સામાન્ય રીતે આપણે સહુ આખા દિવસમાં નકારાત્મક શબ્દોનો પ્રયોગ કેટલી હદે કરીએ છીએ એની કલ્પના કદાચ આપણામાંથી કોઈને નહીં હોય
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સામાન્ય રીતે આપણે સહુ આખા દિવસમાં નકારાત્મક શબ્દોનો પ્રયોગ કેટલી હદે કરીએ છીએ એની કલ્પના કદાચ આપણામાંથી કોઈને નહીં હોય. દાખલા તરીકે જ્યારે કોઈ બાળક પોતાની મા પાસે ખોટું બોલે છે તો તેને એમ કહીને સમજાવવામાં આવે છે કે ‘તારે ખોટું ના બોલવું જોઈએ.’ હવે જો આ જ વાત તેને એમ કહીને સમજાવવામાં આવે કે ‘બેટા, આપણે હંમેશાં સત્ય બોલવું જોઈએ’ તો એનું હકારાત્મક પરિણામ નીકળશે, જ્યારે કે પહેલાં કહેલી વાત જેમાં ‘ના’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એ બાળકને નકારાત્મક રૂપે પ્રેરિત કરે છે અને તે આગળ ચાલીને જૂઠું બોલવાનો આદી બની જાય છે. આનું મૂળ કારણ એ છે કે મનોવૈજ્ઞાનિક રીતે મનુષ્યને જ્યારે કોઈક કાર્ય માટે ‘ના’ કહેવામાં આવે છે તો એ એને કરવા માટે વધુ ઉત્સુક બની જાય છે અને એટલે જ મનોવૈજ્ઞાનિક ઘણા દરદીઓનો ઇલાજ કરવાને માટે ‘વિપરીત માનસિકતા’ અર્થાત reverse psychologyનો પ્રયોગ કરે છે જેથી તેઓ માણસની બુદ્ધિને હકારાત્મક રીતે પ્રેરિત કરી શકે.
તાજેતરમાં કરવામાં આવેલા મનોવૈજ્ઞાનિક સંશોધનમાં એવું જોવામાં આવ્યું છે કે આપણે દુઃખ, ચિંતા, મુશ્કેલી, વિક્ષેપ, સમસ્યા વગેરે જેવા નકારાત્મક શબ્દોનો પ્રયોગ પોતાના શબ્દભંડોળમાંથી પૂર્ણપણે કાઢી દેવા જોઈએ, કારણ કે જેટલો આપણે આ નકારાત્મક શબ્દોનો પ્રયોગ કરીશું એટલો આપણે એનો સામનો કરવો પડશે. અને એટલે જ એક પરેશાન ને દુખી વ્યક્તિએ ક્યારેય એમ ન કહેવું જોઈએ કે ‘હું પરેશાન છું’, કારણ કે જેટલો તે આ શબ્દોનો પ્રયોગ કરશે એટલાં તેના જીવનમાં પરેશાનીઓ અને દુઃખ વધતાં જ જશે. એટલે હંમેશાં સુખ, ખુશી, સરળ, સારું જેવા સકારાત્મક શબ્દોનો પ્રયોગ જ આપણે પોતાના જીવનમાં કરવો જોઈએ. આ બધું સાંભળીને ઘણા લોકો એમ કહે છે કે હકારાત્મક શબ્દો બોલવાથી શું થશે? આવા લોકોએ એ સમજવું જોઈએ કે જો આપણે રોજ એક જ બીજ વાવીએ તો એ બીજ જેવું જ વૃક્ષ ઊગે છે, એ જ રીતે હકારાત્મક શબ્દો મનમાં વાવો તો મનની જમીન હકારાત્મકતાથી ભરાઈ જાય છે. એના કારણે આપણે પડકારો સામે વધુ મજબૂત બનીએ છીએ અને આસપાસના લોકો પણ આપણી ઉપસ્થિતિમાં આરામદાયક અનુભવે છે. એમ કહેવાય છે કે જો રૂમમાં અંધારું હોય તો એને બહાર કાઢવા માટે પ્રકાશ કરવો પડે, એવી જ રીતે નકારાત્મક અવગુણોને કાઢવા માટે આપણે હકારાત્મક ગુણો તેમ જ આદતોને ધારણ કરવાની જ આવશ્યકતા છે.
ADVERTISEMENT
-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી


