જો અત્યારે પાછા આવીશું તો અમને ડર છે કે લોકો અમને પતાવી નાખશે; અમે બિઝનેસમેન છીએ, ૫૦૦૦ કરોડનું ફુલેકું ફેરવનારા ફ્રૉડસ્ટર નહીં
કોર્ટમાં આ તસવીર રજૂ કરવામાં આવી હતી જેમાં લુથરા બ્રધર્સ ફુકેતમાં બિઝેનસ શરૂ કરવા માગતા હોય એવી હિન્ટ આપી રહ્યા હતા
છઠ્ઠી ડિસેમ્બરે ગોવાની બર્ચ બાય રોમિયો લેન નાઇટ-ક્લબમાં આગ લાગ્યા પછી તરત જ ફુકેત ભાગી ગયેલા સૌરભ લુથરા અને ગૌરવ લુથરાએ ચાર વીકના ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે દિલ્હીની રોહિણી કોર્ટમાં અરજી કરી હતી. તેમના સિનિયર ઍડ્વોકેટ તનવીર અહમદ મીરે કહ્યું હતું કે લુથરા બ્રધર્સને ડર છે કે અત્યારે તરત ભારત આવશે તો કોઈ તેમને પતાવી નાખશે. કોર્ટમાં એક ભાઈએ કહ્યું હતું, ‘મારા જીવનને સીધું જોખમ છે. ગોવામાં અમારી પર હુમલો થઈ શકે છે. મારી બીજી રેસ્ટોરાંઓને તોડી પાડવામાં આવી છે. અમે તપાસમાં પૂરો સાથ આપીશું. અમારા પર કેસ ચાલવો જોઈએ પણ સતામણી ન થવી જોઈએ.’
બ્રધર્સ ફરાર નથી થઈ ગયા, પરંતુ તપાસમાં પૂરો સહયોગ આપવા માગે છે એમ જણાવીને વકીલે તેમના વતી દલીલ કરી હતી કે ‘અમે બિઝનેસમેન છીએ, ૫૦૦૦ કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવીને ભાગી ગયેલા ફ્રૉડસ્ટર નહીં. દેશભરમાં અમારી ૪૦ રેસ્ટોરાં ચાલે છે. અમે ટૅક્સ ભરીએ છીએ અને કાનૂન મુજબ બિઝનેસ કરીને ૧૫૦૦ પરિવારોને કામ આપીએ છીએ.’
ADVERTISEMENT
ફુકેત જવાનું તેમની બિઝનેસ-ટ્રિપનો હિસ્સો હતો એવું સાબિત કરવા માટે તેમણે ફુકેતનો એક ફોટો પણ શૅર કર્યો હતો જેમાં તેઓ ફુકેતમાં બિઝનેસ શરૂ કરવા માગતા હોય એવો નિર્દેશ હતો.
વકીલે કહ્યું હતું કે ‘જે રાતે આગ લાગી ત્યારે જ તેમણે દેશ છોડ્યો એને આટલો મોટો ગુનો કેમ ગણવામાં આવે છે? જાણે તેઓ ક્લબમાં આગ લગાડીને ત્યાંથી ભાગી ગયા હોય એવું તો નથી. ઘટના સમયે તેઓ ૧૦૦૦ કિલોમીટર દૂર હતા.’
જોકે કોર્ટે લુથરા બ્રધર્સને આગોતરા જામીન આપવાનું નકારી દીધું હતું.


