જાણીએ આ ‘કાચા બદામ’ માત્ર વજન ઘટાડવામાં જ નહીં; બાળકો, પ્રેગ્નન્ટ મહિલાઓ અને ફિટનેસપ્રેમીઓ માટે કઈ રીતે ફાયદાકારક છે એ
પ્રતીકાત્મક તસવીર
શ્રાવણ મહિનાના ઉપવાસમાં સિંગદાણાનો વપરાશ વધ્યો જ હશે અને સાથે વળી વજન ઘટાડવામાં સિંગદાણા મદદરૂપ છે એવી રીલ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
સિંગદાણાને ગરીબોની બદામ કહેવામાં આવે છે પણ ક્યારેય સાંભળ્યું છે કે સિંગદાણા વજન ઉતારવામાં મદદ કરે? યુટ્યુબ પર અંદાજે ૧.૨૭ મિલ્યન ફૉલોઅર્સ ધરાવતા સર્ટિફાઇડ યોગા ટ્રેનર સૌરભ બોથરાની ઇન્સ્ટાગ્રામ રીલ, જેમાં તે વજન ઉતારવામાં સિંગદાણા કેવી રીતે મદદરૂપ થાય એની વાત કરે છે, એ લાખો લોકો દ્વારા જોવાઈ છે અને શૅર થઈ છે. એમાં સિંગદાણા ક્રેવિંગ એટલે કે કોઈ પણ વસ્તુ ખાવાની ઇચ્છાને ઘટાડે છે એટલે વેઇટલૉસ જર્નીમાં મદદરૂપ થાય છે એવી વાત છે. જોકે બધા જ નટ્સ વેઇટલૉસમાં મદદરૂપ થાય છે. પણ આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ સિંગદાણા કેવી રીતે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
ADVERTISEMENT
સિંગદાણા પેટ ભરેલું રાખે
અમેઝિંગ ડાયટ ફૅક્ટ્સ ઍન્ડ કૅલરી બુકની ઑથર, ડાયટ અને ઓબેસિટી કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ કહે છે, ‘સિંગદાણામાં હાઈ પ્રોટીન, ફાઇબર અને ફૅટની માત્રા હોય છે. આ પોષક તત્ત્વોની સટાઇટી વૅલ્યુ વધારે હોય છે. સટાઇટી વૅલ્યુ એટલે કે ખાધા પછી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની ફીલિંગ્સ રહે એટલે તમને ભૂખ ન લાગે. જેમ કે સફરજનની સટાઇટી વૅલ્યુ વધારે છે એટલે સફરજન ખાધા પછી લાંબા સમય સુધી તમને કંઈ ખાવાનું મન નહીં થાય પરંતુ સફરજનનો જૂસ પીધા પછી તમને થોડા સમયમાં ભૂખ લાગી જાય. એવી જ રીતે સિંગદાણાની સટાઇટી વૅલ્યુ સારી છે. જ્યારે વજન ઉતારવાના પ્રયાસો કરતા હોઈએ ત્યારે સિંગદાણા મદદરૂપ થાય છે. એમાંયે સિંગદાણા લો-GI (ગ્લાઇસીમિક ઇન્ડેક્સ) ફૂડ છે. ગ્લાઇસીમિક ઇન્ડેક્સ એટલે ખાદ્ય પદાર્થ કેટલા સમયમાં પચીને લોહીમાં શુગરનું પ્રમાણ વધારે છે એનું માપ. એમાં બટાટા કે ભાત છે જે ખાવાથી શુગર લેવલ એકદમ ઊંચું જાય એટલે ડાયાબિટીઝના દરદીઓને આ વસ્તુઓ ખાવાની ના પાડવામાં આવે છે. તો આ ઇન્ડેક્સ પ્રમાણે સિંગદાણા તરત જ શુગર લેવલ નથી વધારતાં. ટૂંકમાં સિંગ ખાવાથી બ્લડ-શુગર વધતી પણ નથી અને ઘટતી પણ નથી. એટલે ડાયાબિટીઝના દરદી પણ ખાઈ શકે છે. ઓવરઑલ, સિંગદાણા હેલ્ધી સ્નૅક્સ છે.’
પણ પ્રમાણમાં ખાવા
જ્યારે વજન ઉતારતા હોય ત્યારે ખાવાની આઇટમ ઓછી હોય અને કૅલરી ગણીને ખાવાની હોય એવામાં મદદરૂપ થતાં સિંગદાણા પર મેઘના કહે છે, ‘દિવસ દરમિયાન એક બંધ મુઠ્ઠીમાં આવે એટલે કે અંદાજે ૧૫થી ૨૦ ગ્રામ જેટલા સિંગદાણા વ્યક્તિ ખાઈ શકે છે. એ પણ બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં નથી ખાવાના. સિંગદાણા ઇન-બિટ્વીન મીલ વચ્ચે ખાવાનો નાસ્તો છે. જેમ કે સવારે બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે અને લંચ અને ડિનરની વચ્ચે ખાઈ શકાય. અમે લોકોને સિંગદાણા રાત્રે ખાવાની સલાહ નથી આપતા, કારણ કે કોઈકને ગૅસ કે ઍસિડિટીની સમસ્યા પણ હોઈ શકે. વધારે માત્રામાં તો સિંગદાણા નથી જ ખાવાના, કારણ કે એમાં ભલે હેલ્ધી ફૅટ છે પરંતુ એ ફૅટનું પ્રમાણ ઊંચું તો છે જ. કેવા સિંગદાણા ખાવા એ પણ જાણી લો. શેકેલા કે કાચા સિંગદાણા યોગ્ય માત્રામાં હેલ્ધી છે. સૉલ્ટેડ કે ફ્લેવરવાળા સિંગદાણા એટલા ગુણકારી નહીં રહે.’
પીળા બટરને રિપ્લેસ કરો પીનટ બટરથી
નેધરલૅન્ડ્સના રિસર્ચરોનું કહેવું છે કે સિંગદાણામાંથી બનાવેલું બટર ધીમે-ધીમે પચે છે અને એમાંથી પ્રોટીન, મૅગ્નેશિયમનો સ્રોત પણ પૂરતો મળે છે એટલે એ વજન ઉતારવામાં અને મસલ બિલ્ડ કરવામાં બેસ્ટ છે. પીનટ બટર આમ તો વિદેશી વાનગી કહેવાય, પરંતુ જો એનો હેલ્ધી રીતે ઉપયોગ કરવો હોય તો એને ખાખરા કે ભાખરીની સાથે વાપરવામાં આવે તો એ બેસ્ટ કૉમ્બિનેશન બને છે. ડાયટિશ્યન યાગિતા ગોરડિયા કહે છે, ‘કોઈ પણ પ્રકારનું બટર હોય, એ હાઈ કૅલરી તો હોવાનું જ, પરંતુ પીનટ બટર કૅલરીની સાથે પોષણ પણ એટલું જ આપે છે. આ બટરનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ સામાન્ય બટર કરતાં ખૂબ ઓછો હોય છે એટલે એ ધીમે-ધીમે પચે છે. એને કારણે પીનટ બટર ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે.’
ઍક્ટિવ લોકોનો બેસ્ટ સાથી
સિંગદાણા અને સિંગદાણામાંથી બનતું બટર બન્ને એવા લોકો માટેનો નાસ્તો છે જેઓ હાઈ ઍક્ટિવિટી ધરાવતા હોય. પશ્ચિમના સાયન્ટિસ્ટોએ પીનટ બટર પર તો અનેક પ્રયોગો કર્યા છે અને ચિપ્સ, બિસ્કિટ્સ, ઓટ્સ, સૅન્ડવિચ જેવા નાસ્તાઓની કમ્પૅરિઝનમાં પીનટ બટરથી વધુ હેલ્ધી હોવાનું નોંધ્યું છે. એ ખાધા પછી લાંબો સમય સુધી પેટ ભરેલું લાગે છે. ભૂખ કન્ટ્રોલ કરવામાં જેમને તકલીફ પડતી હોય તેમને પીનટ્સથી ફાયદો થાય છે.
કેમ છે સિંગદાણા સ્વાસ્થ્યપ્રદ?
જો કોઈ મહિલાને સિંગદાણા સદતા હોય તો પ્રેગ્નન્સી દરમ્યાન એનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. કેમ કે એમાં બાયોટિન અને ફોલિક ઍસિડ સારીએવી માત્રામાં હોય છે જે ગર્ભધારણ દરમ્યાન શરીરને થતા ઘસારાને પહોંચી વળવા માટે બહુ કામનાં છે. તમે જોયું હોય તો મોટા ભાગની પ્રેગ્નન્ટ મહિલાઓને પ્રેગ્નન્સી દરમ્યાન ફોલેટની ગોળીઓ લેવાનું કહેવામાં આવે જ છે. સિંગદાણામાં નૅચરલ ફોલેટ મળે છે.
હાર્ટ માટે પણ છે હેલ્ધી ઃ નાયસિન, કૉપર, થાયમીન અને મૅગ્નેશિયમ જેવાં ખનીજ તત્ત્વો પણ સિંગદાણામાંથી ભરપૂર માત્રામાં મળી રહે છે. આ ખનીજ હૃદયની રક્તવાહિનીઓને સ્વસ્થ અને લવચિક રાખવાનું કામ કરે છે અને હાર્ટનું ફંક્શન જાળવવામાં મદદ કરે છે.
હાડકાં મજબૂત કરવામાં મદદરૂપ ઃ સિંગદાણા અને ગોળનો નાસ્તો એક્સરસાઇઝ કરતા લોકો માટે પર્ફેક્ટ છે. કસરત કરવાને કારણે હાડકાંને પહોંચેલો ઘસારો પૂરો કરે એટલું કૅલ્શિયમ અને ફૉસ્ફરસ એમાંથી મળી રહે છે. કસરત કરવાથી મસલ્સમાં જો ઇન્જરી કે સ્ટિફનેસ આવી હોય તો એ સિંગદાણામાંના મૅગ્નેશિયમથી રિલૅક્સ થાય છે. એમાં રહેલી ફૅટ શરીરના સાંધાઓને લુબ્રિકન્ટ પૂરું પાડે છે. જોકે એમાં ફૅટ સારીએવી હોય છે એટલે જ સિંગદાણા વધુ માત્રામાં ન ખવાય એનું ધ્યાન રાખવું જરૂરી છે.
કોણે સિંગદાણા ખાવાના જ નથી
વિશ્વમાં સૌથી કૉમન છે પીનટ્સની ઍલર્જી. દરેક વખતે ઍલર્જિક રીઍક્શન્સ જ દેખાય એ જરૂરી નથી. તમારું શરીર કેટલા સિંગદાણા પચાવી શકે છે એ સમજી-વિચારીને એનું સેવન કરવું. સિંગદાણાની ઍલર્જી ધરાવતા લોકો માટે મેઘના કહે છે, ‘સિંગમાં એવાં બે પ્રોટીન છે જેનાથી ઘણા લોકોને ઍલર્જી હોય છે. સ્વાભાવિક છે જેમને ઍલર્જી છે તેમણે તો ખાવાના જ નથી. ઉપરાંત જે લોકો કિડનીના પેશન્ટ છે તેમણે પણ સિંગદાણા નથી ખાવાના, કારણ કે સિંગદાણા પોટૅશિયમથી ભરપૂર હોય છે. પોટૅશિયમ કિડનીને વધારે નુકસાન પહોંચાડી શકે છે. બાકી તો બાળકથી લઈને વૃદ્ધો કોઈ પણ બંધ મુઠ્ઠીમાં આવે એટલા સિંગદાણા દિવસભરમાં ખાઈ શકે છે.’


