નીઓનેટલ ડાયાબિટીઝના બે પ્રકાર છે. એક પર્મનન્ટ અને બીજું ટ્રાન્ઝિયન્ટ. પર્મનન્ટ નીઓનેટલ ડાયાબિટીઝમાં નવજાત બાળકને એક વખત ડાયાબિટીઝ ડીટેક્ટ થયો પછી જીવનભર તેને આ રોગ સામે લડવું પડે છે
પ્રતીકાત્મક તસવીર
નવજાત શિશુ જન્મ પછીના ૨-૪ દિવસમાં એકદમ બીમાર પડી જાય. આખું ભૂરું થઈ જાય અને ખબર પડે કે તેની શુગર ૫૯૨ જેટલી આવે તો શું થાય? એના પરિવાર પર તો આભ જ તૂટી પડે. આપણા દેશમાં લોકોને હજી એટલી ખબર છે કે બાળકોને પણ ડાયાબિટીઝ થઈ શકે છે પરંતુ બાળકને જન્મજાત ડાયાબિટીઝ હોઈ શકે છે એ વાત સામાન્ય માણસને તો શું ઘણા ડૉક્ટર્સને પણ ખબર નથી હોતી. અને જો ખબર હોય તો એનું નિદાન અને એનો ઇલાજ શું હોય શકે એની પણ જાણ નથી હોતી. દુનિયામાં ૧ લાખથી ૫ લાખ બાળકોમાં ફક્ત ૧ બાળકને નીઓનેટલ ડાયાબિટીઝ હોય છે. આમ એનો વ્યાપ ઘણો ઓછો છે અને એને કારણે જ તેના વિષે જાગૃતિ ઘણી ઓછી છે. જન્મ પછીના ૬ મહિનાની અંદર થતા ડાયાબિટીઝને નીઓનેટલ ડાયાબિટીઝ કહે છે. આ રોગ પાછળ ફક્ત ને ફક્ત જિનેટિક કારણો અસરકર્તા છે. કોઈ પણ પ્રકારનાં એન્વાયર્ન;મેન્ટલ કારણોને આ રોગ સાથે લેવાદેવા નથી. માતા-પિતાને કે માતા-પિતાના પરિવારમાં કોઈ સદસ્યને ડાયાબિટીઝ હોય તો બાળકને એ જિનેટિકલ વારસાને કારણે નીઓનેટલ ડાયાબિટીઝ થઈ શકે છે.
નીઓનેટલ ડાયાબિટીઝના બે પ્રકાર છે. એક પર્મનન્ટ અને બીજું ટ્રાન્ઝિયન્ટ. પર્મનન્ટ નીઓનેટલ ડાયાબિટીઝમાં નવજાત બાળકને એક વખત ડાયાબિટીઝ ડીટેક્ટ થયો પછી જીવનભર તેને આ રોગ સામે લડવું પડે છે. સતત જન્મથી લઈને પૂરી જિંદગી ઇન્સ્યુલિન પર વિતાવવી પડે છે. જ્યારે ટ્રાન્ઝિયન્ટ કુદરતના કરિશ્મા જેવું છે. નીઓનેટલ ડાયાબિટીઝ ધરાવતાં અડધોઅડધ બાળકોને ટ્રાન્ઝિયન્ટ ડાયાબિટીઝ હોવાની શક્યતા રહેલી હોય છે. જો બાળકને ટ્રાન્ઝિયન્ટ પ્રકારનો ડાયાબિટીઝ છે તો તેના જન્મ બાદના ૬થી લઈને ૧૫ મહિના સુધીમાં તેના શરીરમાંથી ડાયાબિટીઝ સંપૂર્ણપણે જતો રહેશે અને તે એક નૉર્મલ બાળક બની જશે. જોકે ટ્રાન્ઝિયન્ટ નીઓનેટલ ડાયાબિટીઝના ૫૦ ટકા કેસમાં આ ડાયાબિટીઝ બાળકના પ્યુબર્ટી પિરિયડમાં એટલે કે ૧૫-૧૭ વર્ષે પાછું આવવાની શક્યતા છે. પરંતુ બીજા ૫૦ ટકા કેસમાં એક વખત ડાયાબિટીઝ ગયો તો એ પાછો આવતો નથી.આમ બાળકને ડાયાબિટીઝથી સંપૂર્ણપણે છુટકારો મળી જતો હોય છે.
ADVERTISEMENT
બાળકનો નીઓનેટલ ડાયાબિટીઝ ટ્રાન્ઝિયન્ટ છે કે પર્મનન્ટ એ જાણવા માટે એક ચોક્કસ પ્રકારનું જિનેટિક ટેસ્ટિંગ ખૂબ જરૂરી છે. જો ટેસ્ટ દ્વારા જાણવા મળે કે તેને ટ્રાન્ઝિયન્ટ પ્રકારનું ડાયાબિટીઝ છે તો એની દવામાં ફેરફાર કરી શકાય. આવા બાળકને ઇન્સ્યુલિનની જગ્યાએ ઓરલ મેડિસિન આપીને પણ કામ ચલાવી શકાય છે. જે એક બાળક માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. પણ આ સ્ટેપ ત્યારે જ લઈ શકાય જ્યારે આપણી પાસે જિનેટિક ટેસ્ટનું રિઝલ્ટ હોય.


