Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ૩૦+ની લેડીઝ માટે દાડમનું સેવન ઘણી સમસ્યાઓનું સમાધાન છે

૩૦+ની લેડીઝ માટે દાડમનું સેવન ઘણી સમસ્યાઓનું સમાધાન છે

Published : 23 March, 2026 02:36 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

બદલાતાં હૉર્મોન્સ, ઘટતું જતું કૅલ્શિયમ અને ત્વચા પર દેખાતી સમયની રેખાઓ વચ્ચે ઘણી વાર મોંઘી દવાઓ કે ટ્રીટમેન્ટ કરતાં દાડમ ખાવું બહુ સારું છે પણ...

જો તમને અકાળે થાક લાગતો હોય કે પિરિયડ્સની સાઇકલ અનિયમિત થતી હોય તો દાડમનું સેવન આંતરિક સંતુલન જાળવવામાં ખૂબ જ સપોર્ટિવ સાબિત થાય છે.

જો તમને અકાળે થાક લાગતો હોય કે પિરિયડ્સની સાઇકલ અનિયમિત થતી હોય તો દાડમનું સેવન આંતરિક સંતુલન જાળવવામાં ખૂબ જ સપોર્ટિવ સાબિત થાય છે.


સ્ત્રીઓ માટે ૩૦-૪૦ વર્ષનો દાયકો શારીરિક અને માનસિક પરિવર્તનનો સમય છે. બદલાતાં હૉર્મોન્સ, ઘટતું જતું કૅલ્શિયમ અને ત્વચા પર દેખાતી સમયની રેખાઓ વચ્ચે ઘણી વાર મોંઘી દવાઓ કે ટ્રીટમેન્ટ કરતાં દાડમ ખાવું બહુ સારું છે, પણ ત્યારે જ જ્યારે એને સાચી પદ્ધતિથી અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ લેવામાં આવે

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સોશ્યલ મીડિયા પર પોતાની ફિટનેસ અને લાઇફસ્ટાઇલ માટે જાણીતાં મિની માથુરે જણાવ્યું હતું કે જો ૩૦-૪૦ વર્ષના વયજૂથની મહિલાઓ માટે કોઈ એક ફળ ‘સુપરફૂડ’ સાબિત થઈ શકે એમ હોય તો એ દાડમ છે. જ્યારે કોઈ સેલિબ્રિટી આવું નિવેદન આપે ત્યારે ઘણી વાર આપણને લાગે કે આ માત્ર એક ટ્રેન્ડ હશે, પરંતુ મૉડર્ન સાયન્સ પણ આ વાતથી સહમત છે. ખાસ કરીને ૩૦થી ૪૦ વર્ષના વયજૂથની મહિલાઓ માટે, જેઓ જીવનના એક એવા વળાંક પર છે જ્યાં શરીર અને હૉર્મોન્સ બન્ને બદલાઈ રહ્યાં છે ત્યાં દાડમ એક મિત્રની ભૂમિકા ભજવે છે.



હૉર્મોનલ બૅલૅન્સ


મિડ-એજ લેડીઝની લાઇફમાં થતા ફેરફારમાં દાડમ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે એ વિશે જણાવતાં મુલુંડનાં અનુભવી ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી કહે છે, ‘૩૫ વર્ષની ઉંમર વટાવ્યા પછી સ્ત્રીશરીરમાં એસ્ટ્રોજન હૉર્મોનનું સ્તર ધીમે-ધીમે ઘટવા લાગે છે. આ ફેરફાર માત્ર શારીરિક નથી હોતો, એ માનસિક સ્વાસ્થ્ય અને ઊર્જા પર પણ અસર કરે છે. દાડમમાં કુદરતી રીતે ફાયટોએસ્ટ્રોજન્સ હોય છે જે શરીરમાં એસ્ટ્રોજન જેવું જ કામ કરે છે. એ હૉર્મોનલ ફ્લક્ચ્યુએશન્સને મૅનેજ કરવામાં મદદ કરે છે. શરીરમાં કુદરતી એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવા લાગે ત્યારે શરીર થોડું આઉટ ઑફ બૅલૅન્સ થાય છે. આ સમયે દાડમમાં રહેલા ફાયટોએસ્ટ્રોજન એક બૅકઅપ ટીમની જેમ કામ કરે છે. જો તમને અકાળે થાક લાગતો હોય કે પિરિયડ્સની સાઇકલ અનિયમિત થતી હોય તો દાડમનું સેવન આંતરિક સંતુલન જાળવવામાં ખૂબ જ સપોર્ટિવ સાબિત થાય છે.’

આયર્ન રેગ્યુલેશનમાં પણ દાડમનું સેવન સારું માનવામાં આવે છે પણ એની સાચી પદ્ધતિ વિશે જણાવતાં ડિમ્પલ કહે છે, ‘આપણા દેશમાં સ્ત્રીઓમાં લોહીની ઊણપ એટલે કે એનીમિયા એક સામાન્ય સમસ્યા છે. આપણે માનીએ છીએ કે માત્ર દાડમ ખાવાથી લોહી વધી જશે, પણ સત્ય થોડું અલગ અને રસપ્રદ છે. દાડમમાં આયર્ન તો છે જ, પણ એની સૌથી મોટી તાકાત એમાં રહેલું વિટામિન C છે. જો તમે દાડમને કઠોળ કે લીલી શાકભાજી સાથે કૉમ્બિનેશનમાં લો છો તો એમાં રહેલું વિટામિન C અન્ય ખોરાકમાંથી આયર્નને શોષવામાં મદદ કરે છે. એટલે કે દાડમ માત્ર આયર્ન નથી આપતું, શરીરને આયર્ન પચાવવા માટે તૈયાર પણ કરે છે. જો તમે એનીમિક હો અથવા લોહીનું પ્રમાણ વધારવા માગતા હો તો દાડમને માત્ર ફળ તરીકે ખાવાને બદલે એને ફણગાવેલાં કઠોળ અથવા લીલા સૅલડ પર નાખીને ખાઓ. દાડમનું વિટામિન C કઠોળમાં રહેલા આયર્નને શરીરમાં ઍબ્સૉર્બ કરવામાં મદદ કરશે.’


એજિંગ-પ્રોસેસને સ્લો કરે

દાડમનું નિયમિત સેવન ફક્ત હૉર્મોનલ બૅલૅન્સને જ નહીં પણ સ્કિનની હેલ્થ માટે પણ ફાયદાકારક છે એમ જણાવતાં ડિમ્પલ કહે છે, ’૩૦ વર્ષની આસપાસ ત્વચાનું કુદરતી કૉલેજન ઓછું થવા લાગે છે અને પ્રદૂષણ અને તનાવની અસર ચહેરા પર દેખાવા લાગે છે. દાડમમાં રહેલાં તત્ત્વો ત્વચાની ઇલૅસ્ટિસિટી જાળવી રાખે છે. એ કૉલેજન પ્રોડક્શનને બૂસ્ટ કરી ફાઇન લાઇન્સ અને કરચલીઓ સામે લડવામાં મદદ કરે છે. મિડ-એજમાં મોંઘી સ્કિનકૅર પ્રોડ્ક્ટ્સ યુઝ કરવા કરતાં દાડમનું સેવન કુદરતી બ્યુટી-ટ્રીટમેન્ટ જેવું કામ કરે છે. સવારના નાસ્તામાં દહીં સાથે દાડમના દાણા ઉમેરીને ખાઓ. દહીંના પ્રોબાયોટિક્સ અને દાડમના ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું મિશ્રણ ત્વચાની ચમક વધારે છે અને શરીરમાંથી ટૉક્સિન્સ દૂર કરવામાં મદદ કરે છે. દાડમ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો નાસ્તો અથવા બપોરના જમ્યા પહેલાંનો છે. રાત્રે ખાટાં કે મીઠાં ફળો ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે એનાથી ઍસિડિટી થઈ શકે છે અથવા ઊંઘમાં ખલેલ પડી શકે છે.’

બોન-હેલ્થ

બોન-હેલ્થ અને ચયાપચયની ક્રિયામાં દાડમ એકલા હાથે ફાયદો નથી આપતું, એને કૉમ્બિનેશન ફૂડ સાથે લેવું સારું છે એમ જણાવતાં ડિમ્પલ કહે છે, ‘૪૦ વર્ષની નજીક પહોંચતાં ઑસ્ટિયોપોરોસિસ એટલે હાડકાં નબળાં થવાની સમસ્યા વધે છે. જોકે દાડમ પોતે કૅલ્શિયમનો મોટો સ્રોત નથી પરંતુ એમાં રહેલાં પૉલિફિનૉલ્સ હાડકાંનું બ્રેકડાઉન અટકાવે છે. સાથે જ એમાં ફાઇબર ભરપૂર હોવાથી એ ડાઇજેશન સુધારે છે અને મેટાબોલિઝમ તેજ કરે છે. મિડ-એજમાં વધતું વજન અને કૉલેસ્ટરોલ અટકાવવા માટે એક ઉત્તમ ફળ છે. ઘણા લોકો દાડમનો જૂસ પીવાનું પસંદ કરે છે, પરંતુ હેલ્થ-એક્સપર્ટ્‍સના મતે આખા દાણા ચાવીને ખાવા વધુ હિતાવહ છે. એનાથી શરીરને પૂરતું ફાઇબર મળે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. દિવસમાં એક મધ્યમ કદનો વાટકો ભરીને દાડમ ખાવા આદર્શ પ્રમાણ છે. જો તમને ગળ્યું ફળ ખાવાની આદત ન હોય તો બપોરના જમવામાં દાડમનું રાઈતું બનાવી શકાય. એમાં થોડો મરી પાઉડર અને સંચળ ઉમેરવાથી એ સ્વાદિષ્ટ લાગશે અને ભોજન પચાવવામાં પણ મદદરૂપ થશે. ઘણી વાર દાડમ ફોલવામાં આળસ આવે છે. તમે અઠવાડિયામાં બે વાર દાડમ ફોલીને એના દાણા ઍરટાઇટ કાચના ડબ્બામાં ફ્રિજમાં ભરી શકો છો. આનાથી તમે ગમે ત્યારે એને સૅલડ કે નાસ્તામાં ફટાફટ ઉમેરી શકશો, પણ શક્ય હોય ત્યાં સુધી તાજું ફોલેલું દાડમ ખાવું, કારણ કે હવાના સંપર્કમાં આવવાથી એનાં પોષક તત્ત્વો ઓછાં થવા લાગે છે.’

દાડમ ખાતી વખતે આટલું ધ્યાન રાખો

જો શુગર-લેવલ વધારે રહેતું હોય તો દાડમનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી, કારણ કે એમાં કુદરતી શર્કરાનું પ્રમાણ સારુંએવું હોય છે.
જો તમે જૂસ પીતા હો તો એકદમ ખાલી પેટે પીવાને બદલે નાસ્તા સાથે લેવો વધુ હિતાવહ છે.
જો તમે બ્લડપ્રેશર અથવા લોહી પાતળું કરવાની દવા લેતા હો તો વધુપડતું દાડમ ખાતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 02:36 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK