પપૈયાની જેમ એનાં પાનમાં પણ ઘણા ઔષધીય ગુણો છે
પ્રતીકાત્મક તસવીર
આયુર્વેદમાં પપૈયાનાં પાનનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં વર્ષોથી થાય છે પણ એનું સેવન કઈ પરસ્થિતિમાં અને કેવી રીતે થાય છે એ પણ મહત્ત્વનું હોય છે. આજે પણ ઘરમાં કોઈને ડેન્ગી કે મલેરિયા થયો હોય તો ઘરગથ્થુ ઇલાજમાં પપૈયાનાં પાન તો જોવા મળશે જ. ડૉક્ટર્સ પણ દવાની સાથે આ પાન ખાવાની ભલામણ કરતા હોય છે. રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં પણ આ પાન બહુ જ ઉપયોગી સાબિત થાય છે. જોકે આ પાનનું સેવન કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે નહીં તો એના ફાયદા શરીરને મળશે નહીં.
સેવન કરવાની સાચી રીત
ADVERTISEMENT
પપૈયાનાં પાનના ગુણો શરીરને ઇન્સ્ટન્ટ અસર કરે એ માટે સર્વશ્રેષ્ઠ ઉપાય એ છે કે એનો તાજો રસ પી જવો અથવા એનો અર્ક ખાવો. આ બન્ને રીતે એનું સેવન કરવામાં આવે તો એ શરીર માટે બેસ્ટ માનવામાં આવે છે. શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ્સની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પપૈયાનાં પાનનું આ રીતે સેવન કરવામાં આવે તો એ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે, કારણ કે એમાં આલ્કલૉઇડ્સ અને ફ્લેવનૉઇડ્સ નામનાં તત્ત્વો હોય છે જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ડેન્ગીની બીમારીમાં પપૈયાનાં પાનનો જૂસ અને એનું ઉકાળેલું પાણી પીવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બીમારીમાં પ્લેટલેટ કાઉન્ટ્સ સૌથી ઓછા થઈ જાય છે ત્યારે શરીરમાં ફરીથી એ કાઉન્ટ્સને વધારીને બૅલૅન્સ કરવા બહુ જરૂરી હોય છે. તેથી દવાની સાથે ડોક્ટર્સ પપૈયાનાં પાનનું સેવન કરવાની ભલામણ કરે છે. પાચન સંબંધિત સમસ્યા હોય તો અર્કને બદલે પાનને પાણીમાં ઉકાળીને એનું પાણી વધુ ફાયદા આપે છે. જોકે પાન ગરમ કરવાથી ની અસરકારકતા ઓછી થઈ જાય છે.
શું સાવધાની રાખવી?
આયુર્વેદમાં પપૈયાનાં પાનને સ્વાસ્થ્ય માટે લાભકારી તો ગણાવ્યાં છે, પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ, ગંભીર બીમારીની દવાઓ ખાતા લોકો તથા કોઈને પપૈયાથી ઍલર્જી હોય તેવા લોકોએ આ પાનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવા લોકોને પપૈયાનાં પાનનું સેવન કરતાં પહેલાં એનાથી થતી આડઅસરને ટાળવા માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. એનું વધુપડતું સેવન પણ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. પપૈયાનાં પાનનો જૂસ બનાવતી વખતે પણ અમુક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જૂસ બનાવવા માટે પપૈયાનાં ફ્રેશ પાન લેવાનો આગ્રહ રાખવો. એને ધોઈને કાતરથી નાના ટુકડા કરી લો અને એમાં થોડું પાણી નાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો એટલે જૂસ તૈયાર થઈ જશે, પછી એમાં સ્વાદ વધારવા થોડું મીઠું અને સાકર નાખો. પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો થોડું ચૂરણ પણ મિક્સ કરી શકાય. આ જૂસ સવારે નાસ્તો કર્યા બાદ પીવામાં આવે તો ફાયદાકારક છે. રાત્રે એનું સેવન ટાળવું જોઈએ અને એનાં બેથી વધારે પાનનું સેવન ન કરવું જોઈએ. રોજ આ પાનનો જૂસ પીવા કરતાં દર બે દિવસે એક વાર એ પીવાથી પણ ફાયદો મળે છે.
અનેક બીમારીઓની અકસીર દવા
ડેન્ગીની બીમારીમાં સૌથી વધુ ફાયદો આપતાં પપૈયાનાં પાનના અઢળક ફાયદાઓ છે અને ઘણી બીમારીઓમાં એ અકસીર દવાનું કામ કરે છે. એમાં રહેલાં એન્ઝાઇમ્સ અને પેપિન પાચનની સમસ્યાઓને તો દૂર કરે જ છે પણ સાથે વાળને ખરતા પણ અટકાવે છે. એમાં વિટામિન A, C અને Bનું પ્રમાણ પણ વધારે હોવાથી એ ડેન્ગીની બીમારીથી રક્ષણ આપે છે અને આ સાથે વાઇટ બ્લડ સેલ્સનું પ્રોડક્શન વધારવા તથા ઇન્ફેક્શન થતું અટકાવવામાં મદદરૂપ બને છે. ઘણી યુવતીઓને માસિક દરમિયાન રહેતા દુખાવામાં પણ પપૈયાનાં પાન ફાયદાકારક સાબિત થાય છે. આ સમયે એક ગ્લાસ પાણીમાં પપૈયાનાં બે પાન, આમલી અને મીઠું નાખીને એને ઉકાળી લો. ઠંડું થયા બાદ એનું સેવન કરવાથી પિરિયડ્સના પેઇનમાં રાહત મળશે. પપૈયાનાં પાનમાં કૅન્સર વિરોધી ગુણધર્મો હોવાથી એ શરીરમાં કૅન્સરના સેલ્સને વધવા દેતું નથી. સર્વાઇકલ અને સ્તન- કૅન્સરની બીમારીમાં પપૈયાનાં પાન અસરકારક સાબિત થાય છે.


