ફ્લૅટ ફીટનો એક જ ઇલાજ છે - ઇન્સોલ. પગમાં પહેરાતાં શૂઝમાં એક ઇન્સોલ દાખલ કરી દેવો જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારો દીકરો અત્યારે ૧૦ વર્ષનો છે. તે બાસ્કેટબૉલ રમે છે. હાઇટ પણ તેની ઉંમર પ્રમાણે ઘણી સારી છે. જોકે આજકાલ તે પગ દુખવાની સતત ફરિયાદ કર્યા કરે છે. તેના પગનાં તળિયાં ફ્લૅટ છે. પહેલાં મને એમ હતું કે થોડો મોટો થશે એટલે ધીમે-ધીમે પગનાં તળિયાંના વળાંક ઠીક થઈ જશે, પરંતુ એવું થયું નથી. મારો પ્રશ્ન એ છે કે તેનાં સપાટ તળિયાંને કારણે તેને પગમાં દુખાવો થાય છે?
તમારા દીકરાને જે દુખાવો થઈ રહ્યો છે એ સપાટ તળિયાંને લીધે નથી. સપાટ તળિયાંને લીધે જે તકલીફ થાય એ ફક્ત ને ફક્ત ઘૂંટણમાં આવે છે. એનાથી પગ ન દુખે. એ પણ ૧૦ વર્ષની ઉંમરે તો ન જ દુખે. બને કે એ તેનું ગ્રોઇંગ પેઇન હોય. બાળકો મોટાં થાય ત્યારે તેમનો જે વિકાસ થાય છે એને કારણે સ્નાયુઓ દુખતા હોય છે. ઘૂંટણની તકલીફ ભવિષ્યમાં આવી શકે. હમણાં તો એ પણ નહીં આવે. ઘણા લોકો સપાટ તળિયા સાથે આખું જીવન વ્યતીત કરે છે અને તેમને કોઈ તકલીફ આવતી જ નથી. ઘણા લોકોને આવે છે. જોકે એ હકીકત છે કે એનો ઇલાજ નાનપણથી કરીએ તો ઘણું સારું પડે.
ADVERTISEMENT
નાનપણમાં બાળકનો પગ અને એના સ્નાયુઓનો હજી વિકાસ થઈ રહ્યો હોય છે, પણ ૧૦ વર્ષની ઉંમરે કોઈ પણ બાળકનાં તળિયાં સપાટ છે કે નહીં એ તો ચકાસીને કહી જ શકાય. જ્યારે ખબર પડે કે આ બાળકનાં તળિયાં સપાટ છે ત્યારે એને ઠીક કરવાના પ્રયત્નો એ જ ઉંમરથી ચાલુ કરી દેવા જરૂરી છે. ફ્લૅટ ફીટનો એક જ ઇલાજ છે - ઇન્સોલ. પગમાં પહેરાતાં શૂઝમાં એક ઇન્સોલ દાખલ કરી દેવો જરૂરી છે. શરૂઆતમાં એ આદત ન હોય એટલે વિચિત્ર લાગે, પરંતુ ધીમે-ધીમે આદત પડી જાય. નાનપણમાં ફ્લૅટ ફીટને લીધે તેનું પૉસ્ચર બગડે કે તેના સ્નાયુઓ નબળા રહી જાય નહીં એ માટે તેને ઇન્સોલ્સની મદદ જરૂરી રહે છે. જો ઇન્સોલ્સ પહેરે તો નાનપણમાં જ નહીં, મોટા થઈને પણ ફ્લૅટ ફીટને લઈને થતી સમસ્યાઓમાં ઘટાડો જોવા મળે છે. બાળકોમાં આ ઇન્સોલ્સ તેમના પગનું માપ બદલાય એ રીતે બદલવા પણ જરૂરી છે. દર વર્ષે તેમને ફૉલો-અપ માટે નિષ્ણાત પાસે લઈ જઈને પગની હાલત કેવી છે એ રેગ્યુલર ચેક કરાવવું જોઈએ. બાળકોમાં જ્યારે આટલી તકેદારી રાખવામાં આવે ત્યારે જીવનભર તેમને કોઈ ખાસ તકલીફ ફ્લૅટ ફીટને કારણે જોવા મળતી નથી.


