત્રણ ટીપાં લઈને નાભિ ફરતે માલિશ કરો અને પછી સહેજ હૂંફાળું કોકરવરણું ગાયનું ઘી નાભિમાં ભરી દો. મોટા ભાગે બેથી ત્રણ બૂંદમાં નાભિ છલકાઈ જશે. બસ, તમારે એ પછી હલ્યા વિના આરામ કરવાનો. ધીમે-ધીમે એ ઘી નાભિ દ્વારા અંદર ઊતરશે. અડધો કલાક પછી તમે પડખું ફેરવી દો તોય ચાલે, કેમ કે બે બુંદથી ધીમે-ધીમે આસપાસની ત્વચામાં શોષાઈ જશે.
ફાયદો શું?
આમાશય અને પક્વાશય એ અપાનવાયુનું સ્થાન છે. નાભિમાં સ્નેહદ્રવ્ય લગાવવાથી અપાન વાયુ સંતુલિત થશે. અપાન વાયુની તકલીફને કારણે ભલભલી ક્રોનિક કબજિયાત રહેતી હોય તો પણ નાભિપૂરણના લાંબા પ્રયોગથી એ દૂર થશે. હા, એના માટે તમારે લૉન્ગ ટર્મ આ પ્રયોગ કરવાનો રહેશે.
બ્લેડરની તકલીફ હોય, યુરિન પાસ કરતી વખતે અટકતો હોય, સ્ટ્રેસ યુરિનરી ઇન્કૉન્ટિનન્સ હોય તો પણ નાભિપૂરણના પ્રયોગથી ફાયદો થશે.
ગર્ભાશયની તકલીફ હોય, માસિક દરમ્યાન દુખાવો રહેતો હોય, પેટમાં અમળાટ થાય તો સહેજ ચપટીક હિંગ સાથે ગાયના ઘીનું નાભિપૂરણ કરવાથી દુખાવામાં રાહત રહેશે.
ઠંડીમાં ત્વચા શુષ્ક રહેતી હોય, ડલ પડી ગઈ હોય અને ઓવરઑલ ત્વચા સુકાયેલી લાગતી હોય તો તમે મૉઇશ્ચરાઇઝર લગાડતા હો છો. જોકે એનાથી માત્ર બાહ્ય અને ટેમ્પરરી સ્નેહન જ થાય છે. લાંબા સમય સુધી નાભિપૂરણ કરવાથી ત્વચાની શુષ્કતા દૂર થશે.
સાંધામાંથી વારંવાર ટચાકા ફૂટતા હોય, સાંધામાંથી સ્નિગ્ધતા ઘટવાને કારણે ઘસારો થવાની શરૂઆત હોય ત્યારે પણ નાભિપૂરણ કરવું. અલબત્ત, આ માટે માત્ર નાભિપૂરણ જ નહીં ચાલે. દુખતા સાંધા પર તેલની માલિશ કરીને એની પર હૂંફાળા ગરમ પાણીનો ટૉવેલ શેક લેવો જરૂરી છે.
સહેજ તેલવાળો હાથ કરીને નાના બાળકને પણ દૂંટીમાં લગાવી દેવાથી બાળકને ગૅસ, અપચાને કારણે થતી આકળવિકળ અટકે છે.
કોણે ન કરવું?
આમ તો આ પ્રયોગ ખૂબ જ નિર્દોષ છે એટલે દરેક વ્યક્તિ, દરેક સીઝનમાં કરી જ શકે, પણ જો તમારી પ્રકૃતિમાં કફનું પ્રાધાન્ય હોય તો નાભિપૂરણ ન કરવું. તમારી ત્વચા ખૂબ તૈલીય, ચીકણી રહેતી હોય, તમે મેદસ્વી હો, મળમાં ચીકાશ ખૂબ જતી હોય તો કફની સમસ્યામાં વધુ સ્નિગ્ધ દ્રવ્ય નાભિથી ન ઉમેરવા. ધારો કે કફનું સંતુલન કરવું હોય તો સરસવના તેલનો ઉપયોગ કરી શકાય, પણ એ આયુર્વેદ નિષ્ણાતની નિગરાનીમાં ૭, ૧૪ કે ૨૧ દિવસથી વધુનો ન હોવો જોઈએ.
સ્નિગ્ધ દ્રવ્ય કયું વાપરવું?

સામાન્ય રીતે મુંબઈ જેવા શહેરમાં જ્યાં બહુ ઠંડી નથી પડતી ત્યાં ગાયનું ઘી વાપરવું હિતાવહ છે. જ્યાં અતિશય કડક અને ડ્રાય ઠંડી પડે છે ત્યાં તલનું તેલ કે કોપરેલ વાપરવું જોઈએ.
ગરમીની સીઝનમાં ઠંડક મેળવવી હોય કે પછી પિત્તને કારણે પગથી નીચેના ભાગમાં બળતરા થતી હોય તો નાભિમાં ગુલાબજળનું પૂરણ પણ કરી શકાય.
જો તમને કયું દ્રવ્ય ભરવું એ ન સમજાતું હોય તો ગાયનું ઘી એ સેફ માધ્યમ છે. અલબત્ત, ગાયનું ઘી કોઈ બ્રૅન્ડનું નહીં, પણ ઘરે લાવેલા ગાયના દૂધમાંથી બનાવેલું વલોણાનું ઘી હોય તો ઉત્તમ. ભેંસનું ઘી શિથિલતા લાવે છે એટલે એ તો ન જ વાપરવું.
વાયુનું મર્મસ્થાન

શરીરની આધ્યાત્મિક ઊર્જાનું સંચાલન જે નાડી દ્વારા થાય છે એનાં મૂળ સાત ચક્રો છે. આ સાત ચક્રોમાંથી મણિપુર ચક્ર નાભિ પાસે આવેલું છે જે અગ્નિનું કેન્દ્ર છે. આપણા ધડમાં આવેલાં પાંચ ચક્રોમાંથી એ સેન્ટરમાં આવેલું છે. આપણા શરીરને ગતિમાન રાખવાનું કામ વાયુનું છે. ગળાથી નીચેની ક્રિયાઓનું સંચાલન કરતા ઉદાન, વ્યાન, સમાન અને અપાન એમ ચારેય વાયુ પર નાભિનો પ્રભાવ હોય છે અને એટલે આ ચારમાંથી કોઈ પણ વાયુની ગરબડને કારણે શરીરમાં લક્ષણો પેદા થયાં હોય તો નાભિ દ્વારા એના પર કન્ટ્રોલ થઈ શકે છે.


