BJP સત્તામાં આવ્યા પછી BMC દ્વારા આ ત્રીજું ટેન્ડર હોલ્ડ કરવામાં આવ્યું છે
બીએમસી હેડક્વૉર્ટર
મુંબઈ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ અને વિધાનસભ્ય અમીત સાટમે ટૅક્સપેયર્સના ભંડોળના દુરુપયોગ અને સંભવિત કૌભાંડની શંકા ઊભી કરતાં BMCએ શુક્રવારે રોડ માર્કિંગ માટે થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ માટેનું ૧૫૦ કરોડ રૂપિયાનું ટેન્ડર રદ કર્યું હતું.
અમીત સાટમે ગયા અઠવાડિયે મેયર રિતુ તાવડે અને BMC ચીફ ભૂષણ ગગરાણીને પત્ર લખીને આ મામલે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પોતાના પત્રમાં અમીત સાટમે ટેન્ડર પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા જેમાં રસ્તાની લંબાઈમાં ભારે તફાવત હોવા છતાં શહેર, ઈસ્ટર્ન સબર્બ્સ અને વેસ્ટર્ન સબર્બ્સ માટે રકમ ફાળવવામાં આવી હતી.
ADVERTISEMENT
BJP સત્તામાં આવ્યા પછી BMC દ્વારા આ ત્રીજું ટેન્ડર હોલ્ડ કરવામાં આવ્યું છે. તાજેતરમાં BMC દ્વારા બોલાર્ડ રેલિંગ સ્થાપિત કરવા માટે ૩૦૦ કરોડ રૂપિયાના ટેન્ડર અને રાણીબાગ માટે ૪૦૦ કરોડ રૂપિયાના ટેન્ડરને પણ રદ કરવામાં આવ્યાં હતાં.
આ વર્ષે મેયર કપ ટુર્નામેન્ટ માટે BMCએ ફાળવ્યું પાંચ કરોડનું ફન્ડ
રમતગમતને પ્રોત્સાહન આપવા માટે BMCનાં મેયર રિતુ તાવડેએ ૨૦૨૬-’૨૭માં યોજાનારી મેયર કપ રમતગમત સ્પર્ધાઓ માટે પાંચ કરોડ રૂપિયાના ફન્ડની જાહેરાત કરી છે.
રિતુ તાવડેએ કહ્યું હતું કે ‘કોવિડ પછી પહેલી વાર આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. અમારું લક્ષ્ય નવા ખેલાડીઓ માટે એને ફાયદાકારક બનાવવાનું છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોને મહત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે.’ BMC આ ટુર્નામેન્ટ માટે શૈક્ષણિક સંસ્થાનાં મેદાનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું પણ વિચારી રહી છે. ૧૯૭૬થી યોજાતા મેયર કપ દ્વારા પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાની વાત પર તેમણે ભાર મૂક્યો હતો.
